Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ગ્લોબલ ગ્રોથ પ્રોજેક્શન ઘટતાં સોનું સતત બીજા દિવસે ઊછળ્યું

ગ્લોબલ ગ્રોથ પ્રોજેક્શન ઘટતાં સોનું સતત બીજા દિવસે ઊછળ્યું

09 October, 2014 05:03 AM IST |

ગ્લોબલ ગ્રોથ પ્રોજેક્શન ઘટતાં સોનું સતત બીજા દિવસે ઊછળ્યું

ગ્લોબલ ગ્રોથ પ્રોજેક્શન ઘટતાં સોનું સતત બીજા દિવસે ઊછળ્યું



બુલિયન બુલેટિન-મયૂર મહેતા


સોનાનો ભાવ ૧૨૦૦ ડૉલરની સપાટીને તોડી નાખ્યા બાદ છેલ્લા બે દિવસથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ સતત સુધરી રહ્યો છે. IMFના ગ્રોથ પ્રોજેક્શન ઉપરાંત ચીનમાં એક સપ્તાહના નૅશનલ હૉલિડે દરમ્યાન સોનાનું વેચાણ ગયા વર્ષ કરતાં ૪૦થી ૫૦ ટકા વધ્યા હોવાના સમાચાર અને ભારતની સોનાની ઈમ્પોર્ટ સપ્ટેમ્બરમાં આગલા મહિના કરતાં ઑલમોસ્ટ બેગણી વધતાં સોનાના ભાવની તેજીને સર્પોટ મળ્યો હતો. ચીનમાં સોનાની ડિમાન્ડ વધતાં પ્રીમિયમ પણ વધીને ચાર ડૉલર બોલાવા
લાગ્યું હતું.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ મંગળવારે ડૉલરની નરમાઈને પગલે સતત સુધરતો રહ્યો હતો. કરન્સી બાસ્કેટમાં ડૉલરનું મૂલ્ય ૦.૪ ટકા ઘટતાં કૉમેક્સ ગોલ્ડ વાયદો ઓવરનાઇટ ૫.૧૦ ડૉલર વધીને ૧૨૧૨.૪૦ ડૉલર બંધ રહ્યો હતો. IMFના પ્રોજેક્શન બાદ સોનાના ભાવ ગઈ કાલે સતત બીજા દિવસે વધ્યા હતા. ગઈ કાલે સવારે સોનાનો ભાવ વધીને ૧૨૨૦ ડૉલર ખૂલ્યો હતો જે છેલ્લે ૧૨૧૬.૮૦ ડૉલર રહ્યો હતો. અન્ય પ્રેશ્યસ મેટલમાં ચાંદીનો ભાવ ૧૭.૩૭ ડૉલર ખૂલીને છેલ્લે ૧૭.૨૮ ડૉલર, પ્લૅટિનમનો ભાવ ૧૨૭૭ ડૉલર ખૂલીને છેલ્લે ૧૨૭૦ ડૉલર અને પૅલેડિયમનો ભાવ ૭૯૩ ડૉલર ખૂલીને ૭૯૫ ડૉલર રહ્યો હતો.
 
વર્લ્ડ ગ્રોથ પ્રોજેક્શન

વર્લ્ડના ઇકૉનૉમિક ગ્રોથનું પ્રોજેક્શન IMFએ ઘટાડતાં ગોલ્ડમાં સેફ હેવન અપીલ મજબૂત બની હતી. IMFએ ૨૦૧૪માં ત્રીજી વખત વર્લ્ડના ઇકૉનૉમિક ગ્રોથ પ્રોજેક્શનમાં ઘટાડો કર્યો હતો. IMFના રિપોર્ટ અનુસાર વર્લ્ડનો ઇકૉનૉમિક ગ્રોથ ૨૦૧૪માં ૩.૩ ટકા રહેશે જે અગાઉ જુલાઈની મીટિંગમાં ૩.૪ ટકા મૂક્યો હતો, જ્યારે ૨૦૧૫નું ગ્રોથ પ્રોજેક્શન ૩.૮ ટકા મૂક્યું હતું જે જુલાઈની મીટિંગમાં ચાર ટકા મૂક્યું હતું. જોકે IMFએ અમેરિકાનું ચાલુ વર્ષનું ગ્રોથ પ્રોજેક્શન ૦.૫ ટકા વધારીને ૨.૨ ટકા અને ૨૦૧૫નું ગ્રોથ પ્રોજેક્શન ૩.૧ ટકા જાળવી રાખ્યું હતું. IMFએ યુરો ઝોન, જપાન અને બ્રાઝિલનું ગ્રોથ પ્રોજેક્શન ઘટાડ્યું હતું.

ઇન્વેસ્ટર ઇન્ડેક્સ

ગોલ્ડ માર્કેટમાં ઇન્વેસ્ટરોના મૂડને બતાવતો ઇન્ડેક્સ સપ્ટેમ્બર મહિનામાં સાત મહિનાની ઊંચી સપાટી ૫૩.૪એ પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૫૧.૭ હતો. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ કન્ઝ્યુમર ચીનનો ઇકૉનૉમિક ગ્રોથ ચાલુ વર્ષે ૭.૪ ટકા રહેવાનો અંદાજ IMFએ જાળવી રાખ્યો હતો, પણ ૨૦૧૫ માટેનો ગ્રોથ ઘટીને ૭.૧ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. ચીનમાં ચાલી રહેલા મિની વેકેશન બાદ સોનામાં કન્ઝ્યુમર ડિમાન્ડ કેવી રહે છે એના પર હાલ વિશ્વની નજર છે. ચીનમાં નૅશનલ હૉલિડેની રજા દરમ્યાન રીટેલ સેલ ગયા વર્ષ કરતાં ૧૨.૧ ટકા વધ્યું હતું. મુખ્ય શહેર તેનજીનમાં ગોલ્ડનું વેચાણ ૪૦ ટકા અને ઝૅન્ગઝિન્ગમાં ગયા વર્ષથી બમણું થયું હતું. રજા દરમ્યાન ગોલ્ડની ડિમાન્ડ વધતાં પ્રીમિયમ વધીને ચાર ડૉલર થયું હતું.

યુરો ઝોન ઇકૉનૉમી

ગોલ્ડના ભાવની વધ-ઘટનો મોટો આધાર હાલ અમેરિકી ઇકૉનૉમી ઉપરાંત યુરો ઝોન ઇકૉનૉમી પર વધી રહ્યો છે, કારણ કે યુરો ઝોન ઇકૉનૉમી અત્યંત કપરા સંજોગોમાંથી પસાર થઈ રહી છે. યુરો ઝોન ઇકૉનૉમીમાં સૌથી વધુ મહત્વ ધરાવતા જર્મનીનો ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન ઇન્ડેક્સ ઑગસ્ટમાં ચાર ટકા ઘટયો હતો. ઍનલિસ્ટોએ દોઢ ટકા ઘટવાની ધારણા રાખી હતી. ઑગસ્ટમાં ફૅક્ટરી ઑર્ડર પણ ૫.૭ ટકા ઘટયા હતા. IMFએ પણ યુરો ઝોનના ત્રણ મહત્વના દેશો જર્મની, ફ્રાન્સ અને ઇટલીની ઇકૉનૉમી સતત ત્રીજે વર્ષે રિસેશનમાં રહેવાની આગાહી કરી હતી. યુરો ઝોન ઇકૉનૉમીની ખરાબીથી ગોલ્ડમાં સેફ હેવન અપીલ વધુ મજબૂત બની શકે છે.

ભારતની સોનાની આયાત સપ્ટેમ્બરમાં ઊછળી

ભારતની સોનાની આયાત સપ્ટેમ્બરમાં ચાર અબજ ડૉલરથી વધુ થયાની માહિતી ઝવેરીબજારનાં સૂત્રોએ આપી હતી. દિવાળીના તહેવારો અગાઉના સપ્ટેમ્બર મહિનામાં સોનાનો ભાવ તળિયે પહોંચ્યો હતો અને ચોમાસાની પ્રોત્સાહક પ્રગતિથી ભારતમાં સોનાની ડિમાન્ડ વધી હોવાના સમાચાર ચારે તરફથી આવી રહ્યા હતા. ઝવેરીબજારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં ૧૦૦ ટન આસપાસ સોનાની આયાત થયાની ધારણા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સરકારી નિયંત્રણોની તાજી અસરને કારણે માત્ર ૭.૨૪ ટન જ આયાત થઈ હતી. આગલા મહિને ઑગસ્ટમાં ૨.૦૩ અબજ ડૉલરની કિંમતનું ૬૩ ટન અને જુલાઈમાં ૭૪ કરોડ ડૉલરની કિંમતનું ૩૮ ટન સોનું આયાત થયું હતું. જૂનમાં સરકારે પ્રીમિયમ ગોલ્ડ હાઉસોને સોનાની ઈમ્પોર્ટની મંજૂરી આપ્યા બાદ ૩.૧૨ અબજ ડૉલરની કિંમતના સોનાની આયાત થઈ હતી. ઝવેરીબજારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ઑક્ટોબરથી ડિસેમ્બર દરમ્યાન દર મહિને ઍવરેજ ૭૦થી ૭૫ ટન સોનાની આયાત થવાની ધારણા છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૭,૦૬૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૬,૯૦૫
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૯,૩૮૫
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2014 05:03 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK