એફડીઆઈ : એક કરોડ રોજગાર સામે ચાર કરોડ બેકાર

Published: 28th November, 2011 11:00 IST

મલ્ટિ-બ્રૅન્ડેડ પ્રૉડક્ટ્સ માટે  ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને ૫૧ ટકાની અને સિંગલ બ્રૅન્ડ પ્રૉડ્કટ માટે ૧૦૦ ટકા ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની મંજૂરી આપતાં એ બાબતનો સમગ્ર વેપારી આલમમાંથી વિરોધ થઈ રહ્યો છે.સરકાર દ્વારા રીટેલ ક્ષેત્રમાં

સરકારનો દાવો છે કે તેમના આ પગલાને કારણે એક કરોડ નવી રોજગારી ઊભી થશે. સામે વેપારીઓના અગ્રણીઓનું કહેવું છે કે સરકારના આ પગલાના કારણે રીટેલમાં ધંધો કરતા ચાર કરોડ વેપારીઓનો ધંધો ઠપ થઈ જશે અને તેઓ બેકાર બની જશે. સરકારની આ નીતિના વિરોધમાં આજે નવી મુંબઈમાં એપીએમસીમાં  મોરચો કાઢવામાં  આવશે.

વેપારીઓ પર કુઠારાઘાત

વેપારીઓના અસ્તિત્વની આ લડાઈ હોવાનું કહી તેમના આંદોનલ વિશે વિગત આપતાં કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના મહારાષ્ટ્ર એકમના પ્રેસિડન્ટ અને નવી મુંબઈ મર્ચન્ટ ચેમ્બરના પ્રમુખ કીર્તિરાણાએ કહ્યું હતું કે ‘સ્વાભિમાનથી રોજગાર કમાતા નાના-મોટા વેપારીની વિરુદ્ધમાં સરકાર દ્વારા ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની જે નીતિ બનાવી છે તેનું અમલીકરણ એ તમામના રોજગાર પર કુઠારાઘાત સમાન થશે. એવું નથી કે મૉલમાં મળતી વસ્તુઓ સસ્તી જ મળશે, કારણ કે શરૂઆતમાં હેવી ડિસ્કાઉન્ટ આપી થોડો ઘણો લૉસ કરીને મૉલમાં આવવાની ગ્રાહકોને આદત પાડ્યા બાદ એ કંપનીઓ દ્વારા તેમના હેવી ખર્ચાઓ જેવા કે ફુલ્લી ઍસી મૉલ, વિશાળ જગ્યાઓ અને વેલ એજ્યુકેટડ સ્ટાફનો પગાર જેવા મોટા ઑવરહેડ્સને સરભર કરવા પાછળથી મોંઘા ભાવે જ તેમની વસ્તુઓ હાઇજિનિક અને આરોગ્યપ્રદના બહાને વેચશે. આથી સરવાળે તો  ગ્રાહકોને જ ભોગવવું પડશે. બીજું, તેઓ તેમની પ્રૉડક્ટ્સ વેચેશે. આપણે ત્યાં આપણા બાપ-દાદાઓના સમયથી તલનું તેલ કે શિંગતેલ કે પછી રાઈનું તેલ વાપરીએ છીએ. આજે પણ વૃદ્ધ અને સશક્ત વડીલો આપણને એ વિશે કહે છે, પણ મલ્ટિનૅશનલ ફૉરેન કંપનીઓ પોતાનું ઑલિવ ઑઇલ ઓછું કૉલેસ્ટરોલ કરે છે એમ કહી ૫૦૦ રૂપિયે લિટર વેચે છે. આમ તેઓ પોતાનો ફાયદો કરે છે. ’

મોરચામાં ૪૦થી વધુ સંસ્થાઓ

મોરચાની વિગતો આપતાં કીર્તિ રાણાએ વધુમાં કહ્યું હતું કે ‘બપોરના ૨ વાગ્યે આ મોરચો નવી મુંબઈના એપીએમસી (ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી)ના ગ્રોમા (ગ્રેઇન, રાઇસ ઍન્ડ ઑઇલ સિડ્સ મર્ચન્ટસ અસોસિએશન) હાઉસથી નીકળશે, જેમાં નવી મુંબઈની ૪૦થી વધુ સંસ્થાના વેપારીઓ, દલાલભાઈઓ, ટ્રાન્સર્પોટરો હજારોની સંખ્યામાં જોડાશે. આ મોરચામાં માથાડી કામગારોનો સર્પોટ પણ અમને મળી રહ્યો છે. મોરચો ગ્રોમા હાઉસથી નીકળી મસાલા માર્કેટ, શાકભાજી માર્કેટ, ફ્રૂટ માર્કેટ, કાંદા-બટાટા માર્કેટથી શિવાજી ચોક પર પૂરો થશે. ત્યાં વેપારીઓની વિવિધ સંસ્થાના અગ્રણીઓ મોરચાને સંબોધશે. આ મોરચામાં નવી મુંબઈ અને તેની આસપાસના રીટેલરો પણ જોડાશે. સરકાર મલ્ટિનૅશનલ કંપનીઓનો પક્ષ લઈ એક કરોડ નવી રોજગારની તકો ઊભી થશે એમ કહે છે, પણ સામા પક્ષે દેશભરના ચાર કરોડ રીટેલરો અને હોલસેલરો તેમ જ તેમના પર નભતા તેમના કર્મચારીઓ બેકાર થઈ જશે તેનું શું? સરકારની આ નીતિનો વિરોધ કરવો જ જોઈએ. અને અમે એ હવે સતત કરતા રહીશું.’      

આ આંદોલન દેશવ્યાપી બનશે

સરકારની આ નીતિને વખોડી કાઢવા વિશાળ મોરચોના  પ્રયોજન વિશે માહિતી આપતાં ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (ફામ)ના પ્રેસિડન્ટ મોહન ગુરનાનીએ કહ્યું હતું કે ‘સરકાર દ્વારા ૫૧ ટકા ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપવાથી વૉલ-માર્ટ જેવી મલ્ટિનૅશનલ કંપનીઓ આવતા દેશના ચાર  કરોડ વેપારીઓ અને તેમના કર્મચારીઓ બેકાર થઈ જશે. અમે આ આંદોલનને દેશવ્યાપી બનાવી રહ્યા છીએ. આજે અહીં બંધ કર્યો છે, જ્યારે એક તારીખે અમે ભારતભરના વેપારીઓના વ્યાપાર બંધને ટેકો આપીશું, ત્યાર બાદ ઉપવાસ પર બેસીશું. આમ એક પછી એક વિરોધ પ્રદર્શન કરતા રહીશું અને આ આંદોલન ચલાવતા રહીશું. આ વેપારીઓના અસ્તિત્વનો સવાલ છે.’

મલ્ટિનૅશનલને જ ફાયદો

સરકારની ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની આ નીતિથી માત્ર ફૉરેનની વૉલ-માર્ટ જેવી મલ્ટિનેશનલ્સ અને ભારતનાં કેટલાંક કોર્પોરેટ હાઉસને જ ફાયદો થવાનો છે એમ જણાવતાં ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહે કહ્યું હતું કે ‘ઇન્ડિયાનાં કેટલાંક ચુનંદા કૉર્પોરેટ હાઉસિસ જેમની બ્રૅન્ડસ બહુ વેચાતી નથી તેઓ આ મલ્ટિનૅશનલ્સ સાથે ટાઇ-અપ કરી તેમની પ્રોડ્ક્ટસ વેચશે. સરકાર દ્વારા કહેવાયું છે કે એફડીઆઇ માટે ૩૦ ટકા માલ સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રી પાસેથી લેવાનું કહેવામાં આવ્યું છે, પણ તેમાં એવી કોઈ ચોખવટ નથી કે એ ભારતના  હોય આથી એ મલ્ટિનૅશનલ કંપનીઓ ઑલઓવર વર્લ્ડ જ્યાં પણ તેમને સસ્તો માલ ચાઇના, તાઇવાન, ઇન્ડોનેશિયા એમ મળશે ત્યાંથી ખરીદીને અહીં ડમ્પ કરશે. તેમને માત્ર તેમના ફાયદામાં જ રસ છે. વિદેશોમાં આ મલ્ટિનૅશનલ કંપનીઓની અસર જોતાં હવે તેમના પર  અંકુશ મૂકવામાં આવી રહ્યા છે ત્યારે આપણી સરકાર તેમને વેલકમ કહી રહી છે. સરકારની આ નીતિનો વિરોધ થવો જ જોઈએ. આપણે ત્યાં રીટેલરો અને હોલસેલરો ખતમ થઈ જશે. ઑલ ઇન્ડિયામાંથી આ બાબતે વિરોધ થઈ રહ્યો છે.’

રીટેલ ક્ષેત્રે એફડીઆઇને મુદ્દે બીજેપી સંસદમાં કાર્યવાહી રોકવાના મૂડમાં : ગોપીનાથ મુંડે

સરકારના રીટેલ ક્ષેત્રે ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) માટે ભારતમાં માર્ગ ખુલ્લો કરવાના નિર્ણય સામે બીજેપી સંસદમાં પોતાનો વિરોધ નોંધાવશે એવું કહી પક્ષના લોકસભા ડેપ્યુટી લીડર ગોપીનાથ મુંડેએ ઘાટકોપરમાં બીજેપીના કાર્યકરોને સંબોધતાં ઉમેર્યું હતું કે ‘અમે આજે પાર્લમેન્ટની પ્રોસિડિંગને આગળ વધવા નહીં દઈએ, કારણ કે રીટેલ ક્ષેત્રે એફડીઆઇનું નાના રીટેલર પર ખૂબ જ ખરાબ પરિણામ આવશે. સરકાર વધતાજતા ઇન્ફ્લેશનને મુદ્દે પાર્લમેન્ટમાં વાત કરવા તૈયાર નથી કે નથી એને કાબૂમાં લેવા કોઈ પગલાં લેવા તૈયાર. ઉપરાંત સરકાર આતંકવાદ અને બ્લૅક મની જેવી સમસ્યા સામે લડવામાં પણ અસફળ રહી છે. અમે સરકાર પાસે વિદેશમાં કાળું નાણું જમા કરનાર ત્રણ સંસદસભ્યો સહિત અન્ય લોકોની યાદી માગી છે.’

મુંડેએ વધુમાં કહ્યું હતું કે યુનિયન હોમમિનિસ્ટર પી. ચિદમ્બરમનું નામ 2G સ્પેક્ટ્રમમાં આવ્યું હોવાથી બીજેપીના સંસદસભ્યો તેમને પણ પાર્લમેન્ટની મીટિંગમાં બોલવા નહીં દે.

૧ ડિસેમ્બરના બંધને કારણે શાકભાજી મોંઘાં થશે

એફડીઆઇના વિરોધમાં ૧ ડિસેમ્બરે એપીએમસી માકેર્ટમાં બંધ પાળી મોરચો કાઢવાના કાર્યક્રમના કારણે મુંબઈમાં એ દિવસે શાકભાજી અને ફળફળાદિના ભાવ વધવાની સંભાવના છે. એપીએમસીના ડિરેક્ટર શંકર પિંગળેએ જણાવ્યું હતું કે ૧ ડિસેમ્બરે અમે બજાર બંધ રાખીશું અને સરકાર નિર્ણય નહીં બદલે તો અમે વધુ સમય સુધી બંધ લંબાવીશું. એપીએમસી માથાડી યુનિયનના જનરલ સેક્રેટરી નરેન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે ‘વેપારીઓનો ધંધો જ તૂટી જાય તો કામગારો અને ટ્રાન્સર્પોટ કંપનીઓ શું કરશે? એટલે જ અમે બંધને ટેકો આપીએ છીએ.’

બંધના વ્યૂહ માટે આજે મીટિંગ

૧ ડિસેમ્બરે દેશવ્યાપી વ્યાપાર બંધની રણનીતિ ઘડવા કેટની એક મીટિંગનું આજે સાંજે દક્ષિણ મુંબઈમાં આવેલા ‘રૂપમ’ શો રૂમમાં ફામ અને ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહના સહયોગથી કરવામાં આવ્યું છે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK