બજેટનું ધોવાણ અટકાવી રોકાણકારો ૫.૧૩ લાખ કરોડ રૂપિયા કમાઈ લીધા

Updated: Feb 06, 2020, 10:54 IST | Mumbai Desk

સ્ટોક-ટૉક : નિરાશા ખંખેરી શૅરબજારની વૃદ્ધિની હૅટ-ટ્રિક

વૈશ્વિક શૅરબજારમાં જોવા મળી રહેલી તેજી, ચીનમાં ફેલાઈ રહેલા જીવલેણ કોરોના વાઇરસની રસી શોધાઈ ગઈ છે એટલે હવે નુકસાન વધતું અટકી જશે એવી આશા, ભારતીય અર્થતંત્રમાં રિકવરી આવી રહી છે તેવા સંકેતો વચ્ચે અને રિલાયન્સ, એચડીએફસી અને એચડીએફસી બૅન્કની આગેવાની હેઠળ શૅરબજાર સતત ત્રીજા દિવસે વધીને બંધ આવ્યાં હતાં. ત્રણ દિવસની તેજી ઉપરથી એવું લાગી રહ્યું છે કે બજેટની નિરાશા ખંખેરી રોકાણકારો ફરી પરત આવી રહ્યા છે. દેશનું મૅન્યુફૅક્ચરિંગ જાન્યુઆરી મહિનામાં આઠ વર્ષની ઊંચી સપાટીએ હોવાના અહેવાલ બાદ આજે સર્વિસ સેક્ટરમાં નવા ઓર્ડર અને બિઝનેસ કોન્ફિડન્સ સાત વર્ષની ઊંચી સપાટીએ હોવાના અહેવાલ આવ્યા હોવાથી બજારમાં એક સમયે જોવા મળેલો ઘટાડો પચાવી ઇન્ડેક્સ ફરી ઊછળ્યા હતા.

બજારની નજર ગુરુવારે જાહેર થનારી ધિરાણ નીતિની સમીક્ષા ઉપર રહેશે. વ્યાજનો દર સ્થિર રહે તેવી ધારણા છે પણ તેના કરતાં બજારની નજર રિઝર્વ બૅન્ક આર્થિક વૃદ્ધિ અંગે કેવું નિવેદન આપે છે, ભવિષ્યમાં વ્યાજદર ઘટી શકે છે કે કેમ તેના આંકલન ઉપર રહેશે. ત્રણ દિવસમાં સેન્સેક્સ ૧૪૦૭.૧૩ પૉઇન્ટ કે ૩.૫૪ ટકા અને નિફ્ટી ૪૨૮.૪૦ પૉઇન્ટ કે ૩.૬૭ ટકા વધ્યા હોવાથી બજેટની ૯૮૪ પૉઇન્ટની નુકસાની ભરપાઈ થઈ ગઈ છે અને સાથોસાથ રોકાણકારોની સંપત્તિમાં પણ વધારો રહ્યો છે. ત્રણ દિવસમાં શૅરબજારે રોકાણકારોને ફાયદો કરાવી આપ્યો છે. માર્કેટ કેપિટલાઈઝેશન બુધવારે ૧,૫૬,૮૨૦ કરોડ વધી ૧૫૮.૧૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું અને ત્રણ દિવસમાં કુલ સંપત્તિમાં ૫,૧૩,૮૬૫ કરોડ રૂપિયા વધ્યું છે.

દિવસની ઊંચી સપાટી ૪૧,૧૫૪.૬૬ પહોંચ્યા બાદ સત્રના અંતે સેન્સેક્સ ૩૫૩.૨૮ પૉઇન્ટ કે ૦.૮૭ ટકા વધી ૪૧,૧૪૨.૬૬ અને નિફ્ટી ૧૦૯.૫૦ પૉઇન્ટ કે ૦.૯૧ ટકા વધી ૧૨,૦૮૯.૧૫ની સપાટીએ બંધ આવ્યા હતા. આજે સેન્સેક્સ કંપનીઓમાં તાતા સ્ટીલ, ભારતી એરટેલ, એચડીએફસી, ટીસીએસ, લાર્સન અૅન્ડ ટુબ્રો, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વધીને બંધ આવ્યા હતા. ઘટેલા શૅરમાં હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ, મારુતિ સુઝુકી, એશિયન પેઈન્ટ અને નેસ્લે મુખ્ય હતા.

વિદેશી સંસ્થાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચોખ્ખી ખરીદીના આંકડા બીજા દિવસે પણ નાની રકમના આવ્યા છે, પણ બજેટ પછી જે રીતે બન્ને સંસ્થાકીય રોકાણકારોનું વૉલ્યુમ વધ્યું છે તે ઊડીને આંખે વળગે તેવું છે. મંગળવારે વિદેશી સંસ્થાઓએ ૩૬૬.૨૧ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી અને બુધવારે ફરી ૨૪૯ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી હતી. સ્થાનિક ફન્ડસની મંગળવારે ૬૦૧.૮૬ કરોડની અને આજે ૨૬૩ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી હતી. કૅશ સેગ્મેન્ટમાં બન્ને એક્સચેન્જ ઉપર ભારે વૉલ્યુમ જોવા મળ્યું છે.

આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ ક્ષેત્રમાં માત્ર મીડિયા ક્ષેત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો. બાકી બધા વધીને બંધ આવ્યા હતા. મેટલ્સ, બૅન્કિંગ, રિઅલ એસ્ટેટ અને નાણાકીય સેવાઓમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. એક્સચેન્જ ઉપર ૬૧ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૬૭ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૯૯ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૩૨ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ ઉપર ૯૩ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૧૧૦ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૭૩ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૩૬માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મોલ કૅપ ઇન્ડેક્સ ૦.૭૪ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૧.૩૫ ટકા વધીને બંધ આવ્યા હતા.

દિગ્ગજ શૅરોમાં તેજી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બૅન્ક અને એચડીએફસીના કારણે આજે સેન્સેક્સ ૨૦૧.૮ પૉઇન્ટ વધ્યો હતો. બજેટના દિવસ પછી રિલાયન્સ ૧૩૮૩ની સપાટી સામે ૪.૬૯ ટકા વધી આજે ૧૪૪૮, એચડીએફસી બૅન્ક ૧૧૯૯ સામે ૦.૩૭ ટકા ૧૨૪૪.૨૦ અને એચડીએફસી ૨૨૫૨ સામે ૩.૩૩ ટકા વધી ૨૩૨૭.૧૦ રૂપિયા વધીને બંધ આવ્યા છે. આ ત્રણ શૅરો ઇન્ડેક્સમાં ૩૧ ટકા હિસ્સો ધરાવે છે એટલે તેમાં ઉછાળો આવે તો તેની સીધી અસર અન્ય કંપનીઓના પ્રમાણમાં વધારે અસર સેન્સેક્સમાં વૃદ્ધિ કે ઘટાડા ઉપર જોવા મળે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK