Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચૂંટણીઓનો બીજો રાઉન્ડ સમાપ્ત

ચૂંટણીઓનો બીજો રાઉન્ડ સમાપ્ત

22 April, 2019 12:23 PM IST |
અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

ચૂંટણીઓનો બીજો રાઉન્ડ સમાપ્ત

વોટિંગ

વોટિંગ


સમગ્ર વિશ્વની નજર જેના પર મંડાયેલી છે એવી આપણી લોકસભાની ચૂંટણીઓના સાત રાઉન્ડમાંનો બીજો રાઉન્ડ ગયા અઠવાડિયે પૂરો થયો છે. એપ્રિલની ૧૮મીએ ૧૧ રાજ્યો અને એક યુનિયન ટેરિટરી - (યુટી)માં યોજાયેલી આ ચૂંટણીઓમાં ૯૫ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઈ ગયું છે. આ રાજ્યોમાં તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આસામ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, જમ્મુ ઍન્ડ કાશ્મીર અને મણિપુર તથા પુડુચેરી (યુટી)નો સમાવેશ થાય છે. જે ૯૫ બેઠકો માટે બીજા રાઉન્ડમાં ચૂંટણીઓ યોજાઈ તેમાંની ૨૭ બેઠકો બીજેપી પાસે છે અને ૧૨ બેઠકો કૉંગ્રેસ પાસે. એનડીએ પાસે ૬૯ બેઠકો અને યુપીએ પાસે ૨૦થી ઓછી બેઠકો છે. વર્તમાન લોકસભામાં બેઠકોની આ સંખ્યા જોતાં સ્વાભાવિક રીતે જ એનડીએના પક્ષે મેળવવા કરતાં ગુમાવવાનું વધારે છે, એથી વિપરીત, યુપીએ માટે ગુમાવવા કરતાં મેળવવાનું વધારે છે.

એપ્રિલની ૧૧મીએ યોજાયેલા પ્રથમ રાઉન્ડના ૬૯.૪૩ ટકાના મતદાનની સરખામણીએ બીજા રાઉન્ડમાં કુલ ૬૭ ટકા મતદાન થયું છે. ૨૦૧૪ની સરખામણીએ પણ આ વરસના મતદાનનું પ્રમાણ ઘટ્યું છે. જો આ મતદાન શહેરી વિસ્તારોમાં ઘટ્યું હોય તો એનો ફાયદો કૉંગ્રેસને મળી શકે. બેઠકોની રીતે કુલ ૫૪૩માંથી ૧૮૬ બેઠકો માટે મતદાન પતી ગયું છે. એટલે ૩૪ ટકા (ત્રીજા ભાગની બેઠકો)નું મતદાન પહેલા બે રાઉન્ડમાં પૂરું થઈ ગયું છે. બેઠકોની સંખ્યાની દૃષ્ટિએ ૯૫ બેઠકો સાથેનું બીજું રાઉન્ડ, એપ્રિલની ૨૩મીએ ૧૧૬ બેઠકો માટેના ત્રીજા રાઉન્ડ પછી, બીજા નંબરનું મહત્વનું રાઉન્ડ ગણાય.



ઓડિશા અને તામિલનાડુ કે જ્યાં બીજેપીની હાલમાં માત્ર એક-એક બેઠક જ છે ત્યાં પક્ષને બેઠકની સંખ્યાની દૃષ્ટિએ ફાયદો થઈ શકે. કૉંગ્રેસને તામિલનાડુમાં ફાયદો થઈ શકે કે જ્યાં હાલમાં તેની એક પણ સીટ નથી. કર્ણાટકમાં તેને જેડી (એસ)ના જોડાણનો ફાયદો મળી શકે. મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં પણ પક્ષ ફાયદાની અપેક્ષા રાખી શકે.


બિહારની બીજા રાઉન્ડની ચૂંટણીની પાંચેપાંચ બેઠક જેડી (યુ)ને મળે એવી અપેક્ષા બીજેપી રાખે છે, જેમાંની ચાર હાલમાં આરજેડી / કૉંગ્રેસ/ એનસીપી પાસે છે. એઆઇએડીએમકે અને પીએમકે તામિલનાડુમાં સારો દેખાવ કરે તો એનડીએનું સંખ્યાબળ વધી શકે. બીજેપીનો આ આડકતરો ફાયદો ગણાય.

બિહારમાં આરજેડી એની બેઠકો જાળવી રાખે અને કૉંગ્રેસ જ્યાં ચૂંટણી નથી લડી રહી ત્યાં મહારાષ્ટ્રમાં એનસીપીનો દેખાવ સારો રહે તે કૉંગ્રેસનો આડકતરો ફાયદો. જયલલિતા વિનાના તામિલનાડુમાં ડીએમકે અને ડાબેરીઓનો દેખાવ સારો રહે અને ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસ નથી લડી રહી તેવી બેઠકો સમાજવાદી પક્ષ (એસી) અને બહુજન સમાજ પક્ષ (બીએસપી)ની યુતિને મળે તે કૉંગ્રેસનો અડકતરો ફાયદો ગણાય.


બધા જ પક્ષોના નેતાઓના ચૂંટણીપ્રચારમાં કરાતાં આડેધડ નિવેદનોને કારણે સુપ્રીમ કોર્ટે અને ચૂંટણીપંચે દખલગીરી કરવી પડી છે. કેટલાક પક્ષોના સ્ટાર પ્રચારકો પર અમુક સમય માટે ચૂંટણીપ્રચાર કરવા ઉપર પ્રતિબંધ મૂકવો પડ્યો છે. ચૂંટણીના ઠાલા વાયદાઓ પ્રજાને ભરમાવવામાં કારગત ન નીવડે ત્યાં જાતિ કે ધર્મને આધારે પણ પ્રજાને ઊંધાં ચશ્માં પહેરાવવાનો પ્રયાસ કરાય છે. દરેક પક્ષે વાણીના સંયમનો અને પક્ષ કે પક્ષનો પ્રચાર કરનાર નેતાને ગરિમા આપે તેનો અભાવ સામાન્ય રીતે જોવા મળે છે.

ભ્રષ્ટાચાર થવાની સંભાવના અને નક્કર પુરાવાઓને આધારે ચૂંટણીપંચે તામિલનાડુની વેલોર બેઠક પરની ચૂંટણી બીજા રાઉન્ડમાંથી રદ કરીને ત્રીજા રાઉન્ડમાં સમાવિક્ટ કરી છે. જે પક્ષ રૂપિયા વેરીને ચૂંટણીમાં ફાયદો મેળવવાની મેલી રમતમાં પકડાય તે પક્ષની જે તે કૉન્સ્ટિટ્યુઅન્સીની ઉમેદવારી રદબાતલ કરાય તો જ ભવિષ્યમાં બીજા કોઈ પક્ષને આવી ગૅરરીતિઓ અપનાવવામાંથી દૂર રાખી શકાય. જે તે કૉન્સ્ટિટ્યુઅન્સીની ચૂંટણી રદબાતલ કરવી કે મુલતવી રાખવી એ ભ્રક્ટાચાર અટકાવવાનો અસરકારક ઉપાય ન ગણાય.

ફરી એક વાર સ્કેલની વાત કરીએ તો ૧૯૫૧માં દરેક સાંસદ સરેરાશ ૩.૫ લાખ મતદાતાનું પ્રતિનિધિત્વ કરતા હતા તે વધીને ૨૦૧૯માં ૧૫ લાખે પહોંચ્યું છે. હિમાચલ પ્રદેશ જેવા કેટલાક વિસ્તારોનાં મતદાનમથકો ૧૫,૦૦૦ ફીટની ઊંચાઈએ છે. ત્યાં પર્વતારોહણ અને ટ્રૅકિંગ કરીને ચૂંટણીની વ્યવસ્થા સંભાળનાર ઑફિસરો માટે પહોંચવું પણ દુર્ગમ છે. તો ગીરના જંગલમાંના કોઈક મતદાનમથકે પહોંચવા માટે પણ લાંબી મજલ (થોડા કિલોમીટર ચાલીને) કાપવી પડે છે. આ તો સરેરાશ થઈ. મતદાતાઓની સંખ્યાની દૃષ્ટિએ દેશની સૌથી મોટી બેઠક આંધþ પ્રદેશના મલકાજગિરિની છે, જ્યાં લગભગ ૩૨ લાખ મતદાતાઓ રજિસ્ટર થયેલા છે.

એક રીતે કહી શકાય કે ચૂંટણીપંચ ચૂંટણીઓ નિષ્યક્ષ અને તટસ્થ રીતે કે લોકશાહી ઢબે પૂરી થાય તેવા પ્રયાસોમાં વ્યસ્ત છે; રાજકીય પક્ષો અને નેતાઓ/ઉમેદવારો છેલ્લી ઘડીના પ્રચાર દ્વારા મતદારો પર જાદુ કરવામાં તો મતદારો પ્રચારકોનાં ભાષણોનું પોતાની વિવેકબુદ્ધિ પ્રમાણે તારણ કાઢી પોતાના જન્મસિદ્ધ હક એવા મતદાનમાં વ્યસ્ત છે, અને આ પ્રકિયા હજી બીજો એકાદ મહિનો ચાલશે એટલે એ દરમ્યાન અર્થતંત્રના પ્રવાહો કેવો વળાંક લઈ રહ્યા છે એના ઉપર પણ નજર રાખવી રહી.

ફેબ્રુઆરી, ૨૦૧૯માં ઔદ્યોગિક ઉત્પાદનનો વધારો લગભગ સ્થગિત થઈ ગયો છે. ફેબ્રઆરી, ૨૦૧૮ના લગભગ સાત ટકાના વધારા સામે ફેબ્રુઆરી, ૨૦૧૯માં આ વધારો માત્ર ૦.૧ ટકાનો હતો (જાન્યુઆરી, ૨૦૧૯માં ૧.૪ ટકા), જે છેલ્લા ૨૦ મહિનાનો સૌથી નીચો વઘારો છે. આ નબળો દેખાવ મુખ્યત્વે મૅન્યુફૅક્ચરિત્ર ક્ષેત્ર (ગયા ફેબ્રુઆરીના ૮.૪ ટકાના વધારા સામે ૦.૩ ટકાનો ઘટાડો) અને વીજઉત્પાદન (ગયા ફેબ્રુઆરીના ૪.૫ ટકાના વધારા સામે ૧.૨ ટકાનો વધારે)ના ઘટાડાને આભારી છે. માઇનિંગ ક્ષેત્રનો દેખાવ (ગયા ફેબ્રુઆરીના ૦.૪ ટકાના ઘટાડા સામે ૨ ટકાનો વધારો) સારો રહેવાને કારણે ઔદ્યોગિક ઉત્પાદનનો આંક વધારે ખરાબ દેખાવમાંથી બચી ગયો છે.

કૅપિટલ ગુડ્ઝના ઉત્પાદનમાં પણ ગયા વરસના ૧૭ ટકાના વધારા સામે આ વરસે લગભગ ૯ ટકાનો ઘટાડો થયો છે. આ ક્ષેત્રના ઉત્પાદનનો ઘટાડો દેશમાં ચાલી રહેલા ઔદ્યોગિક ઉત્પાદનની અને મૂડીરોકાણની ગતિવિધિઓનો અણસાર આપે છે. કમર્શિયલ વાહનો, કાર તથા બાઇકના વેચાણનો ઘટાડો પણ સરકારની ચિંતા વધારે તેવો છે.

એક તરફ ઔદ્યોગિક ઉત્પાદન ધીમું પડ્યું છે તો બીજી તરફ છૂટક ભાવાંક (સીપીઆઇ)ના માર્ચ, ૨૦૧૯નો ૨.૯ ટકાનો વધારો છેલ્લા પાંચ મહિનાનો સૌથી ઊંચો વધારો છે. તે (ફેબ્રુઆરી ૨૦૧૯માં ૨.૬ ટકાનો વધારો) આરબીઆઇના ચાર ટકાના લક્ષ્યાંક અને કમ્ફર્ટ લેવલ કરતાં નીચો હોવા છતાં આ મહિને ફૂડ ઇન્ફલેશન નેગેટિવમાંથી પોઝિટિવ થવાની ઘટનાને અવગણી શકાઈ નથી. ઑઇલના ભાવો આંતરરાષ્ટ્રીય બજારમાં ૭૦ ડૉલર ઉપર ટકી રહ્યા છે એટલે એપ્રિલ મહિનાના છૂટક ભાવાંક પર પણ તેની અસર પડવાની. છેલ્લા પાંચ મહિનામાં (ઑક્ટોબર, ૨૦૧૮-ફેબ્રુઆરી, ૨૦૧૯) ફૂડ ઇન્ફલેશન નેગેટિવ હતો. માર્ચ મહિને તે ૦.૩ ટકા (ફેબ્રુઆરીમાં માઇનસ ૦.૭ ટકા) હતો.

આરબીઆઇની આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલી મૉનિટરી પૉલિસીમાં બૅન્કે સળંગ બીજી વાર પૉલિસી રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો જાહેર કરેલો આ પૉલિસીની જાહેરાત પછી ઉપલબ્ધ થયેલા ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા આર્થિક વિકાસનો દર ધીમો પડી રહ્યો હોવાની વાતને સમર્થન આપે છે. ભાવવધારો વધી રહ્યો હોવા છતાં છેલ્લા આઠ મહિનાથી તે રિઝર્વ બૅન્કના ટાર્ગેટથી નીચો હોવાને કારણે હવે પછીની જૂન મહિનાની મૉનિટરી પૉલિસીમાં બૅન્ક વ્યાજના દર સળંગ ત્રીજી વાર ઘટાડવાનો નર્ણિય લે તો નવાઈ નહીં. જે. કે. બૅન્ક વ્યાજના દર ઘટાડે તો પણ ભાવવધારા સામેના અપસાઇડ જોખમોને અનુલક્ષીને તેના અભિગમમાં ફેરફાર ન પણ કરે. હાલનો બૅન્કનો જે તટસ્થ અભિગમ છે તે બૅન્ક જાળવી રાખે એવી સંભાવના વધુ છે સવાલ માત્ર એ છે કે બૅન્ક સળંગ ત્રીજી વાર પૉલિસી રેટ ઘટાડવાનું જવલ્લ્ો જ ભરાતું પગલું લેશે કે કેમ?

રિઝર્વ બૅન્કના ગવર્નરે હાલમાં વલ્ર્ડ બૅન્ક અને આઇએમઇએફની વાર્ષિક બેઠકને સંબોધતાં એક વિચાર એવો પ્રસ્તુત કર્યો છે કે પૉલિસી રેટની વધઘટ ૨૫ બેસિસ પા÷ઇન્ટની કે તેથી વધુ કરવાનો જે શિરસ્તો છે એમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. આ ફેરફાર (વધારો કે ઘટાડો) ૧૦ બેસિસ પૉઇન્ટ જેટલો નાનો કેમ ન કરાય? શક્ય છે કે ડૉ. દાસ જૂન મહિનાની મૉનિટરી પૉલિસીમાં ૨૫ બેસિસ પૉઇન્ટને બદલે તેમણે જ કરેલા સૂચનના અમલની શરૂઆત કરીને પૉલિસી રેટમાં ૧૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો પણ કરે. ૨૫ બેસિસ પૉઇન્ટના ઘટાડાનો અવકાશ ન હોય એટલે હાલની પ્રણાલી પ્રમાણે પૉલિસી રેટનો ઘટાડો મુલતવી રખાતો હતો.

છેલ્લા આઠ મહિનાથી ભાવવધારો બૅન્કના ટાર્ગેટની નીચે હોય, પણ તે પાંચ મહિનાથી વધી રહ્યો હોય અને ફૂડ ઇન્ફલેશન નેગેટિવમાંથી પોઝિટિવ ટેરિટરીમાં આવે એ પણ રિઝર્વ બૅન્ક અને સરકાર માટે અલાર્મ ગણાય.

વેધશાળા વિfવમાં પ્રવર્તમાન અલ નીનો ઘટનાની આપણા સાઉથ-વેસ્ટ મૉન્સૂન પરની અસરનો અભ્યાસ કરી રહી છે તે પ્રમાણે અલ નીનોની અસર નબળી પડવાની સંભાવના છે. કદાચ પણ તે મજબૂત બને અને આપણા જૂન-જુલાઈના વરસાદ પર અસર કરે તો ચોમાસું બીલો નૉર્મલ રહે અને દેશનાં કેટલાંક રાજ્યો/પ્રદેશોમાં દુષ્કાળની પરિસ્થિતિ પણ ઊભી થાય તેવો આપણો ૨૦૧૪ અને ૨૦૧૫નો અનુભવ છે.

ચાર મહિનાનું સાઉથ-વેસ્ટ મૉન્સૂન દેશનાં ૧૦થી ૧૨ કરોડ કિસાન કુટુંબો માટે ખૂબ કટોકટીનું ગણાય છે. આ સમય દરમ્યાન આખા વરસનો ૭૦ ટકા વરસાદ પડતો હોય છે.

આ પણ વાંચો : આગેવાન શૅરબજારોમાં ફાટફાટ તેજી - રૂપિયામાં મામૂલી નરમાઈ

ફિસ્કલ ૨૦૧૯ના ત્રીજા ત્રૈમાસિક ગાળા (ઑક્ટોબર- ડિસેમ્બર, ૨૦૧૮)માં આર્થિક વિકાસનો ૬.૬ ટકાનો દર છેલ્લાં પાંચ ક્વૉર્ટરનો સૌથી નીચો દર હતો. હવે ઔદ્યોગિક ઉત્પાદનના, સાઉથ-વેસ્ટ મૉન્સૂનની આગાહીના અને ભાવવધારાના જે આંકડા ઉપલબ્ધ થયા છે તે દેશ માટે સારા સમાચાર તો નથી જ. એક નબળું ચોમાસું બેરોજગારી વધારે અને ભાવોની સ્થિતિ પણ વણસાવે છે. આ સંદર્ભમાં જે પણ સરકાર મે ૨૩ પછી દિલ્હીની ગાદીની ધુરા સંભાળશે તેણે અનેક સમસ્યાઓનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. આજે રીઝવાતા મતદાતાઓને ત્યારે ફરી એક વાર રીઝવવાની જવાબદારી અદા કરવા માટે કમર કસવી પડશે એની કોણ ના કહી શકશે?

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

22 April, 2019 12:23 PM IST | | અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK