Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > લાંબા ગાળે ટ્રેડ-વૉરનું સમાધાન નથી એવા અહેવાલો વચ્ચે સોનામાં તેજી

લાંબા ગાળે ટ્રેડ-વૉરનું સમાધાન નથી એવા અહેવાલો વચ્ચે સોનામાં તેજી

01 November, 2019 01:33 PM IST | મુંબઈ
બુલિયન વૉચ

લાંબા ગાળે ટ્રેડ-વૉરનું સમાધાન નથી એવા અહેવાલો વચ્ચે સોનામાં તેજી

ગોલ્ડ

ગોલ્ડ


સપ્ટેમ્બરના મધ્ય ભાગમાં અમેરિકા અને ચીન ટ્રેડ-વૉર ખતમ કરવા માટે અને વાતચીત શરૂ કરવા માટે સહમત થયા પછી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઑક્ટોબરના મોટા ભાગના દિવસોમાં સોનું ૧૫૦૦ ડૉલરની નીચે રહ્યું હતું. ગુરુવારે અચાનક જ ચીન અને અમેરિકા વચ્ચે લાંબા ગાળા માટે વ્યાપાર સંધિ થઈ શકે નહીં એવા સંશય ઊભા થતાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. 

સપ્ટેમ્બર મહિનામાં સોનાના ભાવમાં પાંચ મહિનાથી સતત ચાલતી તેજીનો અંત આવ્યો હતો. સોનાનો ભાવ વૈશ્વિક બજારમાં ૨.૭ ટકા ઘટ્યો હતો તો ઑક્ટોબર મહિનો પણ ખાસ સારા સમાચાર લાવ્યો નથી. વૈશ્વિક બજારમાં સપ્ટેમ્બર મહિનાના અંતે હાજરમાં સોનાના ભાવ ૧૪૮૫.૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યા હતા. ઑક્ટોબરમાં ભાવ વધીને ૧૫૧૭.૧૦ અને ઘટીને ૧૪૭૩.૪ ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા. બુધવારે સોનું ૧૪૯૨.૧૦ ડૉલર પ્રતિ ઔંસ બંધ આવ્યું હતું. ફેડરલ રિઝર્વના વ્યાજદરના ઘટાડાના પગલે આજે સોનાનો ભાવ ઊછળી ૧૫૦૮.૭ ડૉલર પ્રતિ ઔંસ હતો જે માસિક ધોરણે ૨૩ ડૉલરની વૃદ્ધિ છે.



વ્યાપાર કરાર વિશે શંકાઓ


અમેરિકા અને ચીન બન્ને વ્યાપાર સંધિ માટે તૈયાર થયા છે અને પ્રથમ તબક્કાના કરાર ઉપર આવતા મહિને હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે ત્યારે ચીનના અધિકારીઓ દ્વારા અમેરિકા સાથે લાંબા ગાળાની વ્યાપાર સંધિ થઈ શકે કે નહીં એના પર સવાલ ઊભા કરવામાં આવ્યા છે. બ્લુમબર્ગના અહેવાલ અનુસાર ચીન એવું માને છે કે કોઈ ચોક્કસ મર્યાદા માટે કે ચીજ માટે સંધિ શક્ય છે, પણ લાંબા ગાળે આવો કરાર સંભવ નથી. આ અહેવાલ બાદ ફરી એક વાર સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી.

ઑક્ટોબરમાં ભારતમાં સોના અને ચાંદીમાં તેજી


તહેવારોની ખરીદી અને બજારમાં છેલ્લા ચાર મહિનાથી સતત ઘટી રહેલી આયાતના કારણે ભારતમાં ઑક્ટોબર મહિનામાં સોનાના ભાવમાં નીચલા મથાળેથી વૃદ્ધિ જોવા મળી હતી. સોનાની પડખે ચાંદીના ભાવ પણ વધ્યા હતા. સપ્ટેમ્બર માસમાં ૨.૬ ટકા ભાવ ઘટ્યો હતો. ભારતમાં હાજર બજારમાં મુંબઈ સોનું સપ્ટેમ્બરના અંતે ૩૮,૭૦૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૩૮,૭૮૫ રૂપિયા બંધ રહ્યું હતું. ઑક્ટોબર માસમાં ભારતમાં સોનાના ભાવ ૩.૨ ટકા કે ૧૨૪૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ વધ્યા હતા.
મુંબઈ હાજર બજારમાં ગઈ કાલે સોનાનો ભાવ ૩૩૫ વધી ૩૯,૯૪૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૩૯,૯૦૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ આવ્યો હતો. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૮,૧૦૫ ખૂલી ઉપરમાં ૩૮,૩૭૮ અને નીચામાં ૩૮,૦૩૭ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૬૫ વધીને ૩૮,૩૫૩ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૬૯ વધીને ૮ ગ્રામદીઠ ૩૧,૧૯૨ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૧ વધીને ૧ ગ્રામદીઠ ૩૯૪૨ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૬૨ વધીને બંધમાં ૩૮,૬૩૧ રૂપિયાના ભાવ રહ્યા હતા.

આજે મુંબઈ હાજર ચાંદી ૪૦૦ વધી ૪૭,૯૯૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૪૮,૦૯૦ રૂપિયા બંધ આવી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૬,૦૬૧ ખૂલી ઉપરમાં ૪૬,૭૪૪ અને નીચામાં ૪૬,૦૨૧ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૫૬૬ વધીને ૪૬,૬૮૫ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૫૪૨ વધીને ૪૬,૬૮૭ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૫૩૯ વધીને ૪૬,૬૮૫ રૂપિયા બંધ રહ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2019 01:33 PM IST | મુંબઈ | બુલિયન વૉચ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK