તેજી-મંદીની રસાકસી વચ્ચે બજારે નવાં શિખરો સર કર્યાં

Published: 13th January, 2021 07:21 IST | Stock Talk | Mumbai

સેન્સેક્સ ૫૦,૦૦૦ની સપાટીએ પહોંચવા થનગની રહ્યો છે : પીએસયુ બૅન્ક ઇન્ડેક્સની નોંધનીય વૃદ્ધિ

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

તાજેતરમાં વધેલા શૅરમાં પ્રૉફિટ બુકિંગ અને બીજા કેટલાક શૅરમાં વૃદ્ધિના વલણ વચ્ચે મંગળવારે શરૂઆતમાં તેજી-મંદી વચ્ચે ખેંચતાણ જોવા મળી હતી. જોકે દિવસના અંતે આખલાનું જોર યથાવત્ રહેતાં બન્ને મુખ્ય ઇન્ડેક્સ નવી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યા હતા. અમેરિકન બજારની રાહે દિવસનો પ્રારંભ થોડો સુસ્ત રહ્યા બાદ બજાર સતત ચડતું રહ્યું હતું અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બૅન્ક અને ભારતી ઍરટેલના જોરે ઇન્ડેક્સ ઊંચે ગયા હતા.

અર્થતંત્ર વિશે તથા અમેરિકામાં આર્થિક પૅકેજના વિશે આશાવાદ હોવા ઉપરાંત બજારમાં એફઆઇઆઇની સતત ખરીદી ચાલી રહી છે અને કોરોનાના રસીકરણે દેશમાં રોકાણકારોનું માનસ સુધાર્યું છે. દરમિયાન, અમેરિકાથી બજારની વૃદ્ધિના સંકેતો મળ્યા છે. આ બધાં પરિબળોને લીધે સેન્સેક્સ ૫૦,૦૦૦નો મહત્ત્વપૂર્ણ આંકડો પાર કરવા તરફ ગતિ કરી રહ્યો હોવાનું ચિત્ર ઊપસ્યું છે.

એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ૨૪૭.૭૯ પૉઇન્ટ (૦.૫૦ ટકા) વધીને ૪૯,૫૧૭.૧૧ બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી-૫૦ ૭૮.૭૦ પૉઇન્ટ (૦.૫૪ ટકા)ની વૃદ્ધિ સાથે ૧૪,૫૬૩.૪૫ બંધ રહ્યો હતો.

સેન્સેક્સના ૩૦માંથી અડધોઅડધ શૅર વધ્યા હતા. એમાં સ્ટેટ બૅન્ક ૩.૬૫ ટકા વધીને ૨૯૨.૬૫, ભારતી ઍરટેલ ૩.૪૧ ટકા વધીને ૫૬૫.૭૫, રિલાયન્સ ૧૯૫૬.૬૫, એચડીએફસી બૅન્ક ૨.૧૦ ટકા વધીને ૧૪૮૧.૩૦, આઇટીસી ૧.૯૫ ટકા વધીને ૨૦૬.૪૦, ઍક્સિસ બૅન્ક ૧.૨૯ ટકા વધીને ૬૭૫.૭૦ અને એનટીપીસી ૧.૨૬ ટકાની વૃદ્ધિ સાથે ૧૦૦.૨૫ બંધ રહ્યા હતા. ઘટેલા શૅરોમાં ટીસીએસ, એચડીએફસી, ઇન્ડસઇન્ડ બૅન્ક, ઇન્ફોસિસ, બજાજ ફિનસર્વ, મારુતિ, ડૉ. રેડ્ડી, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા સામેલ હતા, જેમાં મામૂલીથી લઈને ૧ ટકા સુધીનો ઘટાડો થયો હતો. એશિયન પેઇન્ટ ૩.૯૩ ટકા, ટાઇટન ૨.૩૨ ટકા, હિન્દુસ્તાન લિવર ૨.૧૬ ટકા, નેસલે ૨.૧૨ ટકા અને કોટક બૅન્ક ૧.૭૮ ટકા સાથે સેન્સેક્સના ટોચના ઘટનારા શૅર હતા.

બ્રૉડર માર્કેટમાં એસઍન્ડપી મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૪ ટકા વધીને ૧૯,૨૦૮.૬ તથા સ્મૉલ કૅપ ૦.૨૫ ટકા વધીને ૧૮,૯૨૨.૭૩ની સપાટીએ બંધ રહ્યા હતા. મિડ કૅપ ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડે ધોરણે ૧૯,૩૦૧.૩૨ના નવા સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૬ ટકા વધ્યો

એનએસઈના સેક્ટોરલ ઇન્ડાઇસિસમાંથી નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૫.૯૭ ટકા વધ્યો હતો, જે રિઝર્વ બૅન્કે વ્યક્ત કરેલી નૉન પર્ફોર્મિંગ ઍસેટ્સને લગતી ચિંતાઓને નકારીને આગળ વધ્યો હતો. જમ્મુ ઍન્ડ કાશ્મીર બૅન્ક અને બૅન્ક ઑફ બરોડા ૧૦-૧૦ ટકા વધ્યા હતા. બૅન્ક ઑફ ઇન્ડિયા, કૅનેરા બૅન્ક અને ઇન્ડિયન બૅન્કમાં ૭-૭ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. નિફ્ટી રિયાલ્ટી ઇન્ડેક્સ ૨.૭૬ ટકા અને નિફ્ટી ઑટો ઇન્ડેક્સ ૧.૨૪ ટકા વધ્યા હતા. નિફ્ટી બૅન્ક, નિફ્ટી ઑટો, નિફ્ટી ઇન્ફ્રા અને નિફ્ટી એનર્જી ૧-૧ ટકો વધ્યા હતા. થોડી વેચવાલીને પગલે નિફ્ટી ફાર્મા ૧.૨૫ ટકા અને નિફ્ટી એફએમસીજી ૦.૫૬ ટકા ઘટ્યા હતા. નિફ્ટીમાં ૨૭ નવેમ્બર બાદનું સર્વોચ્ચ વૉલ્યુમ નોંધાયું હતું.

નિફ્ટીના ટોચના વધનારા સ્ટૉક્સમાં તાતા મોટર્સ, ગેઇલ, આઇશર મોટર્સ, સ્ટેટ બૅન્ક તથા કૉલ ઇન્ડિયા સામેલ હતા, જ્યારે ઘટનારા સ્ટૉક્સ એશિયન પેઇન્ટ્સ, ટાઇટન, નેસલે, હિન્દુસ્તાન યુનીલિવર અને સન ફાર્મા હતા.

બીએસઈના ‘એ’ ગ્રુપમાં જેએસડબ્લ્યુ એનર્જી ૧૨ ટકા તથા મેગ્મા ફિન અને ન્યુ લૅન્ડ લૅબ ૧૧-૧૧ ટકાની વૃદ્ધિ સાથે ટોચના વધનારા સ્ટૉક્સ હતા. આ ગ્રુપમાં ટોચના સક્રિય શૅરોમાં તાતા મોટર્સ, આઇડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ડીએલએફ અને યસ બૅન્ક સામેલ હતા.

તાતા મોટર્સ ૮ અને ગેઇલ ૪ ટકા વધ્યા

તાતા મોટર્સની જગ્વાર લૅન્ડ રોવરમાં વેચાણની તંદુરસ્ત વૃદ્ધિ થવાને પગલે સ્ટૉક બીએસઈ પર ૮.૦૪ ટકા (૧૭.૭૦ રૂપિયા) વધીને ૨૩૭.૮૦ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડે ધોરણે આ શૅર ૨૪૯.૫૦ની બાવન સપ્તાહની નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. ગેઇલ ઇન્ડિયાએ શૅરના બાયબૅક વિશે વિચારણા કરવા બોર્ડ મીટિંગ બોલાવવાની જાહેરાત કરી એને પગલે શૅર ૪.૧૬ ટકા (૫.૬૫ રૂપિયા) વધીને ૧૪૧.૩૫ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં એ ૧૪૩.૫૦ની બાવન સપ્તાહની ટોચે પહોંચ્યો હતો.

બીએસઈના ‘એ’ ગ્રુપની ૪ કંપનીઓને ઉપલી સર્કિટ લાગી હતી, જ્યારે ‘બી’ ગ્રુપની ૪૯ કંપનીઓને ઉપલી અને ૩૩ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રુપની ૬૪૬ કંપનીઓમાંથી ૪૧૧ કંપનીઓને ઉપલી અને ૨૩૫ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી. ઇન્ટ્રા-ડે ધોરણે ૫૨ સપ્તાહની ટોચે પહોંચેલા શૅર એસીસી, વિપ્રો અને ટીવીએસ મોટર હતા.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે કુલ ૨,૦૪,૭૬૩.૭૨ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૪૮,૧૦૯ સોદાઓમાં ૧૭,૨૩,૨૧૩ કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૬,૨૬,૮૭૭ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં ૨૬.૭૭ કરોડ રૂપિયાના ૨૦૨ સોદામાં ૨૩૫ કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૪૦,૩૮૩ સોદામાં ૧૫,૯૨,૦૫૮ કોન્ટ્રેક્ટ સાથે ૧,૯૧,૧૨૯.૭૨ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૭,૫૨૪ સોદામાં ૧,૩૦,૯૨૦ કોન્ટ્રેક્ટ સાથે ૧૩,૬૦૭.૨૩ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટીમાં દૈનિક ચાર્ટ પર મજબૂત બુલિશ કૅન્ડલ રચાઈ છે. ઇન્ડેક્સમાં હવે ૧૪,૪૦૦ની ઉપર ૧૪,૭૫૦ અને પછી ૧૫,૦૦૦ની ગતિ રહેવાની ધારણા છે. નીચામાં ૧૪,૩૦૦ અને પછી ૧૪,૨૦૦ની સપાટીએ સપોર્ટ છે. નિફ્ટી વૉલેટિલિટી ઇન્ડેક્સ મંગળવારે ૨.૦૭ ટકા વધીને ૨૨.૮૫ થયો હતો.

બજાર કેવું રહેશે?

બજારમાં ઓવરબૉટ સ્થિતિ સર્જાઈ હોવા છતાં અને વૅલ્યુએશન ઘણાં ઊંચાં જવાં છતાં તેજીનું વલણ ફેરવાય એવી સંભાવના દેખાઈ રહી નથી. વિશ્લેષકો પ્રૉફિટ બુકિંગની સલાહ આપી રહ્યા છે, પરંતુ ટેક્નિકલ દૃષ્ટિએ બજાર હજી આખલાઓની મજબૂત પકડમાં છે. દરેક સેક્ટરમાં ફરતી-ફરતી તેજી આવી રહી હોવાથી નજીકના ભવિષ્યમાં તેજીનું વલણ ટકી રહેવાની ધારણા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં બુલિશ રિવર્સલ ફોર્મેશન થયું હોવાથી સેન્સેક્સ ટૂંક સમયમાં ૫૦,૦૦૦નું સીમાચિહન સર કરે એવા સંજોગો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK