Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સોના અને ચાંદી અંતે નરમ ડૉલરના સહારે વધ્યાં

સોના અને ચાંદી અંતે નરમ ડૉલરના સહારે વધ્યાં

02 December, 2020 11:09 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોના અને ચાંદી અંતે નરમ ડૉલરના સહારે વધ્યાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વૈશ્વિક બજારમાં સોનાના ભાવ પાંચ મહિનાના તળિયે અને ચાંદી નવ સપ્તાહના તળિયે પહોંચ્યા બાદ ડિસેમ્બર મહિનાના પ્રથમ ટ્રેડિંગ સત્રમાં નવી ખરીદીનો ટેકો મળી રહ્યો છે. ડૉલરના ભાવમાં સતત ઘટાડો હોવાથી હાજરમાં ઘટેલા ભાવમાં ખરીદી થઈ રહી હોવાની શક્યતાએ સોનું અને ચાંદી ગઈ કાલે વધ્યાં હતાં. વૅક્સિનની આશા સામે કોરોનાના વધી રહેલા કેસની સંખ્યાથી સોનું ફરી ૧૮૦૦ ડૉલરની ઉપર સુધી ખેંચાયું છે. આ ઉપરાંત, સતત ઘટાડાએ વેચાણ થયું હતું. ગઈ કાલના ઉછાળાના કારણે એમાં શૉર્ટ કવરિંગ આવતાં પણ વાયદામાં ભાવને ટેકો મળી રહ્યો હોય એવી શક્યતા છે.

વૈશ્વિક બજારમાં અમેરિકન ડૉલર સોમવારે અઢી વર્ષની નીચી સપાટીએ હતો અને ગઈ કાલે પણ એ નરમ હતો. અમેરિકન ચલણનું વિશ્વનાં અન્ય છ ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ અત્યારે ૦.૦૮ ટકા ઘટી ૯૧.૭૯ છે. ડૉલરના મૂલ્યમાં ઘટાડો થતાં સોનાની પડતર અન્ય ચલણમાં વધે છે અને એના કારણે એમાં રોકાણ વધારે આકર્ષક બને છે.



સોનાના ભાવ નવેમ્બરમાં ઘટ્યા હતા અને આ ઘટાડો છેલ્લાં ચાર વર્ષનો સૌથી મોટો માસિક ઘટાડો હતો. સોમવારે ભાવ ૧૭૬૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચ્યા હતા, જે ૨ જુલાઈ પછીની સૌથી નીચી સપાટી છે. ગઈ કાલે સોનું ફેબ્રુઆરી વાયદો ૧.૬૭ ટકા કે ૨૯.૮ ડૉલર વધી ૧૮૧૦.૭ અને હાજરમાં ૧.૭૬ ટકા કે ૩૧.૩૩ ડૉલર વધી ૧૮૦૮.૨૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી માર્ચ વાયદો ૩.૯૫ ટકા કે ૮૯ સેન્ટ વધી ૨૩.૪૯ અને હાજરમાં ૩.૨૬ ટકા કે ૭૪ સેન્ટ વધી ૨૩.૩૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.


ભારતમાં ૫૦,૦૦૦ની સપાટી જાળવી રાખી

સોમવારે ભારતીય બજારો બંધ હોવાથી સોનાના ભાવ પર વૈશ્વિક કડાકાની અસર પ્રમાણમાં ઓછી જોવા મળી હતી. ગઈ કાલે સોનું અને ચાંદી હાજરમાં મક્કમ રહ્યાં હતાં. મુંબઈ ખાતે હાજરમાં સોનું ૪૦ વધી ૫૦,૪૦૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૭૦ વધી ૫૦,૨૩૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યા હતા. વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૮,૧૯૪ ખૂલી, ઉપરમાં ૪૮,૫૫૯ અને નીચામાં ૪૭,૭૦૫ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૩૧૭ વધીને ૪૮,૧૦૯ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૩૩૪ વધીને ૮ ગ્રામદીઠ ૩૮,૮૫૮ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૩૬ વધીને ૧ ગ્રામદીઠ ૪૮૬૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૫૦ વધીને બંધમાં ૪૮,૩૪૮ રૂપિયાના ભાવ રહ્યા હતા.


મુંબઈ ખાતે હાજર ચાંદી ૧૨૨૫ વધી ૬૨,૯૦૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૨૪૦ વધી ૬૨,૮૪૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૫૯,૯૦૮ ખૂલી, ઉપરમાં ૬૦,૬૬૯ અને નીચામાં ૫૯,૫૧૨ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૪૦૩ વધીને ૬૦,૫૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૧૪૧૭ વધીને ૬૧,૬૯૬ રૂપિયા અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૧૪૦૯ વધીને ૬૧,૭૦૩ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર સામે રૂપિયો ૩૭ પૈસા ઊછળ્યો

વૈશ્વિક બજારમાં અમેરિકન ડૉલર અઢી વર્ષની નીચી સપાટીએ હોવાથી, શૅરબજારમાં વિક્રમી વિદેશી મૂડીપ્રવાહ આવી રહ્યું છે અને ક્રૂડ ઑઇલના ભાવ પણ નરમ પડતાં ભારતીય રૂપિયો ડૉલર સામે ગઈ કાલે ઊછળીને બંધ આવ્યો હતો. શુક્રવારે ડૉલર સામે ૭૪.૦૫ની સપાટીએ બંધ આવેલો રૂપિયો ગઈ કાલે ૭૩.૯૩ની મજબૂત સપાટીએ ખુલ્યા પછી દિવસમાં એક તબક્કે વધીને ૭૩.૪૪ થયા બાદ દિવસના અંતે ૩૭ પૈસા ઊછળી ૭૩.૬૮ બંધ આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

02 December, 2020 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK