Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પાંચ-છ ગુજરાતી ફિલ્મો કર્યા પછી મેં ફિલ્મો માટે ના પાડવાનું શરૂ કર્યું

પાંચ-છ ગુજરાતી ફિલ્મો કર્યા પછી મેં ફિલ્મો માટે ના પાડવાનું શરૂ કર્યું

28 February, 2023 01:29 PM IST | Mumbai
Sarita Joshi | sarita.joshi@mid-day.com

એ ફિલ્મો માટે મારે પંદર-પંદર દિવસ ગુજરાતમાં રહેવું પડતું અને મારો જીવ અહીં, મુંબઈમાં મારાં બાળકો પાસે ચોંટેલો રહેતો. હું નહોતી ઇચ્છતી કે માને જોવા માટે તેઓ ઝંખે અને તેમની ઝંખના તૃપ્ત ન થાય

સંજીવકુમારની સૌથી મોટી ખાસિયત એ હતી કે તે હંમેશાં બધાના કૉન્ટૅક્ટમાં રહે

એક માત્ર સરિતા

સંજીવકુમારની સૌથી મોટી ખાસિયત એ હતી કે તે હંમેશાં બધાના કૉન્ટૅક્ટમાં રહે


આવતા મંગળવારે આપણે મળવાનાં નથી એટલે ધુળેટીની શુભેચ્છાઓ અત્યારે જ આપી દઉં. જે રંગો છે એ જીવનની અલગ-અલગ ખુશીઓ દર્શાવે છે. ચહેરા પર લાગતા એ તમામ રંગો તમારા જીવનમાં એ જ બધી ખુશીઓ લાવે એવી શુભેચ્છા અને સાથોસાથ તમને સૌને એ શુભકામના કે જીવનમાં આવનારા એ તમામ અસૂરનું તમે પણ પ્રહ્‍લાદ બનીને દહન કરો. અસૂરોનું પણ અને અસૂર સમાન એ તમામ કુટેવોનું પણ, જે જીવનને નરક બનાવવાનું કામ કરે છે.

ધુળેટી રમજો, પ્રેમપૂર્વક રમજો, પણ પાણીનો બગાડ ન થાય એનું પણ ધ્યાન રાખજો. પાણી ભલે તમારી પાસે પુષ્કળ હોય, પણ દેશમાં અનેક રાજ્યો એવાં છે જ્યાં પીવાના પાણી માટે લોકોએ માઇલો સુધી ચાલતા જવું પડે છે. પાણી કુદરતની દેન છે, પાણી રાષ્ટ્રીય સંપત્તિ છે અને એ સંપત્તિની રક્ષા કરવી એ આપણા સૌની ફરજ છે. જીવનમાં ફરજ ક્યારેય ચૂકવી નહીં, ક્યારેય નહીં.
lll
આપણે વાત કરતા હતા મારી ગુજરાતી ફિલ્મ ‘રમત રમાડે રામ’ની, તમને કહ્યું એમ, એ ફિલ્મ માટે મને અવૉર્ડ મળ્યો અને એને માટે હું ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં ગઈ હતી. એ સમયે ગુજરાત રાજ્યનો જન્મ થયાને હજી બેચાર વર્ષો જ થયાં હતાં. આ સમારોહમાં ગુજરાતના બીજા મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતા પણ આવ્યા હતા.



‘રમત રમાડે રામ’ પછી મને ઘણી ફિલ્મોની ઑફર આવવા માંડી. મોહન સૈગલ, રાજેન્દ્ર ગુપ્તા, ત્રિમૂર્તિ પ્રોડક્શન્સ જેવા અનેક પ્રોડ્યુસરની ફિલ્મો મને મળી અને હું એ કરતી ગઈ. એક ગુજરાતી ફિલ્મ મળી જેનું ટાઇટલ હતું, ‘જન્મટીપ’, જેને માટે મને બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો. એ પછી મેં ગુજરાતી ફિલ્મ કરી, ‘ખમ્મા મારા લાલ’. મારી ફિલ્મોનાં ખૂબ વખાણ થવા માંડ્યાં અને મને સતત ઑફર આવવાની શરૂઆત થઈ ગઈ. મેં પાંચ-છ ફિલ્મો કરી હશે, પણ એ પછી અચાનક મારો ફિલ્મોમાંથી, કહો કે ગુજરાતી ફિલ્મોમાંથી ઇન્ટરેસ્ટ ઓછો થવા માંડ્યો. ઇન્ટરેસ્ટ ઓછો થવાનું કારણ જો કોઈ હોય તો એ મારાં સંતાનો હતાં. હજી થોડી લાઇનો પહેલાં જ તમને કહ્યુંને કે જવાબદારી, ફરજ ક્યારેય ચૂકવાની નહીં અને મને લાગતું હતું કે ફિલ્મોને કારણે, ખાસ તો ગુજરાતી ફિલ્મોને કારણે હું ક્યાંક ને ક્યાંક ફરજ ચૂકી જઈશ તો?!


lll

બાળકો અહીં મુંબઈમાં રહે અને હું પંદર-પંદર દિવસ ગુજરાતમાં હોઉં એ વાત મને ગળે નહોતી ઊતરતી. શરૂઆતમાં એવું લાગ્યું કે બહુ વાંધો નહીં આવે અને બાળકો તરફથી કોઈ વાંધો આવ્યો પણ નહોતો, પણ મારું મન મુંબઈમાં મારા ઘરમાં ચોંટેલું રહેતું. મને સતત એ લોકો યાદ આવતાં એટલે ધીમે-ધીમે થવા માંડ્યું કે મારે આવું ન કરવું જોઈએ. જો આ લાંબું ચાલ્યું તો બાળકો હેરાન થશે અને બાળકોના ભોગે તો મને કંઈ કરવું પણ નહોતું. મેં તમને કહ્યું હતું એમ, ઘરમાં આવેલી આર્થિક તંગીને કારણે જ મને કામ કરવાનું મન થયું હતું. માગવું મને ક્યારેય ગમ્યું નથી. ગમે પણ કેવી રીતે, હું પોતે બાળક હતી ત્યારથી કમાણી કરવા માંડી હતી, ઘરની જવાબદારી ઉપાડી લીધી હતી, એવા સમયે કેવી રીતે શક્ય બને કે હું બાળકો માટે રાજકુમાર પાસે હાથ લંબાવું. બાળકો માટે પણ હું રાજકુમાર પાસે પૈસા માગતી નહીં અને તેનો હાથ હંમેશાં ખેંચમાં હોય એ પણ હું જોયા કરું એટલે એ રીતે પણ વધારે સંકોચ થાય અને એ સંકોચને ધ્યાનમાં રાખીને જ મેં કામ શરૂ કર્યું હતું.


હવે કામ મને બાળકોથી દૂર લઈ જાય એ હું કેવી રીતે ચલાવું?

મારે અહીં એ સૌને પણ કહેવું છે જે વર્કિંગ વુમન છે, જીવનમાં એક વાત યાદ રાખજો કે તમારું માતૃત્વ રૅર છે, એ ભગવાનની ભેટ છે. આ ભેટનો સહર્ષ સ્વીકાર કરી બાળકની સાથે વધારેમાં વધારે સમય સુધી રહેવાની કોશિશ કરજો. કામ તો આજે છે અને આવતી કાલે નથી, પણ બાળકો આજીવન સાથે રહેવાનાં છે. તેનું નાનપણ, તેની કાલીઘેલી ભાષા, તેણે ઉપાડેલું પહેલું પગલું અને એવી અનેક બીજી વાતો જીવનમાં તમને બીજી વાર જોવા કે સાંભળવા નથી મળવાની, માટે કામના ભોગે એ ગુમાવતા નહીં. જરૂરિયાતને સાચવવાની જ હોય. પતિને કે ફૅમિલીને સાથ આપવાનો જ હોય, પણ માતૃત્વ આવે ત્યારે અંગત સપનાંઓને મહત્ત્વ આપવાને બદલે એ સમયને માણજો. ખરેખર બહુ આનંદ આવશે. આજે જ્યારે આ બધી વાત હું તમારી સાથે શૅર કરું છું ત્યારે મને પણ એટલો જ આનંદ આવે છે. જો એ સમયે મેં થોડું જતું કરવાની ભાવના ન રાખી હોત તો આજે કદાચ ગુજરાતી ફિલ્મોમાં હું ન ધાર્યું હોય, ન કલ્પ્યું હોય એવા સ્થાને હોત, પણ તો મને મારાં બાળકોના એ સ્પર્શ, એ કાલીઘેલી બોલી અને જીવનમાં તેમણે પહેલી વાર કરેલા દરેક કાર્યને માણવાની તક ન મળી હોત.

ઍનીવેઝ, આ જ વાતોએ મને ગુજરાતી ફિલ્મોથી દૂર કરવાનું કામ કર્યું. મને ફિલ્મોની ઑફર બહુ આવતી, પણ ધીમે-ધીમે મેં એની ના પાડવાનું ચાલુ કરી દીધું. કામનો આનંદ અને કામ થકી આવક નાટક દ્વારા ભરપાઈ થતી જતી હતી એટલે મને વધારે ચિંતા પણ નહોતી અને આમ મેં પાંચ-છ ગુજરાતી ફિલ્મો કરીને એક નવી ઊંચાઈને સ્પર્શી લીધા પછી ગુજરાતી ફિલ્મો માટે ના પાડવાનું શરૂ કરી દીધું હતું.

ઘણાને નવાઈ લાગતી, એવું પણ લાગતું કે હું વધારે ફી માટે આવું કરું છું. કોઈ પ્રોડ્યુસર મારી ના સાંભળીને મને વધારે પૈસા પણ ઑફર કરતો, પણ એવા સમયે હું તેમને કહેતી કે ફી કે સ્ટોરી સામે મને જરાય વાંધો નથી, મને વાંધો ગુજરાતમાં ૧૫ દિવસ રહેવા આવવું પડે એની સામે છે. જો તમે મરાઠી કે હિન્દીમાં કંઈ કરતા હો અને મુંબઈમાં જ શૂટિંગ હોય તો વિનાસંકોચ કહેજો. હું ચોક્કસ કામ કરીશ. નાટક હોય તો પણ કહેજો, હું ખુશી-ખુશી એ કરીશ.

lll

નાટક. નાટકની મજા સાવ જુદી જ છે. તમારા અને ઑડિયન્સ વચ્ચે કોઈ આવે નહીં, પડદો ખૂલે એટલે તમે સીધા અનુસંધાન સાથે જોડાઈ જાઓ અને ત્રણ કલાક સુધી એ ૨૦૦૦ આંખો તમને જોયા જ કરે. તમારી લાગણી, તમારો પ્રેમ, તમારો ગુસ્સો, તમારો આક્રોશ, તમારું ખુન્નસ, તમારી એકેક ભાવના તેઓ અનુભવે અને તમારી સાથે ત્રણ કલાક સુધી સતત હસે-રડે. હા, ત્રણ કલાક. હવે નાટકો નાનાં થઈ ગયાં, પણ પહેલાં ત્રિઅંકી નાટકો હતાં અને એનો દરેક અંક એકેક કલાકનો રહેતો. નાટકનો એક શો કરીને તમે રીતસર નિચોવાઈ ગયાં હો, એવો અનુભવ થતો હોય જાણે તમે લેબર-પેઇન સાથે બહાર આવ્યાં છો અને એ પેઇન પછી પણ તમારા ચહેરા પર સતત ખુશી ઝળકતી હોય. મારાં નાટકો ચાલુ હતાં અને એ નાટકો વચ્ચે સંજીવકુમારને પણ નિયમિત મળવાનું થતું. સંજીવકુમારનું સાચું નામ હરિભાઈ જરીવાલા. હું તેને હરિ જ કહેતી.

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2023 01:29 PM IST | Mumbai | Sarita Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK