હું બધાને કહીશ બચત કરો, આત્મવિશ્વાસ આપોઆપ વધતો જશે.
પ્રતીકાત્મક તસવીર
આજે હું પૈસા બચાવવાની બાબતમાં બહુ નીરસતા જોઉં છું, ખાસ કરીને યંગસ્ટર્સમાં. ગરમ લોહી હોય એટલે એવી માનસિકતા તેની હોય એ કબૂલ, કારણ કે હું પોતે પણ એક સમયે એવો જ હતો. પૈસો આવ્યો નથી કે ખર્ચ્યો નથી. આજે હું ૫૮ વર્ષનો છું અને મેં ૧૫ વર્ષ પહેલાં સેવિંગ્સ શરૂ કર્યું! કમાવાનું તો મેં નાનપણથી જ શરૂ કરી દીધું હતું અને કમાણી પણ કેવી હતી. જેવી નહીં ને તેવી, પણ એ બધા પૈસા મેં કોઈ જાતનો વિચાર કર્યા વિના બસ ખર્ચ્યા જ કર્યા. મિત્રો મળી ગયા તો બેસી ગયા તેમની સાથે. હોટેલ ને પબ ને ફરવા નીકળી ગયા. આને પૈસા જોઈએ છે તો આપી દીધા ને પેલાને પૈસા જોઈએ છે તો તેને આપી દીધા. અમારી નાટકલાઇનનો એક ડ્રૉબૅક કહું...
અમારી કમાણી કૅશની કમાણી છે. શો પૂરો થાય એટલે તમને તમારા મહેનતાણાનું કવર મળી જાય. પહેલાં રોજેરોજ થતું. હવે અઠવાડિયે કે મહિને-દિવસે આવી રીતે પૈસા આપી દે પણ આપે કૅશ. કૅશ મળે એટલે બૅન્કમાં ભરવા જવાનું ને એવું બધું બને નહીં અને એમાં પાછો હાથ છૂટો, પણ સમય જતાં રિયલાઇઝ થયું કે હું બહુ ખોટું કરું છું ને મેં મારી બચતની શરૂઆત કરી. આકાશ પડે કે પછી જમીન ફાટે, મેં નક્કી કરી હતી એટલી રકમ તો બચાવવાની ને બચાવવાની જ. ૨૦૦૦ રૂપિયાથી મેં શરૂઆત કરી અને પછી વધતી જતી એ રકમ જોઈને મને એવી ખુશી ચાલુ થઈ કે હું ધીમે-ધીમે મારી મર્યાદા વધારતો ગયો. તમે માનશો, આજે મારી એ બચત ઑલમોસ્ટ ૭ આંકડાએ પહોંચવાની તૈયારીમાં છે. એ આંકડો હું જોઉં ત્યારે મને સંતોષ થાય કે કંઈ પણ થશે, થોડાં વર્ષો તો મારી આ જ લાઇફસ્ટાઇલ સાથે હું સર્વાઇવ થઈ જઈશ.
ADVERTISEMENT
પહેલાં પૈસાને ખર્ચતાં પહેલાં કોઈને પૂછતો નહીં, પણ હવે ખર્ચ કરતાં પહેલાં હું પૈસાને પૂછતો થયો છું કે તને ખર્ચું કે નહીં? મારું આ સ્ટેટમેન્ટ ડ્રામૅટિક લાગી શકે પણ આ હકીકત છે. પૈસો જ્યાં હા પાડે એ અનિવાર્ય હોય એવું માનીને હું એક્સપેન્શ કરું, બાકી હું ખર્ચો કરવાનું ટાળું.
મેં ક્યાંક વાંચ્યું હતું કે સેવિંગ્સ તમારા મોટા ભાઈની જવાબદારી નિભાવે અને એનો મેં અનુભવ પણ કર્યો. કોવિડના લૉકડાઉનમાં મેં મારા ઘરે મારા બધા રિલેટિવ્સને બોલાવી લીધા અને રીતસર એ આખો સમય પાર્ટીની જેમ ઊજવ્યો. મારું કામ બંધ હતું, એ ક્યારે શરૂ થશે એની ખબર નહોતી અને એ પછી પણ હું ખૂલીને મજા કરી શક્યો તો એનું કારણ છે, બચત. હું બધાને કહીશ બચત કરો, આત્મવિશ્વાસ આપોઆપ વધતો જશે.

