વાંચો આખું પ્રકરણ - ૮ અહીં
ઇલસ્ટ્રેશન
મેજર રણજિત માટે આ બધું નવું અને અઘરું હતું.
ડૉ. આદિત્ય કશ્યપના ક્લિનિકમાં છેલ્લાં ૪ વર્ષમાં આવાં દૃશ્યો અનેક વાર ભજવાઈ ચૂક્યાં છે. સામેની ખુરસી પર બેસનારાઓ બદલાતા હોય છે, સમસ્યાઓ બદલાતી હોય છે પણ કેન્દ્રસ્થાને એકસરખી મૂંઝવણ - હતાશાનું અંધારું.
ADVERTISEMENT
બોલતી વખતે મેજર રણજિત શબ્દો ગોઠવી રહ્યા હતા. તેમની જીભને જાણે કે થાક લાગી રહ્યો હતો. તેમણે ખાસ ધ્યાન રાખ્યું હતું કે બોલતી વખતે ડૉ. આદિત્ય કશ્યપના ચહેરા સામે ન જોવું પડે. ડૉ. આદિત્ય એકચિત્તે મેજર રણજિતને સાંભળી રહ્યા હતા, તેમની બૉડીલૅન્ગ્વેજ ઑબ્ઝર્વ કરી રહ્યા હતા. રણજિતના અવાજમાં રહેલી ધ્રુજારી, પાણીનો ગ્લાસ હાથમાં પકડે ત્યારે કંપન અને ગભરાયેલી આંખ ડૉ. આદિત્ય જોઈ રહ્યા હતા. અટકી-અટકીને પણ મેજર ઘણું બોલી ચૂક્યા હતા અને પછી સાવ ચૂપ થઈ ગયા. જાણે ખૂબ થાક લાગ્યો હતો. ડૉ. આદિત્ય કશ્યપ હવામાં ક્યાંક શૂન્યમાં તાકીને વિચારી રહ્યા હતા. તેમની ભૂખરી સુંદર આંખોમાં સામેવાળાની હિંમતને ધક્કો આપવાની પ્રેરણા હતી. બધી આંગળીઓના ટચાકા ફોડીને ડૉ. આદિત્ય ઊભા થયા. તે આખા ઓરડામાં આંટા મારવા લાગ્યા. તેમની ચાલ ટટ્ટાર હતી.
‘તો મેજર, તમારી વાતોના આધારે હું તમારી દીકરી અનિકાના મનને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું.’
‘ડૉક્ટર, અનિકા નહીં કનિકા. મારી નહીં, મારા મિત્રની દીકરી.’
મેજર રણજિતના શરીરે પરસેવો થવા લાગ્યો.
‘ઓહ, આઇ ઍમ સો સૉરી મેજર. સી, ઈવન માય સ્લિપ ઑફ ટંગ. તમારી વાતોમાં ખોવાઈ ગયો એમાં અનિકા-કનિકા મિક્સ. તો આ કેસમાં મા ડાન્સર અને તેના બાબા પોલીસમૅન. દીકરી ૭ વર્ષની હતી ત્યારે પેરન્ટ્સના ડિવૉર્સ થયા. તે મોટી થઈ બોર્ડિંગ સ્કૂલમાં અને પેરન્ટ્સ સાથે કોઈ પ્રકારે ડાયલૉગ્સના સંબંધો નહોતા. ઇન ફૅક્ટ, કદાચ તે જ નહોતી ઇચ્છતી કે આ પેરન્ટ્સ હવે તેની સાથે કોઈ સંબંધ રાખે. અત્યારે તે મુંબઈમાં રહે છે અને માર્કેટિંગ ફર્મમાં જૉબ કરે છે. હંમમમ...’
મેજર રણજિતે નજર નીચે જમીન પર રાખીને હકારમાં માથું ધુણાવ્યું.
‘ઍનીવે, તો હવે તમારા મિત્રની દીકરી કનિકાએ તેના બાબાને અહીં મુંબઈમાં પોતાના ઘરે બોલાવ્યા છે, બરાબરને?’
‘ના, બોલાવ્યા નથી. તેના બાબા સામેથી આવ્યા છે.’
‘કેમ? આટલાં વર્ષે છેક હવે જ કેમ મેજર?’
ડૉ. આદિત્ય કશ્યપે આ સવાલ મેજર રણજિતની એકદમ નજીક જઈ તેની આંખોમાં આંખ નાખીને પૂછ્યો હતો. જાણે ડૉક્ટર નહીં, અનિકા જ આ સવાલ પૂછી રહી હોય એમ રણજિતના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું.
‘કેમ કે મારે મારી દીકરીને સમજવી છે, તેની તકલીફને જાણવી છે. જો તે ભૂલ કરતી હોય તો બચાવવી છે. આજ સુધી ન કરી શક્યો એ બધું...’ રણજિતનું ગળું ભરાઈ આવ્યું. તે આગળ બોલી ન શક્યા.
ડૉ. આદિત્યએ પોતાનો હૂંફાળો હાથ મેજર રણજિતના ખભે મૂક્યો અને રણજિતને ખૂબ સારું લાગ્યું. ડૉ. આદિત્યના સ્પર્શમાં પણ ન સમજી શકાય એવી પણ તરત પોતીકા બનાવી દે એવું સાંત્વન હતું.
‘હું સમજું છું કે તમે જે અત્યારે બોલ્યા એ તમારો મિત્ર કહી રહ્યો છે. બરાબરને મેજર? વેલ, એ સિવાય બીજું કોઈ ફૅક્ટર ખરું કે હવે તે પોતાની દીકરી પાસે રહેવા આવ્યા છે તો.’
‘તેની પત્ની પેઇન્ટર...’
‘ડાન્સર નહીં? તમે તો કહેલું કે કનિકાની મા ડાન્સર છે!’
‘ઓહ હા, સૉરી ડૉક્ટર. માય મિસ્ટેક. ડાન્સર છે. આર્ટિસ્ટ. તો મારા તે મિત્રની પત્નીએ તેના પતિને કહ્યું કે મુંબઈ જા અને દીકરીને સમજાવ, તેને યોગ્ય રસ્તા પર લાવ, તેની ટ્રીટમેન્ટ કરાવ.’
રણજિતને લાગ્યું કે ડૉ. આદિત્ય કશ્યપ ક્લિનિકની બારી ખોલી નાખે તો સારું. આખા ઓરડામાં ન ઉકેલી શકાય એવો ઉકળાટ હતો.
‘હંમમમમ, વૅલિડ પૉઇન્ટ છે. અહીં મુંબઈ આવવા માટે કનિકાના બાબા પાસે રીઝન તો ઘણાં છે. તો ક્યાં સુધી રોકાશે તેના બાબા?’
રણજિતે મનોમન વિચાર કરીને જવાબ આપ્યો, ‘જ્યારે તેને ખાતરી થાય કે દીકરી સુરક્ષિત છે, સુખી છે, ચિંતા જેવું કંઈ નથી ત્યાં સુધી.’
‘ઓહ, યુ મીન આજીવન તે અહીં તેની દીકરી સાથે મુંબઈમાં જ રહેશે.’
‘ડૉક્ટર, તમારી વાતનો મતલબ ન સમજ્યો!’
‘સિમ્પલ મતલબ છે મેજર. જગતનાં કોઈ માબાપને પોતાનાં સંતાનો હવે સુખી અને સુરક્ષિત છે કે હવે ચિંતા કરવા જેવું નથી એવી ખાતરી કે ભરોસો જીવનમાં ક્યારેય નથી હોતો. દરેક માબાપને લાગે છે કે તેનાં સંતાનો દુનિયાની સામે ભોળાં પડે છે, પ્રૅક્ટિકલ નથી, પૈસા અને સંબંધોની કદર સમજતાં નથી.’
મેજર રણજિતના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘પેરન્ટિંગ વિશે તમે તો ઘણું જાણો છો ડૉ. આદિત્ય કશ્યપ!’
‘હા, કેમ કે મારે પણ ઘરે માબાપ છે. એક ઉંમર પછી સંતાનો સંતાન મટીને પેરન્ટ્સ બની જતાં હોય અને માબાપ બની જાય એકદમ તેનાં સંતાનો. રોલ રિવર્સ થઈ જાય છે.’
‘અને ડૉક્ટર તમારી પાસે તો મારા જેવા ઘણા આવતા હશેને.’
‘હા, પણ આજ સુધી તમે નહોતા આવ્યા મેજર.’
ઓરડામાં થોડી વાર ચુપકીદી રહી.
‘તમે કૉફી પીશો મેજર?’ અને પછી મેજરની ઇચ્છા જાણ્યા વિના સાધિકાર ડૉ. આદિત્ય કશ્યપ બન્ને લોકો માટે કૉફી બનાવવા લાગ્યા. તેમનાં મજબૂત બાવડાં કૉફીના બીન્સને પ્લેટમાં ક્રશ કરી રહ્યાં હતાં, તેમનાં કાંડાની નસો ફૂલતી હતી. ઓરડામાં કૉફી બીન્સની સુગંધ છલકાઈ.
‘ડૉક્ટર, મારી પત્ની કહેતી હતી કે આ લેસ્બિયન અને એ બધું ધર્મની વિરુદ્ધ છે. માણસે બીજું તો કંઈ નહીં પણ ભગવાનનો ડર રાખવો જરૂરી છે.’
‘મેજર, તમારી પત્ની? આપણા કન્વર્સેશનમાં પહેલી વાર તમે તેનો ઉલ્લેખ કર્યો. શું કરે છે તે?’
‘અ... તેનું નામ કલ્યાણી છે, પેઇન્ટર છે.’
‘હંમમમમમ, તે પણ આર્ટિસ્ટ. તો તે ભગવાનમાં માને છે, બરાબર છે. તમે આસ્તિક છો મેજર?’
‘ડૉક્ટર, સાચું કહું તો આટલાં વર્ષેય મને નથી ખબર પડી કે હું આસ્તિક છું કે નાસ્તિક. મને બસ એટલી ખબર છે કે કોઈ પણ ધર્મમાં લેસ્બિયન હોવાને કદાચ ગુનો કે પાપ જ ગણવામાં આવે છે.’
મેજર રણજિત બોલતા હતા ત્યાં સુધીમાં ડૉ. આદિત્યે કૉફી મશીનમાં બન્ને લોકો માટે કૉફી બનાવી. એક કપ રણજિત સામે મૂક્યો અને પોતાની લાઇબ્રેરીમાંથી એક બુક કાઢી.
‘મેજર, તમને વાંચનનો શોખ ખરો?’
‘બહુ નહીં, પણ વર્ષો પહેલાં જાસૂસી કથાઓ વાંચતો, એ પણ ક્યારેક-ક્યારેક.’
‘હવે પ્રયત્ન કરો, કંઈ એવું વાંચવાનો જેમાંથી તમને વર્તમાન સમસ્યાના જવાબ મળે. આ બુક જુઓ. હિન્દીમાં છે, ‘ધર્મ ઔર સમલૈંગિકતા’. અહીં મુંબઈનો જ એક યુવાન છે અંકિત ભૂપતાણી. તે LGBTQIA+ કમ્યુનિટી માટે ઍક્ટિવ છે. સમલૈંગિક અધિકારો માટે ઍક્ટિવિસ્ટ તરીકે કામ કરે છે.’
‘ડૉક્ટર, આ LGBTQ એટલે શું?’ કૉફીની એક સિપ લઈને મેજર રણજિતે પાયાનો પ્રશ્ન કર્યો.
‘ગુડ, તમને પ્રશ્ન થયો એ મને ગમ્યું મેજર. તમે હમણાં ધર્મની વાત કરી. યુ નો વૉટ? આપણા ધર્મની બ્યુટી શેમાં છે? આપણા ધર્મગ્રંથો અને પરંપરાઓ પ્રશ્નો અને જવાબમાંથી જન્મ્યાં છે. વિદ્વાનો એ અવસ્થાને ઉત્તમ ગણે છે જ્યારે માણસના મનમાં પ્રશ્નો ઊભા થતા હોય. નૉલેજ માટે ક્યુરિયોસિટીનું હોવું જરૂરી છે. ભગવદ્ગીતા પણ અર્જુનના પ્રશ્નો અને કૃષ્ણના જવાબ છે. ઍનીવે, હવે તમારા સવાલ પાસે આવું છું.’
આટલું કહીને ડૉ. આદિત્ય કશ્યપે ગોલ્ડન ફ્રેમનાં સુંદર ઍન્ટિ-ગ્લેર ચશ્માં પહેર્યાં અને કમ્પ્યુટરની સ્ક્રીન પર જેન્ડર ચાર્ટ કાઢીને મેજર રણજિતને સમજાવવા લાગ્યા.
‘મેજર, શરૂ-શરૂમાં તો દુનિયાને માત્ર LGBT આ ચાર નામની જ ખબર હતી. સમય જતાં આખા મુદ્દા પર રિસર્ચ થયું અને દુનિયાની સામે આવ્યું LGBTQIA+. તમને આ બધી કૅટેગરી વિશે વિગતે સમજાવું છું. LGBTQIA+ એ કમ્યુનિટી છે. એમાં L એટલે લેસ્બિયન જે તમારા મિત્રની દીકરી છે. એવી વ્યક્તિ શારીરિક રીતે સ્ત્રી તરીકે જ જન્મે છે, પોતાની જાતને મોટા થયા પછી સ્ત્રી જ સમજે છે પણ તેને આકર્ષણ બીજી સ્ત્રીઓ પ્રત્યે હોય છે. લેસ્બિયન સ્ત્રીઓને પુરુષો માટે કોઈ આકર્ષણ હોતું નથી. G મતલબ ગે. એમાં જન્મ પુરુષ તરીકે થાય છે, પોતાની જાતને પણ પુરુષ જ ગણે છે પરંતુ તેમને આકર્ષણ માત્ર ને માત્ર બીજા પુરુષનું હોય છે. મેજર, અહીં એક વસ્તુ સમજવા જેવી છે કે આકર્ષણ માત્ર શારીરિક નથી હોતું, માનસિક આકર્ષણ પણ કેન્દ્રસ્થાને હોય છે. B મતલબ બાયસેક્સ્યુઅલ, જેમાં પુરુષ અને સ્ત્રી બન્ને લિંગ પ્રત્યે આકર્ષણ ધરાવે છે. T મતલબ ટ્રાન્સ, જેમાં જન્મ સમયે જે લિંગ હોય એના આધારે નરમાદા ઓળખ થઈ હોય. જોકે મોટા થયા પછી તે વ્યક્તિને આંતરિક રીતે અનુભવાય કે હું પુરુષના શરીરમાં અટવાયેલી સ્ત્રી છું, લક્ષણો પણ સ્ત્રીનાં હોય તો-તો તે ટ્રાન્સવુમન; જો તેને લાગે કે હું સ્ત્રીના શરીરમાં અટવાયેલો પુરુષ છું અને લક્ષણો પણ પુરુષનાં હોય તો તે ટ્રાન્સમૅન તરીકે ઓળખાય છે. મેડિકલ સર્જરીનો સહારો લઈને આ લોકો પોતાનું લિંગ બદલે છે. અહીં Qનો મતલબ ક્વિઅર થાય છે. ક્વિઅર એક અમ્બ્રેલા ટર્મ છે. જે લોકો સ્ટ્રેઇટ નથી એ બધા લોકો ક્વિઅર તરીકે ઓળખાય છે. અહીં Iનો અર્થ થાય છે ઇન્ટરસેક્સ. આ એવા લોકો છે જેમના જન્મ સાથે જ શારીરિક અવસ્થા જોઈને ખબર નથી પડતી કે તેઓ સ્ત્રી છે કે પુરુષ. વધતી ઉંમર સાથે તેમની ઓળખ છતી થાય છે. અહીં Aનો અર્થ અસેક્સ્યુઅલ થાય છે. એવા લોકો જેમને નર કે માદા બન્નેમાંથી કોઈના શરીર સાથે યૌનસંબંધનું આકર્ષણ નથી થતું, સેક્સની ઇચ્છા જ નથી થતી....’
‘ડૉક્ટર, પ્લીઝ સ્ટૉપ ઇટ... પ્લીઝ...!’
મેજર રણજિતે બે હાથે પોતાનું માથું પકડી લીધું અને જોશથી આંખો મીંચી દીધી.
ડૉ. આદિત્ય કશ્યપે ચશ્માં ઉતાર્યાં, કમ્પ્યુટર સ્ક્રીન બંધ કરી અને જોયું તો મેજર રણજિત રડી રહ્યા હતા. ડૉ. આદિત્ય પોતાની ચૅર પરથી ઊભા થયા. તેમણે ગ્લાસમાં પાણી ભરીને રણજિતને પાણી આપ્યું અને સાંત્વન આપતા હોય એ રીતે રણજિતની પીઠ પર હાથ ફેરવવા લાગ્યા. એ સ્પર્શમાં એક પોતીકાપણું હતું. ડૉ. આદિત્ય સ્નેહપૂર્વક બોલ્યા, ‘મેજર, મને લાગે છે કે મેં થોડી ઉતાવળ કરી. એકસાથે આ બધું પચાવવું અને સમજવું તમારા માટે પણ અઘરું છે.’
‘ડૉક્ટર, મને ખબર નથી પડતી કે આ બધું શું છે?’
‘એટલે?’
‘એટલે એ આ લેસ્બિયન અને એ બધું. સીધીસાદી નૉર્મલ જિંદગી લોકો કેમ નહીં જીવી શકતા હોય? આ હું અને તમે આપણે નૉર્મલ જીવીએ જ છીએને.’
‘નૉર્મલ હોવું એટલે શું મેજર? ઇટ્સ ઑલ અબાઉટ પર્સેપ્શન. લેસ્બિયન લોકોની નજરમાં આપણે લોકો પણ ઍબ્નૉર્મલ જ છીએ કે આપણે તેમના જેવા નથી. નૉર્મલ હોવું એમાં પણ સૌની પોતપોતાની સમજ છે. જગતમાં આપણને સમજાય નહીં એ બધું ઍબ્નૉર્મલ એ વાત વધુ પડતી છે.’
‘ડૉક્ટર, મેં ઑનલાઇન કોઈ એક સાઇટ પર વાંચેલું કે આ બધો પશ્ચિમથી આવેલો ટ્રેન્ડ છે. ફૅશન જેવું જ ગણી લો. આપણા દેશમાં, આપણી સંસ્કૃતિમાં આ બધું ક્યારેય નહોતું.’
ડૉ. આદિત્યએ સસ્મિત માથું ધુણાવ્યું અને પુસ્તક મેજર રણજિતના હાથમાં પકડાવીને કહ્યું, ‘બસ, એનો જ જવાબ આ પુસ્તક છે. આપણે ધર્મ અને ભગવાનની વાત કરતા હતા. હું તમને મુંબઈના પેલા યુવાન અંકિત ભૂપતાણી વિશે વાત કરતો હતો. તે છોકરાએ જાણીતા લેખક અને ધર્મઅભ્યાસુ દેવદત્ત પટ્ટનાયક સાથે સંવાદ કર્યો એ સંવાદ આ પુસ્તકમાં છે. અંકિતના આ સવાલો જાણે આપણા બધાના સવાલો છે, દેવદત્તના જવાબો જાણે આપણે બધા જેની રાહે હતા અને સાંભળવા ઇચ્છતા હતા એવા અભ્યાસુ જવાબો. ભારતના જુદા-જુદા ધર્મમાં સેક્સ્યુઅલિટીના સંદર્ભો વિશે સરસ વાતો છે. ‘ધર્મ ઔર સમલૈંગિકતા’ હિન્દી અને અંગ્રેજી બન્ને ભાષામાં ઉપલબ્ધ છે. તમે આ હિન્દી વર્ઝન વાંચો, તમને ઘણી મદદ મળશે.’
‘ડૉક્ટર, આ એક બીમારી છેને?’
ડૉ. આદિત્યએ ઊંડો શ્વાસ લીધો અને બારી પાસે જઈને ઊભા રહ્યા. બારીને સહેજ ધક્કો માર્યો કે પ્રકાશ ડૉક્ટર આદિત્યના ચહેરા પર રેલાયો. આછી દાઢીવાળો એ ઘઉંવર્ણો ચહેરો વધારે રૂપાળો બન્યો. ઇન્ડોર પ્લાન્ટ્સની ડાળીઓ પર પાંગરેલાં ફૂલોને પંપાળીને તે બોલ્યા, ‘તમને એક બીજી બુક આપું છું. ‘સેમ સેક્સ લવ ઇન ઇન્ડિયા’. રૂથ વનિતા અને સલીમ કિડવાઈનું આ પુસ્તક તમને ગમશે. એક ફિલ્મ પણ તમારે જોવાની છે. યુટ્યુબ પર છે - ‘Prayers for Bobby’. આ ફિલ્મ જોઈને તમારે મને એની વાર્તા કહેવાની છે.’
‘ડૉક્ટર, આ બધું મારે શું કામ કરવાનું?’
‘તમે એવું માનો છો કે લેસ્બિયન હોવું એ એક બીમારી છે, રાઇટ મેજર?’
‘હા, એક કોઈ ધર્મગુરુ અને રાજનેતાને બોલતા સાંભળેલા યુટ્યુબ પર.’
‘તો કોઈ પણ બીમારીનો ઇલાજ કરતાં પહેલાં એ બીમારીને સમજવી પડેને? તો ચાલો, સૌથી પહેલાં તો આપણે બન્ને સાથે મળીને આ બીમારીને સમજીએ.’
ડૉ. આદિત્ય કશ્યપે ધારી-ધારીને મેજર રણજિતની આંખોમાં જોયું. એ કોરી આંખો ફરી ભીની થઈ. મેજર ખુરસી પરથી ઊભા થયા અને જતાં પહેલાં ડૉ. આદિત્ય સામે સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો.
‘ફરી આવશોને મેજર?’
‘બીજે તો ક્યાં જઈશ ડૉક્ટર?’
મેજર રણજિતના જવાબમાં રહેલી લાચારી ડૉ. આદિત્યને ભીતરથી સ્પર્થી ગઈ.
‘સાચવીને જજો. મને તમારી રાહ રહેશે મેજર.’
મેજર રણજિતે મનોમન વિચાર્યું કે છેલ્લે કોણે તેને આવું કહેલું કે ‘મને તમારી રાહ રહેશે!’
અંદરથી જવાબ આવ્યો, ‘આજ સુધી તો કોઈએ નહીં!’
lll
સાંજ ઢળી ચૂકી હતી. અનિકાના ઘરમાં એક અજીબ ઉચાટ હતો. અનિકાએ આસમાની રંગની પ્લેન કૉટન સાડી પહેરી હતી. સિલ્વર જ્વેલરી અને ખુલ્લા વાળમાં મોગરાની વેણી નાખી હતી. તે જ્યારે ડાઇનિંગ ટેબલ પાસે બેસીને પોતાના હાથના અને પગના નખને ડાર્ક બ્લુ રંગની નેઇલપૉલિશ કરી રહી હતી ત્યારે તેમણે નોંધેલું કે બાબા ૩ વાર પાણી પીવા આવ્યા, બે વાર તેમણે છાપું હાથમાં લીધું અને પાછું મૂક્યું. બાબાને નવો કુર્તો પહેરવાનો કહ્યો હતો ત્યારે તે અનિકાને ટગર-ટગર ક્યાંય સુધી જોઈ રહ્યા હતા.
‘બાબા, રાજગરાની પૂરી કરું છું. બટાટાની સૂકી ભાજી અને ખીર. સંજનાને મારા હાથની ખીર બહુ ભાવે છે. તમને સૂકી ભાજી ફાવશે કે બીજું શાક બનાવું?’
અનિકાએ આ સવાલ પૂછ્યો ત્યારે મેજર રણજિત સોફા પરથી એવી રીતે ઊભા થઈ ગયેલા જાણે લાલ કીડીએ ચટકો ભર્યો હોય. અનિકાને બાબાના વર્તનમાં તે આજે કેટલા બધા અનકમ્ફર્ટેબલ છે એ દેખાતું હતું. ગ્રામોફોનની કૅસેટમાં લતાજી ગાઈ રહ્યાં હતાં...
ખામોશ હૈ ઝમાના, ચુપચાપ હૈં સિતારે
આરામ સે હૈ દુનિયા, બેકલ હૈ દિલ કે મારે
ઐસે મેં કોઈ આહટ, ઇસ તરહ આ રહી હૈ
જૈસે કિ ચલ રહા હો, મન મેં કોઈ હમારે...
યા દિલ ધડક રહા હૈ, ઇસ આસ કે સહારે
આએગા... આએગા... આએગા...
આએગા આનેવાલા...
આજે પહેલી વાર બાબાની હાજરીમાં સંજના ઘરે આવી રહી હતી. અનિકાએ આ દૃશ્યની કલ્પના ક્યારેય કરી નહોતી.
આમ તો એ કલ્પના કરવાની જરૂર જ આજ સુધી નહોતી લાગી.
lll
દુનિયાથી સંતાડીને વસાવેલા આ ઘરમાં અનિકા અને સંજના બે જણ એકબીજાનું જગત હતાં.
છેલ્લાં અઢી વર્ષથી તે સંજનાના સંપર્કમાં આવી છે. આ ઘરમાં છેલ્લા એક વર્ષથી તે નિયમિત આવતી. શુક્રવારે મોડી રાતે જગત જંપી જાય ત્યારે અંધારામાં એક ગમતી સોડમ બનીને સંજના અનિકાના ઘરમાં પ્રવેશતી. શનિ-રવિ બે દિવસ સંસાર ગૂંથાતો, જીવાતો અને મઘમઘતો. સોમવારે વહેલી સવારે જગત જાગે એ પહેલાં સંજના અનિકાના વિશ્વથી દૂર જતી રહેતી બાકીના દિવસ માટે અજવાળું કોડિયામાં પૂરીને.
અનિકાએ સંજનાને જગતથી સંતાડી હતી.
તેને આ સંબંધ નજરાઈ જવાનો ડર હતો.
મોડી રાતે વરંડામાં હીંચકા પર એકબીજાના ખભે માથું ટેકવીને આ બન્ને જણ લતાનાં ગીતોની એક-એક પંક્તિ ગણગણતાં અને જીવતાં ત્યારે માંડવા પર ઢળી પડતી મધુમાલતીનો રંગ અને સુગંધ વધારે ઘાટ્ટા થતાં. એકબીજાનો હાથ પકડી, આંગળીઓ અંકોડામાં ખોસી, વાળમાં ગૂંથેલી ટગરની વેણીઓ બંધ આંખે સૂંઘ્યા કરતાં ક્યાંય સુધી. હીંચકો ધીમે-ધીમે ઝૂલ્યા કરતો. ઠંડી પવનની લહેરખીમાં એકબીજાના શરીરની હૂંફ લઈને બેસેલા બે જીવ. બાજુમાં ધૂપદાનીમાં ચંદનની આછી સુગંધ સાથે ધુમાડો ઊભો થતો અને એ ધુમાડો જાણે પાલવ બનીને આખા જગતથી આ સંબંધ સંતાડવાનો હોય એમ ધૂમ્રસેરોનું આવરણ રચી દેતો. ફૂલો ખરતા, ડાળીઓ ડોલતી, વેણીઓ ભીંસાતી, ખુલ્લા વાળ એકબીજામાં ભળતા, હીંચકો ઝૂલ્યા કરતો, શ્વાસોશ્વાસ તીવ્ર થતા, પગમાં પહેરેલાં ચાંદીનાં ઝાંઝર રણઝણતાં, કાંડામાં પહેરેલી કાચની બંગડીઓ ભીંસમાં ફૂટતી, છાતીની ધમણ શાંત થતી, એકબીજાના પરસેવાનાં ટીપાંઓ એકબીજાના પાલવમાં ભીંજાતાં, હોઠ ધ્રૂજતા અને ચંપાની ભીની કળીઓ ધરતી પર ખર્યા કરતી. ઊઘડતી
સવારે લતાજીનો અવાજ પક્ષીના ટહુકા સાથે કહેતો...
હમકો મિલી હૈં આજ યે ઘડિયાં નસીબ સે
જી ભર કે દેખ લીજિએ હમ કો કરીબ સે
ફિર આપકે નસીબ મેં યે બાત હો ન હો
શાયદ ફિર ઇસ જનમ મેં મુલાકાત હો ન હો
લગ જા ગલે...
lll
મેજર રણજિત વરંડામાં આંટા મારતા હતા ત્યાં અનિકા આવી, ‘બાબા, ખીર માટે દૂધ ઓછું પડ્યું છે. અહીં થોડે દૂર શૉપ છે, લઈ આવોને. ત્યાં સુધીમાં હું ગરમ-ગરમ પૂરી ઉતારી લઉં.’
રણજિતે અનિકાના હાથમાંથી કાપડની થેલી લીધી.
‘બાબા, મારું ઍક્ટિવા લેતા જાઓ. ચાલીને જશો તો વાર લાગશે.’
મેજર રણજિતે ઍક્ટિવાનો ગુલાબી રંગ જોયો. થોડા અચકાયા અને ઍક્ટિવા તરફ જોઈને વિચારવા લાગ્યા.
‘બાબા, ચિંતા નહીં કરો. એ ઍક્ટિવા જ છે. તમને બચકું નહીં ભરે.’
રણજિતે અનિકા સામે બનાવટી ગુસ્સાવાળો એક લુક આપ્યો અને અનિકા હસી પડી.
lll
રણજિતે ઍક્ટિવા ચાલુ કરીને ભગાવી. ધીમો-ધીમો ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. મેજર રણજિત આંખો ઝીણી કરીને રસ્તા તરફ જોઈ રહ્યા હતા. સ્ટ્રીટલાઇટ્સના અજવાશમાં સોનેરી છાંટાઓ ધરતી પર લયબદ્ધ વરસી રહ્યા હતા. રણજિતને અનિકાનું ઍક્ટિવા ચલાવવું અઘરું પડી રહ્યું હતું. ગુલાબી રંગનું ઍક્ટિવા રસ્તા પર ડગમગી રહ્યું હતું. છ ફુટના આર્મી બૉડીવાળા મેજર રણજિતને ઍક્ટિવા ઉંદર જેવું લાગતું હતું.
અને અચાનક રણજિતે બ્રેક મારી. સામે વાદળી રંગના ઍક્ટિવા પર સવાર છોકરીનું ઍક્ટિવા ભીની માટીમાં લપસ્યું. કદાચ તેણે પણ બ્રેક જ મારી હતી. બન્ને અથડાતાં બચ્યાં.
પોતાનું ઍક્ટિવા સાઇડમાં ઊભું રાખીને તે છોકરી બોલી, ‘રણજિત, ઍક્ટિવા ચલાવતી વખતે કોઈ આટલું કૉન્શિયસ કેવી રીતે હોઈ શકે? દૂરથી મને તારું ડગમગતું ગુલાબી ઍક્ટિવા દેખાણું. મને થયું કે કાં તો આ પડશે નહીંતર મને પાડશે.’
‘સૉરી?’
મેજર રણજિતનાં ભવાં સંકોચાયાં. આ છોકરી નામથી અને તુંકારાથી બોલાવતી હતી.
‘હું સંજના!’
રણજિતે પોતાનું ઍક્ટિવા સાઇડમાં પાર્ક કર્યું હતું. ‘સંજના’ નામ સાંભળતાં તે રીતસરના ઠરી ગયા, જાણે સાપ સૂંઘી ગયો. તેમણે ફરી એક વાર સંજના સામે જોયું. ગૌરવર્ણનો દેહ અને પ્રમાણમાં ઘાટીલું શરીર. ઘાટ્ટા લીલા રંગની શિફોન સાડી અને લાંબા વાંકડિયા કાળા વાળ. મોટી પાણીદાર આંખો જેની નીચે લગાવેલા ઘાટ્ટા કાજળને લીધે આંખો વધારે મોટી લાગતી હતી. કપાળ પર લીલા રંગનો ચાંદલો અને કાંડામાં કાચની લાલ બંગડીઓ હતી. ગળામાં એક લાંબો સોનાનો દોરો હતો અને બન્ને કાનમાં સોનાની ઝીણી ઘૂઘરીઓવાળી બુટ્ટી હતી. ડાર્ક બ્લૅક રંગની નેઇલપૉલિશ અને પગમાં કચ્છી ભરતની મોજડી. કમરમાં સોનાની પાતળી સેરવાળો કંદોરો અને હોઠ પર આછી ગુલાબી લિપસ્ટિક.
‘ન ઓળખી મને? હું તમારી દીકરીની પાર્ટનર.’
અને મેજરને જાણે કરન્ટ લાગ્યો. તે સુપરકૉન્શિયસ થઈ ગયા અને આસપાસ જોવા લાગ્યા.
‘ડોન્ટ વરી, કોઈ સાંભળતું નથી. બાપ-દીકરી બેય સરખાં. કોઈ જોતું તો નથીને? કોઈ સાંભળતું તો નથીને? ફટ્ટુસ જમાત.’
વાંકડિયા ભીના વાળને ઝાટકીને સંજનાએ અંબોડો બાંધ્યો ત્યાં સુધીમાં રણજિતની આંખ સામે ગૂગલ સાઇટ પર જોયેલી ટૉમબૉય લેસ્બિયન પાર્ટનર્સની તસવીરો ફરી વળી. તેણે ફરી એક વાર સંજના સામે જોયું. ક્યાંય કોઈ ખૂણેથી છોકરા જેવી લાગી નહીં.
‘લુક રણજિત, મને કોઈ પુરુષ આ રીતે ધારી-ધારીને જુએ એની ટેવ નથી. રૉન્ગ નંબર!’
અને પછી પોતાની વાત પર તે ખડખડાટ હસી અને ‘દે તાલી’ એ ફૉર્મમાં તેણે રણજિત સામે હાથ લાંબો કર્યો, પણ રણજિતે તાળી ન આપી. રણજિતનો ગંભીર ચહેરો જોઈને સંજનાનું હસવું ઓલવાઈ ગયું.
રણજિત ફટાફટ ગુલાબી ઍક્ટિવા પાસે પહોંચ્યા એટલે સંજના બોલી, ‘રણજિત, તું ક્યાં જાય છે?’
સંજના જે રીતે ડાયરેક્ટ નામ સાથે સંબોધન કરી રહી હતી એ વાત રણજિતને ખૂંચી રહી હતી. લાંબી ચર્ચા કર્યા વગર તેણે ઍક્ટિવા ચાલુ કર્યું.
‘અરે, બોલ તો ખરો દોસ્ત? અનિકાએ મને લેવા તો નહોતો મોકલ્યોને તને?’
‘ખીર માટે દૂધ ઓછું પડ્યું તો...’
‘ઇન શૉર્ટ, મારા કામથી જ જાય છે. આવા વરસાદમાં ખીર તો મસ્ટ છે. એક કામ કર. મને આપ ઍક્ટિવા. હું ચલાવું, તું પાછળ બેસી જા.’
‘કેમ?’ રણજિતને આ જબદદસ્તી ન ગમી.
‘અરે, કેમ કે અહીં જ તારું ડ્રાઇવિંગ મેં જોઈ લીધું. નાગિનની જેમ ઍક્ટિવા ડોલી રહી હતી. તું રોડ પર જઈશ તો સવારે પાછો આવીશ. તું પાછળ બેસ, મને ચલાવવા દે.’
રણજિત અકળાયા. તેનાથી રહેવાયું નહીં.
‘તું બધા સાથે આ રીતે વાત કરે છે?’
સંજના અધિકારપૂર્વક આગળ આવી. ઍક્ટિવાનું હૅન્ડલ પકડી રણજિતની આંખોમાં જોઈને બોલી, ‘લકી છે તું કે તારી સાથે વાત તો કરું છું.’
રણજિત સીટ પર પાછળ ખસી ગયા. આજ સુધી કોઈ સ્ત્રીએ આવી રીતે બળજબરીપૂર્વક રણજિતની સામે પોતાની વાત નહોતી મનાવી. સંજનાએ ઍક્ટિવા ચાલુ કર્યું. વરસાદ એકાએક વધી ગયો.
સંજનાએ ઍક્ટિવા દોડાવ્યું અને રણજિતને લાગ્યું કે જગતમાં પોતાના માટે આનાથી વધારે ઑકવર્ડ જગ્યા બીજી કોઈ નહીં હોય જ્યાં ગુલાબી ઍક્ટિવા પર પોતાની દીકરીની લેસ્બિયન પાર્ટનરની પાછળ તેણે બેસવું પડ્યું!
(ક્રમશ:)

