Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજેટ સુધી માર્કેટનો મૂડ બુલિશ રહેવાના સંકેત!

બજેટ સુધી માર્કેટનો મૂડ બુલિશ રહેવાના સંકેત!

06 January, 2020 12:40 PM IST | Mumbai Desk
Jayesh Chitaliya

બજેટ સુધી માર્કેટનો મૂડ બુલિશ રહેવાના સંકેત!

બજેટ સુધી માર્કેટનો મૂડ બુલિશ રહેવાના સંકેત!


નાણાપ્રધાનની જંગી ખર્ચની નવી જાહેરાત, સારા ગ્લોબલ સંકેત, ઇકૉનૉમિક રિકવરી માટે વધતા જતા આશાવાદ સહિતનાં કારણોને લઈને ગયા સપ્તાહમાં બજારે બુલિશ ટ્રૅન્ડ ચાલુ રાખ્યો હતો. ખાસ વાત એ હતી કે મિડ કૅપ અને સ્મોલ કૅપ સ્ટૉકસને પણ કરન્ટ મળવાનો આરંભ થયો હતો. હવે બજેટ સુધી બજારનો મૂડ પણ બુલિશ રહે તો નવાઈ નહીં. અલબત્ત ક્યાંક અને કંઈક અંશે ક્રૂડની વિપરીત અસર સંભવ થઈ શકે

આગલા શુક્રવારે ઉછાળા અને નવી ઊંચાઈ સાથે પૂર્ણ થયેલા સપ્તાહ બાદ ગયા સોમવારે બજારની શરૂઆત પૉઝિટિવ થઈ હતી, જે થોડા સમયમાં જ નેગેટિવ થઈ ગયું હતું. જોકે નવી ઊંચાઈએ બજારમાં નફો બુક થવો સહજ હતું. તેમ છતાં સેન્સેક્સ માત્ર ૧૭ પૉઇન્ટ માઈનસ રહ્યો અને નિફ્ટી ૧૦ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યો હતો. નોંધનીય વાત એ હતી કે સ્મોલ અને મિડ કૅપ સ્ટૉક્સ પ્લસમાં રહ્યા હતા. વધુ પડતા વધી ગયેલા ભાવવાળા (ઓવરવેલ્યુડ) લાર્જ કૅપ સ્ટૉક્સમાં પ્રૉફિટ બુકિંગનું ચલણ વધુ હતું. બ્રોડર માર્કેટમાં નાણાપ્રવાહ ચાલુ રહ્યો હતો. માર્કેટ એનાલિસ્ટ વર્ગના મતે નવા વરસમાં સ્મોલ અને મિડ કૅપ સ્ટૉક્સ ચાલવા જોઈએ, તેમાં ભાવ વાજબી અથવા નીચા લેવલે છે, જોકે વર્ષના પ્રથમ છમાસિક સમયગાળાને બદલે તેને પિકઅપ થવામાં બીજા છમાસિક ગાળાનો સમય લાગી શકે છે. ઇકૉનૉમી રિવાઈવલ સાથે આ સ્ટૉક્સમાં નવું ટ્રિગર આવશે.
મંગળવારે બજારે પ્રૉફિટ બુકિંગનો ટ્રેન્ડ દર્શાવ્યો, વરસના અંતિમ દિવસે માર્કેટ નબળું અને નકારાત્મક રહ્યું હતું. જેમાં સેન્સેક્સ ૩૦૪ પૉઇન્ટ અને નિફ્ટી ૮૭ પૉઇન્ટ માઈનસ થઈને અનુક્રમે ૪૧૨૫૩ અને ૧૨૧૬૮ બંધ રહ્યા હતા. ગ્લોબલ માર્કેટ પણ પ્રૉફિટ બુકિંગને લીધે નબળી રહી હતી. વરસના અંતિમ દિવસે સાર્વત્રિક વેચવાલી રહી હતી. એશિયન માર્કેટમાં પણ ડાઉન ટ્રેન્ડ હતો. આમ ૨૦૧૯નો અંતિમ દિવસ માર્કેટ માટે નબળો રહ્યો હતો.
પ્રથમ દિવસની પૉઝિટિવ શરૂઆત
જોકે નવા વરસનો પ્રથમ દિવસ બજાર માટે પૉઝિટિવ રહ્યો હતો. ઓવરઓલ સકારાત્મક સંકેતને પરિણામે સેન્સેક્સ ઘટતો અટકી ફરી વધવાતરફી બન્યો હતો અને બાવન પૉઇન્ટ વધીને ૪૧૩૦૬ બંધ રહ્યો, જ્યારે નિફ્ટી ૧૪ પૉઇન્ટ પ્લસ સાથે ૧૨૧૮૨ બંધ રહ્યો હતો. ગુરુવારે વળી ધમાકેદાર શરૂઆત થઈ હતી નાણાપ્રધાને કરેલી જંગી ખર્ચની જાહેરાતની અસર છવાઈ હતી, જેણે ઇકૉનૉમિક રિકવરીના આશાવાદમાં ઉમેરો કર્યો હતો. ફૅકટરી ઉત્પાદનની પ્રવૃત્તિમાં પણ કરન્ટ નોંધાયો હતો. આ સાથે સેન્ટિમેન્ટમાં સુધારો પણ આગળ વધતા સેન્સેક્સ ૩૨૦ પૉઇન્ટ અને નિફ્ટી ૧૦૦ પૉઇન્ટ પ્લસ થઈ નવી ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા. ગ્લોબલ સંકેત પણ સુધારાતરફી રહેતા ભારતીય માર્કેટને વધુ બુસ્ટ પ્રાપ્ત થયું હતું. ગુરુવારની મહત્ત્વની બાબત એ હતી કે માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી અને મિડ કૅપ તથા સ્મોલ કૅપ સ્ટૉક્સને પણ કરન્ટ મળવાનો શરૂ થયો હતો.
પ્રૉફિટ બુકિંગ અને ક્રૂડની અસર
શુક્રવારે ધારણા મુજબ અને જેની જરૂર હતી એ થયું, માર્કેટમાં પ્રૉફિટ બુકિંગનું કરેકશન આવ્યું. શરૂઆત જ ઘટાડા સાથે થઈ હતી. આમ પણ સતત નવી ઊંચી સપાટી સાથે માર્કેટ ઓવરવેલ્યુડ થઈ ગયું હોવાનું કહેવાતું રહ્યું હતું. જોકે શુક્રવારે ઈરાન અને યુએસ વચ્ચે તણાવ સર્જાતા માર્કેટમાં જિઓપોલિટિકલ ટેન્શન પણ ફેલાયુ હતું તેમ જ નફો બુક થવાનું કારણ તો હતું જ. જેને પરિણામે સેન્સેક્સ ૧૬૨ પૉઇન્ટ માઈનસ થઈ ૪૧૪૬૪ બંધ રહ્યો હતો અને નિફ્ટી ૫૫ પૉઇન્ટ માઈનસ થઈ ૧૨૨૨૬ બંધ રહ્યો હતો. યુએસ-ઈરાન તણાવને કારણે ક્રૂડના ભાવ વોલેટાઈલ થઈ જવાની ભીતિ અને તેની અસર નવા સપ્તાહમાં પણ અમુક અંશે રહી શકે છે. બાકી ગ્લોબલ અને બજેટના સંકેત સાથે ટ્રેન્ડ તેજીતરફી રહેવાની શકયતા ઊંચી છે. અલબત્ત ઊંચામાં પ્રૉફિટ બુકિંગ કરવામાં અને મોટા ઘટાડામાં ખરીદી કરવામાં શાણપણ રહેશે.
રિવાઈવલ માટે જંગી ખર્ચ યોજના
વીતેલા સપ્તાહમાં સૌથી મહત્ત્વની વાત એ હતી કે મંગળવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ૧૦૨ લાખ કરોડ રૂપિયાના જંગી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી. જેનો પાંચ વર્ષમાં અમલ કરાશે. ઇકૉનૉમીને વેગ આપવામાં આ ખર્ચ મહત્ત્વની ભૂમિકા ભજવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ ૧૦૦ લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસની જાહેરાત કરી હતી, જે હવે ૧૦૨ લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે તેમ જ આમાં વધુ ત્રણ લાખ કરોડ રૂપિયાના પ્રોજેકટ પણ ઉમેરાય એવી શક્યતા છે. આ પ્રોજેકટસમાં પાવર, રેલવે, અર્બન ઈરિગેશન, મોબિલિટી, એજ્યુકેશન અને હેલ્થ, ડિજિટલ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. ૨૦૨૫ સુધીમાં ભારતના અર્થતંત્રના કદને પાંચ લાખ ટ્રિલ્યન ડૉલર સુધી લઈ જવામાં આ પ્રોજેકટસ સહાયરૂપ થશે. અહીં એ નોંધવું જરૂરી છે કે છેલ્લાં છ વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઓલરેડી ૫૧ લાખ કરોડ રૂપિયાના પ્રોજેકટસનો અમલ કર્યો છે. આ વધારાના ૧૦૨ લાખ કરોડ રૂપિયાની વાત છે. જોકે નાણાપ્રધાનની આ જાહેરાત પહેલાં જ માર્કેટ નેગેટિવ હતું અને નફો બુક કરવાના મૂડમાં હતું.
જોકે સરકારનો ચોક્કસ જાહેર સાહસોનો ડિસઈન્વેસ્ટમેન્ટ પ્લાન આ વરસે પડતો મુકાવાની શક્યતા જાણવા મળી હતી, જેની મારફત સરકાર એક લાખ કરોડ રૂપિયા ઊભા કરવાની હતી. જો આ વર્ષે માર્ચ ૨૦૨૦ સુધીમાં તે આમ નહીં કરી શકે તો તેની ડેફિસિટને અસર થવાની ભીતિ છે.
કઈ કંપનીઓને વધુ લાભ
સરકારે ઇન્ફ્રાસ્ટ્રકચર માટે જાહેર કરેલી જંગી ખર્ચ યોજનાના અમલ સાથે મોટા લાભ જે કંપનીઓને થવાની શક્યતા છે તેમાં લાર્સન-ટુબ્રો, દિલીફ બિલ્ડકોન, કેઈસી ઇન્ટરનૅશનલ, પીએનસી ઇન્ફ્રાસ્ટ્રકચર, કેએનઆર કન્સટ્રકશન વગેરેનો સમાવેશ થાય છે. આ અભિપ્રાય અગ્રણી બ્રોકરેજ હાઉસિસે વ્યકત કર્યો છે.
જીએસટીના ફેરફાર વ્યવહારુ જોઈશે
જીએસટી કાઉન્સિલ તરફથી બહાર આવી રહેલા સંકેત મુજબ જીએસટી રેટમાં તબક્કાવાર વધારો કરાશે તેમ જ એ વધારો બહુ ભારે નહીં હોય. વીતેલા મહિને જીએસટી કલેકશન એક લાખ કરોડ રૂપિયાની ઉપર ગયું હતું, જે બિઝનેસમાં થઈ રહેલા સુધારાની સાક્ષી પૂરે છે. આ બધાં પરિબળોની અસર માર્કેટ પર થશે. મોંઘવારી યા જાહેર જનતા પર બોજ ન વધે તો જ કરરાહતની અસર થઈ શકે અને આ નાણાં વપરાશ- ખર્ચ માટે ડાઈવર્ટ થઈ શકે. વાસ્તે કાઉન્સિલે - સરકારે જીએસટી બાબતે બહુ જ સમજી-વિચારીને વ્યવહારું પગલાં ભરવાનાં રહેશે. બિઝનેસ અને ગ્રાહકો માટે આ સંવેદનશીલ મુદ્દો છે. આ સાથે રાજ્યો અને કેન્દ્ર સરકારની આવક માટે પણ મહત્ત્વનો મુદ્દો છે.
૨૦૨૦ માટે ઊંચો આશાવાદ
૨૦૨૦માં બુલિશ ટ્રેન્ડ ચાલુ રહેશે એવા મત સાથે નિષ્ણાતોનું કહેવું રહ્યું છે કે યુએસમાં ચૂંટણી અને ભારતમાં બજેટની અસર રૂપે સેન્સેક્સ ૨૦૨૦માં ૪૭૦૦૦ થી ૫૦૦૦૦ સુધી તેમ જ નિફ્ટી ૧૪૦૦૦ને પાર કરવાનો અંદાજ છે. આ અંદાજને વધુ પડતો માનીને ચાલીએ તો પણ માર્કેટ તેજીમય રહેવાની શક્યતા ઊંચી તો છે જ. બજેટ માટે નાણાપ્રધાને જે પ્રોત્સાહન-રાહતના સંકેત આપ્યા છે તેને ધ્યાનમાં રાખીને આ ઊંચી ધારણા મુકાઈ છે. યુએસ-ચીન ટ્રેડ ડીલ, યુએસ ઇકૉનૉમીનું રિવાઈવલ, પ્રવાહિતાની સરળતા વગેરે જેવા કારણ ગ્લોબલ ઇકૉનૉમીને પણ વેગ આપશે એવું કહેવાય છે. કંપનીઓના અર્નિંગ્સ ઊંચા જશે એવો પણ અંદાજ છે. આમ ૨૦૨૦ માટે હાલ તો આશાવાદ વધતો જોવાય છે.
લોકલ અને ગ્લોબલ સંસ્થાકીય લેવાલી
ભારતીય શૅરબજારમાં ડોમેસ્ટિક સંસ્થાકીય રોકાણકારો તેમ જ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ ૨૦૧૯માં છેલ્લા પંદર વર્ષનાં સિંગલ વર્ષમાં સૌથી વધુ રોકાણ કર્યું છે. આ રકમ આશરે ૧.૪૩ લાખ કરોડ જેટલી થાય છે. આ બન્ને કેટેગરીના રોકાણકારો નેટ બાયર્સ રહ્યા છે, જેનો એક અર્થ એ થાય કે આગામી વરસો માટે તેઓ બજાર અને અર્થતંત્ર માટે ભરપૂર આશાવાદી છે. મજાની વાત એ પણ નોંધવી જોઈએ કે યુએસ માર્કેટ ૨૦૧૯માં બુલિશ રહ્યું, જેમાં એસએન્ડપી ૫૦૦ ઇન્ડેકસે ૨૫ ટકા વૃદ્ધિ નોંધાવી છે, જે છેલ્લા ૧૭ વરસમાં સૌથી ઊંચી વૃદ્ધિ છે. ખાસ કરીને ૧૯૩૦ બાદ, જે ગ્રેડ ડિપ્રેશનનું વરસ હતું.



નાની-મોટી જાણવા જેવી વાત
આગામી બજેટમાં નાણાપ્રધાન નવા નાણાકીય વરસ માટે ૬થી ૬.૫ ટકાનો જીડીપી દરનો અંદાજ મૂકે એવી શકયતા છે.
૨૦૨૦-૨૧માં સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત ૧.૫૦ લાખ કરોડ રૂપિયા ઊભા કરવાની યોજના ધરાવે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મ્યુચ્યુઅલ ફંડસના માધ્યમથી ૧૦૦૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવાનો પ્રસ્તાવ ધરાવે છે.
બૅન્કોના ધિરાણમાં ૨૦૧૯માં માત્ર ૬.૭ ટકાની વૃદ્ધિ થઈ છે, જે ઇકૉનૉમી સ્લો ડાઉનને કારણે નીચો દર રહ્યો છે.
સમજવા જેવી વાત
બજાર હાલ બજેટની આશા પર ચાલશે, જ્યારે બજેટની વાસ્તવિક જાહેરાત બાદ તેની સંભવિત અસરને આધારે ચાલશે.


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2020 12:40 PM IST | Mumbai Desk | Jayesh Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK