ખેડૂતો પર ટોકન-ટૅક્સ લાદવાનું હિંમતભર્યું પગલું લેવું હવે અનિવાર્ય

Published: Jul 03, 2017, 06:24 IST

અન્ય બિઝનેસની આવકને ખેતીમાં દેખાડીને અબજો રૂપિયાની કરચોરી કરનારાઓ પર તવાઈ જરૂરી છે : ટોકન-ટૅક્સથી ખેડૂતોની મજબૂત વોટબૅન્ક નારાજ થશે, પણ આવું હિંમતભર્યું પગલું નરેન્દ્ર મોદી સરકાર જ લઈ શકે છે : ખેતીની આવક દેખાડીને થતી ગેરરીતિને ડામવાથી સરકારની આવક વધશે અને વિકાસની ગતિને વેગ મળશે


કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા


દેશની ૭૦ વર્ષ જૂની ટૅક્સપદ્ધતિને ધરમૂળથી ઉખેડીને ‘એક દેશ, એક ટૅક્સ’ની નવી GST (ગુડ્સ ઍન્ડ સિમ્પલ ટૅક્સ) પદ્ધતિ અમલમાં મૂકવાના ઐતિહાસિક નિર્ણયનો અમલ થઈ ચૂક્યો છે. GSTને લાગુ પાડવાનું ધમાકેદાર જશ્ન અને ત્યાર બાદ કરચોરોને પકડવાના હિંમતભર્યા લલકારથી દેશની પ્રજા સંમોહિત થઈ ગઈ અને નરેન્દ્ર મોદી સરકાર પર આફરીન પોકારી ઊઠી હતી. દેશના કરચોરોને વીણી-વીણીને સાફ કરવાની જાહેરાતથી GSTનો વિરોધ કરનારાઓ એકઝાટકે ચોર સાબિત થઈ ચૂક્યા હતા. ભારતીય રાજનીતિમાં ટીકા કરનારાની બોલતી બંધ કરવાનો આવો નુસખો દેશની પ્રજાએ પહેલી વખત જોયો હતો. ખેર જે પણ હોય, દેશના વિકાસ માટે GST લાગુ પડવું આવશ્યક હતું. GSTને સફળતાપૂર્વક લાગુ પાડવાનું કાર્ય જે રીતે પાર પડ્યું એ ખરેખર ખૂબ પ્રશંસનીય રહ્યું.

ગયા નવેમ્બરમાં નોટબંધી દ્વારા દેશમાં કાળાં નાણાંની હેરફેર અને ટૅક્સચોરી કરનારાઓ પર સરકારની તવાઈ આવી હતી અને હવે GST દ્વારા વેપારીઓ અને બિઝનેસમેનો દ્વારા થતી ગેરરીતિને પકડવામા આવશે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લેવાયેલાં આ બન્ને પગલાંને દેશની જનતાએ ખોબલે-ખોબલે વધાવ્યાં છે. વેપારીઓ અને બિઝનેસમેનો દ્વારા થતી કરચોરી અને નકલી નોટોની હેરફેર કરતાં પણ અનેકગણી મોટી ગેરરીતિ દેશમાં અન્ય બિઝનેસની આવકને ખેતીની આવક દેખાડીને થતી કરચોરીમાં થઈ રહી છે. દેશમાં ખેતીની આવક પર કોઈ ટૅક્સ લગાડવામાં આવતો નથી એનો ગેરલાભ ઉઠાવીને સરકારી ચોપડે નોંધાયેલા ખેડૂતો અન્ય ધંધો કરીને તેમની આવકને ખેતીની આવક દેખાડીને કરચોરી કરવાનું ષડ્યંત્ર દેશમાં બહોળા પ્રમાણમાં ફૂલ્યુંફાલ્યું છે. તાજેતરમાં અને અગાઉ અનેક અર્થશાસ્ત્રીઓએ સરકારને ધનવાન ખેડૂતો પર ટૅક્સ લાદવાની અનેક વખત ભલામણ કરી છે. અર્થશાસ્ત્રીઓની ભલામણના આધારે જેમ GST માટે રાજકીય સવર્‍સંમતિ સાધવામાં આવી એ જ રીતે ખેતીની આવક દેખાડીને ગેરરીતિ કરનારાઓ પર પગલાં લેવા માટે સવર્‍સંમત નિર્ણય લેવા નરેન્દ્ર મોદી સરકારે પહેલ કરવાનો સમય હવે પાકી ચૂક્યો છે.

ટોકન-ટૅક્સનું પગલું

આવી ગેરરીતિ કરનારાઓને પકડવા માટે ખેડૂતો પર ટોકન-ટૅક્સ લાદવો જોઈએ જેથી સરકારની વોટબૅન્કને પણ અસર ન થાય અને ગેરરીતિને પણ પકડી શકાય. દેશની આમપ્રજાની વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ હોય તો તેણે પાંચ ટકા ટૅક્સ ભરવો પડે છે એ જ રીતે ખેડૂતોની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી વધુ હોય તો તેણે માત્ર ૦.૨૫ ટકા ટૅક્સ ભરવો પડે એવો નિયમ ઘડવો જોઈએ. બીજો રસ્તો એ પણ થઈ શકે કે વાર્ષિક દસ લાખ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવનારે ટૅક્સ ન ભરવાનો પણ ખર્ચ-વેચાણનો હિસાબ બતાવવો ફરજિયાત બનાવવો જોઈએ. દેશના મોટા ભાગના ખેડૂતો અભણ હોય અને ગામડામાં કમ્પ્યુટરમાં બધા જ ડેટા ફિટ કરવા મુશ્કેલ હોવાથી સરકારે ખેડૂતો માટે બે વિકલ્પ આપવા જોઈએ જેમાં દર મહિને એક નિશ્ચિત પત્રકમાં ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને ખેતી માટે જે જરૂરી હોય એની વિગતો અને એની સાથે ખેડૂતો જે ઉત્પાદનનું વેચાણ કર્યું હોય એની વિગતો પ્રાદેશિક ભાષામાં લખીને જે-તે કચેરીમાં પહોંચાડવાનું અથવા પત્રકમાં તમામ વિગતો હાથથી લખીને એનો ફોટો પાડીને મોબાઇલમાં અપલોડ કરી દેવાનો જેથી ખેતીની જે આવક હોય એના વિશે સરકારને જાણકારી મળે અને અન્ય બિઝનેસમેનો દ્વારા તેના ધંધાની આવકને ખેતીની આવક દેખાડવાની જે ગેરરીતિ થાય એ પણ પકડી શકાય. આ તમામ કામગીરી રાજ્ય સરકારે જ કરવી જોઈએ, કારણ કે કૃષિ એ રાજ્ય સરકારનો વિષય હોવાથી તમામ રાજ્ય સરકારને આ કામગીરી સોંપવી જોઈએ. ત્રીજો વિકલ્પ તરીકે ખેડૂતો પર કોઈ ટૅક્સ લાદવામાં જ ન આવે પણ ખર્ચ અને આવકનો હિસાબ ખેડૂતોએ ફરજિયાત બતાવવો એવો નિયમ ઘડીને પણ ગેરરીતિ કરનારને પકડી શકાય છે.

સાચી હિંમત દાખવવી પડે

દેશના નાણાપ્રધાન અરુણ જેટલીએ એક ટીવી-ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે GSTના દાયરામાં દેશની માત્ર એક ટકો પ્રજા જ આવે છે. અરુણ જેટલીની વાત પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે વોટબૅન્કની રાજનીતિમાં એક ટકો પ્રજા પર આકરાં પગલાં લેવાથી કોઈ મોટું નુકસાન જવાનું નથી, પણ દેશની વસ્તીમાં ૬૧ ટકા જેટલો હિસ્સો ધરાવનારા અને વોટબૅન્કની રાજનીતિમાં સૌથી તગડો વોટશૅર ધરાવનારા ખેડૂતો પર ટોકન-ટૅક્સ કે ફરજિયાત ખર્ચ-આવકની નોંધણીનો નિર્ણય લેવા માટે નોટબંધી તથા GSTનો નિર્ણય લેવા માટે સરકારે જે હિંમત દાખવી એના કરતાં ૧૦૦ ગણી વધુ હિંમત દાખવવી પડે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આવું હિંમતભર્યું પગલું લેવાથી સરકારનાં મૂળિયાં ઊખડી શકે છે. નરેન્દ્ર મોદીએ GSTના અમલના પ્રથમ દિવસે જ દેશના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટોને સંબોધતાં જણાવ્યું હતું કે મારી સરકાર રાજનીતિથી ઉપર ઊઠીને આવાં હિંમતભર્યા પગલાં લેતાં જરા પણ અચકાશે નહીં. ખેતીની આવકના નામે થતી કરચોરીને અટકાવવાનું પગલું ખરેખર હિંમતભર્યું પગલું ગણાશે અને નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ વર્ષોથી ખેતીની આવકના નામે થતી કરચોરી અટકાવવાનું બીડું આ સરકાર જ ઉઠાવી શકે એમ છે એવી પ્રતીતિ દેશની પ્રજાને નરેન્દ્ર મોદીએ કરાવી છે.

નિર્ણયના ફાયદા

દેશમાં ગરીબોને લૂંટનારા અને કાળું નાણું બહાર કાઢવા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જે હિંમતભર્યા પગલાં લેવામાં આવી રહ્યાં છે એ શ્રેણીમાં વધુ એક આકરું પણ હિંમતભર્યું પગલું લેવાથી દેશનો વિકાસ થશે અને કરચોરી જડમૂળથી દૂર થશે. અત્યારે નોટબંધી અને GSTના પગલાથી દેશના વેપારીઓ અને બિઝનેસમેનોને એવું લાગી રહ્યું છે કે દેશમાં શું વેપારીઓ અને બિઝનેસમેનો જ ચોર છે, બીજા બધા દૂધે ધોયેલા છે. દેશમાં જે પણ વર્ગ કરચોરી કે ગેરરીતિ કરે છે એ તમામ વર્ગ પર પગલાં લેવાથી આમપ્રજામાં દેશદાઝ વધશે અને સરકારની લોકપ્રિયતામાં મોટો વધારો થશે. ખેતીની આવકના નામે થતી ગેરરીતિથી આવશ્યક ચીજવસ્તુઓની બજારમાં કાળું નાણું બેફામ રીતે ફરી રહ્યું છે. ખેડૂતો પાસેથી રોકડમાં કૃષિપેદાશો ખરીદીને એનો પણ કૅશમાં વેપાર કરીને દેશમાં કાળાં નાણાંનો વેપાર વધી રહ્યો છે એ પણ અટકશે અને દેશમાં મોંઘવારી પણ ઘટશે, કારણ કે ખેતીની આવકની નોંધણી સરકાર પાસે થવા લાગતાં દેશની આખી સિસ્ટમની નોંધણી થશે અને ક્યાંય પણ ગેરરીતિ થતી હશે તો એને સહેલાઈથી પકડી શકાશે. ખેતીની આવક પર થતી કરચોરીને  અટકાવવાથી દેશની તિજોરીમાં આવક વધશે અને એને કારણે દેશની આમપ્રજા પર ટૅક્સનું ભારણ પણ ઘટી શકશે. નરેન્દ્ર મોદી સરકારનું ગરીબો અને કચડાયેલા વર્ગનો ઉદ્ધાર કરવાનું સપનું વધારે સારી રીતે પાર પડી શકશે. આવા અનેક ફાયદાઓ ખેતીની આવકના નામે થતી ગેરરીતિને ડામવાથી થશે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    Loading...
    Loading...
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK