ચાર દશકાથી ચાણક્યનું કૅરૅક્ટર કરતા ગુજરાતી, હિન્દી અને મરાઠીના જાણીતા ઍક્ટર મનોજ જોષીએ આ વાતને પોતાની લાઇફસ્ટાઇલ બનાવી દીધી છે અને તેઓ સલાહ આપતાં કહે પણ છે કે જો સુખી થવું હોય તો આ જ વાતને જીવનમંત્ર બનાવીને રાખશાો તો જીવનમાં ક્યારેય દુખી નહીં થાઓ
મનોજ જોષી
જ્યારે-જ્યારે વાંચું અથવા સાંભળું કે ફલાણા ઍક્ટરની આર્થિક હાલત ખરાબ હતી કે પેલી ઍક્ટ્રેસ પાસે હૉસ્પિટલનું બિલ ભરવાના પૈસા નહોતા ત્યારે મનમાં અને દિલમાં એક ચીસ પડે અને એ દરેક ચીસે મને એક વાત સમજાવી છે કે જીવનમાં કોઈની સામે હાથ લંબાવવો પડે એવી અવસ્થા ન આવવી જોઈએ. એ માટે એક જ નિયમ રાખવો પડે - જાગ્યા ત્યારથી સવાર. આર્થિક રીતે કોઈ ગ્રેટ દિવસો નાનપણમાં મેં જોયા નહોતા એટલે આમ પણ ખોટા ખર્ચની આદત પડી નહોતી. પિતા નવનીતલાલ જોષી કર્મકાંડી એટલે દક્ષિણા પર જ ઘર ચાલે, જે સહજ રીતે એવી કોઈ તગડી હોય નહીં જેનાથી તમે મોજશોખ કરી શકો કે પછી મોટી ઇચ્છાઓ રાખી શકો.
મુંબઈ આવ્યો ત્યારના શરૂઆતના દિવસો બહુ સ્ટ્રગલના હતા. દિવસો સુધી હું રેલવે-સ્ટેશનના બાંકડા પર સૂતો છું અને સવારે ત્યાંના જ બાથરૂમમાં ફ્રેશ થઈને નોકરી કરવા ગયો છું. અંગત રીતે હું માનું છું કે સંઘર્ષ તમને બે રીતે તૈયાર કરે. એક, એ તમને ખોટી દિશામાં લઈ જવાનું કામ કરે અને બે, એ તમને વધારે પરિપક્વ બનાવીને છાકટા થતા રોકે. મારા જીવનમાં સંઘર્ષે આ બીજું કામ કર્યું છે અને સફળતા પછી હું સહેજ પણ છાકટો થયો નથી જે વાતને હું પૂરા ગર્વ સાથે કહું છું.
ADVERTISEMENT
ન ખર્ચેલો પૈસો આવક જ છે
આ મારા જીવનનું સૂત્ર છે અને આ સૂત્રને હું ચુસ્તપણે વળગેલો રહ્યો છું. તમારો ન ખર્ચાયેલો પૈસો તમારી આવક જ છે. મારા સંઘર્ષના દિવસો હું ભૂલ્યો નથી એટલે મને ક્યારેય શો-ઑફ કરવાનું મન થયું નથી. ઘણા લોકો મને કહે છે કે તારી ગાડીને પાંચ વર્ષ થઈ ગયાં, હવે તારી બદલાવી નાખવી જોઈએ; પણ મને એવું નથી લાગતું. બીજાને સારું લાગે એ માટે મારે ગાડી શું કામ બદલવાની? અને બીજી વાત. ગાડીનો હેતુ શું છે? એ જને કે તમે તમારી સગવડ વચ્ચે ટ્રાવેલ કરો. હવે એ ટ્રાવેલિંગ હું ઇનોવામાં કરું કે ફૉર્ચ્યુનરમાં કરું એનાથી મને કોઈ ફરક નથી પડતો. સાધનથી માંડીને સુવિધાઓ સુધીમાં હું એક વાત દૃઢપણે માનું છું કે એ મને હેરાન ન કરે કે મારી પરસેવાની કમાણીનો ખોટો વ્યય ન કરે તો મારે શો-ઑફને મનમાં લાવ્યા વિના એ જ લાઇફસ્ટાઇલને કન્ટિન્યુ કરવી જોઈએ, કારણ કે ન ખર્ચાયેલો પૈસો આવક જ છે.
ગાડીનું કહ્યું એમ ગૅજેટ્સથી માંડીને દરેક બાબતમાં હું મારી બેઝિક સુવિધાને પહેલાં ધ્યાનમાં રાખું. મોબાઇલ મને હેરાન ન કરે તો હું એને ચેન્જ કરવાનું પસંદ ન કરું, પછી ભલે એને બે-ચાર વર્ષ થઈ ગયાં હોય. હા, મને એનાથી હેરાનગતિ થતી હોય તો હું સૌથી પહેલું કામ એ ચેન્જ કરવાનું કરું, પણ બીજાની સામે કૉલર ટાઇટ કરવા માટે તો હું પૈસાનો એવો વેડફાટ ન જ કરું.
હું એક વાત કહું. મારું ‘ચાણક્ય’ નાટક ઑલમોસ્ટ ૩૫ વર્ષથી ચાલે છે. સામાન્ય રીતે એક કે દોઢ વર્ષે સેટ બદલવાનો વારો આવે, પણ ‘ચાણક્ય’માં છેલ્લાં ૩૫ વર્ષમાં અમે માત્ર પાંચ વખત સેટ બદલ્યો છે! થિયેટર સાથે જોડાયેલા હોય તેમને આ વાતની અસરકારકતા ખબર હોય. આ વાત સાથે હું મારી બચતની માનસિકતા નહીં, દુર્વ્યયને અટકાવવાની ભાવના સમજાવું છું. પૈસો તમારો, વસ્તુ તમારી અને મહેનત તમારી. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કેવી રીતે જીવવું છે?
ટિપિકલ સેવિંગ્સ મહત્ત્વનું છે
હા, મને બીજી બધી સમજ ન પડે એટલે મારે જો ઇન્વેસ્ટમેન્ટની દિશામાં જોવાનું આવે તો હું ફિક્સ્ડ ડિપોઝિટ જ પસંદ કરું અને એના પર જ ફોકસ રાખું. મારી વાઇફ ચારુની ઇન્વેસ્ટમેન્ટ-સેન્સ બહુ સારી છે એટલે અમુક બાબતોમાં હું પડતો નથી અને તે જ ઇન્વેસ્ટમેન્ટ-પ્લાન અને મની-મૅનેજમેન્ટ જુએ અને એ પછી પણ મારું તેને એટલું તો કહેવું હોય જ કે તે સેવિંગ્સના અમુક પર્સન્ટ ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખે, જેથી મારી અનિવાર્યતા કે આવશ્કયતા સમયે હું એ વિધડ્રૉ કરી શકું.
ઇન્વેસ્ટમેન્ટમાં બીજી કોઈ વાત મને સમજાતી હોય તો એ કે રિયલ એસ્ટેટમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ ઑલમોસ્ટ ઊગી નીકળતું હોય છે એટલે એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હું પસંદ કરું. ગોલ્ડ આજે પણ સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. નાનો હતો ત્યારે સાંભળતો કે માણસ પાસે સોનું હોય તો તે કાળી રાતે પણ હેરાન થાય નહીં. તમે માનશો નહીં, પણ કરીઅર નવી-નવી હતી ત્યારે હું સોનાનું એકાદ ઑર્નામેન્ટ પણ આ જ કારણે પહેરતો કે ક્યાંય પણ અટવાઈએ તો તરત જ એ ઑર્નામેન્ટને એન્કૅશ કરીને તમે ઘરે પાછા આવી જાઓ. બહુ ટિપિકલ કહેવાય એવી આ આર્ગ્યુમેન્ટ લાગી શકે, પણ હું તો કહેતો જ રહું છું કે હું ટિપિકલ અને અમુક બાબતોમાં ઑર્થોડોક્સ છું જ અને આજના સમયમાં ઇન્વેસ્ટમેન્ટ્સ કરવાની બાબતમાં ઑર્થોડોક્સ રહેવામાં સાર છે.
અણસમજને આપવું સદા માન
ક્રિપ્ટો કરન્સી, સ્ટૉકમાર્કેટ, ડિબેન્ચર્સ, મ્યુચ્યુઅલ ફન્ડ્સ અને એવાં બીજાં જે કોઈ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એના વિશે હું વધારે જાણતો નથી અને ખરું કહું તો મને એ બધામાં બહુ દિલચસ્પી પણ નથી. ચાર દશકાથી ચાણક્યનું કૅરૅક્ટર કરું છું એટલે એક વાત બહુ સરળતાથી સમજ્યો છું કે જે તમારું કામ નથી, જે તમારું ફીલ્ડ નથી અને જ્યાં તમે માસ્ટર થવા માગતા નથી ત્યાં સમય કે ક્ષમતા વધારે ઇન્વેસ્ટ કરવાની કોઈ જરૂર નથી. આ વાતને હું ચુસ્ત રીતે પાળું છું અને એને આજ સુધી વળગી રહ્યો છું.
હા, ઘરમાં મને બધું શ્રેષ્ઠ જોઈએ એટલે હું એ દિશામાં વધારે વિચાર નથી કરતો. ઘર કે ફૅમિલી માટે જો કંઈ ખરીદવાનું આવે તો એ બેસ્ટથી પણ બેસ્ટ લેવાનું પસંદ કરું અને એમાં પણ મારો નિયમ ક્લિયર છે કે શ્રેષ્ઠ જગ્યાએથી લેવાનું અને પૂરેપૂરી શ્રદ્ધા સાથે લેવાનું.
નાનપણથી ટ્રેઇનિંગ બચતની
હું તો નાનો હતો ત્યારે નૅચરલી મારી પાસે તો એટલા પૈસા હોય નહીં અને પૉકેટમની જેવો કોઈ શિરસ્તો એ સમયે હતો નહીં. એમ છતાં દિવાળીમાં કે ઘરે મહેમાન આવે ત્યારે હાથમાં જે પૈસા આવતા એ બચત કરવાની ટ્રેઇનિંગ અમને મળી હતી. મેં આ જ ટ્રેઇનિંગ મારાં બાળકોને નાનપણથી આપી, જેથી બચતની તાકાત તેઓ જાણી શકે.
આજે પણ હું માનું છું કે પૈસા ખર્ચવા બહુ સહેલા છે, પૈસા કમાવા પણ બહુ સહેલા છે; પરંતુ જો કોઈ અઘરામાં અઘરું કામ હોય તો એ છે પૈસા બચાવવા. લલચાવે એવી અઢળક લોભામણી ઑફર તમારી સામે હોય અને એ સમયે તમારી જાત પર કાબૂ રાખવો ખરેખર કઠિન છે. મેં જોયું છે કે આપણે ત્યાં મોટા ભાગની મિડલ ક્લાસ ફૅમિલીમાં દર વીકમાં બેથી ત્રણ શૉપિંગ પાર્સલ આવે જ આવે. જોકે હું ગૅરન્ટી સાથે કહું છું કે મારે ત્યાં એવું નથી થતું અને આ ટ્રેઇનિંગ માટે મને ગર્વ છે. ગેરવાજબી રીતે પૈસો ખર્ચાય એના કરતાં બહેતર છે કે વપરાયા વિનાનો રહે.
નાનપણમાં સાંભળેલી બે વાત મારે અહીં તમને સૌને કહેવી છે. પહેલી, વ્યાજને રવિવાર નથી હોતો અને બીજી, ઘરમાં પડેલો પૈસો જમવાનું નથી માગતો.
જો આ બે વાતને જીવનમાં ઉતારી લેશો તો ગૅરન્ટી સાથે કહું છું કે ક્યારેય દુઃખી થવાનું નહીં બને.
સક્સેસ-મંત્ર : ૧૦
પૈસા ખર્ચવા બહુ સહેલા છે, પૈસા કમાવા પણ બહુ સહેલા છે; પરંતુ જો કોઈ અઘરામાં અઘરું કામ હોય તો એ છે પૈસા બચાવવા. બચતની આદત સૌથી મોટી મૂડી છે તમારી.
વાતચીત અને શબ્દાંકન : રશ્મિન શાહ
rashmin.shah@mid-day.com


