ઑઇલ-રિફોર્મ્સના પગલે સેન્સેક્સ ૩૨૧ પૉઇન્ટ ઊછળ્યો

Published: Oct 21, 2014, 05:32 IST

બજારમાં ફરી વાર મોદી-મૅજિક : ધનતેરસ પહેલાં શૅરબજારે દિવાળી ઊજવી, એફઆઇઆઇની ૧૦૪૦ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી : ‘એ’ ગ્રુપના ૭૫ ટકા શૅર ઊંચકાયા : ઓએનજીસી ૫.૪૪ ટકા ઊછળ્યો : રિલાયન્સ છ મહિનાના તળિયે

શૅરબજારનું ચલકચલાણું-અનિલ પટેલ

મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત અને સરકાર દ્વારા ઑઇલ-રિફૉમ્સર્‍માં સુધારાના નેજા હેઠળ ગઈ કાલે બન્ને બજારોમાં ઉજવણીનો માહોલ હતો. સેન્સેક્સે ૩૨૧ પૉઇન્ટની સલામી સાથે બન્ને રાજ્યોમાં બીજેપી સરકારની જીતને વધાવી લીધી છે. એ ઉપરાંત સરકાર દ્વારા ગૅસના ભાવમાં વધારો અને ડીઝલના ભાવને અંકુશમુક્ત કરવાના લેવાયેલા પગલાએ શૅરબજારને નવું જોમ પૂરૂ પાડ્યું હતું. લોકોની ધારણા છે કે સરકાર હવે હજી વધુ બોલ્ડ રિફૉમ્સર્‍ હાથ ધરશે એને કારણે દેશના વિકાસને ગતિ મળશે. સેન્સેક્સ ગઈ કાલે શરૂઆતથી લઈને અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સ ઉપરમાં ૨૬૫૧૮ થયો હતો અને અંતે સવા ટકો કે ૩૨૧ પૉઇન્ટના ઉછાળે ૨૬૪૩૦ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઉપરમાં ૭૯૦૬નું લેવલ બતાવ્યા બાદ ૧૦૦ પૉઇન્ટ નજીકના સુધારાના અંતે ૭૮૭૯ બંધ હતો. બજારનું માર્કેટકૅપ પણ ગઈ કાલે ૧.૧૮ લાખ કરોડના વધારા સાથે ૯૧.૯૬ લાખ કરોડ રૂપિયા થયું છે. એફઆઇઆઇએ ગઈ કાલે ભારતીય કૅપિટલ માર્કેટમાંથી ૧૦૪૦ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી છે.

ગઈ કાલે બીએસઈ ખાતે કુલ ૨૯૫૧ શૅરનાં કામકાજ થયાં હતાં, એમાંથી ૧૬૩૭ શૅર વધ્યા હતા, ૧૧૯૭ શૅર ઘટીને બંધ હતા એથી માર્કેટ બ્રેડ્થ ખાસ્સી પૉઝિટિવ રહી છે એમ કહી શકાય. ‘એ’ ગ્રુપના ૭૫ ટકા શૅર ઊંચકાયા હતા. તો ‘બી’ ગ્રુપમાં આ પ્રમાણ ૫૪ ટકા અને ‘ટી’ ગ્રુપમાં બાવન ટકા હતું, તો ૨૩૩ શૅર તેજીની સર્કિટે તો ૨૪૧ શૅર મંદીની સર્કિટમાં બંધ હતા. ૧૨૩ શૅર એક વર્ષ કે એથી વધુ ગાળાની રીતે ઊંચી સપાટીએ ગયા હતા, તો ૭૯ સ્ક્રિપ્સમાં ઐતિહાસિક બૉટમ બની હતી. સેન્સેક્સના ૩૦માંથી ૨૫ શૅર તેજીમાં હતા. લાર્સન ૨.૯૦ ટકા, એનટીપીસી ૧.૮૧ ટકા, તાતા પાવર ૧.૫૨ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૩૯ ટકા, ભારતી ઍરટેલ ૧.૩૯ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૩૬ ટકા, સિપ્લા ૧.૨૫ ટકા, સન ફાર્મા ૦.૬૦ ટકા, તાતા સ્ટીલ ૦.૫૪ ટકા, ભેલ ૦.૫૩ ટકા વગેરેએ પૉઝિટિવ બંધ આપ્યા હતા. તો આઇટીસી ૦.૫૧ ટકા, ટીસીએસ ૦.૮૮ ટકા, ઇન્ફોસિસ ૧.૦૯ ટકા અને વિપ્રો ૧.૬૭ ટકા ખરડાયા હતા. સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨.૧૪ ટકા, રિયલ્ટી ૦.૮૮ ટકા, પાવર ઇન્ડેક્સ ૧.૪૬ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૨૩ ટકા, એફએમસીજી ઇન્ડેક્સ ૦.૪૩ ટકા અને હેલ્થકૅર ઇન્ડેક્સ ૧.૨૩ ટકા વધીને બંધ હતા. તો ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૦.૨૬ ટકા અને આઇટી ઇન્ડેક્સ ૦.૮૩ ટકા ખુવાર થયા હતા. આઇડિયાનો સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં નફો ૯ ટકાના ઘટાડે ૬૬૦ કરોડ રૂપિયા થયો છે, જ્યારે આવક બે ટકા ઘટીને ૭૪૧૭ કરોડ રૂપિયા જોવાઈ છે. શૅર ગઈ કાલે ૪.૬૧ ટકાના જમ્પમાં ૧૬૧.૦૫ રૂપિયા બંધ હતો.

જિન્દલ સ્ટીલમાં સીબીઆઇનો સપાટો

સીબીઆઇએ કોલ બ્લૉક્સની ફાળવણીમાં થયેલાં કૌભાંડોની તપાસમાં જિન્દલ સ્ટીલ સામે કથિત રીતે ભ્રષ્ટાચાર અને દગાખોરીનો આરોપ લગાવ્યો છે અને એની સામે કેસ દાખલ કર્યો છે એને કારણે ગઈ કાલે કંપનીના શૅરમાં પણ સપાટો બોલી ગયો હતો. ઇન્ટ્રા-ડેમાં શૅર ૧૨૮ના તળિયે ગયા બાદ અંતે સાડાઆઠ ટકા કરતાં વધુના કડાકામાં ૧૩૫.૪૦ રૂપિયા બંધ આવ્યો હતો. સરેરાશ ૭ લાખ શૅરના વૉલ્યુમ સામે ગઈ કાલે ૩૬ લાખ શૅર નજીકનાં કામકાજ થયાં હતાં. ચાલુ વર્ષે આ કાઉન્ટર ૯ જૂને ૩૫૦ રૂપિયાના લેવલે જોવા મળ્યું હતું, તો વર્ષનો નીચો ભાવ ૧૨૮ રૂપિયા જે ગઈ કાલે જોવા મળ્યો હતો. અન્ય મેટલ શૅર પર નજર કરીએ તો ભૂષણ સ્ટીલ અડધા ટકાની નરમાઈમાં ૧૦૬.૯૫ રૂપિયા બંધ હતો. તો એનએમડીસી ૦.૨૫ ટકા ડાઉન હતો, તો સામે હિન્દાલ્કો સૌથી વધુ એવો ૪.૬૯ ટકા ઊંચકાયો હતો. હિન્દુસ્તાન ઝિન્ક ૩.૧૮ ટકા વધીને ૧૬૪ રૂપિયા, સેઇલ ૧.૪૨ ટકાની તેજીમાં ૭૮.૫૦ રૂપિયા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૦૮ ટકા વધીને ૧૧૪૩ રૂપિયા રહ્યો હતો. સેન્સેક્સમાં કોલ ઇન્ડિયા ૨.૬૦ ટકાની મજબૂતીમાં ૩૬૦.૭૦ રૂપિયા અને સેસા સ્ટરલાઇટ ૨.૧૧ ટકા ઊંચકાઈને ૨૩૭.૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. હિન્દાલ્કોથી સેન્સેક્સને ૧૦ પૉઇન્ટ મળ્યા હતા. મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૭ સ્ક્રિપ્સના વધારા સાથે ૧.૫૭ ટકા પ્લસ હતો.

રિલાયન્સ છ મહિનાના તળિયે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરે ચાર આંકડાનું લેવલ તો ક્યારનુંય ગુમાવી દીધું છે, પરંતુ ગઈ કાલે તો શૅર છ મહિનાના તળિયે ગયો હતો. શરૂઆતમાં શૅર ઇન્ટ્રા-ડે ખાતે ત્રણ ટકાની ખરાબીમાં ૯૧૨.૭૫ રૂપિયાના છ મહિનાના તળિયે હતો. જોકે ત્યાર બાદ શૅરમાં સુધારો થતાં અંતે ૦.૩૯ ટકાની નબળાઈમાં ૯૩૪.૫૦ રૂપિયા બંધ હતો. ઉપરમાં આ કાઉન્ટર ૯૪૧.૮૦ રૂપિયા ગયું હતું. જ્યાં સુધી રિલાયન્સ ડી-૧ અને ૩ ગૅસ ફીલ્ડ ખાતે ઓછા ઉત્પાદનનો મુદ્દો હલ ન કરે ત્યાં સુધી એને નવી ગૅસ પ્રાઇસ મુજબ ગૅસનું વેચાણ કરવાની છૂટ અત્યારે સરકારે આપી નથી એને કારણે શૅર લથડ્યો હતો. એનએસઈ ખાતે શૅર ૯૧૧.૫૫ રૂપિયાના તળિયે ગયો હતો. એનએસઈ ખાતે ૪૮,૪૩,૦૬૧ લાખ શૅર અને બીએસઈ ખાતે ૬.૫૩ લાખ શૅરના વૉલ્યુમ આ શૅરમાં નોંધાયા હતા. રિલાયન્સથી બજારને ૭ પૉઇન્ટની હાનિ થઈ હતી. રિલાયન્સ પાવર ૧.૨૨ ટકા વધ્યો હતો. રિલાયન્સ કૅપિટલ અડધો ટકો ડાઉન હતો.

ઑઇલ-ગૅસ શૅરમાં ઉજવણી

સરકાર દ્વારા ડીઝલના ભાવ નિયંત્રણમુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ગૅસના ભાવમાં વધારો કરવાના નર્ણિયથી ગઈ કાલે બજારમાં ઑઇલ અને ગૅસ શૅરમાં દિવાળી પહેલાં જ ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો હતો. ડીઝલના ભાવ ડીકન્ટ્રોલ થતાં ઓએનજીસી અને ઑઇલ ઇન્ડિયાને સૌથી વધુ ફાયદો થશે. ઓએનજીસીએ ગઈ કાલે સેન્સેક્સ ખાતે સૌથી વધુ તેજી દર્શાવી હતી. ઉપરમાં શૅર ૪૩૨ રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચે ગયા બાદ અંતે ૧૬ લાખ શૅર નજીકના વૉલ્યુમે ૫.૪૪ ટકાના ઉછાળે ૪૧૮.૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. તો ઑઇલ ઇન્ડિયા ૧.૩૯ ટકાની તેજીમાં ૫૮૪.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. ઓએનજીસીએ બજારને સૌથી વધુ બાવન પૉઇન્ટ આપ્યા હતા. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ બે ટકા નજીક ઊંચકાયો હતો. એના ૧૦માંથી ૯ શૅર પૉઝિટિવ ઝોનમાં બંધ રહ્યા હતા. એકમાત્ર રિલાયન્સ જ ડાઉન હતો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ સવાસાત ટકાની મજબૂતીમાં ૫૨૭ રૂપિયા નજીક બંધ હતો. બીપીસીએલ ૪.૫૭ ટકા વધ્યો હતો. ઇન્ડિયન ઑઇલ ૩.૮૪ ટકા વધીને ૩૭૯.૬૦ રૂપિયા, પેટ્રોનેટ એલએનજી ૩.૬૯ ટકાની તેજીમાં ૧૯૫ રૂપિયા અને ગેઇલ અઢી ટકાના સુધારામાં ૪૫૮.૭૫ રૂપિયા રહ્યા હતા. કેઇર્ન ઇન્ડિયામાં ૦.૦૪ ટકાનો સામાન્ય સુધારો જોવા મળ્યો હતો, તો કૅસ્ટ્રોલ ૦.૪૪ ટકા અપ હતો.

બૅન્ક નિફ્ટી એક વર્ષની ટોચ નજીક

બૅન્ક નિફ્ટી ગઈ કાલે ૧.૮૦ ટકા એટલે કે ૨૮૭ પૉઇન્ટ ઊંચકાયો હતો અને ૧૬,૨૧૬.૬૦ પર બંધ રહ્યો હતો, જે એની એક વર્ષની ટોચથી થોડો છેટે રહી ગયો હતો. સેન્સેક્સ ખાતે બૅન્કેક્સ ૧.૭૮ ટકા ઊંચકાયો હતો. એના તમામ બારેબાર શૅર વધીને બંધ આપવામાં સફળ રહ્યા હતા. એચડીએફસી બૅન્ક ૯૦૯ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો અને અંતે ૧.૭ ટકાની તેજીમાં એ ૮૯૪.૮૦ રૂપિયા બંધ હતો. તો ઇન્ડસ ઇન્ડ બૅન્ક પણ ઇન્ટ્રા-ડેમાં ૬૭૪.૭૦ રૂપિયાની ઑલટાઇમ હાઈ બતાવ્યા બાદ ૦.૬૪ ટકાના વધારામાં ૬૬૫.૬૦ રૂપિયા રહ્યો હતો. સેન્સેક્સ ખાતે એચડીએફસી બૅન્ક ઉપરાંત ઍક્સિસ બૅન્ક ૩.૯૨ ટકા ઊંચકાઈને ૪૧૭.૭૦ રૂપિયા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૦૯ ટકાની આગેકૂચમાં ૧૫૩૭ રૂપિયા અને એસબીઆઇ ૧.૮૧ ટકા વધીને ૨૫૬૭.૯૦ રૂપિયા જોવા મળ્યા હતા. આ ચારેય બૅન્ક શૅરની તેજીથી બજારને ૧૧૦ પૉઇન્ટ ફાયદો થયો હતો. એચડીએફસી ૨.૧૫ ટકાના સુધારામાં ૧૦૧૮ રૂપિયા હતો. પંજાબ નૅશનલ બૅન્ક ચાર ટકા કરતાં વધુના જમ્પમાં ૯૫૬.૪૦ બૅન્ક હતો. યસ બૅન્ક ૨.૬૫ ટકા ઊંચકાયો હતો. ફેડરલ બૅન્ક ૧.૮૮ ટકા વધીને ૧૩૮.૪૫, બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૧૮ ટકા સુધરીને ૨૬૦.૬૫ રૂપિયા, કૅનેરા બૅન્ક ૦.૮૫ ટકાની આગેકૂચમાં ૩૮૬.૮૦ રૂપિયા, કોટક બૅન્ક ૦.૨૬ ટકા વધીને ૧૦૦૪ રૂપિયા નજીક અને બૅન્ક ઑફ બરોડા ૦.૧૪ ટકાના સામાન્ય સુધારામાં ૮૭૩.૩૫ રૂપિયા બંધ જોવા મળ્યા હતા. સમગ્ર બૅન્કિંગ સેક્ટરનાં ૪૧માંથી ૩૮ કાઉન્ટર ઊંચકાયાં હતાં. એમાં સૌથી વધુ તેજી પંજાબ ઍન્ડ સિંધ બૅન્કમાં પોણાસાત ટકાની હતી.

ઑટો શૅરની ગાડી પુરજોશમાં


બજારની ગઈ કાલની તેજી સાથે કદમ મિલાવતાં ઑટો શૅરની ગાડીએ પણ રફ્તાર પકડી હતી. ઑટો ઇન્ડેક્સ ગઈ કાલે ૨.૧૭ ટકા અથવા તો ૩૬૯ પૉઇન્ટ ઊછળ્યો હતો. એની ૧૨માંથી ૧૦ જાતો વધીને બંધ રહી હતી. સેન્સેક્સ ખાતે તાતા મોટર્સ ૩.૯૪ ટકાની આગેકૂચમાં ૪૯૪.૫૦ રૂપિયા, મારુતિ સુઝુકી ૨.૧૭ ટકા વધીને ૩૦૦૬.૮૫ રૂપિયા, હીરો મોટોકૉર્પ ૨.૦૮ ટકાની તેજીમાં ૨૯૩૭ રૂપિયા, બજાજ ઑટો દોઢ ટકા કરતાં વધુના સુધારામાં ૨૪૧૧ રૂપિયા અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ૦.૪૭ ટકા ઊંચકાઈને ૧૨૫૯.૯૦ રૂપિયા બંધ આવ્યા હતા. તાતા મોટર્સ અને મારુતિથી બજારને ૫૦ પૉઇન્ટ મળ્યા હતા. અન્ય ઑટો શૅરની વાત કરીએ તો મધરસન સુમી ૩.૭૮ ટકા વધ્યો હતો. આઇશર મોટર્સ ૨.૫૯ ટકા અને બૉશ ૧.૭૦ ટકા ઊંચકાયા હતા. ભારત ર્ફોજ ૧.૬૦ ટકા વધીને ૭૬૪.૨૦ રૂપિયા અને અપોલો ટાયર્સ પોણો ટકો પ્લસ બંધ હતા. તો સામે એમઆરએફ ૦.૦૯ ટકા અને ક્યુમિન્સ ઇન્ડિયા ૦.૦૮ ટકાના સામાન્ય ઘટાડે બંધ હતા. ટૂ-થ્રી વ્હીલર સેગમેન્ટમાં ૧૨માંથી ૭ અને ટાયર તથા રબર ઉદ્યોગનાં ૧૯માંથી ૧૩ કાઉન્ટર્સ વધીને બંધ આપવામાં સફળ રહ્યાં હતાં.

કંપની પરિણામો ઊડતી નજરે

એનઆઇઆઇટી : સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ત્રણ ટકા વધીને ૫૮.૧૫ કરોડ રૂપિયા નોંધાયો છે. ક્વૉર્ટર્લી કંપનીનું કુલ વેચાણ ૪ ટકા ઘટીને ૩૧૯.૨૦ કરોડ રૂપિયા રહ્યું છે.

ગૃહ ફાઇનૅન્સ : સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૨.૪ ટકાના વધારામાં ૨૫૮ કરોડ રૂપિયા જેવી આવક પર ૨૫ ટકાના વૃદ્ધિદરથી ૪૩ કરોડ રૂપિયા નેટ પ્રૉફિટ કર્યો છે.

બજાજ હોલ્ડિંગ્સ : નાણાકીય વર્ષ ૨૦૧૫ના બીજા ક્વૉર્ટરમાં નેટ પ્રૉફિટ ૧૧ ટકા વધીને ૫૧૦ કરોડ રૂપિયા થયો છે. કંપનીએ ક્વૉર્ટર્લી ૧૦૬ ટકાના વધારે ૧૮૪.૬૧ કરોડ રૂપિયાની કુલ કમાણી કરી છે.

એમ્કો : ત્રિમાસિક ગાળામાં ૧૩ ટકાના વધારામાં ૨૦૮ કરોડ રૂપિયાની આવક પર ૭૩ ટકાના ઘટાડા સાથે ૧૧૦ લાખ રૂપિયા નેટ પ્રૉફિટ કર્યો છે.

ઝી એન્ટરટેઇનમેન્ટ : ક્વૉર્ટર્લી બે ટકાના વૃદ્ધિદરથી ૧૧૧૮ કરોડ રૂપિયાની આવક તથા ૪ ટકાની પીછેહઠમાં ૨૨૭ કરોડ રૂપિયા નેટ પ્રૉફિટ કર્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK