કોક સ્ટુડિયોને નવી ઓળખ આપી ‘કોક સ્ટુડિયો ભારત’ કરતી વખતે રીજનલ સૉન્ગ્સ લાવવાનો વિચાર ગુજરાતી સિંગર આદિત્ય ગઢવીને એવો તો ફળ્યો જેની કોઈ કલ્પના ન કરી શકે. આદિત્યએ ગાયેલું એ ‘ખલાસી’ સૉન્ગ રિલીઝ થયાના સાડાત્રણ મહિનામાં સાડાચાર કરોડથી વધારે લોકો જોઈ..
ફાઈલ ફોટો
‘ખલાસી...’ સૉન્ગ બહુ ચાલ્યું છે. કેવું રીઍક્શન?
નૅચરલી બહુ ખુશ છું. એ બનતું હતું ત્યારે જ અમને લાગતું હતું કે કંઈક નવું સર્જન કરી રહ્યા છીએ. મારા જ ગવાયેલા સૉન્ગની રીલ મને લોકો મોકલે અને એ દિવસમાં દસ-બાર વાર આવે ત્યારે નૅચરલી ખુશી થાય કે આપણે જે વિચાર્યું હતું એ મહેનતે રંગ રાખ્યો.
આખો પ્રોજેક્ટ કઈ રીતે તારી પાસે આવ્યો?
આમ તો આખી વાતને માંડ ૬ જ મહિના થયા છે. ૬ મહિના પહેલાં કોક સ્ટુડિયોની ટીમ તરફથી મને કૉન્ટૅક્ટ કરવામાં આવ્યો. કોક સ્ટુડિયોના અંકિત તિવારીના મનમાં એવું હતું કે કોક સ્ટુડિયોને હવે અલગ રીતે પ્રેઝન્ટ કરી ‘કોક સ્ટુડિયો ભારત’ના રૂપમાં લાવીએ અને એમાં ભારતના અલગ-અલગ મ્યુઝિકને પ્રેઝન્ટ કરીએ. મને કૉન્ટૅક્ટ કરવામાં આવ્યો ત્યારે વાત એક ગુજરાતી સૉન્ગની હતી. એ સમયે મને વધારે કશી ખબર નહોતી, પણ ઑનલાઇન મીટિંગ સમયે મને ખબર પડી કે ‘સ્કૅમ 1992’ અને ‘મોનિકા માય ડાર્લિંગ’ જેવી ફિલ્મ અને વેબ-સિરીઝમાં મ્યુઝિક આપનાર અચિંત આપવાના
છે અને ગીત સૌમ્ય જોષી લખવાના છે. સૌમ્યભાઈનું નામ તો ગુજરાતી જાણતો ન હોય એવું બને જ નહીં અને મને તો તેમની સાથે ‘હેલ્લારો’માં કામ કરવાની તક પણ મળી હતી. ‘હેલ્લારો’ના ગીત તેમણે લખ્યાં હતાં અને એમાંથી મેં એક ગીત ગાયું હતું. આ બે નામ આવ્યા પછી હું જબરદસ્ત ચાર્જ થઈ ગયો હતો. તમે માનશો નહીં, પણ મેં મારા એક ફ્રેન્ડને
કહ્યું પણ હતું કે મારે અચિંત સાથે કામ કરવું છે. તેનું મ્યુઝિક સાંભળતો ત્યારે મને થતું કે અમારા બેઉની ટેસ્ટ સરખી છે, પણ મોકો નહોતો મળતો...
સૌમ્ય જોષી, અચિંત અને એમાં પણ કોક સ્ટુડિયો. ગમતા લોકોને ગમતું પ્લૅટફૉર્મ, બીજું શું જોઈએ આપણને. આપણે રાજી રાજી... માનોને કે મને તો ગોળનું ગાડું મળી ગયું.
ADVERTISEMENT
કોક સ્ટુડિયો નિયમિત ફૉલો કરતો?
અરે, વધારે પડતો નિયમિત. તમને એક વાત કહું. વર્ષો પહેલાં કોક સ્ટુડિયો પર ‘જુગની’ ગીત સાંભળ્યું ત્યારથી મારા મનમાં એમ કે આપણે પણ આવું કંઈક ડેવલપ કરવું. એ પછી ૨૦૧૪માં મેં મારું સિંગલ ‘હંસલા’ બનાવ્યું તો એમાં પૂરેપૂરી ઇન્સ્પિરેશન કોક સ્ટુડિયો અને એના ‘જુગની’ સૉન્ગની. આજે પણ તમે બન્ને સૉન્ગ જુઓ તો તમને ખ્યાલ આવી જાય.
‘ખલાસી’માં પછી આગળ શું થયું?
પહેલી ઑનલાઇન મીટિંગમાં મેં હા પાડી દીધી એટલે મીટિંગ ચાલુ થઈ. મીટિંગ દરમ્યાન નક્કી થયું કે આપણા ગીતની થીમ હશે ‘ખલાસી.’ તમને મનમાં થાય કે ખલાસી શું કામ તો એ કહી દઉં. દેશઆખામાં સૌથી મોટો દરિયાકાંઠો ગુજરાત પાસે છે. ૧૬,૦૦૦ કિલોમીટરનો દરિયાકાંઠો છે, જેને ખેડવા માટે આપણા ભાઈઓ હામ ભીડીને રોજ દરિયામાં ઊતરે છે અને એ પછી પણ એ લોકોની હામ, એ લોકોની ધીરજને લઈને ગીતો નથી લખાયાં અને ધારો કે લખાયાં હોય તો બહુ પૉપ્યુલર નથી થયાં.
અચિંત પાસે મ્યુઝિકનું સ્ક્રૅચ વર્ઝન તૈયાર હતું એટલે તેણે તરત જ અમને એ સંભળાવ્યું અને સૌમ્યભાઈએ એ જ મીટિંગમાં ‘ખલાસી’ ગીતનો પહેલો શબ્દ આપ્યો... ગોતી લો. અને આમ ‘ખલાસી’ની જર્ની શરૂ થઈ.
ખલાસી જ શું કામ, બીજું પણ ઘણું છે જે ગુજરાતમાં...
અરે હા, અગત્યની વાત કહેવાની રહી ગઈ. અહીં વાત ખલાસી એટલે કે ખારવાની છે, પણ એ પ્રતીકરૂપે છે. વાત દરેકેદરેક વ્યક્તિની છે, કારણ કે માણસમાં પોતાનામાં દરિયો ઘૂઘવાતો હોય છે અને એની સફરે માણસ નીકળતો જ હોય છે. જુઓ તમે, સૉન્ગમાં એક લાઇન છે, ‘નથી જે મજામાં... ખાલી વાવટા ધજામાં.’ માણસની પોતાની ભીતરમાં જર્ની ચાલતી જ હોય, એ પ્રવાસે નીકળેલો જ હોય. જેમ ખલાસી પોતાની હોડી લઈને દરિયામાં ઊતરે અને જર્ની કરે છે એવી જ રીતે દરેક માણસ પણ પોતાની અંદર ઊતરતો જ હોય છે અને એની પણ જર્ની ચાલતી જ હોય છે. કહેવાનો મતલબ એ કે અહીં માત્ર દેખાય છે એ દરિયાની નહીં, પણ ભીતરમાં ઘૂઘવાટા મારે છે એ દરિયાની વાત પણ છે.
સૉન્ગમાં તારું ઇન્પુટ કેટલું?
અહીં તારા અને મારાની કોઈ વાત જ નથી અને જ્યારે એવી વાત નથી હોતી ત્યારે જ મિરૅકલ સર્જાય છે. ‘ખલાસી’ સૉન્ગ અમારા સૌનું છે, પણ હા, હું કહીશ કે અમને બધાને આગળ લઈ જવાનું કામ અચિંત અને સૌમ્યભાઈએ કર્યું છે. જેને જ્યાં પણ જરૂરી લાગે ત્યાં ઇન્પુટ આપે અને એ ઇન્પુટથી વન-અપ થતું હોય તો બધા એ સ્વીકારી પણ લે. ઇન્પુટની જ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહું.
શરૂઆતની ઑનલાઇન મીટિંગ પછી અમારી મુંબઈમાં પણ રેગ્યુલર મીટિંગ થતી. એક મીટિંગ વખતે સૌમ્યભાઈએ નવી લાઇનો સંભળાવી અને એ પછી અચિંતે તરત એ લાઇનો મીટર પર ગોઠવી અમને સામે સંભળાવી. એ સાંભળતાં-સાંભળતાં મને થયું કે આપણે આ ગીતમાં ચારણી શૈલીના છંદ છપાકરું ઍડ કરીએ તો મજા પડી જાય. આ જે છપાકરું છે એ આજે પણ ચારણોમાં પૉપ્યુલર છે, પણ હવે એનો ઉપયોગ ઘટી ગયો છે એ પણ એટલું જ સાચું છે. છપાકરું તમે સાંભળો તો તમને આજનું રૅપ જ લાગે, પણ છપાકરું તો સદીઓ પહેલાં ઘડાયેલો છંદ છે. જ્યારે ગવાતો હોય ત્યારે એમાં બોલાતા શબ્દો પણ હોય અને રિધમ સાથે ગવાતું ગીત પણ હોય. તમે વાંચશો કે ફરી ‘ખલાસી’ ગીત સાંભળશો એટલે તમને ખ્યાલ આવી જશે. અહીં વાંચી જુઓ.
કિનારે તો ખાલી પડે
નાની નાની પગલી ને
નાના એવા સપનાની
રેતવાળી ઢગલી ને
તોફાનો તરાપ મારે
હલેસાંઓ હાંફી જાય
તોય જેની હિંમત અને
હામ નહીં હાંફે
એવો ખારવો ખલાસી
એવો હાડનો પ્રવાસી
એવો ખારવો ખલાસી
એવો હાડનો પ્રવાસી
ગોતી લો
ગોતી લો...
અહીંથી ફરી ગીતની રિધમ આવી જાય છે.
મેં વાત કરી અને પછી તરત જ તેમને છપાકરું સંભળાવ્યું. બધાને બહુ ગમ્યું એટલે બીજું અને ત્રીજું છપાકરું સંભળાવ્યું અને બધાને મજા પડી ગઈ. નક્કી થયું કે આપણે ગીતમાં છપાકરું છંદ ઉમેરીએ પણ એને માટે સીધેસીધું ચારણી સાહિત્યમાંથી લેવાને બદલે આપણે છપાકરું પણ ક્રીએટ કરીએ અને નવી જ લખી. તમે માનશો નહીં, પણ અમને બધાને અત્યારે બે વાતની ખુશી સૌથી વધારે છે. ગુજરાતી ફોકની વાત આવે ત્યારે સીધો સૌની નજરમાં ગરબો આવે. અમે ગરબા સિવાય કંઈ અલગ દુનિયાને આપ્યું, જે પ્યૉર ગુજરાતી છે અને બીજું, લોકો એવું ધારે છે કે આ કોઈ ફોક-સૉન્ગ છે, પણ ના, એવું નથી. આ આખેઆખું ૨૦૨૩માં લખાયેલું સૉન્ગ છે, પણ એમાં આપણાં લોકગીતોનાં રૂટ્સ અકબંધ છે અને એટલે એ ફોક જ લાગે છે.
રેકૉર્ડિંગ સમયની કોઈ ખાસ મેમરી?
બહુ બધી અને એ પછી એક પણ નહીં...
(હસે છે) સમજાવું. આ સૉન્ગ રેકૉર્ડ કરવામાં અમને હાર્ડલી ૨૦ મિનિટ લાગી છે! હા, ફક્ત ૨૦ મિનિટ. એક તો વાત ક્લિયર હતી કે અમારે એ રૉ ફૉર્મેટમાં રહેવા દેવું એટલે એનો રિયાઝ પણ અમે બહુ કર્યો નહીં. રૉ ફૉર્મેટ જ આ ગીતની બ્યુટી છે. આ સૉન્ગ તૈયાર થતું હતું ત્યારે જ બધાને ખબર પડી ગઈ હતી કે એના શબ્દો ભલે ગુજરાતી હોય, પણ એની ટ્યુન ગ્લોબલ છે.
આ જ કારણ હશે કે લોકોએ આ સ્તરે એને સ્વીકારી લીધું.
મારી વાત કહું તો, રેકૉર્ડ થયેલું સૉન્ગ મેં બધાને સંભળાવ્યું તો બધાને બહુ ગમ્યું, પણ મારા મનમાં એવું હતું કે ગુજરાતી ગીત છે એટલે ગુજરાતીઓમાં પૉપ્યુલર થશે, પણ અત્યારે તો ‘ખલાસી’એ બધી બાઉન્ડરી તોડી નાખી છે. પંજાબીઓ પણ એનાં મીમ્સ બનાવે છે અને બંગાળી ગર્લ્સ પણ એના પર ડાન્સ કરે છે. એ બધાં રીલ્સ, શૉર્ટ્સ અને મીમ્સમાં મારી ફેવરિટ રીલની વાત કરું. ઍક્ચ્યુઅલી એ રીલ પણ નહોતી, સાચો વિડિયો હતો.
ચારેક વર્ષનું બાળક ઘરમાં પેરન્ટ્સ પાસે ગીત સાંભળવાની જીદ કરે છે અને પેરન્ટ્સ માનતા નથી એટલે તે રીતસર રડી પડે છે. તેની આંખમાં આંસુ આવી જાય છે એટલે પેરન્ટ્સ તેની સામે ટીવી ચાલુ કરી ‘ખલાસી’ સૉન્ગ મૂકી દે છે. છોકરો રોતાં-રોતાં પણ એની તોતડી બોલીમાં ‘ગોતી લો... ગોતી લો...’ ગીત ગાય છે. શબ્દો શું છે, અર્થ શું, ભાષા કઈ છે એની ખબર ન હોવા છતાં, જે તમને જુદાં જ વાઇબ્રેશન આપે એનું નામ મ્યુઝિક. મ્યુઝિકની આ જ કમાલ છે અને કદાચ એટલે જ કહેવાતું હશે કે ભગવાનનો સાક્ષાત્કાર એટલે સંગીત.
બાય ધ વે, આદિત્ય ગઢવી ‘ખલાસી’ના ‘ગોતી લો...’ પછી શું શોધશે?
આવું જ એક મસ્ત ગીત, જે મને તો મજા કરાવે, પણ પછી એ સાંભળતી વખતે જેટલી વાર
બીજા મજા કરતા હોય ત્યારે મારી મજા ડબલ કરાવી દે...

