Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજાર બે વર્ષના તળિયે હેવીવેઇટ્સ ધરાશાયી

બજાર બે વર્ષના તળિયે હેવીવેઇટ્સ ધરાશાયી

24 November, 2011 10:19 AM IST |

બજાર બે વર્ષના તળિયે હેવીવેઇટ્સ ધરાશાયી

બજાર બે વર્ષના તળિયે હેવીવેઇટ્સ ધરાશાયી




(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)





ઓહ યસ... થવાનું હતું એ થઈને રહ્યું છે. અમંગળ આશંકા અપેક્ષા કરતાં વહેલી સાચી ઠરી છે. ઑલરાઉન્ડ વેચવાલીના જોરમાં સેન્સેક્સ ગઈ કાલે ૩૬૫ પૉઇન્ટના ગાબડામાં ૧૫,૭૦૦ની અંદર તથા નિફ્ટી ૧૦૬ પૉઇન્ટ ગગડીને ૪૭૦૬ રહ્યા હતા. ઇન્ટ્રા-ડેમાં શૅરઆંક ૧૫,૪૭૮ તથા નિફ્ટી ૪૬૪૧ના તળિયે ગયા હતા. બજારની બે વર્ષની બૉટમની આ ઘટનામાં રોકાણકારોને ૧.૧૬ લાખ કરોડ રૂપિયાથી વધુ હાનિ થઈ છે. માર્કેટ કૅપ ૫૫.૨૨ લાખ કરોડ રૂપિયા આવી ગયું છે. આ સાથે કામકાજના છેલ્લા પાંચ દિવસમાં બજારમાંથી ઇન્વેસ્ટર્સના આશરે સવાચાર લાખ કરોડ રૂપિયા ઓગળી ગયા છે. એકમાત્ર એનટીપીસીના સાધારણ સુધારાને બાદ કરતાં સેન્સેક્સના અન્ય ૨૯ શૅર ડાઉન હતા. ૨૧માંથી ૨૦ બેન્ચમાર્ક નેગેટિવ ઝોનમાં બંધ આવ્યા હતા, જેમાંથી ૧૫ ઇન્ડેક્સમાં કમ સે કમ વર્ષનાં તળિયાં બન્યાં છે. આગલા બંધથી ૫૮૭ પૉઇન્ટ ઘટેલું બજાર નીચા મથાળેથી ૨૨૨ પૉઇન્ટ જેવું વધ્યું એ માટે ગુરુવારના એફઍન્ડઓના સેટલમેન્ટના કારણે થયેલું શૉર્ટ-કવરિંગ કારણભૂત મનાય છે. અન્યથા, હાલત કદાચ વધુ ખરાબ હોત. મતલબ કે ગુરુવારનો દિવસ બજાર માટે નાનકડા બાઉન્સબૅકનો હોઈ શકે છે. નિફ્ટી વલણ ૪૭૫૦ની આસપાસ પૂરું થવાની ગણતરી રખાય છે.

હેવીવેઇટ્સ નોધારા



બજારના ડાઉનવર્ડ પ્રેશરમાં સંખ્યાબંધ જાણીતા શૅરના ભાવ રોજેરોજ ધોવાઈ રહ્યા છે. જેના ભાવ ચાર આંકડાના હતા એમાંના ઘણા ત્રણ આંકડે તથા ત્રણ આંકડાવાળી જાતો બે આંકડે આવી ગઈ છે. બાકી છે એ આ દિશામાં ધસી રહી છે. બુધવારે સેન્સેક્સમાંના અગ્રણી શૅરોમાં ભેલ, લાર્સન, હિન્દાલ્કો, તાતા સ્ટીલ, એચડીએફસી બૅન્ક, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બૅન્ક, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ ઇત્યાદિમાં બાવન સપ્તાહ કે એથી વધુ સમયગાળા દરમ્યાનના નીચા ભાવ દેખાયા હતા. ખરાબ ટ્રેન્ડમાં પણ ડી. બી. રિયલ્ટી ૨૦ ટકા ઊછળીને નવ ગણા વૉલ્યુમે ૬૪ રૂપિયા પર બંધ હતો. એસકેએસ માઇક્રો-ફાઇનૅન્સમાં બે બાજુની રમત થઈ હતી. પ્રથમ શૅરમાં પાંચ ટકાની નીચલી સર્કિટે ૧૦૫ રૂપિયાનો ઑલટાઇમ લો બન્યો ને પાછળથી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં શૅર ૧૧૬ રૂપિયા બંધ હતો. વૉલ્યુમ ત્રણ ગણું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નીચામાં ૭૫૫ રૂપિયા બતાવી છેલ્લે પોણાત્રણ ટકાની ખરાબીમાં ૭૭૪ રૂપિયા બંધ રહ્યો એના લીધે સેન્સેક્સને સૌથી વધુ એવો ૪૭ પૉઇન્ટનો માર પડ્યો હતો. ઇન્ફોસિસ ૨.૬ ટકા ઘટીને ૨૬૫૨ રૂપિયા થતાં એમાં બીજા ૪૪ પૉઇન્ટ ઉમેરાયા હતા. એચડીએફસી બૅન્ક ચાર ટકાના ઘટાડામાં ૪૨૭ રૂપિયાનો બંધ આપી ૪૦ પૉઇન્ટના ફાળા સાથે ત્રીજા ક્રમે હતો. બૅડ લોન કે એનપીએ વધવાની આશંકામાં બૅન્ક-શૅરોમાં નવી કમજોરી કામે લાગી છે. સેન્સેક્સના ૨.૩ ટકાની સામે કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ ત્રણ ટકા નરમ હતો. ૯૮ શૅર ઉપલી સર્કિટે બંધ હતા તો ૩૧૬ જાતોમાં નીચલી સર્કિટ લાગેલી હતી. ૭૬૬ શૅર વધ્યા હતા, સામે ૨૦૪૯ સ્ક્રિપ્સ ડાઉન હતી.

મેટલ શૅરોને ચાઇનીઝ શૉક

એચએસબીસીનો પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ ચીન ખાતે ૪૮નો આવ્યો છે, જે ૩૨ મહિનાનું તળિયું છે. આ ઇન્ડેક્સ ૫૦થી નીચે રહેતાં મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે આગામી વિકાસસંજોગો નબળા હોવાનો નર્દિેશ કરે છે. મતલબ કે ચીનમાં ઔદ્યોગિક ક્ષેત્રે આગામી ચિત્ર ખરાબ દેખાય છે. ચીન હાલ ઍલ્યુમિનિયમ, કૉપર, આયર્ન ઑર, સિલ્વર, કૉટન, સોયા સહિત સંખ્યાબંધ કૉમોડિટીઝના મામલે ટોચનું કે ટોચના ત્રણમાંનું મોટું વપરાશકાર છે. આ અહેવાલ શૅરબજારની મંદી માટે એક વધુ ઢાળ પુરવાર થવાનો છે. ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ ૯૯૬૬ના વર્ષના તળિયે ગયો હતો. આલ્કલી મેટલ્સ, હિન્દુસ્તાન કૉપર, હિન્દાલ્કો, હીરો ફેરો ઍલૉયઝ, આઇએસએમટી, જેએસડબ્લ્યુ હોલ્ડિંગ્સ, જેએસએલ સ્ટીનલેસ, એમએમટીસી, નાલ્કો, એનએમડીસી, સેઇલ, સેસા ગોવા, સાત વાહન ઇસ્પાત, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, તાતા મેટાલિક્સ, તાતા સ્ટીલ, ટીન પ્લેટ, વેલસ્પન કૉર્પોરેશન સહિત સંખ્યાબંધ જાતો વર્ષના તળિયે ગઈ હતી. મેટલ ઇન્ડેક્સના તમામ બાર શૅર ડાઉન હતા, જેમાંથી દસ શૅરો તો ઇન્ટ્રા-ડેમાં અઢીથી લઈ સાડાપાંચ ટકા તૂટ્યા હતા.

૨૧માંથી ૧૫ ઇન્ડેક્સમાં બૉટમ

સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૧૫,૫૦૦ની નીચે ૧૫,૪૭૮ થયો, જે ૩ નવેમ્બર, ૨૦૦૯ પછીની સૌથી નીચી સપાટી છે. આ ઉપરાંત બજારના ૨૦માંથી ૧૪ બેન્ચમાર્ક પણ કમ સે કમ બાવન સપ્તાહના તળિયે ગયા છે, જેમાં બીએસઈ-૧૦૦, બીએસઈ-૨૦૦, બીએસઈ-૫૦૦, બૅન્કેક્સ, રિયલ્ટી, પીએસયુ, પાવર, ઑઇલ-ગૅસ, મેટલ, આઇપીઓ, શરિયાહ, મિડ-કૅપ તથા સ્મૉલ કૅપ ઇન્ડેક્સનો સમાવેશ થાય છે. આઇટી ઇન્ડેક્સ, ટેક્નૅાલૉજી ઇન્ડેક્સ, ઑટો ઇન્ડેક્સ, હેલ્થકેર ઇન્ડેક્સ, એફએમસીજી ઇન્ડેક્સ તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ જેવા પાંચ બેન્ચમાર્ક હાલમાં તેમની વર્ષની બૉટમથી ઉપર ચાલે છે.

ખાંડમાં નિકાસછૂટ બેઅસર

સરકારે ૨૦૧૧-’૧૨ના વર્ષમાં ૧૦ લાખ ટન શુગરની નિકાસછૂટ જાહેર કરી છે. આ ઉપરાંત ૩૦ નવેમ્બરથી ખાંડમાં સ્ટૉક હોલ્ડિંગ લિમિટ રદ કરી છે. સામાન્ય સંજોગોમાં આ પગલાંથી શુગર શૅરોમાં નોંધપાત્ર મીઠાશ આવી હોત, પરંતુ માર્કેટનું માનસ બગડેલું હોઈ સારા સમાચાર ધોવાઈ ગયા છે. ૨૨ શુગર શૅરોમાંથી ૧૬ શૅર સાધારણથી માંડીને આઠ ટકા ડાઉન હતા. વધેલા છ શૅરમાંથી પાંચ શૅરમાં સામાન્ય સુધારો હતો. એકમાત્ર થિરુઅરુણન શુગર પોણાત્રણ ટકાના જમ્પમાં ૭૯ રૂપિયા આસપાસ રહ્યો હતો, તો બજાજ હિન્દુસ્તાન સાત ટકા, શ્રી રેણુકા શુગર આઠ ટકા, સરસ્વતી સિન્ડિકેટ ૪.૫ ટકા, પોની શુગર સાડાપાંચ ટકા, બલરામપુર ચીની ચાર ટકા, બન્નારી અમાન સવાત્રણ ટકા, ધરણી શુગર અઢી ટકા, કેસર એન્ટરપ્રાઇઝઝિસ બે ટકા ખરડાયા હતા.

૧૨૬ શૅર ઑલટાઇમ લો

ખરાબ મૂડનું વધુ એકવાર પુનરાવર્તન બુધવારે થયું. બીએસઈ ખાતે ઑલટાઇમ લો થનારા શૅરોની સંખ્યામાં ત્રણ દિવસમાં બીજી વખત સેન્ચુરી નોંધાઈ. સાત શૅર ઑલટાઇમ હાઇ થયા તો સામે ઐતિહાસિક નીચી સપાટીએ જનારા શૅરની સંખ્યા ૧૨૬ની હતી. મતલબ કે એક શૅર નવા શિખરે ગયો તો સામે ૧૮ શૅર ખાઈમાં પડ્યા. ઑલટાઇમ લો થનારા શૅરની યાદીમાં કેટલાંક જાણીતાં નામ આ પ્રમાણે છે : એમટીએનએલ, મુક્તા આર્ટ્સ, પ્રીતીશ નાન્દી કમ્યુનિકેશન્સ, બીએજી ફિલ્મ્સ, ટીવી ટુડે, એનડીટીવી, વેલસ્પન પ્રોજેક્ટ્સ.

એફઆઇઆઇની ૧૦૮૬ કરોડની વેચવાલી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૧૭૭૬.૨૪ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૯૬૨.૬૬ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૧૦૮૬.૪૨ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૧૭૯૪.૭૧ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૮૬૮.૫૫ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૯૨૬.૧૬ કરોડ રૂપિયા રહી હતી. Whatsapp-channel Whatsapp-channel

24 November, 2011 10:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK