તરુણાવસ્થાની નવી ફૂટેલી પાંખો ફેલાવવા માગે છે. સાચા-ખોટા રિસ્પૉન્સિસ આભાસી દુનિયા ઘડે છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આજે વૉબલી-ટૂથ પ્યુબર્ટી પછીના કાચી સમજના ગાળાની વાત કરવી છે. રિયલ પ્યુબર્ટી (પુખ્તતા) તો હજી ક્ષિતિજ પર છે. એ બેની વચ્ચેનો ગાળો એ ઍડોલસન્સ, તરુણાવસ્થા. સોળે સાન અને વીસે વાન પહેલાંનો ૮થી ૧૫ વર્ષની ઉંમરનો આ પડાવ છે. સોશ્યલ મીડિયા સહેલાઈથી આ ઉંમરને મેસ્મરાઇઝ કરી શકે છે. ઑસ્ટ્રેલિયાએ ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ લગાવી દીધો છે, કારણ કે વર્ચ્યુઅલ દુનિયા ચકાચૌંધ કરી નાખનારી છે. ઊંડા ઊતરો તો મગજ બહેર મારી જાય એવી છે. તો શા માટે આ જનરેશન એનાથી આટલી ઑબ્સેસ્ડ છે? એનું કારણ તેમને ત્યાં તરત મળતો રિસ્પૉન્સ છે. પપ્પાની આંગળી છોડી દેનારું બાળક કંઈક કરી બતાવવા માગે છે. તરુણાવસ્થાની નવી ફૂટેલી પાંખો ફેલાવવા માગે છે. સાચા-ખોટા રિસ્પૉન્સિસ આભાસી દુનિયા ઘડે છે. જે એમાં ફિટ નથી થઈ શકતા કે જે રિજેક્શન પામે છે તે કાં તો નાસીપાસ થઈ જાય છે અથવા આક્રમક થઈ જાય છે. ઉંમરનો આ ઘણો ભયાનક તબક્કો છે.
જુવેનાઇલ ક્રાઇમના કિસ્સાઓ નવા નથી રહ્યા. માનસશાસ્ત્રીય દૃષ્ટિએ આવા ગુનાઓની પાછળ પોતાની મર્દાનગી બતાવવાની છૂપી ભાવના જ હોય છે. ૧૬ વર્ષના છોકરાએ ૫ વર્ષની બાળકી પર કરેલા દુષ્કૃત્યના સમાચાર વાંચી એક ચકચારી વેબ-સિરીઝ યાદ આવી. નામ છે, ઍડોલસન્સ. માર્ચ મહિનામાં નેટફ્લિક્સ પર આવેલી આ સિરીઝે ઘણો ઊહાપોહ જગાવેલો. ૧૩ વર્ષના વિદ્યાર્થીને તેની ક્લાસમેટની હત્યાના આરોપસર પકડવામાં આવે છે. સ્કૂલ, પરિવાર, સૌને સખત આઘાત લાગે છે. પોલીસ દ્વારા પૂછતાછ થાય છે. સંવાદો દ્વારા તરુણના મગજમાં ઘર કરી ગયેલી ટૉક્સિક મૅસ્ક્યુલિનિટી (વિનાશક મર્દાનગી)ની જે રજૂઆત કરી છે એ વૈચારિક હલચલ મચાવી દેનારી છે. દિગ્દર્શકને જે સામાજિક સંદેશો આપવો છે એ તે અબુધ જણાતા કુમારની વિચક્ષણતાભરી દલીલોથી આપ્યો છે. ઇગ્નૉર કે રિજેક્ટ થયેલો તરુણ પોતાને આલ્ફા મૅન તરીકે પુરવાર કરવા કેટલી હદ સુધી જઈ શકે છે એ બતાવ્યું છે. ડિજિટલ અબ્યુઝ અને ઇમોજિસની ભાષા ન સમજનારી પોલીસ મૂર્ખ પુરવાર થાય છે. ત્યારે સમજાય છે કે સોશ્યલ મીડિયાએ ડર લાગે એટલી હદે જનરેશન-ગૅપ મોટો કરી દીધો છે.
ADVERTISEMENT
બાય ધ વે, મૅનોસ્ફિયર સમજાવતી વેબસાઇટ્સમાંથી વ્યંગાત્મક વાત એ છે કે મને unwoman.org સૌથી સારી લાગી.
- યોગેશ શાહ (યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.)


