‘ઊંચાઈ’ જેવા અદ્ભુત વિષયની ફિલ્મ આપી ચૂકેલા સુનીલ ગાંધી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે

સીએ ટુ સિનેમા
આખી લાઇફ મૅથ્સ અને ઇકૉનૉમી સાથે બથોડાં લેનારા સુનીલ ગાંધીનાં સાચાં આરાધ્યદેવી તો લક્ષ્મીજી, પણ તેમણે સાથોસાથ સરસ્વતીમાની પણ બે હાથ જોડીને પૂજા કરી છે અને એટલે જ આજે બન્ને દેવી તેમના પર વરસી રહી છે. જાણીએ આંકડાની વ્યક્તિએ લેખનમાં મેળવેલી સક્સેસની મજેદાર વાતો
તમારી પહેલી જ ફિલ્મના હીરો તરીકે અમિતાભ બચ્ચન હોય અને સાથે અનુપમ ખેર, ડૅની ડેન્ઝોન્ગ્પા અને બમન ઈરાની જેવા દિગ્ગજ કલાકારો હોય, એ ફિલ્મનું ડિરેક્શન સુપરહિટ ફિલ્મોના સર્જક સૂરજ બડજાત્યાના હાથમાં હોય અને જે પ્રોડક્શન હાઉસનું નામ સાંભળતાં જ આંખો અહોભાવથી ઝૂકી જતી હોય એવા રાજશ્રી પ્રોડકશન્સે એ ફિલ્મ પ્રોડ્યુસ કરી હોય તો તમે કયા આસમાન પર વિહરતા હો?
હા, એ જ સાતમા આસમાન પર અત્યારે ગુજરાતી રાઇટર સુનીલ ગાંધી વિહરે છે અને એમાં કશું ખોટું પણ નથી. મજાની વાત એ છે કે સુનીલ ગાંધીને ખાતરી હતી કે તે આ કામ કરી શકશે. તેમણે આ કામ કર્યું પણ ખરું અને અદ્ભુત સ્તર પર કર્યું. ‘ઊંચાઈ’એ આજે એ સ્તર પર લોકોને જગાડવાનું કામ કર્યું છે જેની કોઈએ કલ્પના સુધ્ધાં નહોતી કરી. જોકે સુનીલ ગાંધીને વિશ્વાસ હતો કે એ કામ થશે જ થશે. સુનીલ ગાંધી કહે છે, ‘માણસને જો કોઈ વાતનો સૌથી વધુ ડર હોય તો એ છે મોત. તમે તેની પાસે મોતને લઈને ઊભા રહો તો તે નૅચરલી ગભરાય અને એવું જ બન્યું. ‘ઊંચાઈ’ના હાર્દમાં જે વાત હતી એ ક્યાંક ને ક્યાંક નગ્ન વાસ્તવિકતા હતી અને એ વાસ્તવિકતાને જ લોકો સમક્ષ લાવવાનું કામ મેં કર્યું છે.’
જીવન-મૃત્યુની નરી હકીકત આંખ સામે લાવવાનું કામ કરનારા સુનીલ ગાંધી પ્રોફેશનલી રાઇટર નથી! હા, આ સત્ય છે. પ્રોફેશનલી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એવા સુનીલ ગાંધીનો પનારો કાયમ આંકડાઓ અને મૅથ્સ સાથે રહ્યો છે. તમે એમ કહી શકો કે તેઓ કાયમ લક્ષ્મીના ઉપાસક રહ્યા છે અને એમ છતાં તેમણે સરસ્વતીની જે સ્તર પર આરાધના કરી છે એ અકલ્પનીય છે. પોતાની પર્સનલ વાત કરતાં સુનીલ ગાંધી કહે છે, ‘હું સ્ટડી કરતો હતો ત્યારે મેઇન ત્રણ સ્ટ્રીમ હતી : કૉમર્સ, સાયન્સ અને આર્ટ્સ. આજે છે એટલી બધી ચૉઇસ ત્યારે નહોતી કે તમને કરીઅર ઑપ્શનમાં બહુ વિચારવાનો મોકો મળે. એંસીના દશકના અંત ભાગમાં મેં જ્યારે ચાર્ટર્ડ અકાઉન્ટન્સી શરૂ કર્યું ત્યારે પણ મારા મનમાં કંઈક અલગ અને જુદું કરવાનો જ વિચાર હતો, પણ એ બહુ ધૂંધળો. લખવાનું મન હતું, જર્નલિસ્ટ બનવાનું પણ મન હતું અને એટલે જ મેં એ સમયનાં દિગ્ગજ એવાં કાન્તિ ભટ્ટ અને શીલા ભટ્ટનો કૉન્ટૅક્ટ કર્યો. શીલાબહેને તરત મને એક અસાઇન્મેન્ટ આપ્યું કે આ સબ્જેક્ટ પર રિસર્ચ-બેઝ્ડ આર્ટિકલ કરીને મને આપો. મને કામ બહુ ગમ્યું અને મેં એ તૈયાર પણ કરી આપ્યું. જોકે મને એક વાત ખૂંચી કે પે-સ્કેલ બહુ ઓછો છે અને એટલે જ મેં વિચાર્યું કે હું સીએ છું તો અત્યારે લખવાના કામને થોડું પાછલી પાટલીએ ધકેલીને જે ભણ્યો છું એના પર ફોકસ કરું અને આમ મેં પ્રૅક્ટિસ શરૂ કરી.’
યૂં હી ચલા ચલ રાહી...
સુનીલ ગાંધીએ પ્રૅક્ટિસ ચાલુ કરી અને નસીબજોગે પ્રૅક્ટિસ સરસ રીતે આગળ વધવા માંડી. અલબત્ત, આંકડાઓ સાથે ધીંગામસ્તી કરતાં-કરતાં પણ સુનીલભાઈના મનમાં એ વાત તો સતત અકબંધ હતી કે કંઈક લખવું છે, લખતા રહેવું છે. કહે છેને, તમે જે દિલથી ઇચ્છો એને તમારા તરફ લાવવાનું કામ કુદરત પણ કરે જ કરે. એવું જ બન્યું સુનીલ ગાંધીની લાઇફમાં. વાતને કન્ટિન્યુ કરતાં સુનીલભાઈ કહે છે, ‘૧૯૯૩-’૯૪ના અરસામાં મેં નક્કી કર્યું કે હવે પ્રોફેશનલી સેટ છું તો મને જેમાં ઇન્ટરેસ્ટ છે અને મારી જેમાં આવડત છે એના પર લખવાનું શરૂ કરું. આવું ધારીને મેં તો શરૂઆત કરી ફાઇનૅન્સને લગતા આર્ટિકલ્સ લખવાની. એ આર્ટિકલ્સ મેં અનેક વીકલી અને ન્યુઝપેપર્સમાં મોકલ્યા. આ જ પિરિયડમાં મને ‘બિઝનેસ અભિયાન’ નામના વીકલી મૅગેઝિનમાંથી કહેણ આવ્યું કે જો તમે રેગ્યુલર આર્ટિકલ મોકલતા હો તો આપણે કૉલમ શરૂ કરીએ. મારે મન તો ભાવતું કામ હતું. મેં તરત હા પાડી દીધી અને આમ મારા લખવાનો પ્રારંભ થયો. હા, મારે એ પણ કહેવું છે કે ચાર્ટર્ડ અકાઉન્ટન્સી ભણવામાં તમારે સતત વાંચતા રહેવું પડે, લખતા રહેવું પડે. એટલે લખતા રહેવાની આદત મને મારા આ પ્રોફેશનમાં પણ કામ લાગી.’
એક વીકલી મૅગેઝિનથી શરૂ થયેલી આ જર્ની પછી તો અનેક પબ્લિકેશન્સ સુધી પહોંચી અને આગળ વધેલી એ યાત્રા પ્રમાણમાં સરળ પણ રહી. સુનીલ ગાંધી કહે છે, ‘મારે મારા ફીલ્ડ વિશે જ લખવાનું હતું એટલે મને મજા પણ આવતી અને હું ડેપ્થમાં પણ લખી શકતો. એ પછી મેં થોડું વિષયાંતર કરીને મૅનેજમેન્ટ અને પર્સનલ ડેવલપમેન્ટ વિશે લખવાનું શરૂ કર્યું અને સમય જતાં આ જ સબ્જેક્ટ પર મારી બે બુક પબ્લિશ પણ થઈ.’
ગમતું કામ ક્યારેય થાક ન આપે અને એવું જ સુનીલ ગાંધીની લાઇફમાં બન્યું. નિયમિત રીતે બધું કામ થતું રહેતું, પણ ૨૦૦૮માં કેટલીક જવાબદારીઓ અને પ્રોફેશનલ રિસ્પૉન્સિબિલિટી વચ્ચે તેમણે નાનકડો બ્રેક લેવો પડ્યો અને એ બ્રેક પછી આખી વાત બદલાઈ ગઈ.
ચલો, નઈ દુનિયા બનાતે હૈ...
મન હોય તો માળવે જવાય એવી જ રીતે ઇચ્છા હોય તો પેન હાથમાં લેવાય.
કામમાંથી ફુરસદ અને જવાબદારીમાંથી મુક્તિ મળી એટલે સુનીલ ગાંધીના મનમાં ફરી પેલો લેખક જાગ્યો, પણ આ વખતે તેમના મનમાં જુદી જ વાત આવી. એ દિવસો યાદ કરતાં સુનીલ ગાંધી કહે છે, ‘મારા મનમાં ઘણા વખતથી એક વિચાર, એક વાર્તા ચાલ્યા કરતી. મને એમ કે સમય મળશે ત્યારે એ લખીશ. જોકે એ પિરિયડમાં મને થયું કે કદાચ સમય આવી ગયો છે અને બસ, મેં એ વાર્તા કાગળ પર લેવાનું શરૂ કર્યું અને પછી સીધી જ એ બુક તરીકે પ્રસિદ્ધ કરી. એ બુક એટલે મારી ‘ટૂંકમાં ટૂંકી યાત્રા’. આજે પણ જો કોઈ મારું સૌથી ગમતું પુસ્તક હોય તો એ આ છે. ફ્રૅન્કલી કહું તો લોકોને પણ એ બહુ ગમી, પણ જે રાઇટર હોય તેના મનમાં તો વિચારો ચાલતા જ રહે. મારી સાથે પણ એવું જ બનતું હતું. મને થતું હતું કે આ સ્ટોરીમાં ઘણા ચેન્જિસ થઈ શક્યા હોત.’
જાતમાં જીવતા આ રાઇટરને અકબંધ રાખવા સુનીલ ગાંધીએ સતત લખવાનું ચાલુ રાખ્યું અને દરરોજ એને મઠારવાનું કામ પણ કરતા જાય. લખાણની આ પ્રક્રિયા દરમ્યાન જ તેમને સમજાયું કે ગુજરાતીમાં જ લખતા રહેશે તો એ વધુમાં વધુ લોકો સુધી પહોંચી નહીં શકે. સુનીલભાઈ કહે છે, ‘મારા મનમાં એકધારા વિચારો ચાલતા. મને થતું કે મારે શું કરવું જોઈએ જેથી હું વધુમાં વધુ લોકો સુધી પહોંચું. ઇંગ્લિશ કે હિન્દીમાં લખું કે પછી ગુજરાતી જ ચાલુ રાખું? મનોમંથન દરમ્યાન મને અચાનક જ વિચાર આવ્યો કે હું ફિલ્મ લખી શકું અને જો મારી વાર્તા પરથી ફિલ્મ બને તો એ બહુ મોટા ફલકમાં લોકો સુધી પહોંચી શકે. લખવાનો ઇન્ટરેસ્ટ ખરો, પણ ફિલ્મની વાર્તા કે સ્ક્રીન-પ્લે લખવાનો કોઈ અનુભવ નહીં એટલે મેં ફિલ્મની વાર્તા કેવી રીતે લખાયથી માંડીને સ્ક્રીન-પ્લે કેવી રીતે લખવાનો હોય એના પર રિસર્ચ કરવાનું, વાંચવાનું શરૂ કર્યું. અલગ-અલગ સેમિનાર અને વર્કશૉપ અટેન્ડ કરવાના તથા અગાઉ બની હોય એવી ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચવાની. આ મારું લર્નિંગ હતું. એના માટે મારે એવી જ તૈયારી કરવાની હતી જે તૈયારી મેં ચાર્ટર્ડ અકાઉન્ટન્સીમાં કરી હતી.’
બેહતર હૈ બહૂત કુછ હો...
સુનીલ ગાંધીએ સ્ક્રિપ્ટ લખવાની શરૂ કર્યું. નૅચરલી તેમને એ ખબર નહીં કે હવે આ સ્ટોરી લઈને ડિરેક્ટર કે પ્રોડ્યુસર પાસે કઈ રીતે જવું? એની શું પ્રોસેસ હોય એ પણ ખબર નહીં અને એ પણ ખબર નહીં કે સ્ટોરી કઈ રીતે પિચ કરવાની હોય.
એકના પણ ગોવાળ અને સોના પણ ગોવાળ.
આ ગુજરાતી કહેવતનો પોતાના જીવનમાં ઉપયોગ કરીને સુનીલ ગાંધીએ બધાં પ્રોડક્શન હાઉસિસને સ્ક્રિપ્ટ મોકલવાનું શરૂ કર્યું અને એક દિવસ...
‘૨૦૧૬માં મને રાજશ્રી પ્રોડક્શન્સમાંથી મેઇલ આવી કે તમે મોકલી હતી એ વાર્તા ગમી છે તો તમે એના સિનોપ્સિસ મોકલી આપશો...’
અત્યારે પણ વાત કરતાં સુનીલ ગાંધીના અવાજમાં ભળેલો ઉત્સાહ વર્તાઈ આવે છે, ‘એમણે જ્યારે-જ્યારે અને જે-જે મગાવ્યું એ મેં મોકલવાનું ચાલુ રાખ્યું અને એક દિવસ મેઇલ આવી કે તમારી સ્ટોરી પરથી અમે કશુંક બનાવવા માગીએ છીએ તો તમે રૂબરૂ મળો. હું રૂબરૂ મળ્યો. એ સમયે સૂરજ બડજાત્યા નહીં પણ કોઈ બીજું ડિરેક્ટ કરવાનું હતું. અમારી વાત ચાલતી હતી એ દરમ્યાન જ કોવિડ પેન્ડેમિક આવ્યું અને એ પેન્ડેમિકમાં સૂરજ બડજાત્યાએ નિર્ણય લીધો કે આ સ્ટોરીમાં આશા છે તો આ ફિલ્મ હવે હું ડિરેક્ટ કરીશ અને રેસ્ટ ઇઝ હિસ્ટરી...’
સુનીલ ગાંધી કહે છે, ‘હું પહેલેથી આંકડાઓ સાથે જોડાયેલો હતો અને એ પછી પણ મને ખબર હતી કે હું લખીશ. મારે લખવું છે એટલે જ્યારે પણ મને સમય મળ્યો છે ત્યારે મેં એ કામ કર્યું છે. લખવાના કામને પણ મેં મારા કામ તરીકે જ જોયું છે. રોજ લખવું એટલે લખવું. આ મારું કામ છે. જો મારું કામ એક દિવસ ન કરું તો ન ચાલે તો પછી લખવાનું કામ પણ મારે એટલી જ પ્રામાણિકતાથી કરવાનું. મેં નિયમ રાખ્યો છે કે સવારે અગિયારથી એક અને બપોરે ત્રણથી સાત વાગ્યા સુધી લખવાનું કામ કરવું. લખવા માટે મને ક્યાંય જવાની જરૂર નથી પડતી. મને શાંતિ મળે એટલું બસ છે. કોઈ સબ્જેક્ટ પર મારું કૅરૅક્ટર કે સ્ટોરીને લઈને રિસર્ચ ચાલતું હોય તો હું એ વાર્તા કે કૅરૅક્ટરને લગતા લોકોને વધારે ને વધારે મળું એવી મારી પ્રૅક્ટિસ છે. ફિક્શન એટલું પણ ફિક્શન ન હોવું જોઈએ કે એ અનરિયલ લાગે.’
સક્સેસ-મંત્ર : ૮
શિદ્દત, પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે તમે તમારા કામને વળગેલા રહો તો તમને આગળ વધતા કોઈ રોકી ન શકે. જોકે એ માટે કામની સાથે ઑનેસ્ટ રહેવું ખૂબ જરૂરી છે.