અપરાધીને પકડીને ઉચિત સજા કરવાની જેની ફરજ છે એ સરકાર કંઈ કરી શકતી નથી
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય AI
૨૦૦૬માં ૧૮૬ માણસોની હત્યા કરવામાં આવી. આ હત્યા પણ એકસાથે પાંચેક મિનિટના સમયગાળામાં જ કરી નાખવામાં આવી. આ હત્યા કોણે કરી છે એ કોઈ જાણતું નથી. અપરાધીનો ક્યાંય પત્તો નથી. અપરાધીને પકડીને ઉચિત સજા કરવાની જેની ફરજ છે એ સરકાર કંઈ કરી શકતી નથી. કોઈ અપરાધી સરકારને મળતો નથી અને જે મળે છે તેને વીસ-વીસ વરસની સજા કર્યા પછી પણ તે અપરાધી નથી એવું સિદ્ધ થાય છે. અપરાધી નથી એમ સિદ્ધ કર્યા પછી પણ તે નિર્દોષોને વીસ-વીસ વરસ સુધી જેલના સળિયા પાછળ તો રાખ્યા જ છે. તેમને ફાંસીની સજા હેઠળ લટકાવી રાખવામાં આવ્યા છે. આ બધો ખેલ ભજવાતો હોય એને તમે શું કહો? આપણે ભણેલા-ગણેલા, સુધરેલા, સુસંસ્કૃત માણસો આ ખેલને ન્યાય કહીએ છીએ.
આવું જ એક ન્યાયનું નાટક હમણાં મુંબઈમાં ભજવાયું. ૨૦૦૬માં આતંકવાદીઓએ મુંબઈમાં એકસાથે બૉમ્બધડાકા કરીને ૧૮૬ માણસોને મારી નાખ્યા. હવે ગુનો થાય એટલે સરકારે ગુનેગારોને તો પકડવા જ પડે. ગુનેગારો જો પકડાય નહીં અને એ ગુનેગારો સામે જો અદાલતી કાર્યવાહી થાય નહીં તો સરકાર સુધરેલી કેમ કહેવાય? સરકારે ગુનેગારોને પકડ્યા. આ ગુનેગારો સામે ન્યાયી કામગીરી કરવા માટે ખાસ અદાલતની નિમણૂક કરી. મુંબઈ હાઈ કોર્ટે હાઈ કોર્ટ કક્ષાના જ બે ન્યાયમૂર્તિઓની આ કેસ માટે જ ખાસ નિમણૂક કરી. મોટા-મોટા વકીલો જેઓ હત્યારાઓને નિર્દોષ ઠરાવવા માટે અને નિર્દોષોને હત્યારા ઠરાવવા માટે કીર્તિવાન થયા હોય, ધનવાન થયા હોય તેમણે અખબારોનાં પાનાંનાં પાનાંઓ ભરી-ભરીને સામસામી દલીલો કરી, અદાલતમાં ગાળાગાળી કરી અને અદાલતનો સમય પૂરો થયા પછી સાથે બેસીને ચા-પાણી પીધાં.
ADVERTISEMENT
અને આમ કાયદેસરની કાર્યવાહી તો થઈ. પેલી સ્પેશ્યલ કોર્ટે, પેલા સ્પેશ્યલ ન્યાયાધીશોએ ન્યાય કર્યો. પકડાયેલા ૧૨ આરોપીઓમાંથી ૭ને આજીવન જન્મકેદની અને પાંચને દેહાંતદંડની સજા કરવામાં આવી. આ બારેબાર ગુનેગારમાંથી જે પાંચને ફાંસીની સજા કરવામાં આવી હતી એ સજાનો અમલ કરવા માટે સરકારે રાષ્ટ્રપતિની અનુમતિ માગતો પત્ર મોકલી આપ્યો હતો. ૭૦ વરસના આપણા સ્વાતંત્ર્યોત્તર ન્યાયિક ઇતિહાસના અનુભવે આપણે જાણીએ છીએ કે ફાંસીની સજાનો અમલ રાષ્ટ્રપતિ તાબડતોબ કરતા નથી. રાષ્ટ્રપતિ બહુ દયાળુ છે. મહિનાઓ તો ઠીક, વરસો સુધી દયાની અરજી અથવા સજાનો અમલ ટેબલના ખાનામાં પડી રહે છે.
આને શું કહેવાય?
હવે આટલું થયા પછી ફાંસીની સજાનો અમલ પેન્ડિંગ હોય. દરમ્યાન આ બારેય જણ અપરાધી તો ઠર્યા જ હતા. તેમને અપરાધી ઠરાવનાર આપણી વર્તમાન ન્યાયિક પદ્ધતિના હાઈ કોર્ટ કક્ષાના જજસાહેબો જ હતા. સજાનો અમલ શરૂ થઈ ગયો અને સામે પક્ષે સરકારે સ્પેશ્યલ કોર્ટના ચુકાદા પર હાઈ કોર્ટમાં અપીલ કરી. હાઈ કોર્ટે ધારાધોરણ મુજબ વરસો કાઢી નાખ્યાં અને હવે હત્યારાઓ વીસ વરસ સુધી જેલ ભોગવી ચૂક્યા છે ત્યારે હાઈ કોર્ટે સ્પેશ્યલ કોર્ટના ચુકાદાને ઊલટાવી નાખ્યો. હાઈ કોર્ટના જે જજસાહેબોએ આ બારેયને ગુનેગાર ઠેરવ્યા હતા એ જ હાઈ કોર્ટના બીજા જજસાહેબોએ નિર્દોષ ઠેરવ્યા. હવે આ અપરાધીઓ નિર્દોષ હતા. આ ચુકાદા સામે સરકાર હવે સુપ્રીમ કોર્ટ પાસેથી નવેસરથી ન્યાય માગે છે. જજસાહેબો એના એ જ હોય છે. અહીંથી ત્યાં અને ત્યાંથી પેલી બાજુ એમ ફાઇલના થોકડા ફર્યા કરે છે અને ન્યાય એક નાટક બનીને ભજવાતું જાય છે. ન્યાય શબ્દ આપણને બધાને ગમે છે. આ રૂપકડો શબ્દ આપણી સાથે જ હોય એવું આપણે સૌ માનતા અને કહેતા હોઈએ છીએ. આ ૧૨ ગુનેગારો પકડાયા, ૨૦ વરસ સુધી ન્યાયપદ્ધતિની ઊથલપાથલ કરીને આપણા ડાહ્યા-ડાહ્યા અને શાણા-શાણા માણસોએ ન્યાય શોધી કાઢ્યો અને પછી કહ્યું કે આને તમારે ન્યાય કહેવો હોય તો ન્યાય કહો અને અન્યાય કહેવો હોય તો અન્યાય કહો, જે છે તે આ છે. હવે સુપ્રીમ કોર્ટમાં ફરી વાર ખાંખાંખોળા શરૂ થશે, ફરી વાર અપરાધીઓની છાનબીન થશે. સાચી વાત તો એ છે કે હવે પછીની છાનબીન આ ૧૨ અપરાધીઓની નહીં પણ તેમનો કેસ ચલાવનાર ન્યાયાધીશોની થવી જોઈએ. જેમને આ ૧૨ હત્યારા લાગ્યા તેઓ પણ ન્યાયપદ્ધતિની ઉપલી કક્ષાના બુદ્ધિમાનો છે, જેમને આ ૧૨ નિર્દોષ લાગ્યા તેઓ પણ એ જ કક્ષાના બુદ્ધિમાનો છે. હવે ત્રીજી વાર બુદ્ધિમાનોનું મહાયુદ્ધ શરૂ થશે અને ન્યાયની સરતપાસ થશે. વાહ ભાઈ વાહ.
ન્યાયદેવી નમો નામ:
આ આવું કેમ થાય છે? ન્યાયદેવીનાં દર્શન આટલી હદે આગળ-પાછળ થાય એ જોતાંવેંત આપણા જેવા સર્વસામાન્ય માણસની આંખ તો અંજાઈ જ જાય. ૨૦ વરસ પછી પણ આપણને કોઈ ગુનેગાર જડતો નથી. ૨૦ વરસ સુધી ૧૮૬ માણસોનાં કમોતને શોધી શકાતાં નથી. આજે જેઓ નિર્દોષ સાબિત થયા છે તેઓ જો ખરેખર નિર્દોષ હોય તો ગુનેગાર કોણ છે? ૨૦ વરસ સુધી એકે અપરાધી પકડાયો કેમ નહીં? પ્રશ્નો ઘણા છે પણ ઉત્તર જડતા નથી. જેમણે આ પ્રશ્નોના ઉત્તર આપવા જોઈએ તેઓ સામસામા પ્રશ્નો જ કર્યા કરે છે એને જો ન્યાયપદ્ધતિ કહેવાતી હોય તો ન્યાય પર સરેરાશ માણસને વિશ્વાસ શી રીતે રહેશે?
પ્રત્યેક માણસમાં મતિભેદ હોય, પણ આ મતિભેદ આટલી હદે સામસામે છેડે જાય ત્યારે ન્યાયની શોધ કરવી અઘરી થઈ જાય છે. આપણે આજે હવે કશું નથી કહેવું. માત્ર આંખ ફાડીને ન્યાયની દેવીને નમસ્કાર કરતાં એટલું જ કહેવું છે : ક્યા બાત હૈ?


