Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > મંદીને રોકવા આરબીઆઇએ સતત પાંચમો રેટકટ આપ્યો

મંદીને રોકવા આરબીઆઇએ સતત પાંચમો રેટકટ આપ્યો

07 October, 2019 10:23 AM IST | મુંબઈ
કરન્સી કૉર્નર-બિરેન વકીલ

મંદીને રોકવા આરબીઆઇએ સતત પાંચમો રેટકટ આપ્યો

શક્તિકાંતા દાસ

શક્તિકાંતા દાસ


મંદીને ખાળવાની કવાયતરૂપે રિઝર્વ બૅન્કે સતત પાંચમો વ્યાજદર ઘટાડો કર્યો છે. પા ટકા કટ સાથે હવે નવો બૅન્ક-રેટ ૫.૧૫ ટકા છે. રિઝર્વ બૅન્કે આર્થિક વિકાસદરનું અનુમાન ૬.૮ ટકાથી ઘટાડીને ૬.૧ ટકા કર્યું છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના પગલે-પગલે ચાલતાં રિઝર્વ બૅન્કે કહ્યું કે જ્યાં સુધી મંદી અટકશે નહીં ત્યાં સુધી ‘મૉનિટરી અકોમોડેશન’ એટલે કે વ્યાજદર ઘટાડાની નીતિ ચાલુ રહેશે. રિઝર્વ બૅન્ક ‘અલ્ટ્રા ડોવિશ’ બની ચૂકી છે. આ સ્થિતિ ઍસેટ બબલ, સટ્ટાકિય રોકાણોમાં ખોટી તેજીને ઉત્તેજન આપે. બચતો, બાંધી આવકવાળા વર્ગની આવક ઘટતાં વપરાશને માર પડે. વ્યાજદર ઘટાડા સાથે થાપણ પરના વ્યાજદર ઘટશે, પણ રેટકટનો લાભ લોનધારકોને તાત્કાલિક નહીં મળે, ૧ જાન્યુઆરીથી મળશે. મતલબ કે ઘટાડાતરફી નીતિનો લાભ ગ્રાહકો પર પાસ કરવાને બદલે બૅન્કો પોતાની ખોટ ઘટાડવા અથવા નફો વધારવા ગેરલાભ લે છે.
બજારોની વાત કરીએ તો બૅન્કોની એનપીએ અને ગોટાળાઓની વણઝારથી બૅન્ક નિફ્ટી દબાણમાં આવતાં સેન્સેક્સ પર પણ અસર દેખાય છે. સેન્સેક્સની રેન્જ ૩૫,૦૦૦-૩૯,૦૦૦ અને નિફ્ટીની રેન્જ ૧૦,૩૦૦-૧૧,૭૦૦ દેખાય છે. રૂપિયો સુધરીને ૭૦.૩૬ થયા પછી ફરી ઘટીને ૭૧.૧૩ થઈ છેલ્લે ૭૦.૮૮ બંધ રહ્યો છે. રૂપિયામાં ૭૦.૬૨-૭૧.૫૮ નજીકની રેન્જ છે. ૭૦.૮૨, ૭૦.૭૧, ૭૦.૬૨ સપોર્ટ છે અને ૭૧.૧૭, ૭૧.૩૭, ૭૧.૪૪, ૭૧.૫૮ રેઝિસ્ટન્સ છે. જો ૭૧.૪૮ પર બે દિવસ બંધ રહે તો ડૉલર ૭૧.૭૪-૭૨.૨૦ આવે. ૭૦.૬૨ નીચે ૭૦.૩૭, ૭૦.૧૫ સુધીની સંભાવના જોવા મળે.
આગામી દિવસોમાં ૧૦ ઑક્ટોબરે અમેરિકા અને ચીન વચ્ચે વેપારી મંત્રણાનો નવો રાઉન્ડ છે. આદત મુજબ ટ્રમ્પ ટ્રેડ ડિલ વિશે આશાવાદ કે નિરાશાવાદની ટ્વીટ કર્યા કરે છે, પણ ચીન મગનું નામ મરી પાડતું નથી. ચીનની દાનત ખોરી ટોપરા જેવી છે. ડિલ થાય તો પણ ટ્રમ્પને એનું બિલકુલ રાજકિય માઇલેજ ન મળે એ માટે ચીન કોઈ પણ હદે જવાની તૈયારીમાં છે, એમ એના વર્તન પરથી લાગે છે.
વૈશ્વિક બજારોની વાત કરીએ તો જૉબડેટા સ્ટેબલ હતો. બેરોજગારી દર ૫૦ વર્ષની નીચી સપાટીએ છે. જોકે વાસ્તવિક અર્થમાં બોજ માર્કેટ હવે સેચ્યુરેશન પર છે કેમ કે ઘણા લોક તો પાર્ટ ટાઇમ કામ કરી રહ્યા છે અને ફુલ ટાઇમ જૉબમાં આવવા માગતા નથી. ફેડના ધાર્યા મુજબ બેકારીદર ૫.૫ ટકાથી નીચો જવાની સંભાવના નહોતી, પણ હકીકતે દર ૩.૫ ટકા જેવો નીચો છે. જૉબડેટા સારો હોવા છતાં ૩૦ ઑક્ટોબરે ફેડની બેઠકમાં ૨૫ બેસિસ પૉઇન્ટ વ્યાજદર ઘટાડાની સંભાવના પ્રબળ છે. અમેરિકામાં ઔદ્યોગિક ઉત્પાદન ભાવાંક ૧૦ વર્ષના તળિયે જતાં ફેડને રેટકટ કરવો પડે એ શક્ય છે.
ડોલેક્સ ૯૭.૭૦-૯૯.૫૦ વચ્ચે અત્યંત સાંકડી રેન્જમાં અથડાઈ રહ્યો છે. ડોલેક્સમાં તોફાની ચાલમાં ઝડપી ૧૦૧ અથવા ૯૩.૩૦ બેમાંથી એક બાજુ તોફાન આવશે. ૯૭.૭૦ તૂટે તો ૯૫.૩૦ કે ૯૩.૩૦ અને ૯૯.૯૦ વટાવે તો ૧૦૧.૯૦-૧૦૨.૩૦ આવે.
દરમ્યાન એશિયામાં ચીની બજારો ગોલ્ડન હોલિડે નીમિત્તે બંધ રહ્યાં હતાં. પહેલી ઑક્ટોબરે સત્તાધારી પક્ષની ૭૦મી વરસગાંઠ નિમિત્તે ચીને જબ્બર શક્તિપ્રદર્શન કર્યું હતું. હૉન્ગકૉન્ગમાં સ્થિતિ વણસી હતી. ગવર્નર કેરી લેમે બાવન વર્ષ પછી ફરી એક વાર જાહેરમાં માસ્ક પહેરવા પર પ્રતિબંધ લાગુ કરતાં દેખાવકારોએ હિંસક અથડામણ કરી હતી. સવબે રેલ બંધ થઈ ગઈ હતી. હૉન્ગકૉન્ગમાં ચીન સીધી લશ્કરી દરમ્યાનગીરી કરે એવી ભૂમિકા ઊભી થઈ છે કે કરાઈ રહી છે. મામલો ઘણો સ્ફોટક છે. નૉર્થ કોરિયાએ પણ આદત મુજબ મિસાઇલ પરીક્ષણ ફરી શરૂ કર્યાં છે. એશિયામાં ઘણા દેશોમાં ભારેલો અગ્નિ છે. હવે સોમવારે યુઆન કેવો ખૂલે એના પર બજારની નજર છે. ક્રૂડ ઑઇલના ભાવ ફરી ૫૩ ડૉલર થઈ ગયા છે. સોનું જોકે ૧૫૦૦ હૉલર પર ટકી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2019 10:23 AM IST | મુંબઈ | કરન્સી કૉર્નર-બિરેન વકીલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK