તમે તો ટીવી નથી જોતાંને? તો તરત બચાવ કરતાં શું કહે ખબર છે, એ તો બા જોતાં હોય તો ક્યારેક નજર પડી જાય.
નિમિષા વખારિયા ગુજરાતી નાટકો ઉપરાંત હિન્દી ટીવી-સિરિયલ અને ફિલ્મોનાં બહુ જાણીતાં ઍક્ટ્રેસ છે
તમે કોઈને મળો એટલે તે તરત તમને પૂછે, આજકાલ તું કઈ સિરિયલ કરે છે? તમે જવાબ આપો એટલે તરત તે શું કહે છે ખબર છે? અમે તો ઘરમાં ટીવી જોતા જ નથી, અમે તો નેટફ્લિક્સ જ જોઈએ. પછી તમે થોડી વાત કરો એટલે તરત તેના મોઢે આવે કે એ હમણાં ‘અનુપમા’માં તમારી હિરોઇને જે સાડી પહેરી એ કેવી સરસ હતી. આવું આવે એટલે હું તરત સવાલ પણ કરું કે તમે તો ટીવી નથી જોતાંને? તો તરત બચાવ કરતાં શું કહે ખબર છે, એ તો બા જોતાં હોય તો ક્યારેક નજર પડી જાય.
આ દંભ શું કામ? આવી હિપોક્રસી શું કામ રાખવાની? તમે જેને જુઓ એ આ જ પ્રકારે બિહેવ કરશે અને ખાસ મુંબઈમાં તો હું આ જ જોતી આવી છું. તેના ઘરમાં ટીવી ચાલુ થઈ જ ગયું હોય અને જે બે-ચાર ટોચની સિરિયલ છે એ જોવાતી જ હોય, પણ બહાર એવું જ દેખાડે કે અમે તો ટીવી જોતા જ નથી. નેટફ્લિક્સ જોવું એ સ્ટેટસ નથી એ તેમને સમજાતું નથી. આપણા ભણેલા-ગણેલા કહેવાય એ સ્તરના લોકોની હું તમને વાત કરું છું. એ પણ આવો જ દંભ કરતા હોય છે. મળે તો તરત સામે ચાલીને કહે કે આ લોકો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ હવે બંધ કેમ નથી કરતા? કેવું બોરિંગ આવે છે. આવું કહ્યા પછી પાછા આપણને આગલા દિવસની સ્ટોરી કહે કે બોલો, આવું તે કંઈ હોતું હશે?
ADVERTISEMENT
મને કહેવાનું મન થાય કે નહીં કરો ખોટો દંભ, તમને ગમે છે તો તમે સ્વીકારો કે તમે જુઓ છો. તમે કંઈ આપણી ટીવી-સિરિયલ જોતા હશો તો નીચા નથી દેખાવાના કે તમારા સ્ટેટસમાં પણ કંઈ ઘટાડો નથી થવાનો. તમારા દેશમાં તમે તમારા પ્રોગ્રામો ન જુઓ તો બીજા કયા પ્રોગ્રામ જોવાના? હિબ્રૂ કે સ્પૅનિશ કે જૅપનીઝ શો તો તમે નથી જ જોઈ શકવાના અને વાત રહી નેટફ્લિક્સની તો ભાઈ, તમે એમાં સબટાઇટલ ચાલુ રાખીને બેસો છો એ કેમ નથી કહેતા?
મારો વિરોધ તે લોકોની આ આદતનો નથી. મારો વિરોધ તેમના દંભનો છે. તમને ગમે છે એ તમે જુઓ તો એ છુપાવવાની જરૂર નથી. તમે જુઓ છો એટલે જ અમે અમારું કામ કરીએ છીએ. ટીઆરપી આવે છે એટલે તો ઍડ્વર્ટાઇઝર શોમાં ઍડ આપે છે અને એ ઍડ્વર્ટાઇઝ મળે છે એટલે તો ચૅનલ અમારો શો ચાલુ રાખે છે. આ બહુ સિમ્પલ ગણિત છે. તમને શો જોવો નથી ગમતો એવું બોલીને તમે જાતને છેતરો છો, કારણ કે જો તમે શો ન જોતા હો તો કોઈ એ પ્રકારના શો બનાવે જ નહીં. શો બને છે, કારણ કે તમે જુઓ છો અને તમે જુઓ છો તો પછી અમને વખોડવાનું બંધ કરો. આફ્ટરઑલ અમે પણ ઇચ્છતાં હોઈએ કે અમારાં કોઈ વખાણ કરે. વખાણ નહીં કરો તો ચાલશે, પણ એવું તો નહીં દેખાડોઃ હાયલા, અમે તો સિરિયલ જોતા જ નથી. જાવને ખોટાડા...
(નિમિષા વખારિયા_)

