Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > તેજીના તાલ સાથે 2018ની વિદાય: વૉલેટિલિટી ચાલુ રહી, ચાલુ રહેશે

તેજીના તાલ સાથે 2018ની વિદાય: વૉલેટિલિટી ચાલુ રહી, ચાલુ રહેશે

31 December, 2018 08:32 AM IST |
જયેશ ચિતલિયા

તેજીના તાલ સાથે 2018ની વિદાય: વૉલેટિલિટી ચાલુ રહી, ચાલુ રહેશે

ભારતીય શૅરબજાર 2018માં નોંધપાત્ર વૉલેટાઇલ રહ્યું

ભારતીય શૅરબજાર 2018માં નોંધપાત્ર વૉલેટાઇલ રહ્યું


શૅરબજારની સાદીવાત 

ગયા સોમવારે બજારના ઘટાડાનો દોર ચાલુ રહ્યો હતો. શરૂમાં થોડો સમય ફ્લૅટ સ્થિતિમાં રહ્યા બાદ પછીથી સેન્સેક્સ ૨૭૨ પૉઇન્ટ અને નિફ્ટી 90 પૉઇન્ટ નીચે ઊતરી ગયા હતા. અમેરિકા સહિત ગ્લોબલ માર્કેટની ઊથલપાથલની તેમ જ અનિશ્ચિતતાની અસર ચાલુ રહી હતી. મંગળવારે નાતાલ નિમિત્તે બજાર બંધ રહ્યું હતું. બુધવારે શરૂમાં ઘટતું રહીને માર્કેટ 400 પૉઇન્ટથી વધુ નીચે ઊતરી ગયું હતું. જોકે છેલ્લા અમુક કલાકમાં બજાર ઝડપથી રિકવર થતાં આખરે સેન્સેક્સ 180 પૉઇન્ટ અને નિફ્ટી 66 પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. આ રિકવરી ગ્લોબલ સુધારાને આભારી હતી. ગુરુવારે ફરી બજારે પૉઝિટિવ ટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો જેમાં વૉલેટિલિટી વધુ હતી. સેન્સેક્સ નોંધપાત્ર ઊંચે જઈ કરેક્શનના ભાગરૂપ પાછો ફર્યો હતો અને અંતમાં 157 પૉઇન્ટ પ્લસ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 પૉઇન્ટ પ્લસ બંધ આવ્યો હતો. અલબત્ત, ગ્લોબલ માર્કેટ્સના સુધારાને પરિણામે આમ બન્યું હતું. આ ગ્લોબલ સુધારાનું પરિણામ શુક્રવારે પણ ભારતીય બજાર માટે સારું રહ્યું. સેન્સેક્સ પોણાચારસો પૉઇન્ટ સુધી ઊંચે જઈ આખરે ૨૬૯ પૉઇન્ટ પ્લસમાં અને નિફ્ટી 80 પૉઇન્ટ પ્લસ બંધ રહ્યો હતો. આમ 2018ના વર્ષના ટ્રેડિંગ દિવસના છેલ્લા સપ્તાહનો અંત પૉઝિટિવ રહ્યો હતો. આ પૉઝિટિવ ટ્રેન્ડમાં ક્રૂડના નીચા ભાવ, રૂપિયાનો સુધારો અને અમેરિકાના સંજોગો હળવા થવાનાં કારણો પણ જવાબદાર હતાં. સેન્સેક્સ 36,000ની ઉપર અને નિફ્ટી 10,850ની ઉપર બંધ રહ્યો. અહીં હવે એ યાદ રાખવું જરૂરી છે કે આપણી બજારને ગ્લોબલ ઘટના કે સંકેતો વધુ અસર કરશે, આપણે ત્યાં મુખ્ય પરિબળ મહદૃ અંશે રાજકીય ઘટના જ રહેશે. બીજા ક્રમે રિઝર્વ બૅન્કનાં કોઈ પગલાં આવી શકે અને બાકીમાં સરકાર તરફથી કોઈ આર્થિક સુધારાની જાહેરાત થઈ શકે. જોકે એની અસર કેટલી થાય એ સવાલ ઊભો રહેશે. નવું વર્ષ સરકાર માટે રાજકીય અને આર્થિક બન્ને દૃષ્ટિએ અતિમહત્વનું રહેવાનું છે. આમ તો પહેલાં ત્રણ મહિના ખરી કસોટીના છે, કારણ કે સરકારે આ ક્વૉર્ટરમાં જે પણ કંઈ મહત્તમ કરી શકે એ કરી લેવાનું છે. આગળ પછી ચૂંટણીનાં પરિણામો નક્કી કરશે.



અમેરિકા સહિત ગ્લોબલ ગરબડ


બજાર પર હાલમાં સૌથી વધુ અસર અમેરિકાની આર્થિક-રાજકીય સમસ્યાની છે. આંશિક શટડાઉન તેમ જ ચીન સાથેનું વેપારયુદ્ધ ભારતીય સહિત એશિયન અને વિશ્વબજારોને પણ પજવી રહ્યું છે. આ જ કારણસર છેલ્લાં દસ વર્ષમાં જોવાયું નહોતું એવું ખરાબ બજાર આગલા સપ્તાહમાં અમેરિકન માર્કેટમાં જોવાયું હતું. અત્યારે તો અમેરિકા ફાઇનૅન્શિયલ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યું હોવાથી કેટલીક અંધાધૂંધી પણ ચાલી રહી છે જે ચીન સાથે વેપારયુદ્ધને કારણે વધુ વકરી શકે છે. આ ઉપરાંત અમેરિકાના અન્ય કેટલાક દેશો સાથે પણ પંગા ચાલતા રહ્યા છે. ડોનલ્ડ ટ્રમ્પ સામે નવા પડકારો ઊભા થઈ રહ્યા છે. જોકે અહીં એક વાત નોંધવી મહત્વની છે કે ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ ડિસેમ્બરના ગયા સોમવાર સુધીના ગાળામાં 2400 કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી હતી. ગ્લોબલ માર્કેટની ગતિ મંદ પડી રહી છે, ખાસ કરીને અમેરિકન માર્કેટ ઢીલી પડી રહી છે અને એની અસરરૂપે બીજા દેશોની બજાર પણ ધીમી પડી રહી છે. ગ્લોબલ ગ્રોથ મંદ પડતાં ઇક્વિટીઝની માગ ઘટે એ સ્વાભાવિક છે. જોકે અમેરિકાનું ચીન સાથેનું વેપારયુદ્ધ ભારતને લાભદાયી બની શકે એવું માની શકાય.

લોકપ્રિય રાહતનાં પગલાંની આશા


GST (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)ના દરમાં ઘટાડો તેમ જ નવા સુધારાની ભલામણો અને નિર્ણયોની અસર હવે પછી જોવા મળશે. નાણાપ્રધાને GSTના દર 12થી 18 ટકાના સ્લૅબમાં રાખવાના સંકેત આપી દીધા છે. નવા મહત્વના નિર્ણયો માટે કમિટીઓ રચવાની જાહેરાત થઈ ગઈ છે. આ કાર્ય 1 ફેબ્રુઆરીના ઇન્ટરિમ બજેટ યા એની આસપાસ થાય એવી શક્યતા જણાય છે. આ ઉપરાંત અન્ય લોકપ્રિય પગલાં પણ અપેક્ષિત છે. બૅન્કોની ધિરાણક્ષમતા વધારવા અને અંકુશો ઘટાડવા તેમ જ NBFC (નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપની) માટે પ્રવાહિતા વધારવાનાં પગલાં લાવવાની પણ તૈયારી ચાલુ છે.

2019 માટે ઊંચી આશા

2018નું વર્ષ ટફ ગયું કહી શકાય, પરંતુ વર્ષના અંતિમ સમયમાં આર્થિક મોરચે જે માહોલ છે એમાં નવું વર્ષ 2019 સારું અને આશાસ્પદ રહેવાના સંકેત છે એવો મત કોટક ઍસેટ મૅનેજમેન્ટ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે વ્યક્ત કર્યો છે. ૨૦૧૮માં બજાર સામે ઘણાં પડકારરૂપ પરિબળો ભેગાં થયાં હતાં જેને લીધે વૉલેટિલિટી ઊંચી રહી હતી. ક્રૂડ ઑઇલના ઊંચા ભાવ, રૂપિયાનો ડૉલર સામે ઘસારો, IL&FSની પેમેન્ટ કટોકટીનું પ્રકરણ, જેને લીધે પ્રવાહિતાની જબ્બર ખેંચ, સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સમાં ક્રૅશ અને લાર્જ કૅપ સ્ટૉક્સમાં કરેક્શન અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત ભારે વેચવાલીનું દબાણ જેવાં કારણો માર્કેટને નચાવતાં રહ્યાં હતાં. જોકે આ પછી પણ અંત ભાગમાં કૉર્પોરેટ નફાશક્તિમાં સુધારા જોવાયા હતા, જ્યારે કે અંત ભાગમાં ક્રૂડ અને રૂપિયાની ચાલ પણ ભારત માટે તરફેણદાયી બની હતી. રિઝર્વ બૅન્કે પણ પ્રવાહિતાને ટેકો આપવા સક્રિયતા બતાવી છે. આ બાબતો 2019 માટે આશાનું સર્જન કરે છે. ડિસેમ્બર ક્વૉર્ટરનાં પરિણામો સારાં રહેવાની આશા વ્યક્ત થાય છે. જોકે શરૂમાં વૉલેટિલિટી રહેવાનું પણ નક્કી જણાય છે જેથી રોકાણકારોએ સજાગ અને સિલેક્ટિવ રહેવામાં સાર રહેશે.

બ્રૉડર માર્કેટનો બગાડ

એક અભ્યાસ મુજબ ૨૦૧૮માં શૅરબજારમાં સૌથી નોંધપાત્ર બાબત એ જોવાઈ કે બ્રૉડર માર્કેટ અર્થાત વ્યાપક બજારને આવરી લેતા BSE-500 ઇન્ડેક્સમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો. છેલ્લાં સાત વર્ષમાં એટલે કે ૨૦૧૧ બાદનું આ સૌથી ખરાબ વર્ષ ગણી શકાય. 2018ના અત્યાર સુધીના સમયમાં બ્રૉડર BSE-5૦૦ આંક 4.82 ટકા નીચે ગયો છે. BSE-૫૦૦ના આ જબ્બર ઘટાડામાં સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સનો ફાળો મોટો રહ્યો છે. BSEનું માર્કેટ કૅપ વર્ષના આરંભે 152 લાખ કરોડ રૂપિયાથી ઘટીને ડિસેમ્બરના અંત ભાગમાં 142 લાખ કરોડ રૂપિયા થઈ ગયું અર્થાત રોકાણકારોની દસ લાખ કરોડ રૂપિયા જેટલી મૂડીનું ધોવાણ કહેવાય. BSE-500 ઇન્ડેક્સમાં સામેલ દર પાંચ શૅરમાંથી ચાર શૅરે નેગેટિવ રિટર્ન આપ્યું. 168 સ્ટૉક્સમાં ૨૫થી 50 ટકા સુધીનો ઘટાડો થયો, જ્યારે ૫૯ સ્ટૉક્સમાં પચાસ ટકાથી વધુ ઘટાડો નોંધાયો. આમાં છેલ્લે-છેલ્લે NBFC સ્ટૉક્સનો પણ નોંધપાત્ર ફાળો રહ્યો.

નાની ખાસ વાત : ભારત બહેતર

ભારતીય શૅરબજાર 2018માં નોંધપાત્ર વૉલેટાઇલ રહ્યું. રાજકીય સમીકરણો પણ સતત બદલાઈ રહ્યાં હોવાથી અનિશ્ચિતતા પણ વધી છે છતાં ભારતીય માર્કેટમાં રોકાણ કરવાની વિદેશી રોકાણકારોની ઉત્સુકતા વધી હોવાનું જોવાયું છે. 2018માં 600 જેટલા નવા ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ સેબીમાં નોંધણી કરાવીને આ વાતને સમર્થન આપ્યું છે કે અન્ય ઇમર્જિંગ માર્કેટ્સની તુલનાએ ભારતીય માર્કેટ વધુ બહેતર છે.

આ પણ વાંચો : ટ્રમ્પ અને પોવેલ વચ્ચેના ગજગ્રાહમાં પિસાતું અમેરિકી શૅરબજાર

નાની સાદી વાત : બૅન્કોને બૂસ્ટ

સરકાર આ નાણાકીય વર્ષના અંત સુધીમાં જાહેર ક્ષેત્રની સાત બૅન્કોને ૨૮૬ અબજ રૂપિયાની મૂડીનો ટેકો આપવાની છે જેને લીધે આ બૅન્કોને નવું બૂસ્ટ મળશે. આ બૅન્કો ધિરાણ માટે વધુ સક્ષમ બનશે તેમ જ સિસ્ટમમાં પ્રવાહિતા પણ વધશે.

Whatsapp-channel Whatsapp-channel

31 December, 2018 08:32 AM IST | | જયેશ ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK