Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજેટ જેવી રાહતો નૉર્થ બ્લૉકને બદલે મિન્ટ સ્ટ્રીટથી થઈ!

બજેટ જેવી રાહતો નૉર્થ બ્લૉકને બદલે મિન્ટ સ્ટ્રીટથી થઈ!

07 February, 2020 10:26 AM IST | Mumbai Desk

બજેટ જેવી રાહતો નૉર્થ બ્લૉકને બદલે મિન્ટ સ્ટ્રીટથી થઈ!

બજેટ જેવી રાહતો નૉર્થ બ્લૉકને બદલે મિન્ટ સ્ટ્રીટથી થઈ!


રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટીએ ગઈ કાલે વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો હતો નહીં અને રેપો-રેટ ૫.૧૫ ટકા, રિવર્સ રેપો-રેટ ૪.૯૦ ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીના દર ૫.૪૦ ટકા જાળવી રાખ્યો હતો. જોકે એવાં કેટલાંક પગલાંની જાહેરાત કરી હતી કે જેની અસરથી અર્થતંત્રને ફાયદો થાય અને જરૂર છે એવા સેક્ટરની ધિરાણ મળી રહે.

રિઝર્વ બૅન્કના ગવર્નરે જોકે આજે બજેટ જેવી રાહતોનો પટારો ખોલી નાખ્યો હતો. બજારને અપેક્ષા હતી કે વ્યાજદર નહીં ઘટે, પણ રિઝર્વ બૅન્ક પગલાં લઈ શકે એવી વાત ફાજલ ગણવી જોઈએ નહીં. ફુગાવાનું સ્તર ઊંચું છે ત્યારે વ્યાજદરમાં ઘટાડો શક્ય નથી, પણ અન્ય પગલાં થકી આર્થિક વિકાસનો દર વધે એવાં પગલાં ચોક્કસ લઈ શકાય એમ છે એમ ગવર્નર શક્તિકાન્તા દાસે જણાવ્યું હતું.



રિઝર્વ બૅન્કે વર્ષ ૨૦૧૯-’૨૦માં વિકાસદર ૫ ટકા અને વર્ષ ૨૦૨૦-’૨૧માં એ વધીને ૬ ટકા થઈ શકે એવો અંદાજ આજે રજૂ કર્યો હતો. રિઝર્વ બૅન્કે જે પરોક્ષ પગલાં લીધાં છે એની અસર આવતા થોડો સમય લાગી શકે છે, પણ એ ચોક્કસપણે ફાયદારૂપ છે એવું લાગી રહ્યું છે. આ ઉપરાંત, રિઝર્વ બૅન્કે આર્થિક વિકાસદર સધ્ધર થાય નહીં ત્યાં સુધી પૉલિસી એકોમોડેટિવ રહેશે એટલે કે જરૂર પડ્યે વ્યાજદર ઘટાડવામાં આવે એવો દ્વાર ખુલ્લો રાખ્યો છે.


રિઝર્વ બૅન્કે વ્યાજદર કેમ જાળવી રાખ્યા?
રિઝર્વ બૅન્કમાં મૉનિટરી પૉલિસી ફ્રેમવર્ક અસ્તિત્વમાં આવ્યા પછી કમિટીની મુખ્ય જવાબદારી ગ્રાહક ભાવ આધારિત (કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ) ફુગાવો ૪ ટકા (૨ ટકા ઉપર કે નીચે) જાળવી રાખવા સુધી સીમિત છે. ફુગાવા કેન્દ્રિત આ જવાબદારીના કારણે વર્તમાન સ્થિતિમાં જ્યારે ફુગાવો વધી રહ્યો હોય ત્યારે વ્યાજદરમાં ઘટાડો સંભવ હતો નહીં. દેશની આર્થિક વિકાસની ગતિ છ વર્ષમાં સૌથી નીચે હોય ત્યારે વ્યાજદરમાં વધારો પણ કરવો સંભવ નહીં હોવાથી વ્યાજના દર જાળવી રાખવામાં આવ્યા છે.
ફુગાવાનો દર ઑક્ટોબરમાં ૪.૬ ટકા હતો એ વધી નવેમ્બરમાં ૫.૫ ટકા, ડિસેમ્બરમાં ૭.૪ ટકા થઈ ગયો હતો જે જુલાઈ ૨૦૧૪ પછી સૌથી ઊંચો રહ્યો છે એવું કમિટીએ નોંધ્યું હતું.

બીજું, કમિટીના અભ્યાસ અનુસાર હજી ફુગાવો વધવો શક્ય છે અને અને એમાંથી રાહત ઑક્ટોબર ૨૦૨૦ પહેલાં મળવી શક્ય નથી. કાંદાના ભાવ કમોસમી વરસાદના કારણે વધ્યા હોવાથી ખાદ્ય ચીજો આધારિત ફુગાવો વધી ગયો છે. કાંદાના ભાવ નીચે આવ્યા છે ત્યારે દૂધ, માછલી, ઈંડાં અને અન્ય ચીજોના ભાવ વધ્યા છે. ક્રૂડ ઑઇલના ભાવમાં એક યા બીજા કારણસર મોટો ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે એટલે ભવિષ્યમાં ફુગાવો વધી શકે છે એવું આંકલન કમિટીએ કર્યું હતું. ફુગાવાનો લક્ષ્યાંક વર્ષ ૨૦૨૦-’૨૧માં વધારી ૬.૫ ટકા કરવામાં આવ્યો હોવાનું રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાન્તા દાસે જણાવ્યું હતું. આમ, ફુગાવો વધી શકે એવી સ્થિતિ હોવાથી વ્યાજના દર સ્થિર રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. મૉનિટરી પૉલિસી કમિટીના દરેક સભ્યે એને સ્થિર રાખવાની તરફેણ પણ કરી હતી.


જોકે રિઝર્વ બૅન્કે અન્ય રીતે અર્થતંત્રના જરૂરિયાત અનુભવતા સેક્ટર – લઘુ અને મધ્યમ કદના એકમો, ઑટોમોબાઇલ્સ, રિયલ એસ્ટેટ અને બૅન્કિંગને વધુ નાણાં ઉપલબ્ધ બને, સસ્તું ધિરાણ મળે એવાં આડકતરાં પગલાં લઈ ફાયદો કરાવી આપવાનો પ્રયત્ન કર્યો હતો.

એક લાખ કરોડના લૉન્ગ ટર્મ રેપો
રિઝર્વ બૅન્કે ૧૫ ફેબ્રુઆરીથી ઉપલબ્ધ બને એ રીતે એક વર્ષ અને ત્રણ વર્ષની મુદતના, કુલ ૧ લાખ કરોડ રૂપિયાના રેપોની આજે જાહેરાત કરી છે. અત્યારે રિઝર્વ બૅન્ક મહત્તમ ૯૦ દિવસની મુદતના રેપો-રેટ ઑપરેશન થકી બજારમાં નાણાં ઠાલવે છે અને જરૂરિયાત હોય એવી બૅન્કોને નાણાં આપે છે. રેપો ઑપરેશન એટલે રિઝર્વ બૅન્ક જે બૅન્કોને નાણાંની જરૂરિયાત હોય એને ૫.૧ ટકાના વર્તમાન રેપો-રેટ પર નાણાં ધીરે છે, પણ આ ટૂંકી મુદતના હોવાથી બૅન્કોએ એને મહત્તમ ત્રણ મહિનામાં પરત કરવા પડે છે. એની સામે રિઝર્વ બૅન્ક હવે એક વર્ષ અને ત્રણ વર્ષની મુદતના રેપો ઑપરેશન કરશે. લાંબા ગાળાનાં નાણાં ઉપલબ્ધ થતાં હોવાથી બૅન્કોને એનો સીધો લાભ મળશે અને સસ્તા દરે નાણાં એકત્ર કરી શકે છે. બૅન્કો માટે આટલી વિપુલ માત્રમાં નાણાં ઉપલબ્ધ થયાં હોવાથી બજારમાં નાણાપ્રવાહિતા પણ વધશે. આથી ધિરાણના દર નીચે આવી શકે છે.

લઘુ-મધ્યમ કદના એકમોને લાભ આપ્યા
રિઝર્વ બૅન્કે આ ઉપરાંત લઘુ અને મધ્યમ કદના એકમોને બીજા બે લાભની પણ જાહેરાત કરી છે. અગાઉ આવા એકમોની નબળી પડેલી લોનને એનપીએ જાહેર કરવા એને વન ટાઇમ સેટલમેન્ટ આપવા માટેની મુદત ૩૧ માર્ચે પૂર્ણ થતી હતી. હવે એને વધારી ૩૧ ડિસેમ્બર સુધી કરવામાં આવી છે. નબળી પડેલી લોનની શરતો, વ્યાજના દરમાં ફેરફાર કે બૅન્કોએ અન્ય કોઈ રાહત આપી એને રીસ્ટ્રક્ચર કે વન ટાઇમ સેટલમેન્ટનો લાભ આપવાની મુદત ડિસેમ્બર ૨૦૨૦ સુધી લંબાવી દેવામાં આવી છે.
લઘુ અને મધ્યમ કદના એકમોને નવી લોન માટે વ્યાજનો દર ઘટે એના માટે એક્સટર્નલ બૅન્ચમાર્કની વ્યવસ્થા એપ્રિલ ૨૦૨૦થી અમલમાં આવશે. અત્યારે મોટા ભાગની બૅન્કો વ્યક્તિગત ધિરાણ માટે રેપો-રેટ આધારિત લોન આપે છે. આ પ્રકારે લોન મળતી હોય તો એમાં રેપો-રેટમાં ઘટાડો થયે તરત જ ગ્રાહકોને ફાયદો થશે. આથી લઘુ અને મધ્યમ કદના એકમોને પણ હવેથી સસ્તું ધિરાણ ઉપલબ્ધ બનશે.

રિયલ એસ્ટેટને રાહત
રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નબળી પડેલી લોન જો પ્રમોટરની નબળાઈના કારણે નહીં, પણ કોઈ બાહ્ય પરિબળના કારણે હોય તેઓ એને એનપીએ જાહેર કરવામાં નહીં આવે એવો રિઝર્વ બૅન્કે આજે નિર્યણ લીધો હતો. આવા કિસ્સમાં વધુ એક વર્ષ સુધી એને એનપીએ જાહેર નહીં કરી બૅન્કોની જોગવાઈ ઘટશે અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના પ્રમોટરને લોનની ભરપાઈ કરવા માટે, પ્રોજેક્ટને ફરીથી જીવંત રાખવા માટે સમય ઉપલબ્ધ બનશે.

રિયલ્ટી, લધુ એકમો, ઓટો સેક્ટર... આ ત્રણ ક્ષેત્રોને કેમ લાભ આપ્યો

રિયલ એસ્ટેટ બાંધકામ, લઘુ અને મધ્યમ કદના એકમો અને ઑટોમોબાઇલ્સ દેશના અર્થતંત્રમાં બહુ મહત્ત્વનો હિસ્સો ધરાવે છે અને રોજગારી સર્જનમાં પણ એક મોટો હિસ્સો ધરાવે છે. બીજું, આ બન્નેની સાથે અન્ય ક્ષેત્રો જેમ કે સિમેન્ટ, સ્ટીલ, પેઇન્ટ, ઑટો પાર્ટ્સ જેવાં ક્ષેત્રો પરોક્ષ રીતે જોડાયેલાં છે. આ ક્ષેત્રોને સીધો લાભ આપવામાં આવે તો એની અસર અર્થતંત્ર પર વધારે સારી રીતે પડી શકે છે.

કુલ બૅન્કિંગ ધિરાણમાં ૨.૬ ટકા હિસ્સા સાથે રિયલ એસ્ટેટને ૨.૪૩ લાખ કરોડ રૂપિયાનું ધિરાણ મળેલું છે. આર્થિક મંદી, વધી રહેલી બેરોજગારી અને અન્ય પ્રશ્નોને લીધે આ ક્ષેત્રની માગ ઘટી છે અને એના કારણે ઘણા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ અટકેલા પડ્યા છે. આ એક વર્ષની મુદત વધવાથી બિલ્ડરને જરૂરી સમય મળશે અને આર્થિક વિકાસ વધે તો આગામી દિવસોમાં માગ વધે એનો લાભ પણ મળશે. બીજી તરફ કૅશ રિઝર્વ રેશિયોની રાહતમાં પણ હાઉસિંગ લોનનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી ધિરાણની માગ વધે, ધિરાણ આકર્ષક બને એવાં પગલાં પણ લેવાયાં છે.

લઘુ અને મધ્યમ કદના એકમો દેશના આર્થિક વિકાસમાં ૨૮ ટકા, નિકાસમાં ૪૦ ટકા હિસ્સો ધરાવે છે અને ૧૧ કરોડ લોકોને રોજગારી આપે છે. આવા ક્ષેત્રને કુલ ૧૫.૧૧ લાખ કરોડ રૂપિયાનું ધિરાણ થયેલું છે. વન ટાઇમ સેટલમેન્ટનો લાભ લગભગ પાંચ લાખ એકમોને મળ્યો છે, પણ હજી સેંકડો એવા એકમો છે જે આ લાભ મેળવી શક્યા નથી એટલે એ યોજનાની મુદત વધારી છે. બીજું, નવું ધિરાણ હવે રેપો-રેટ સાથે જોડી દેવાયું હોવાથી એ સસ્તું બનશે અને વધુ એકમોને ફાયદો થશે એવી પણ ગણતરી રાખવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

07 February, 2020 10:26 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK