Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બૉક્સ-ઑફિસના નિરાશાજનક કલેક્શને આપેલો ઉચાટ અને એ ઉચાટમાંથી જન્મેલું સાહસ

બૉક્સ-ઑફિસના નિરાશાજનક કલેક્શને આપેલો ઉચાટ અને એ ઉચાટમાંથી જન્મેલું સાહસ

27 February, 2023 02:55 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

‘એક સાંવરિયો બીજો બાવરિયો’ સમયે અમારાં બીજાં પણ ચાર નાટકો ચાલતાં હતાં, પણ મને સમજાવા લાગ્યું હતું કે માત્ર રંગભૂમિ પર નિર્ભર રહેવાથી કંઈ વળવાનું નથી, કંઈક નવું કરવું પડશે

બૉક્સ-ઑફિસના નિરાશાજનક કલેક્શને આપેલો ઉચાટ અને એ ઉચાટમાંથી જન્મેલું સાહસ

બૉક્સ-ઑફિસના નિરાશાજનક કલેક્શને આપેલો ઉચાટ અને એ ઉચાટમાંથી જન્મેલું સાહસ


નાટક ‘એક સાંવરિયો બીજો બાવરિયો’ ઓપન થયાના બીજા જ અઠવાડિયે અમારે લીડ ઍક્ટ્રેસ નમ્રતા પાઠકનું રિપ્લસમેન્ટ શોધવું પડ્યું અને એની જગ્યાએ અમે લીના શાહને લાવ્યા. આ નાટકના અમે ૧૮૯ શો કર્યા. ‘એક સાંવરિયો બીજો બાવરિયો’ અમે ઓપન 
કર્યું એ સમયે ‘સંસારની સેમી ફાઇનલ’, ‘સુખને સેવ કરો, દુઃખને ડિલીટ કરો’, ‘આ ફૅમિલી ફૅન્ટાસ્ટિક છે’ અને ‘ઝીરો બની ગયો હીરો’ એમ અમારાં બીજાં ચાર નાટકો પણ ચાલતાં હતાં અને બધાં નાટકો લૅન્ડમાર્ક કહેવાય એવાં હતાં અને એ પછી પણ મારા મનમાં એક અજંપો, એક ઉચાટ સતત રહ્યા કરતો હતો.
આ જે ઉચાટ હતો એ ગુજરાતી રંગભૂમિની નીરસ બૉક્સ-ઑફિસને લઈને હતો. ટિકિટબારી પર કલેક્શન ઓછું થવા માંડ્યું હતું. લોકો નાટક જોવા આવતા નહોતા. અહીં હું વાત નાટકની ટિપિકલ ઑડિયન્સની નથી કરતો, પણ નવી ઑડિયન્સની વાત કરું છું. નવી ઑડિયન્સ એટલે કે યંગસ્ટર્સ, જેઓ નાટક જોવા આવતા નહોતા. તેઓ મલ્ટિપ્લેક્સ સુધી જવા રાજી હતા, પણ ઘરઆંગણે નાટકનો શો હોય તો પણ નાટક જોવા તૈયાર નહોતા. મિત્રો, મને સ્પષ્ટ દેખાતું હતું કે નવી જનરેશનને ગુજરાતી ભાષા માટે પ્રેમ-આદર રહ્યા નહોતા અને એ જ કારણ હતું કે ગુજરાતી બોલવામાં તેમની ફ્લુઅન્સી પણ નહોતી. યંગસ્ટર્સ જે રીતે ગુજરાતી રંગભૂમિથી પીઠ ફેરવીને બેઠા હતા એ જોઈને મને લાગતું હતું કે સમય આવી ગયો છે કે તમારે નવી દિશામાં કંઈક વિચારવું જોઈએ. બૉક્સ-ઑફિસની જાહોજલાલીના દિવસો મેં મારી સગી આંખે જોયા છે.

‘ચિત્કાર’ના ઍડ્વાન્સ પૅક્ડ શો મેં જોયા છે, ‘બા રિટાયર થાય છે’માં પણ લોકોને થિયેટરથી ટિકિટ ન મળતાં પાછા જતા મેં જોયા છે. ‘દેરાણી જેઠાણી’ નાટકમાં પણ અમે જબરદસ્ત કહેવાય એવું બૉક્સ-ઑફિસ કલેક્શન લીધું છે. ‘જલસા કરો જયંતીલાલ’થી લઈને ‘લાલીલીલા’ જેવાં નાટકોમાં પણ અમે ખાસ્સા એવા પૈસા રળ્યા છે તો ‘અમે લઈ ગયા, તમે રહી ગયા’ જેવું ટિકિટબારી પર માઇલસ્ટોન કહેવાય એવા નાટકનું કલેક્શન પણ મેં જોયું છે.
વાત આગળ વધારતાં પહેલાં એક 
ચોખવટ કરું કે હું વાત અહીં બૉક્સ-ઑફિસની કરું છું અને ગુજરાતી નાટક જો ટિકિટબારી પર ચાલે તો નિર્માતાને સાચા અર્થમાં પ્રૉફિટ થાય. ૨૦૦ શો થયા હોય, પણ જો નાટક બૉક્સ-ઑફિસ પર નહીં, ચૅરિટી શોમાં ચાલ્યું હોય તો એમાં માત્ર ખર્ચા નીકળ્યા બાદ થોડોઘણો પ્રૉફિટ થયો હોય, પણ જો નાટકના ૧૦૦ જ શો થયા હોય અને એ બૉક્સ-ઑફિસ પર એણે કમાલ દેખાડી હોય તો નિર્માતા સાચા અર્થમાં બે પાંદડે થાય, પણ હવે એવા દિવસો રહ્યા નહોતા અને આજે પણ એવા દિવસો નથી જ નથી.નાટકના કલાકારો અને તેમની લાઇફ ચૅરિટી એટલે કે સોશ્યલ ગ્રુપોના શો પર આશ્રિત થઈ ગઈ અને એ જ કારણે અમારે અમારાં નાટકો પણ એ લોકોને ગમે એવાં બનાવવાની ફરજ પડી, જેનો હું પ્રામાણિકપણે સ્વીકાર કરું છું. આજે ઘણા એવું પૂછે કે પહેલાં જેવાં નાટકો કેમ નથી આવતાં ત્યારે મને સામે સવાલ કરવાનું મન થાય કે પહેલાં જેવા પ્રેક્ષકો કેમ નથી જોવા મળતા?!


નવા પ્રેક્ષકો આવતા જ નથી અને જે જૂના પ્રેક્ષકો છે એ બીબાઢાળ નાટકો જોવા માટે ટેવાયેલા છે. પડદો ખૂલે એટલે તેમને ઘરની ડ્રૉઇંગરૂમ જ જોવી છે અને એમાં ચાલતી વાતો જ સાંભળવી છે. આ જ કારણ છે કે આપણી ગુજરાતી રંગભૂમિ પ્રોગ્રેસિવ બનવાને બદલે રિગ્રેસિવ થતી જાય છે. અમે જ ‘બા રિટાયર થાય છે’ બનાવ્યું હતું અને અમે જ ‘કરો કંકુનાં’ નાટક બનાવીને પચીસથી વધારે કલાકારોના કાફલા સાથે નાટક કર્યું હતું. ‘સૂર્યવંશી’ અને ‘ચક્રવર્તી’ પણ અમે જ બનાવ્યાં અને ‘ઓળખાણ’, ‘અમે બરફનાં પંખી’, ‘કોઈ ભીંતેથી આયના ઉતારો’ પણ અમે જ બનાવ્યાં. કહેવાનો અર્થ એ કે અમને આવડતું નથી એવું બિલકુલ નથી, આવડે જ છે અને અમારે પણ એ જ કરવું છે, પણ ઑડિયન્સનો અભાવ અમને નડે છે. સાચું કહું તો આ જે પરિસ્થિતિ છે એમાં અમારી હાલત દુર્યોધન જેવી થઈ ગઈ છે. ધર્મ જાણીએ છીએ, પણ એને આચરી શકતા નથી.

ઉચાટ અને અજંપાની એ પરિસ્થિતિ વચ્ચે મને થયું કે મારે ગુજરાતી રંગભૂમિની સાથોસાથ બીજા વ્યવસાયમાં પણ દાખલ થવું જોઈએ. તમને કહ્યું એમ, મને જે કામ આવડે એ રંગભૂમિનું, હવે એમાં હું બીજી તો કઈ લાઇન શોધવા કે ડેવલપ કરવા જવાનો, એટલે નૅચરલી તમારા મનમાં વાત આવે સબસિડિયરી લાઇનની અને રંગભૂમિની સબસિડિયરી લાઇન એટલે ફિલ્મ અને સિરિયલ પ્રોડક્શન.


મેં એના વિશે વધારે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું અને એ વિચારની ફળશ્રુતિરૂપે મને સમજાયું કે ફિલ્મ-પ્રોડક્શનમાં જવાનું મારું ગજું નથી અને એવું જ ટીવી-સિરિયલનું પણ. જોકે વધારે વિચાર કરતાં મને થયું કે મારે ટીવી-સિરિયલમાં કશું કરવું જોઈએ. પ્રૉફિટ પણ સારો અને જો વેપારી બુદ્ધિથી કામ કરીએ તો નુકસાનીની બીક પણ નહીં. મને થયું કે જો હું મહેનત કરું તો કદાચ ધીમે-ધીમે હું એ કામ શીખી શકીશ અને એમાં મને શંકા પણ નહોતી, કારણ કે નાટક પણ હું શીખીને તો આવ્યો જ નહોતો.

મારા એક મિત્ર છે, વિનય પરબ. જેના વિશે ભૂતકાળમાં પણ આપણે વાત થઈ છે. ભાઈદાસ ઑડિટોરિયમના મૅનેજર અને અત્યારે મુકેશ પટેલ ઑડિટોરિયમનો કાર્યભાર સંભાળે છે. અમે બેઠા હોઈએ ત્યારે હું તેમની સાથે મારા મનની આ બધી મૂંઝવણ રજૂ કરું અને એકબીજાને જવાબ આપતાં-આપતાં અમે એમાંથી સોલ્યુશન કાઢીએ.
એક દિવસ વિનય પરબે મને કહ્યું કે કેદાર શિંદે એક સિરિયલ બનાવે છે, જેને માટે તે મારી પાસે ફાઇનૅન્સ માગે છે. મેં કહ્યું કે હું પૈસા એક જ શરતે આપું, જો સંજય ગોરડિયા પ્રોડક્શન સંભાળવા તૈયાર હોય તો. આગળ બોલતાં કહ્યું કે વર્કિંગ પાર્ટનર તરીકે તું જૉઇન થઈ જા.
મારા માટે તો આ ભાવતું’તું ને વૈદ્યે કીધું જેવો ઘાટ સર્જાયો.
એ મરાઠી સિરિયલ હતી, મેં મારી જાતને ટપારીને કહી દીધું કે મરાઠી તો મરાઠી, આપણે કામ શીખવું છે અને કામની કોઈ ભાષા નથી હોતી. 
અને આમ હું એ આખા પ્રોજેક્ટમાં જોડાઈ ગયો.
કેદાર શિંદેને બહુ જચ્યું નહીં, પણ કેદાર પાસે પૈસા હતા નહીં એટલે કામ આગળ વધારવા માટે પણ તેણે હા પાડ્યા વિના છૂટકો નહોતો.

પ્રોજેક્ટમાં દાખલ થતાં જ મેં પૈસાની બાબતમાં ટ્રાન્સપરન્સી આવે એવા હેતુથી પહેલું જ સૂચન કર્યું કે આપણે એક પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવીએ, જેમાં મારા સહિત કેદાર શિંદે અને વિનય પરબ ત્રણેય સરખા હિસ્સાના એટલે કે ૩૩-૩૩ ટકાના પાર્ટનર.
હાઉસફુલ એન્ટરટેઇનમેન્ટ.
આ અમારી કંપનીનું નામ હતું. કંપનીનું ફૉર્મેશન થયું એટલે અમે લાગ્યા આગળના કામે, પણ એ કામ વચ્ચે આવી ગયો આજનો વિરામ લેવાનો સમય, તો હવે, હાઉસફુલ એન્ટરટેઇનમેન્ટ અને એની પહેલી સિરિયલની વાત, તો સાથોસાથ મેં લીધેલા મારી લાઇફના સૌથી મોટા ખોટા નિર્ણયની વાત કન્ટિન્યુ કરીશું આવતા સોમવારે...

જોક સમ્રાટ
પતિ-પત્ની સિવાય સાથે જોવા મળતી એક જોડીનું નામ આપો.
.
.
.
વિક્રમ-વૈતાલ

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2023 02:55 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK