Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રિલાયન્સના તાલે બજાર કૂલિંગ ઝોનમાં જઈ શકે

રિલાયન્સના તાલે બજાર કૂલિંગ ઝોનમાં જઈ શકે

17 October, 2011 08:55 PM IST |

રિલાયન્સના તાલે બજાર કૂલિંગ ઝોનમાં જઈ શકે

રિલાયન્સના તાલે બજાર કૂલિંગ ઝોનમાં જઈ શકે


 

(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

બ્રાઝિલનો બોવેસ્પા ઇન્ડેક્સ ૭.૪ ટકા, જર્મન શૅરઆંક ‘ડેક્સ’ ૫.૧ ટકા, અમેરિકન ડાઉ ઇન્ડેક્સ ૪.૯ ટકા, હૉન્ગકૉન્ગનો હૅન્ગ સેંગ ૪.૫ ટકા, ચાઇના, ફ્રાન્સ અને સિંગાપોરનાં શૅરબજારો ૪ ટકા, લંડન ફુત્સી ઇન્ડેક્સ ૩.૧ ટકા તથા જૅપનીઝ નિક્કીમાં ૧.૭ ટકાની તેજી જોવા મળી છે. સોનું વિશ્વસ્તરે અઢી ટકા વધ્યું છે. તો ક્રૂડમાં ૮.૫ ટકાનો ઉછાળો આવ્યો છે. ક્રૂડની આટલી ઝડપી તેજી શૅરબજારો માટે ફરીથી થોડીક ચિંતાનો વિષય બની શકે છે. સેન્સેક્સની સવાપાંચ ટકાની મજબૂતી સામે આઇટી ઇન્ડેક્સ ૮.૭ ટકા વધીને સ્ટારપર્ફોર્મર બન્યો છે. બૅન્કેક્સ ૬.૯ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ સાડાપાંચ ટકા, રિયલ્ટી ઇન્ડેક્સ સવાપાંચ ટકા વધ્યા છે. ટેક્નૉલૉજી ઇન્ડેક્સમાં ૮ ટકાની તેજી આવી છે, જે મુખ્યત્વે આઇટી શૅરોની હૂંફનું પરિણામ છે. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૨.૮ ટકા, એફએમસીજી ઇન્ડેક્સ ૨.૪ ટકા, પીએસયુ ઇન્ડેક્સ ૨.૧ ટકાના સુધારામાં માર્કેટ અન્ડરપર્ફોર્મર રહ્યા છે.

નવા સપ્તાહના આરંભે બજાર પર રિલાયન્સનો ભાર અવશ્ય આવશે. કંપનીની આવકવૃદ્ધિનો દર ઘણો સારો આવ્યો છે, પરંતુ નેટ પ્રૉફિટ તથા નફાશક્તિના મામલે તેણે સતત ચોથા ક્વૉર્ટરમાં માર્કેટને માયૂસી આપી છે. સેન્સેક્સના સવાપાંચ ટકાની સામે સપ્તાહમાં સવાઆઠ ટકા વધી ગયેલો. આ શૅર ક્વૉર્ટરલી પરિણામની અસરમાં હવે ‘કૂલિંગ ઝોન’માં આવશે. ભાવ વર્તમાન સ્તરેથી ઘટીને વધ-ઘટે ૮૦૦ રૂપિયાની અંદર જાય તો નવાઈ નહીં. આ ઉપરાંત રેલવે તરફથી સિમેન્ટ, આયર્ન ઑર, સ્ટીલ, કોલસા જેવી ચીજવસ્તુઓ માટે ‘બિઝી સીઝન’નું નૂર ભાડું ત્રણ ટકા વધારીને અત્યારે ૧૦ ટકા કરવામાં આવ્યું છે. સંબંધિત ક્ષેત્રની કંપનીઓ તેમ જ મુખ્ય વપરાશકાર કંપનીઓ માટે આ સારા સમાચાર ન કહેવાય. ઉપરાંત તમામ આઇટમોના કિસ્સામાં રેલવેએ ડેવલપમેન્ટ સરચાર્જ જે બે ટકા હતો એ વધારીને પાંચ ટકા કર્યો છે. વ્યાજબોજ, માગવૃદ્ધિમાં પીછેહઠ, ઉત્પાદનખર્ચમાં વધારાની ભીંસ અનુભવતા ઉદ્યોગોની કઠણાઈમાં ‘રેલવે’ નામની નવી મુસીબત ઉમેરાઈ છે.

સોમવારે આઇટી જાયન્ટ ટીસીએસ, એચડીએફસી, ઝી એન્ટરટેઇનમેન્ટ, આઇએનજી વૈશ્ય બેન્ક, મહિન્દ્ર લાઇફ સાયન્સ, સાઉથ ઇન્ડિયન બૅન્ક, માઇન્ડ ટ્રી, મોતીલાલ ઓસવાલ, ઑટોમોટિવ સ્ટૅમ્પિંગ, ગ્રેન્યુઅલ ઇન્ડિયા, મોરારજી ટેક્સટાઇલ્સ, નેલકાસ્ટ, સુપર ક્રોપ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ ઇત્યાદિનાં પરિણામ છે. ટીસીએસની કામગીરી ‘ઇન્ફી’ જેવી હશે એવી વ્યાપક ધારણા છે. આ ઉપરાંત સપ્તાહ દરમ્યાન જિન્દાલ સ્ટીલ, હીરો મોટોકૉર્પ, એચસીએલ ટેક્નૉલૉજીઝ, એચડીએફસી બૅન્ક, બજાજ ઑટો, કેઇર્ન ઇન્ડિયા, બાયોકૉન, અલ્ટ્રાટેક, લાર્સન, આઇડિયા સેલ્યુલર, એશિયન પેઇન્ટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઍક્સિસ બૅન્ક, ગોદરેજ, ગ્રાસિમ, પાવર ગ્રીડ, ક્રિસિલ, ટોરન્ટ ફાર્મા, ચંબલ ફર્ટિલાઇઝર્સ, ઇન્ડ્સ ઇન્ડ બૅન્ક સહિત સંખ્યાબંધ જાણીતી કંપનીઓનાં પરિણામ આવવાનાં છે. સરવાળે બજારની ચાલ સ્ટૉક સ્પેસિફિક - સેક્ટર સ્પેસિફિક જોવા મળશે. યુરોપની ઘટનાઓ આ ગાળામાં દેશ-દુનિયાનાં શૅરબજારોની વધ-ઘટનું રાબેતા મુજબનું કારણ બનતી રહેશે. એકંદર નવું સપ્તાહ આગલા સપ્તાહ જેટલું સારું હોય એમ જણાતું નથી.

સેન્સેક્સના ૯ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૮૮,૦૦૦ કરોડ રૂપિયા

ગત સપ્તાહમાં સેન્સેક્સના ટૉપ ૯ શૅરોનુ માર્કેટ કૅપિટલાઇઝેશન ૮૮,૫૫૬ કરોડ રૂપિયા વધ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ-વૅલ્યુ શુક્રવારે ક્લોઝિંગના હિસાબે ૨૧,૩૯૭ કરોડ વધીને ૨,૮૩,૮૧૦ કરોડ રૂપિયા થઈ હતી. એક સપ્તાહમાં શૅરનો ભાવ ૮.૧૫ ટકા વધ્યો હતો. ઓએનજીસી (ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન)નું  માર્કેટ કૅપિટલાઇઝેશન ૧૮૮૩ કરોડ વધીને ૨,૨૮,૧૩૨ કરોડ રૂપિયા થયું હતું. ટીસીએસ (તાતા કન્સલ્ટન્સીઝ સર્વિસિસ)નું ૨,૨૨,૦૪૬ કરોડ તો ઇન્ફોસિસનું ૧,૫૭,૫૯૮ કરોડ રૂપિયા થયું હતું. ટેલિકૉમ જાયન્ટ ભારતી ઍરટેલની માર્કેટ-વૅલ્યુ ૧૦,૯૯૪ કરોડ વધી ૧,૪૫,૭૩૦ કરોડ રૂપિયા થઈ હતી. એનટીપીસીના બજારમૂલ્યમાં ૫૨૭૭ કરોડનો વધારો થતાં એ ૧,૪૨,૬૪૬ કરોડ રૂપિયા, આઇટીસીની વૅલ્યુ ૪૫૮૬ કરોડ વધી ૧,૫૯,૪૨૪ કરોડ રૂપિયા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની ૮૨૯૬ કરોડ વધી ૧,૧૯,૫૩૮ કરોડ રૂપિયા અને એચડીએફસી બૅન્કની વૅલ્યુ ૫૬૮૭ કરોડ વધી ૧,૧૦,૭૩૭ કરોડ રૂપિયા થઈ હતી. કોલ ઇન્ડિયાનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૯૪૪૩ કરોડ રૂપિયા ઘટીને ૨,૦૩,૫૭૬ કરોડ થતાં એ ચોથા ક્રમે આવી ગઈ હતી. પ્રથમ સ્થાને રિલાયન્સ, બીજા નંબરે ઓએનજીસી અને ત્રીજા ક્રમે ટીસીએસ હતી.



Whatsapp-channel Whatsapp-channel

17 October, 2011 08:55 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK