દેશમાં પહેલી વખત સરકાર બટાટાની આયાત કરશે

Published: 18th October, 2014 04:05 IST

દેશના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સરકાર સ્થાનિક ઉપલબ્ધતા વધારવા અને ભાવ પર નિયંત્રણ લાવવા બટાટાની આયાત કરશે.


કૉમોડિટી કરન્ટ-મયૂર મહેતા

તાજેતરનાં સપ્તાહો દરમિયાન બટાટાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને રાજધાની દિલ્હીમાં બટાટા છૂટકમાં પ્રતિકિલો ૩૫-૪૦ રૂપિયાની કિંમતે વેચાય છે. કૃષિપ્રધાન રાધા મોહન સિંહે જણાવ્યું હતું કે બટાટાના ભાવ કાબૂમાં લાવવા અમે શક્ય તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. કૃષિસચિવ આશિષ બહુગુણાએ જણાવ્યું હતું કે સરકારે બટાટાની આયાત કરવાનો નર્ણિય કર્યો છે અને નાફેડ ટૂંક સમયમાં તેના માટે ટેન્ડર બહાર પાડશે.

બહુગુણાએ જણાવ્યું હતું કે સૌપ્રથમ વખત આપણે ભાવવધારા પર નિયંત્રણ મેળવવા અને સ્થાનિક પુરવઠો સુધારવા બટાટાની આયાત કરી રહ્યા છીએ. આ મહિને તેના માટે ટેન્ડર બહાર પડાશે, જેથી નવેમ્બરના અંત સુધીમાં આયાતી જથ્થો ભારત પહોંચી શકે. બટાટાની આયાત યુરોપ અને પાકિસ્તાન જેવા દેશોમાંથી કરાશે. જાન્યુઆરીથી પર્યાપ્ત પુરવઠો રહે એ માટે બટાટાની આયાત કરાશે.

સ્મૉલ ફાર્મર્સ ઍગ્રી-બિઝનેસ કૉન્સોર્ટિયમ (એસએફએસી)ને પણ આયાતની સંભાવનાઓ ચકાસવા જણાવાયું છે. જૂનમાં સરકારે સ્થાનિક સ્તરે ઉપલબ્ધતા વધારવા તથા વધી રહેલા ભાવ કાબૂમાં લાવવા બટાટા પર પ્રતિટન ૪૫૦ ડૉલરનો લઘુતમ નિકાસ ભાવ (MEP) લાગુ કર્યો હતો. હાલમાં બટાટા પર ૩૦ ટકા આયાત જકાત છે. સંગ્રહ કરવામાં આવેલો બટાટાનો જથ્થો ખાલી થઈ ગયો છે એથી સરકારે જાન્યુઆરીના અંત સુધીમાં નવા પાકના આગમન સુધી એની ઉપલબ્ધતા વધારવા બટાટાની આયાત કરવાનો નર્ણિય કર્યો છે. ભારતમાં ૨૦૧૩-૧૪ના પાક-વર્ષમાં બટાટાનું ઉત્પાદન અગાઉના વર્ષ કરતાં ૨.૩ ટકા ઘટીને ૪.૪૩ કરોડ ટન થયું હતું.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK