આ અઠવાડિયું બુલિશ નોટે પૂરું થઈ શકે છે

Published: 31st October, 2011 19:59 IST

સપ્તાહમાં ઑટોમોબાઇલ્સ અને સિમેન્ટ કંપનીઓના ઑક્ટોબર મહિનાના વેચાણના આંકડાઓ આવશે. આ ફિગર્સ સારા આવવાની સંભાવના દિવાળીના ફેસ્ટિવ મૂડને લીધે મૂકી શકાય. યુરોપને આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટેના પૅકેજ વિશેના નિર્ણયથી અને રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં વધુ વધારો હવે ડિસેમ્બરમાં નહીં કરવામાં આવે એવો દિલાસો આપ્યો એને કારણે સેન્ટિમેન્ટને તો મોટો બુસ્ટર ડોઝ ગત સપ્તાહે મળી જ ગયો હતો.(શૅરબજારનું ચલકચલાણું - કનુ જે. દવે)

૫૪૦૦ના સ્ટ્રૉન્ગ રેસિસ્ટન્સ ઝોનને વટાવે તો નિફ્ટી વધુ ૧૦૦-૨૦૦ પૉઇન્ટ વધી જશે એવી ગણતરી અમુક ટેક્નિકલ ઍનલિસ્ટો વ્યક્ત કરી રહ્યા છે.

પિટાયેલાં સેક્ટર્સ ઊછળ્યાં

જે સેક્ટર્સ વધુ પિટાઈ ગયાં હતાં એમાં વેચાણો કપાતાં ઉછાળાની તીવ્રતા સ્પિ્રન્ગ ઍક્શન સમાન હતી. પરિણામે સેન્સેક્સના સપ્તાહના છ ટકાના વાયદા સામે મૉલ્સ અને રિયલ્ટી સેક્ટરમાં ૯ અને ૮ ટકા જેટલો વધારો નોંધાયો હતો. બજારમાં જોકે ૪ ઑગસ્ટના નીચેની તરફના ગૅપની અને ૨૮ ઑગસ્ટના ઉપરની તરફ જતાં મુકાયેલા ગૅપની વાતો કરે છે તેઓ આપણે ત્યાં બજારમાં ગુરુવારે રજા હતી એને કારણે ઉપર તરફ જતાં ગૅપ પડ્યો છે એ વાત ભૂલી જાય છે. આ ગૅપ તો રજાના દિવસે ટ્રેડિંગ ન થયું એને કારણે જોવા મળ્યો છે, જ્યારે ડાઉનફોલ વખતે જોવા મળેલો ગૅપ તો રિયલ ગૅપ હતો અને એના સૂચિતાર્થો અને આ વખતના સૂચિતાર્થો સમાન ન હોઈ શકે એવું સમજાવતાં ટેક્નિકલ ઍનલિસ્ટ કિરણ કોટક જણાવે છે કે ૫૦૦૦નું લેવલ ન તૂટે તો જ આપણે માનવું કે ટ્રેન્ડ ૪૭૦૦થી ફરી ગયો છે. એન્જલ બ્રોકિંગે એના એક રિસર્ચ-રિપોર્ટમાં નોંધ્યું છે કે બજાર ૧૮,૦૨૦ અને ૫૪૧૦ના ટાર્ગેટ તરફ જઈ રહ્યું છે. વેલ ઇન્ડિયા ગ્રુપના સિનિયર મૅનેજર (રિસર્ચ)નો મત છે કે થોડાં સપ્તાહમાં જ નિફ્ટી ૫૫૪૦ના સ્તરે પહોંચી જશે. આમ શૅરબજારોમાં વાતાવરણમાં બુલચાર્જ આવી ગયો છે તો લેટ અસ હૉપ ફૉર ધ બેસ્ટ.

માર્કેટ કૅપિટલાઇઝેશન મોટું બૂસ્ટર

દરમ્યાન માર્કેટ કૅપિટલાઇઝેશનમાં સારોએવો વધારો થતાં આ ફૅક્ટરે પણ સેન્ટિમેન્ટ સુધારવામાં મોટું યોગદાન આપ્યું છે એ ટૉપ કંપનીઓના માર્કેટ કૅપિટલાઇઝશેનના આંકડાઓ પરથી સહેજેય સમજી શકાય એમ છે.

સેન્સેક્સની સૌથી વધુ વૅલ્યુની ૧૦ કંપનીમાંથી ૮ કંપનીઓમાં માર્કેટ કૅપિટલાઇઝેશનમાં ૮૫,૯૨૯ કરોડનો વધારો થતાં ઇન્વેસ્ટરોને આજે લાભપાંચમે સોદા શરૂ થયા એ પૂર્વે લાભ દેખાયો છે. સેન્સેક્સની તમામ ૩૦ જાતોનું કુલ માર્કેટ કૅપિટલાઇઝેશન ૨૯,૫૩,૭૧૯ કરોડ રૂપિયા શુક્રવારના બંધભાવ અનુસાર થયું હતું. રિલાયન્સના માર્કેટ કૅપિટલાઇઝેશનમાં ૨૦,૪૯૬ કરોડ રૂપિયાનો વધારો થતાં એ ૨,૯૪,૦૨૫ કરોડ તો સરકારી માલિકીની ઓએનજીસીનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧૬,૪૨૭ કરોડની વૃદ્ધિ સાથે ૨,૪૩,૪૮૯ કરોડ રૂપિયા થઈ ગયું હતું. ગત સપ્તાહે ૩૦ જાતોનું પ્રતિનિધિત્વ કરતા સેન્સેક્સમાં છ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.

ટીસીએસ (તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ)ના બજારભાવે મૂડીમૂલ્યમાં ૧૩,૯૭૫ કરોડનો વધારો થતાં એ ૨,૧૯,૧૪૦ કરોડ રૂપિયા થયું હતું. બીજા નંબરની આઇટી કંપની ઇન્ફોસિસના માર્કેટ કૅપિટલાઇઝેશનમાં ૭૮૬૩ કરોડ રૂપિયાનો વધારો થતાં એ ૧,૬૪,૨૦૧ કરોડ રૂપિયાના સ્તરે પહોંચ્યું હતું. રાજ્યની માલિકીની કોલ ઇન્ડિયાનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૫૮૧૧ કરોડ રૂપિયા વધી ૨,૧૩,૫૨૪ કરોડ રૂપિયા થઈ ગયું હતું. ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ ક્ષેત્રની આઇટીસીનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૮૯૩૯ કરોડ રૂપિયા વધી ૧,૬૭,૨૩૬ કરોડ અને ટેલિકૉમ ક્ષેત્રની અગ્રણી ભારતી ઍરટેલનું બજારભાવે મૂડીમૂલ્ય ૪૭૦૯ કરોડ વધી ૧,૪૮,૨૧૭ કરોડ પર પહોંચ્યું હતું. પાવર યુટિલિટી એનટીપીસી (નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશન)ના માર્કેટ કૅપિટલાઇઝેશનમાં ૭૭૦૯ કરોડ રૂપિયા ઉમેરાતાં એ ૧,૪૭,૨૬૩ કરોડ થયું હતું.

જોકે સામે પક્ષે સરકારી માલિકીની સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને ખાનગી ક્ષેત્રની એચડીએફસી બૅન્કના માર્કેટ કૅપિટલાઇઝેશનમાં ઘટાડો નોંધાયો હતો. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૨૬૪૧ કરોડ રૂપિયા ઘટી ૧,૨૧,૦૯૪ કરોડ તો એચડીએફસી બૅન્કનું ૮૮૮ કરોડ રૂપિયા ઘટતાં ૧,૧૨,૬૮૭ કરોડ રૂપિયા થઈ ગયું હતું.

આ સપ્તાહે કંપની પરિણામો

આઇસીઆઇસીઆઇ બૅન્ક, વિપ્રો, એનએમડીસી, બીપીસીએલ, પંજાબ નૅશનલ બૅન્ક, આદિત્ય બિરલા નૂવો, સનટીવી નેટવર્ક, અશોક લેલૅન્ડ, ઓએનજીસી, ભારતી ઍરટેલ અને ગ્લેક્સો સ્મિથક્લાઇન સહિત અનેક કંપનીઓનાં પરિણામોની જાહેરાત આ સપ્તાહે થશે એથી એમના નફા-નુકસાનના આંકડાઓ પણ સેન્ટિમેન્ટ પર અસર કરશે.

ઑક્ટોબરમાં એફઆઇઆઇની ૧૦૦૦ કરોડ રૂપિયાની લેવાલી

પૂર્વેના બે મહિનામાં વેચવાલ રહેલ એફઆઇઆઇ (વિદેશી નાણાં સંસ્થાઓ)એ ઑક્ટોબર મહિનામાં ૧૦૦૦ કરોડ રૂપિયાનું નેટ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. ઑક્ટોબરની ૩થી ૨૮ સુધીમાં સ્ટૉક્સ અને ડેટ સિક્યૉરિટીઝની ૫૮,૪૮૩.૪૦ કરોડ રૂપિયાની ખરીદી અને ૫૭,૪૭૦ કરોડનું વેચાણ કર્યું એથી નેટ ૧૦૧૪.૩૦ કરોડ રૂપિયાનો ઇનફ્લો (ચોખ્ખી લેવાલી) જોવા મળ્યો હતો. ઑગસ્ટમાં એમની નેટ ૮૦૦૦ કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી હતી જે ઑક્ટોબર ૨૦૦૮ પછીનો સૌથી મોટો આઉટફ્લો હતો.


જોકે તાતા અને રિલાયન્સનાં બન્ને ગ્રુપમાં વિદેશી નાણાસંસ્થાઓનું એક્સપોઝર ઘટ્યું હોવાનું બેએસઈની વેબસાઇટ પરની માહિતીમાંથી જાણવા મળે છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં મુકેશ અંબાણી ગ્રુપની રિલાયન્સ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં, વર્તમાન બજારભાવે ગણતાં તેમણે ૧૧૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા હતા. એવી જ રીતે અનિલ અંબાણી જૂથની કંપનીઓમાંથી ૩૦૦ કરોડ રૂપિયા તો તાતા જૂથમાંથી ૧૦૦૦ કરોડ રૂપિયાનું એક્સપોઝર એફઆઇઆઇએ ઘટાડ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK