આખી વાત સાંભળી-વાંચી તમારે નક્કી કરવાનું છે કે તમે કેવી રીતે તમારાં સંતાનોને આ અવસ્થામાંથી બહાર કાઢવાની પ્રક્રિયા કરવાના છો, કારણ કે આ પ્રક્રિયા થાય એ અત્યંત આવશ્યક અને જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
વાત શરૂ કરતાં પહેલાં બે વાતની ચોખવટ કરવાની; એક તો, અહીં જે કિસ્સા વર્ણવવામાં આવ્યા છે એ સંપૂર્ણ સત્ય કિસ્સા છે અને એ કિસ્સા એ જ વ્યક્તિએ વર્ણવ્યા છે જેઓ એ ઘટના સાથે જોડાયેલા છે. ચોખવટ નંબર બે, આખી વાત સાંભળી-વાંચી તમારે નક્કી કરવાનું છે કે તમે કેવી રીતે તમારાં સંતાનોને આ અવસ્થામાંથી બહાર કાઢવાની પ્રક્રિયા કરવાના છો, કારણ કે આ પ્રક્રિયા થાય એ અત્યંત આવશ્યક અને જરૂરી છે. જો એ કરવામાં નહીં આવે તો એ દિવસો વધારે દૂર નથી કે ભારતની સડકો પર ઍલેક્સા અને ગૂગલ-બેઝ્ડ સંતાનો ભટકતાં હોય, રખડતાં હોય.
મને બધું આવડે. હા, આજનાં બાળકોમાંથી મહત્તમ બાળકોના મનમાં આ જ વાત છે. હજી તો ઊગીને ઊભાં થતાં હોય, હજી તો માંડ સમજણનો ચટકારો મળ્યો હોય ત્યાં જ તેમના મનમાં એવી રાઈ ભરાવા માંડે છે જાણે એ દેશના સર્વોચ્ચ જ્ઞાની છે. આવી ભ્રમણામાં જીવનારા આજકાલની આ ટીનેજ પ્રજા વાતે-વાતે પોતાનાં માબાપને ઉતારી પાડતી હોય છે, વાતે-વાતે તેમને ધુત્કારી કાઢે છે, તેમને એવું જ લાગે છે કે તેમના નસીબમાં જગતનાં સૌથી મૂર્ખ માબાપ આવ્યાં છે. આ જે ભ્રમ છે એ ભ્રમ જ તેને વધારે ઊંડી ગર્તામાં લઈ જવાનું કામ કરે છે. વાત આગળ વધારતાં પહેલાં એક કિસ્સો કહું.
ADVERTISEMENT
બહુ જાણીતાં પત્રકાર, તંત્રી દરજ્જાની દીકરીની ગાડીમાં પંક્ચર પડ્યું એટલે તેણે તેના પપ્પાને બોલાવ્યા. બાપ બિચારો બધાં કામ પડતાં મૂકીને મારમાર ત્યાં પહોંચ્યો અને તેણે ગાડીની ડિકી ખોલીને એમાંથી સ્પેરવ્હીલ કાઢ્યું. સ્પેરવ્હીલ જોઈને તેની દીકરીએ અચરજ સાથે પૂછ્યું, ‘લે, કારમાં એક્સ્ટ્રા વ્હીલ આવે?’
જો તમને અચરજ થતું હોય તો તમારા આ અચરજને જરા દબાવીને રાખજો, કારણ કે આ જે બાળકની વાત છે એ ટીનેજ દીકરી ઘરમાં કોઈની સાથે વાત નથી કરતી, એટલા માટે કે તે એવું માને છે કે તમારા લોકો સાથે મારે શું વાત કરવાની, તમે લોકો તો ગમાર છો! તે આવું કહેતાં ખચકાતી પણ નથી અને એવું કહેતાં ખચકાટ નથી અનુભવતી કે તમારા જેવા પેરન્ટ્સને લીધે તો હું ઇન્ટ્રોવર્ટ થતી જાઉં છું!
બહુ ગંભીર કહેવાય એવો આ પ્રશ્ન છે. બાપ જ્યારે એ દીકરીને સમજાવવા, વ્યવહારુ અને વાજબી સમયની વાતો કરવા બેસે છે ત્યારે તેને દીકરી મોઢા પર ચોપડાવી દે છે કે તમે તો ઑર્થોડોક્સ છો. માને મોઢા પર કંઈ પણ ચોપડાવી દેવામાં પણ એ ટીનેજરને કોઈ પ્રૉબ્લેમ નથી અને આ જે પ્રૉબ્લેમ ન હોવાની માનસિકતા છે એ માનસિકતા જ સૂચવે છે કે તે ગૂગલના ભરોસે આગળ વધે છે. ગૂગલ ટેક્નૉલૉજી છે, ઍલેક્સા સૉફ્ટવેર છે. ટેક્નૉલૉજી અને સૉફ્ટવેરના આશરે રસ્તો શોધી શકાય, પણ એ રસ્તે ચાલવા માટે તો વ્યવહારુ જ્ઞાન જ જોઈએ. ટેક્નૉલૉજીથી તમને જનરલ ઇન્ફર્મેશન મળે, પણ વ્યવહારુ જ્ઞાન તમને જનરલ નૉલેજ આપે, જે જીવન જીવવામાં તમને ઉપયોગી બને. બહુ વાજબી રીતે આ વાત આજની ટીનેજ પ્રજાએ સમજવી જોઈશે અને ધારો કે એ ન સમજે તો પેરન્ટ્સે આ વાત સમજાવવી પડશે. અન્યથા એક દિવસ એવો આવશે કે પેરન્ટ્સે કહેવું પડશે કે અમારે ત્યાં સંતાન નહીં, ઍલેક્સા જન્મ્યું છે.


