ભેલ-લાર્સનની જોડીએ મળીને સેન્સેક્સને ૫૦ પૉઇન્ટ ઘટાડ્યો

Published: 17th November, 2011 09:12 IST

ડાઉનવર્ડ બાયસની આગેકૂચમાં શૅરબજાર ગઈ કાલે વધુ ૧૦૭ પૉઇન્ટની નબળાઈમાં ૧૬,૭૭૬ તથા નિફ્ટી ૩૮ પૉઇન્ટ ઘટી ૫૦૩૦ બંધ રહ્યા હતા. ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી ૫૦૦૦ની અંદર ૪૯૮૯ની પાંચ સપ્તાહની નીચી સપાટીએ ગયો હતો. સેન્સેક્સના ૩૦માંથી ૧૯ શૅર તથા માર્કેટના ૨૧માંથી ૧૭ બેન્ચમાર્ક માઇનસમાં બંધ હતા.(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

બજારનું માર્કેટ કૅપ ૫૦ હજાર કરોડ રૂપિયાના વધુ ધોવાણમાં ૫૮.૯ લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. નોંધપાત્ર કમજોરીને જાળવી રાખતાહૃ માર્કેટ બ્રેડ્થ ખાસ્સી નેગેટિવ રહી છે. ૯૦૩ શૅર વધેલા હતા તો ૧૯૩૨ જાતો નરમ હતી. સર્કિટની નકારાત્મકતામાં ઉપલી સર્કિટે ૯૫ શૅર બંધ હતા. એનાથી ત્રણ ગણા ૩૦૧ શૅર મંદીની સર્કિટમાં સરી પડ્યા હતા. ઑર્ડરબુક તેમ જ નેટ પ્રૉફિટમાં સંતોષજનક સ્થિતિ છતાં ભેલ ચાર ટકા ઘટીને ૨૯૭ રૂપિયા તથા લાર્સન ચાર ટકાના ઘસારામાં ૧૨૩૬ રૂપિયા બંધ રહેતાં આ બે શૅરથી બજારને ૫૦ પૉઇન્ટનો માર પડ્યો હતો. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૧.૬ ટકાના ઘટાડે ૮૪૯ રૂપિયાનો બંધ આપી એમાં ૩૧ પૉઇન્ટનો ઉમેરો કર્યો હતો. કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ ૩.૯ ટકા, પાવર ઇન્ડેક્સ બે ટકા, ઑઇલ-ગૅસ તથા સ્મૉલ કૅપ બેન્ચમાર્ક ૧.૩ ટકા, મિડ કૅપ-આઇટી અને આઇપીઓ ઇન્ડેક્સ એક ટકો ખરાબ હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તથા એફએમસીજી ઇન્ડેક્સ અડધો ટકો, જ્યારે મેટલ અને રિયલ્ટી નામ કે વાસ્તે સુધર્યા હતા.

આંધ્ર સિમેન્ટ્સ ઉપલી સર્કિટે આંધ્ર સિમેન્ટ્સમાં મૅનેજમેન્ટ બદલાવાના અહેવાલના પગલે શૅર દોઢ ગણા વૉલ્યુમે પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૧ રૂપિયા જેવો બંધ હતો. વર્ષ દરમ્યાન આ કાઉન્ટર ઉપરમાં ૨૩.૫૦ તથા નીચામાં આઠ રૂપિયા થયેલું છે. ૧૦ રૂપિયાના શૅરની બુક વૅલ્યુ સાત રૂપિયા પ્લસની છે. વર્તમાન પ્રમોટર જી. પી. ગોએન્કા ગ્રુપે જેપી ગ્રુપ સાથે એનો સંપૂર્ણ હિસ્સો વેચી મારવાનો સોદો પાકો કરી લીધો છે. આના પગલે જેપી તરફથી શૅરદીઠ ૧૨ રૂપિયાના ભાવે ઓપન ઑફર આવવાની શક્યતા છે. બાય ધ વે, સિમેન્ટ શૅરો ગઈ કાલે એકંદરે સુસ્ત જોવા મળ્યા હતા. જેકે સિમેન્ટ્સ ૪.૬ ટકા ગગડી ૧૦૦ રૂપિયા તથા મંગલમ સિમેન્ટ્સ બે ટકાના ઘટાડે ૯૬ રૂપિયાની અંદર બંધ હતા તો વધેલા શૅરમાં પણ્યમ સિમેન્ટ્સ (પાંચ ટકા), ચેટ્ટીનાડ સિમેન્ટ્સ (ત્રણ ટકા) અને બિરલા કૉર્પ (ચાર ટકા)નો ઉલ્લેખ થઈ શકે. બાકી વધ-ઘટ સામાન્ય હતી.

એવરોનમાં તગડું વૉલ્યુમ

એવરોન એજ્યુકેશન સિસ્ટમ્સમાં ર્વેકીની શૅરદીઠ ૫૨૮ રૂપિયાના ભાવની ઓપન ઑફર વિલંબમાં મુકાઈ હોવાના અહેવાલે ભારે તોફાન જોવા મળ્યું હતું. ૩૫૦ રૂપિયાના આગલા બંધ સામે શૅર ૨૦ ટકાની નીચલી સર્કિટે ૨૮૦ રૂપિયા થઈ છેલ્લે ચાર ટકાના ઘટાડે ૩૩૫ રૂપિયા બંધ હતો. વૉલ્યુમ ૩૦ ગણું નોંધાયું હતું. ગુજરાત બેઝ્ડ વૉલટેમ્પ ટ્રાન્સફૉર્મર ૧૭૪ ગણા વૉલ્યુમમાં ઉપરમાં સાત ટકા વધી છેલ્લે ૩.૭ ટકાના જમ્પમાં ૫૨૩ રૂપિયા બંધ હતો. પ્રિઝમ સિમેન્ટ્સમાં ગઈ કાલે ૩૪ ગણું, ફેડરલ બૅન્કમાં ૨૪ ગણું, સિન્ટેક્સમાં ૧૧ ગણું તથા ટ્રેન્ટમાં નવ ગણું વૉલ્યુમ નોંધાયું હતું. સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ ૮૭ રૂપિયાની નવી બૉટમ બનાવી છેલ્લે પોણાદસ ટકાના ઘટાડે ૯૧ રૂપિયાની નીચે બંધ હતો. ટ્રેન્ટ ઇન્ટ્રા-ડેમાં ૧૦૪૭ રૂપિયા થઈ છેલ્લે ૪.૭ ટકાના ઉછાળામાં ૧૦૪૫ રૂપિયા બંધ રહ્યો હતો.

તાતા પાવરમાં નેગેટિવ બ્રેક-આઉટ

તાતા પાવર તાજેતરમાં ૯૮ રૂપિયા બંધ આવતાં એમાં નેગેટિવ ટેક્નિકલ બ્રેક-આઉટ આવ્યું છે. આ ભાવ ૩૦ દિવસ તથા ૫૦ દિવસની સિમ્પલ મૂવિંગ ઍવરેજ કરતાં નીચો છે. ટેક્નિકલ ભાષામાં નેગેટિવ બ્રેક-આઉટ શૅર વધવાના બદલે ઘટે એવી શક્યતા વધુ દર્શાવે  છે. આ ઉપરાંત તાતા ગ્લોબલ બિવરેજીસ તથા તાતા ઍલેક્સીના ભાવ પણ ૩૦ દિવસની મૂવિંગ ઍવરેજથી નીચા ગયા છે. ઉક્ત ધોરણે ચાર્ટ પર નબળાઇમાં સરી પડેલા અન્ય જાણીતા શૅરોમાં યુનાઇટેડ સ્પિરિટ, વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ, વૉખાર્ટ, સુનીલ હાઇટેક, રિલાયન્સ ઇન્ફ્રા,, ડી. બી.   રિયલ્ટી, ટીસીઆઇ ડેવલપર્સ, જે. કે. ટાયર્સ હેરિસન મલાયાલમ, મૅક્લિયોડ રસેલ, સેરા સૅનિટરી, ન્યુમેરિક પાવર, અપરગંગા શુગર, જેએસડબ્લ્યુ હોલ્ડિંગ્સ, ઑર્ચિડ કેમિકલ્સ, એરિસ એગ્રો, નેલ્કો, એઆઇએ એન્જિનિયરિંગ, ઝુઆરી ઇન્ડસ્ટ્રીઝ, સદ્ભાવ એન્જિનિયરિંગ, બાન્કો પ્રોડક્ટસ, મેક્સ ઇન્ડિયા, મહિન્દ્ર હૉલિડેઝ, ઇલેકટ્રૉથર્મ, હૈદરાબાદ ઇન્ડસ્ટ્રીઝ, વિસુવિયસ ઇન્ડિયા, ડાબર ઇન્ડિયા, સિયેટ, ફેડરેલ બૅન્ક, યસ બૅન્ક, શ્રી અષ્ટવિનાયક, મોતીલાલ ઓસવાલ, કાલિન્દી રેલ નિર્માણ, કૅનેરા બૅન્ક, રાજેશ એક્સર્પોટ્સ, પીપાવાવ ડિફેન્સ, કિર્લોસ્કર ઑઇલ, ઍટલાન્ટા, રાણે બ્રેક્સ, ઇન્ડિયન બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, આઇઓબી, હિન્દ રેક્ટિફાયર્સ, મહિન્દ્ર સત્યમ, એનટીપીસી, ઓરિસા મિનરલ્સ, એચડીએફસી, ટૉરન્ટ ફાર્મા, આઇડિયા સેલ્યુલર, એલ્ડર ફાર્મા, કાવેરી સીડ્સ વગેરે સામેલ છે.

બૅન્કોની બૅડ લોન હજી વધશે

છેલ્લા કેટલાક દિવસથી બૅન્કોની એનપીએ કે બૅડ લોનનો મામલો ચર્ચા અને ચિંતાનો વિષય બન્યો છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં બૅન્ક ઑફ ઇન્ડિયાની બૅડ લોનમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. યુનિયન બૅન્કની એનપીએ એક ટકો વધી છે. આ એક ટકાનો વધારો એટલે ૧૪૦૦ કરોડ રૂપિયા. ટોચની બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના કિસ્સામાં નબળા ધિરાણનું પ્રમાણ ખાસ્સું ૬૦૦૦ કરોડ રૂપિયા વધ્યું છે. કૅનેરા બૅન્કની એનપીએ અડધો ટકો વધી છે. હાલમાં આંધ્ર બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, દેના બૅન્ક, ફેડરલ બૅન્ક, કર્ણાટક બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ બિકાનેર, સ્ટેટ બૅન્ક ઑફ ત્રાવણકોર વર્ષના તળિયે પહોંચી ગયા છે તો બૅન્ક ઑફ બરોડા એક સપ્તાહમાં નવ ટકા તૂટી ૮૧૮ રૂપિયા, કૉર્પોરેશન બૅન્ક ૭.૫ ટકાના ઘટાડે ૪૮૧ રૂપિયા, આઇડીબીઆઇ બૅન્ક ૧૧ ટકા ગગડીને ૧૧૪ રૂપિયા, આઇઓબી સવાઆઠ ટકાના ધોવાણમાં ૧૦૨ રૂપિયા, પીએનબી ૬.૫ ટકાની પીછેહઠમાં ૯૭૪ રૂપિયા, એસબીઆઇ ૧૨.૫ ટકા ધોવાઈને ૧૯૯૫ રૂપિયા, સ્ટેટ બૅન્ક ઑફ માયસોર પોણાઆઠ ટકાની નબળાઈ ૫૫૨ રૂપિયા, યુકો બૅન્ક ૧૫.૩ ટકાના ઘટાડે ૭૩ રૂપિયા, યુનાઇટેડ બૅન્ક ૧૪.૫ ટકાની નરમાઈમાં ૭૧ રૂપિયા, વિજયા બૅન્ક ૧૦.૩ ટકાની ખરાબીમાં ૬૦ રૂપિયા, ઍક્સિસ બૅન્ક ૧૪ ટકા ઘટી ૧૧૫૯ રૂપિયા, ડીસીબી ૧૩ ટકા તૂટી ૪૪ રૂપિયા, ધનલક્ષ્મી બૅન્ક ૧૦ના ઘટાડે ૬૭ રૂપિયા, આઇસીઆઇસીઆઇ બૅન્ક સાડાઅગિયાર ટકા ઘટી  ૮૮૦ રૂપિયા, ઇન્ડસઇન્ડ બૅન્ક સાડાનવ ટકાના ઘટાડે ૨૭૫ રૂપિયા થઈ ગયા છે. ત્રીજું ક્વૉર્ટર કંપનીઓ માટે વધુ વસમું જવાનું છે. બોલે તો બૅન્કોનાં સરવૈયાં  વધુ ખરડાશે.

પાંચ ઇન્ડેક્સ નવા તળિયે

માર્કેટમાં માયૂસી છતાં સેન્સેક્સ અત્યારે ૪ ઑક્ટોબર ૨૦૧૧ના ૧૫,૭૪૫ની વર્ષની બૉટમ કરતાં લગભગ ૧૦૦૦ પૉઇન્ટ ઉપર છે, પરંતુ પાંચ ઇન્ડેક્સ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા છે. ગઈ કાલે કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડેમાં ૯૭૩૫ થયો હતો, જે વર્ષની નીચી સપાટી છે તો પાવર બેન્ચમાર્ક (૨૦૩૮), મિડ કૅપ (૫૮૧૧), સ્મૉલ કેપ (૬૩૩૬) તથા આઇપીઓ ઇન્ડેક્સ (૧૪૬૩) પણ આ પંગતમાં આવી ગયા છે. કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સની નબળાઈ માટે મુખ્યત્વે ભેલ, સુઝલોન, સિમેન્સ, થર્મેક્સ, લાર્સન, પુંજ લૉઇડ, ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝ કારણભૂત હતા. આ શૅર ચાર ટકાથી લઈ સાત ટકા તૂટ્યા હતા.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK