તુવેરમાં લાલચોળ તેજી: ભાવ વધીને ક્વિન્ટલના 7000 રૂપિયા થવાની સંભાવના

Published: May 20, 2019, 12:06 IST | કૉમોડિટી અર્થકારણ - મયૂર મહેતા | મુંબઈ

તુવેરના ભાવ વધીને મથકોએ ૬૦૦૦ રૂપિયાની ઉપર બે વર્ષ બાદ પ્રથમ વાર પહોંચ્યા : તુવેરના ભાવ એમએસપીના લેવલથી બે વર્ષ બાદ વધ્યા: તુવેરનું ઉત્પાદન ઘટવા છતાં નાફેડની ખરીદીથી તેજી ભડકી

તુવેર
તુવેર

તુવેરમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. દેશમાં તુવેરનાં મુખ્ય મથકોએ તુવેરના ભાવ બે વર્ષમાં પ્રથમ વાર ૬૦૦૦ રૂપિયાની ઉચ્ચતમ લેવલે પહોંચ્યા હતા. વળી તુવેરના ભાવ બે વર્ષના ગાળા બાદ પ્રથમ વખત એમએસપી (મિનિમમ સર્પોટ પ્રાઇસ)ની સપાટીને પણ ઓળંગી ગયા છે. ટ્રેડરો અને કઠોળના માર્કેટ સાથે સંકળાયેલાના મતે તુવેરના ભાવમાં હજી પણ વધારો થાય તેવી સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. નવી તુવેરની આવક શરૂ થવા આડે હજી છ મહિનાનો સમયગાળો બાકી છે.

આકોલાના એક અગ્રણી તુવેર ટ્રેડરે જણાવ્યું હતું કે તુવેરના ભાવ આગામી દોઢથી બે મહિના દરમ્યાન વધીને ૭૦૦૦ રૂપિયાની સપાટીએ પહોંચે તેવી સંભાવના છે. છેલ્લા થોડા સમય દરમ્યાન તુવેરની આવકો એકદમ ઓછી જોવા મળી રહી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મજબૂત છે.

દેશી તુવેરના ભાવ હાલ મથકોએ ૫૬૭૫ રૂપિયાની સપાટી પર પહોંચ્યા છે, જે ચાલુ સીઝનમાં પ્રથમ વાર આકોલા અને લાતુરમાં જોવા મળ્યા છે. કર્ણાટકમાં તુવેરની આવકો ઘટીને રોજિંદી ૧૫૦૦થી ૩૦૦૦ ગૂણીની જ થાય છે, જે સામાન્ય રીતે આ સમયે રોજિંદા ૮ હજારથી ૧૨ હજાર ગૂણીની થતી હોય છે.

વેપારીઓનું કહેવું છે કે આગામી ચોમાસું નબળું અને શરૂઆત પણ મોડી થવાની ધારણાં હોવાથી નવી સીઝનમાં તુવેરનાં વાવેતર ઓછાં થાય તેવી ધારણા છે, જેને પગલે નવી તુવેર આવક શરૂ થતાં હજી છથી સાત મહિનાનો સમય લાગશે. પરિણામે ભાવ ઊંચકાઈ શકે છે.

મલ્ટિનૅશનલ કંપનીઓ અને સ્ટૉકિસ્ટોએ ચાલુ વર્ષે મોટા પાયે તુવેરની ખરીદી કરી છે, પરંતુ તેઓ બજાર વધવાની રાહમાં છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડાઓ પ્રમાણે તુવેરનું ઉત્પાદન ચાલુ વર્ષે ૩૬.૮ લાખ ટન થવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૪૦.૨ લાખ ટન થયું હતું.

કર્ણાટકના તુવેર ઉત્પાદક અસોસિએશનનું કહેવું છે કે તુવેરમાં ઉતારા ખૂબ જ નીચા આવ્યા છે, પરિણામે ખરેખર ઉત્પાદન સરકારી અંદાજો કરતાં પણ ઓછું થશે. કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં તેના ઉત્પાદનનો અંદાજ ઘટાડીને ૩૨.૫ લાખ ટનનો કરે તેવી ધારણા છે.

નાફેડ પાસે તુવેરનો અગાઉનાં વર્ષનો પાંચ લાખ ટન અને ચાલુ સીઝનનો ૨.૭૫ લાખ ટનનો સ્ટૉક રહેવાનો અંદાજ છે. દેશની વાર્ષિક ૪૨થી ૪૫ લાખ ટનની જરૂરિયાત છે, જેને પગલે પાંચથી સાત લાખ ટનની અછત જોવા મળે તેવી પણ સંભાવના છે.

દેશમાં હાલ તુવેરનો જે સ્ટૉક અને આયાતી તુવેરનો જે જથ્થો પડ્યો છે એ પ્રમાણે નવેમ્બર અંત સુધીનો સ્ટૉક પડ્યો છે, પરંતુ ડિસેમ્બર મહિનામાં તુવેરની અછત સર્જા‍ય તેવી પણ સંભાવના રહેલી છે. કેન્દ્ર સરકારે ચાલુ સીઝનમાં માત્ર બે લાખ ટન જ તુવેરની આયાત કરવાની છૂટ આપી છે, પરિણામે તુવેરની અછત જોવા મળશે.

દેશમાં કઠોળ અને તેલીબિયાં પાકોની ચાલુ ખરીફ - રવી સીઝન દરમ્યાન એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)થી ખરીદી લક્ષ્યાંક અડધી જ થઈ છે. સરકારી એજન્સી નાફેડના સત્તાવાર આંકડાઓ પ્રમાણે દેશમાંથી ચાલુ ખરીફ સીઝનમાં કઠોળ અને તેલીબિયાં પાકોની મળીને કુલ ૧૮ લાખ ટનની ખરીદી થઈ છે, જેની સામે સરકારે કુલ ૩૭.૮ લાખ ટનનો લક્ષ્યાંક રાખ્યો છે. એમએસપીથી ખરીદીનો સમય પખવાડિયામાં પૂરો થઈ રહ્યો છે.

નૅશનલ ઍિગ્રકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (નાફેડ) દ્વારા ચાલુ વર્ષે કઠોળ અને તેલીબિયાં પાકોની તેનાં ઉત્પાદન સેન્ટરોમાં ખરીદી શરૂ કરવામાં આવી હતી, પરંતુ કેટલાક કઠોળના ભાવ ઊંચા હોવાથી પણ પૂરતી ખરીદી થઈ શકી નથી.

નાફેડ દ્વારા ગત વર્ષે કુલ ૨૫.૫ લાખ ટનની વિક્રમી ખરીદી કરવામાં આવી હતી, જે લક્ષ્યાંકના ૭૫ ટકા થઈ હતી, જેની સામે ચાલુ વર્ષે ૫૦ ટકા જ ખરીદી થઈ છે. નાફેડના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે નાફેડ દ્વારા કઠોળની ખરીદી થતાં અને ઉત્પાદન ઓછું થયું હોવાથી કઠોળના ભાવ ઊંચા રહ્યા છે, જેને પગલે પણ ખરીદી ઓછી થઈ છે. અમે સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતાં ઊંચા ભાવથી ખરીદી કરી શકતા નથી.

રવી સીઝનમાં પણ સરકારે કુલ ૪૫.૫૦ લાખ ટનનો લક્ષ્યાંક આપ્યો છે, જેની સામે ૧૦.૯ લાખ ટનની ખરીદી થઈ છે. શિયાળુ પાકોની ખરીદીનો સમય જુલાઈમાં પૂરો થશે, જ્યારે ખરીફ પાકોમાં એકમાત્ર તુવેરની ખરીદીનો સમય મે અંતમાં પૂરો થશે.

સરકારે ખરીફ સીઝન માટે કુલ ૧૯,૨૫૯ કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું છે, જેમાંથી ખેડૂતોને હજી ૯૯૭૩.૮૩ રૂપિયાની કરોડની ચુકવણી થઈ ચૂકી છે. જ્યારે રવી સીઝન માટે કુલ ૨૦,૫૯૯.૬૭ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

આ પણ વાંચો: આ ચાર દિવસની ચાલ બનશે બજારની ભાવિ દિશાનો આધાર

નાફેડ દ્વારા હાલમાં તુવેર, ચણા સહિતનાં કઠોળ અને રાયડાની ટેકાનાં ભાવથી ખરીદી કરવામાં આવી છે, પરંતુ તેની ગતિ એકદમ ધીમી ચાલી રહી હોવાથી પૂરતી માત્રામાં ખરીદી થતી નથી. વળી હવે ખેડૂતોનો મોટા ભાગનો માલ બજારમાં આવી ગયો હોવાથી બહુ મોટી માત્રામાં ખરીદી થાય તેવી પણ સંભાવના ઓછી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK