નવી ઉપલી સપાટી આવ્યા બાદ વિરામ લેવાનો આખલાનો ક્રમ જારી રહ્યો: મુખ્ય ઇન્ડેક્સ ફ્લૅટ બંધ રહ્યા

Published: 17th February, 2021 12:07 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ખાનગીકરણ માટે શૉર્ટલિસ્ટ કરાયેલી સરકારી બૅન્કોના સ્ટૉક્સમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

શૅરબજારમાં બજેટ જાહેર થયા બાદ સતત નવી ઉપલી સપાટી આવ્યા બાદ આખલા વિરામ લઈ રહ્યા હોવાનું જોવા મળ્યું છે. સોમવારે નવી સર્વોચ્ચ સપાટી રચાયા બાદ મંગળવારે ફરી વૉલેટિલિટી આવી ગઈ હતી અને પ્રૉફિટ બુકિંગને પગલે સેન્સેક્સ ૫૨,૫૧૭ની નવી વિક્રમી સપાટીએથી ૬૫૦ પૉઇન્ટ ઘટીને ૫૧,૮૬૪ના સ્તર સુધી જઈ આવ્યો હતો. ઘટાડે ખરીદી કરવાના વલણને કારણે દિવસના છેવાડાના ભાગમાં બજાર સુધર્યું હતું અને છેલ્લે સેન્સેક્સ માત્ર ૫૦ પૉઇન્ટ (૦.૧ ટકો) ઘટીને ૫૨,૧૦૪.૧૭ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ, ઇન્ડેક્સે ૫૨,૦૦૦ની સપાટી ટકાવી રાખી છે. આ જ રીતે નિફ્ટી૫૦ ઇન્ડેક્સ ૧૫,૩૭૧.૪૫ની નવી સપાટીએ ખૂલ્યા બાદ ઉપરમાં ૧૫,૪૩૧.૭૫ અને નીચામાં ૧૫,૨૪૨.૨૦ રહ્યો હતો. એમાં ઇન્ટ્રાડે ધોરણે થયેલી ૧૮૯ પૉઇન્ટની ચડ-ઉતરના અંતે ફક્ત ૧.૨૫ પૉઇન્ટનો ઘટાડો રહ્યો હતો અને ઇન્ડેક્સ ૧૫,૩૧૩.૪૫ની સપાટીએ બંધ આવ્યો હતો. નિફ્ટીમાં પણ ૧૫,૩૦૦ની મહત્ત્વપૂર્ણ સપાટી ટકી હતી.

બજારમાં મંગળવારે એકંદરે મિશ્ર વલણ રહ્યું હતું. મુખ્ય ઇન્ડેક્સની તુલનાએ મિડ કૅપ અને સ્મૉલ કૅપ વધ્યા હતા. નિફ્ટી મિડ કૅપ-૫૦ ઇન્ડેક્સ ૦.૩૮ ટકા અને સ્મૉલ કૅપ-૫૦ ઇન્ડેક્સ ૦.૪૦ ટકા વધ્યા હતા. વૉલેટિલિટી ઇન્ડેક્સ ૧.૪૨ ટકા વધીને ૨૧.૭૮ બંધ રહ્યો હતો.

ક્ષેત્રવાર જોઈએ તો નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક, નિફ્ટી એફએમસીજી, નિફ્ટી આઇટી અને નિફ્ટી મીડિયા ઇન્ડેક્સમાં અનુક્રમે ૦.૪૫ ટકા, ૦.૬૯ ટકા, ૧.૪૯ ટકા અને ૦.૭૭ ટકા ઘટાડો થયો હતો. વધેલા ઇન્ડેક્સ નિફ્ટી મેટલ (૨.૮૯ ટકા), નિફ્ટી પીએસયુ બૅન્ક (૧.૬૫ ટકા) અને નિફ્ટી ફાર્મા (૦.૪૬ ટકા) મુખ્ય હતા.

ટ્રેડ થયેલા શૅરોની સંખ્યાને જોતાં બજારમાં ઘટાડાનું વલણ હતું. એનએસઈ પર ટ્રેડ થયેલા ૨૨૩૩ સ્ટૉક્સમાંથી ૧૦૫૬ ઘટ્યા હતા અને ૮૨૯ વધ્યા હતા.

પાવરગ્રિડમાં ૬.૪૪ ટકાની વૃદ્ધિ

બીએસઈ પર પાવરગ્રિડ અને ઓએનજીસીમાં નોંધનીય અનુક્રમે ૬.૨૪ ટકા અને ૫.૪૪ ટકાની વૃદ્ધિ થઈ હતી. આ ઉપરાંત એનટીપીસી (૨.૯૪ ટકા), કોટક બૅન્ક (૧.૭૮ ટકા), રિલાયન્સ (૧.૩૩ ટકા), મારુતિ (૧.૨૬ ટકા) મુખ્ય વધનારા હતા. ઘટેલામાં એક્સિસ બૅન્ક (૨.૪૨ ટકા), આઇસીઆઇસીઆઇ બૅન્ક (૨.૩૦ ટકા), ઇન્ફોસિસ અને નેસલે (૧.૫-૧.૫ ટકા), સ્ટેટ બૅન્ક (૧.૧૭ ટકા), ટીસીએસ (૦.૯૮ ટકા) સામેલ હતા. આ એક્સચેન્જ પર વૉલ્યુમની દૃષ્ટિએ મોખરે રહેલા સ્ટૉક્સ સ્ટેટ બૅન્ક, તાતા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બૅન્ક, રિલાયન્સ, બજાજ ફાઇનૅન્સ, ભારતી ઍરટેલ, કોટક બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, એક્સિસ બૅન્ક, આઇટીસી, એચડીએફસી બૅન્ક, ટાઇટન, ટીસીએસ, પાવરગ્રિડ, ઇન્ફોસિસ અને ઓએનજીસી હતા.

ખાનગીકરણ માટે શૉર્ટલિસ્ટેડ સરકારી બૅન્કોના સ્ટૉક્સમાં ૨૦ ટકાની સર્કિટ

સરકારે ખાનગીકરણ માટે શોર્ટલિસ્ટ કરેલી ચાર બૅન્કોના સ્ટૉક્સમાં મંગળવારે ૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર અને સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયાના સ્ટૉક્સ ૨૦-૨૦ ટકા વધીને અનુક્રમે ૧૩.૨૦, ૭૦.૫૫, ૧૯.૧૦ અને ૧૬.૭૦ બંધ રહ્યા હતા. ‘એ’ ગ્રુપમાં આ જ સ્ટૉક્સ સૌથી વધુ વધેલા હતા. ગ્રુપ ‘બી’માં કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રીઝ, ઓનમોબાઇલ ગ્લોબલ, રેમસન્સ ઇન્ડસ્ટ્રીઝ, સોમ ડિસ્ટિલરીઝમાં ૨૦-૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી.

બીએસઈ પર મેટલ અને પાવર ઇન્ડેક્સ ૩-૩ ટકા વધ્યા

બીએસઈ પર વધેલા સેક્ટોરલ ઇન્ડેક્સમાં એનર્જી (૧.૬૫ ટકા), યુટિલિટીઝ (૩.૨૯ ટકા), મેટલ (૩.૦૮ ટકા), ઑઇલ ઍન્ડ ગૅસ (૧.૫૫ ટકા), પાવર (૩.૪૧ ટકા) સામેલ હતા. ઘટેલામાં ટૅક (૦.૮૪ ટકા), કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ (૦.૫૮ ટકા), બૅન્કેક્સ (૦.૫૩ ટકા), ઑટો (૦.૧૫ ટકા), આઇટી (૦.૯૫ ટકા), ફાઇનૅન્સ (૦.૨૫ ટકા), એફએમસીજી (૦.૭૦ ટકા) અને સીડીજીએસ (૦.૩૧ ટકા)નો સમાવેશ થતો હતો. મૂલ્યની દૃષ્ટિએ એક્સચેન્જ પર મોખરે રહેલા સ્ટૉક્સ પીએમએલ, એપીએલ, એપોલો ટ્યુબ્સ, સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક અને મહિન્દ્ર સીઆઇઈ હતા.

એફઆઇઆઇની નેટ ૧૧૪૪ કરોડની ખરીદી

બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની ખરીદીનો ક્રમ ચાલુ રહેતાં મંગળવારે એમણે ૧૧૪૪.૦૯ કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૧૫૫૯.૫૩ કરોડનું નેટ વેચાણ કર્યું હતું.

ઓએનજીસીમાં ૫ ટકાનો વધારો

વૈશ્વિક બ્રોકરેજ કંપની સીએલએસએ દ્વારા ઓએનજીસીના સ્ટૉકને વેચાણની શ્રેણીમાંથી કાઢીને બજાર કરતાં વધારે વૃદ્ધિની શ્રેણીમાં મૂકવામાં આવ્યો હોવાથી આ સ્ટૉક મંગળવારે ૫.૪૪ ટકા વધીને ૧૦૩.૭૫ બંધ રહ્યો હતો. આ બ્રોકરેજ કંપનીએ ઓએનજીસી માટે ૧૦૫ રૂપિયાનો ટાર્ગેટ ભાવ જાહેર કર્યો છે.

બાયબૅકની જાહેરાતને પગલે એસઆઇએસ લિમિટેડનો શૅર વધ્યો

સિક્યૉરિટી ઇન્ટેલિજન્સ સર્વિસિસ (એસઆઇએસ) કંપનીએ ૧૦૦ કરોડ રૂપિયા મૂલ્યના શૅરનું બાયબૅક જાહેર કરતાં આ સ્ટૉક મંગળવારે બીએસઈ પર ૧.૮૦ ટકા વધીને ૪૩૩.૮૦ રૂપિયા બંધ રહ્યો હતો.

એસ્ટ્રાઝેનેકા ફાર્મામાં ૪ ટકાની વૃદ્ધિ

એસ્ટ્રાઝેનેકા ફાર્મા ઇન્ડિયાનો સ્ટૉક બીએસઈ પર ૩.૭૯ ટકાની વૃદ્ધિ સાથે ૩૭૬૯.૧૦ બંધ રહ્યો હતો. વૈશ્વિક આરોગ્ય સંગઠને આ કંપનીની કોવિડ-19 માટેની રસીના ઇમર્જન્સી વપરાશ માટે મંજૂરી આપી હોવાથી શૅરનો ભાવ વધ્યો હતો. ઉક્ત મંજૂરીને પગલે કંપનીની રસી વિશ્વના અનેક ગરીબ દેશોમાં વાપરી શકાશે.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે કુલ ૨,૭૮,૨૬૮.૯૨ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૬૪,૯૮૭ સોદાઓમાં ૨૩,૭૮,૯૭૨ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૮,૯૦,૦૩૭ કૉન્ટ્રૅક્ટસના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટસમાં ૫.૯૦ કરોડના ૩૧ સોદામાં ૪૯ કૉન્ટ્રૅક્ટસનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૩૯,૪૧૫ સોદામાં ૧૪,૯૮,૮૨૬ કૉન્ટ્રૅક્ટ સાથે ૧,૮૯,૮૨૨.૦૫ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૨૫,૫૪૧ સોદામાં ૮,૮૦,૦૯૭ કૉન્ટ્રૅક્ટ સાથે  ૮૮,૪૪૦.૯૮ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

વૈશ્વિક વહેણ

મંગળવારે એશિયન બજારોમાં વૃદ્ધિ જોવા મળી હતી. નિક્કીમાં ૧.૪ ટકાનો વધારો થયો હતો. આ જ રીતે હૅન્ગસૅન્ગ પણ ૧.૪ ટકા વધ્યો હતો. યુરોપમાં સ્ટૉક્સ ૬૦૦માં ૦.૨ ટકાની વૃદ્ધિ થઈ હતી, જ્યારે જર્મનીનો ડેક્સ ફ્લૅટ રહ્યો હતો.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટી૫૦ ઇન્ડેક્સ હજી પણ ૧૫,૨૫૦ના એના સપોર્ટની ઉપર છે. ટૂંકા ગાળામાં આ સપાટી જળવાઈ રહેવી જોઈએ એવું નિષ્ણાતો કહે છે. એમનું કહેવું છે કે પ્રૉફિટ બુકિંગને લીધે બજારમાં વૉલેટિલિટી વધી છે. રોકાણકારોએ ૧૫,૩૭૦ની સપાટી તૂટે તો ખરીદી કરીને ૧૫,૫૨૦ના સ્તરે એક્ઝિટ કરવી એવું કહેવામાં આવી રહ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK