Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > નસીબ કહો કે ભાત-ભાતના આર્થિક પડકારોઃ જોખમો વચ્ચે વિશ્વ પરથી મહામારીનું સંકટ ટળ્યું છે

નસીબ કહો કે ભાત-ભાતના આર્થિક પડકારોઃ જોખમો વચ્ચે વિશ્વ પરથી મહામારીનું સંકટ ટળ્યું છે

23 January, 2023 03:29 PM IST | Mumbai
Jitendra Sanghvi

ચીનની ગંભીર આર્થિક હાલત વચ્ચે વિશ્વની મીટ પહેલી ફેબ્રુઆરીના ભારતના અંદાજપત્ર અને ફેડની મૉનિટરી પૉલિસી પર

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

આર્થિક પ્રવાહ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


ગણતરીના દિવસોમાં નાણાપ્રધાન ફિસ્કલ ૨૦૨૩-૨૪નું (વર્તમાન સરકારનું પાંચમું) અંદાજપત્ર રજૂ કરશે. ૨૦૨૪માં સરકારની મુદ્દત પૂરી થતી હોવાથી આ અંદાજપત્ર ચૂંટણીઓ પહેલાંનું છેલ્લું સંપૂર્ણ અંદાજપત્ર હશે. મોટા કદના અર્થતંત્ર અને ઓછી માથાદીઠ આવકવાળા આપણા દેશમાં સહજપણે અંદાજપત્ર સામે અનેક પડકારો અને જોખમો હોય જ છે.


પ્રવર્તમાન વૈશ્વિક સ્લોડાઉન અને સંભવિત મંદીના સંદર્ભમાં આ વખતના પડકારો કંઈક વધારે અને વિશિષ્ટ પ્રકારના છે. ચાલુ વરસની નવ રાજયોની વિધાનસભાની (એમાં પણ ત્રિપુરા, નાગાલૅન્ડ અને મેઘાલયની તો આવતે મહિને જ) અને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓના સંદર્ભમાં પ્રજાના વિવિધ વર્ગો અને સમૂહો (ખેડૂતો, નાના ઉદ્યોગ-ધંધાઓ, યુવાનો, સ્ત્રીઓ, કૉર્પોરેટ જગત, મધ્યમ વર્ગ અને ગરીબો)ની માગણીઓ સંતોષી એ દ્વારા વોટબૅન્કને ખુશ રાખી આ બધી ચૂંટણીઓમાં બહુમતી વિજય મેળવવાનો પડકાર સૌથી મોટો હોઈ શકે. અમુક વર્ગ આને સરકારના રાજકીય એજન્ડામાં પણ ખપાવવાનો.



ગુજરાતના અભૂતપૂર્વ વિજય પછી સમગ્ર દેશમાં બીજેપીનું શાસન ફેલાવવાની સરકારની મહેચ્છા પણ વધી જ હોય. વડા પ્રધાને ગયા અઠવાડિયાની તેમની મુંબઈની મુલાકાત દરમ્યાન પ્રજાના હિતલક્ષી અનેક પ્રોજેક્ટોની જાહેરાત સાથે લોકસભાની ચૂંટણી (બીએમસીની ચૂંટણી હાથવેંતમાં છે)ના પ્રચારનાં શ્રીગણેશ કર્યાં છે.


હાલના વૈશ્વિક પડકારોમાં ગયા વરસે ઢગલાબંધ દેશોમાં થયેલો ભાવવધારાનો અને વ્યાજના દરોનો સતત વધારા (એટલા પ્રમાણમાં કે જેણે અર્થતંત્ર સામે સ્લો-ડાઉન અને મંદીનુ જોખમ ઊભું કર્યું)નો સમાવેશ કરી શકાય. લગભગ એક વરસથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ખોરવાયેલી સપ્લાય-ચેઇને વિશ્વ સામેનાં જોખમોમાં ઉમેરો કર્યો. વિશ્વ આવાં જોખમો અને ચીન તથા પાકિસ્તાન દ્વારા ઊભી કરાતી જિયો-પૉલિટિકલ ક્રાઇસિસને કારણે સતત તણાવમાં જીવી રહ્યું છે. ચીનની સરકારની અવળચંડાઈ અને અત્યાર સુધીની એની ઝીરો-કોવિડ પૉલિસીને કારણે વિશ્વની આર્થિક મુશ્કેલીઓમાં સતત વધારો થતો રહ્યો છે.

રશિયા-યુક્રેન યુદ્ધનો અંત હજી નજરે ચડતો નથી. વિશ્વના સદ્‌ભાગ્યે ૨૦૨૨ના સર્વવ્યાપી ભાવવધારા પર બ્રેક લાગી છે. જોકે એ હજી જોઈતા પ્રમાણમાં ઘટ્યો નથી એટલે નજીકના ભવિષ્યમાં વ્યાજના દર હજી વધતા રહેવાની અપેક્ષા છે. ચીનમાં કોવિડના વધતા કેસો પર બ્રેક લાગી છે. ક્રિસમસ અને નવા વરસની ધમાકેદાર ઉજવણીને કારણે વિશ્વ ફરી એકવાર કોરોનામાં સપડાવાની દહેશત ઊભી થઈ હતી. સારા નસીબે વિશ્વના માથે લટકતી તલવાર જેવું આ જોખમ પણ હાલ પૂરતું તો ટળ્યું છે.


આર્થિક વિકાસ અને ભાવવધારા બાબતે ભારતની પરિસ્થિતિ વિશ્વના અનેક મોટા અર્થતંત્રના પ્રમાણમાં ઘણી સારી છે. થોડા ઘટાડા પછી પણ છથી સાત ટકાનો આર્થિક વિકાસનો દર એ આપણી મોટી સિ​દ્ધિ છે. જેની વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમની દાવોસની મીટિંગમાં પણ નોંધ લેવાઈ છે. ફરી એકવાર આપણે ત્યાં ભાવોના ઘટાડાની અને વિદેશી હૂંડિયામણના વધારાની શરૂઆત નાણાપ્રધાનનો આત્મવિશ્વાસ વધારશે.

મૂડી રોકાણના વધારા દ્વારા ઉત્પાદન અને સેવાઓના ક્ષેત્રને વિસ્તારી નવી રોજગારીનું (એ દ્વારા આવક અને માગના વધારાનું) સર્જન કરવું એ નાણાપ્રધાન સામેનો સૌથી મોટો પડકાર છે. સાથે-સાથે કુલ ખર્ચ અમર્યાદિત રીતે ન વધવા દેવું અને ફિસ્કલ ડેફિસિટ પરની પકડ ન ગુમાવવી એ નાણાપ્રધાન અને સરકારની અગ્નિપરીક્ષા હશે.

આ ત્યારે જ શક્ય બને જયારે બિન જરૂરી કે બિન ઉત્પાદક ખર્ચ (નૉન—મેરિટ સબસિડી વગેરે)પર કાપ મુકાય; જે ખર્ચ કરાય એની ગુણવત્તા અને ઉત્પાદકતા સુધારાય/વધારાય. આ ટાસ્ક એવી રીતે હાંસલ કરવો પડે કે જેથી પ્રજામાં રોષ કે અસંતોષ ન ફેલાય. આવી રહેલી ચૂંટણીઓ (ખાસ કરીને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી)ના સંદર્ભમા પ્રજાના સંગઠિત વર્ગ કે શ​ક્તિશાળી સમૂહને નારાજ કરવાનું સરકારને પરવડે એમ નથી.

આ પણ વાંચો :  નવું મૂડીરોકાણ આર્થિક રીકવરી માટેનો ગુરુમંત્ર છે

ભાવવધારો ધીમો પડ્યો તો પણ વ્યાજના દરનો વધારો છએક મહિના ચાલુ રહેશે

ડિસેમ્બર ૨૦૨૨માં છૂટક ભાવવધારો (૫.૭ ટકા) બાર મહિનાનો સૌથી નીચો હતો. સતત બીજે મહિને એ રિઝર્વ બૅન્કની ઉપરની છ ટકાની સીલિંગથી નીચો પણ હતો. જોકે કોર (ફૂડ અને ફ્યુઅલ સિવાય) ઇન્ફ્લેશન હજી પણ છ ટકાથી ઉપર છે. ફિસ્કલ ૨૩ માટે રિઝર્વ બૅન્કનો સી.પી.આઇ.નો ટાર્ગેટ ૬.૭ ટકાનો છે. સેવાઓની ઊંચી માગને કારણે કોર ઇન્ફ્લેશન હમણાં નીચો આવવાની સંભાવના ઓછી છે. જે આઇટમોનો ભાવવધારો છ ટકાથી વધુ છે એનું સીપીઆઇમાં ૫૬ ટકા જેટલું મોટું વજન છે એટલે પણ ઓવરઑલ ભાવવધારાના ઘટાડાને હળવાશથી લઈ શકાય નહીં.

રિઝર્વ બૅન્કના મતે ભાવવધારાનો ચાર ટકાનો લક્ષ્યાંક ૨૦૨૪ પહેલાં આંબી શકાય એમ નથી. સેમ્બરમાં જથ્થાબંધ ભાવાંક ઘટ્યો (નવેમ્બરમાં ૫.૯ ટકામાંથી ૫.૦ ટકા) અને ૨૨ મહિનાનો નીચો રહ્યો. ઔદ્યોગિક ઉત્પાદનમાં નવેમ્બર મહિને સારો એવો વધારો (ઑક્ટોબરના ૪.૨ ટકાના ઘટાડા સામે ૭.૧ ટકાનો વધારો) થયો. આવી વૉલેટિલિટીને કારણે આપણે સાવધ રહેવુ રહ્યું. પીએમઆઇનો ગ્રાફ પણ ૫૦ ઉપરનો અને વધતો છે.

આમ તાજેતરના ભાવવધારાના ઘટાડાની શરૂઆતથી અને ઔદ્યોગિક ઉત્પાદનના નવેમ્બરના સારા દેખાવ પછી પણ રિઝર્વ બૅન્ક ફેબ્રુઆરીની મીટિંગમાં વ્યાજના દર વધારવાથી દૂર રહેશે કે ધીમો વધારો કરશે એ જોવું રહ્યું. આ સમયે અંદાજપત્ર રજૂ થઈ ગયું હશે એટલે એનાં લેખાંજોખાં કરીને પણ રિઝર્વ બૅન્ક પૉલિસીના દર બાબતે નિર્ણય લઈ શકશે.

ફેડરલ રિઝર્વ પણ સતત વધતા વ્યાજના દર પર બ્રેક મારશે કે ધીમી ગતિએ વધારશે

ડિસેમ્બરમાં અમેરિકામાં ભાવવધારો નરમ પડવાનું ચાલુ રહ્યું છે. (ભલે ઘટાડો નજીવો છે). એટલે ફેડ પણ વ્યાજના દર વધારે તો પણ એ વધારો ભૂતકાળના વધારા (૫૦--૭૫ બેસિસ પૉઇન્ટ)થી ઓછો હોઈ શકે. અમેરિકામાં પણ કોર ઇન્ફ્લેશન વધ્યો છે (૫.૭ ટકા).

આમ બે મહિનાથી ભાવવધારો ધીમો પડતાં ફેડ એની ફેબ્રુઆરીની મીટિંગમાં પૉલિસી રેટ ૨૫ બેસિસ પૉઇન્ટ જેટલો જ વધારશે એવો નિષ્ણાતોનો મત છે.

અમેરિકામાં બેરોજગારો દ્વારા સરકારી સહાય માટે કરાતી અરજીઓનો આંકડો ઘટ્યો છે એટલે આર્થિક વિકાસનો દર વધવાની શક્યતા વચ્ચે સેવાઓ માટેની માગ વધતાં ભાવો પરનું દબાણ તો ચાલું જ છે.

જોકે જપાનમાં ભાવવધારો હજી ચાલુ જ છે અને એ ચાર દસકાનો સૌથી ઊંચો છે. સાઉદી અરેબિયામાં પણ એ ૧૮ મહિનાનો સૌથી ઊંચો છે.

ચીનના આર્થિક વિકાસનો દર ત્રણ ટકા : ચાર દાયકાનો બીજા નંબરનો સૌથી નીચો

૨૦૨૨માં ચીનના આર્થિક વિકાસનો ત્રણ ટકાનો દર (૨૦૨૧માં ૮.૧ ટકા) ૪૦ વરસનો સૌથી નીચો (૨૦૨૦માં ૨.૪ ટકા) છે. ચીનની રિયલ એસ્ટેટ ક્ષેત્રની કટોકટી, કોરોના અટકાવવા માટેના આકરા પ્રતિબંધો અને અલીબાબા જેવાં મોટાં કૉર્પોરેટો સાથેનું સરકારનું કડક વલણ આ માટે જવાબદાર ગણાય.

વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર તકલીફમાં આવે એટલે એના છાંટા ચીનના વેપારમાં ભાગીદાર એવા અનેક દેશોને ઊડ્યા વિના રહે નહીં. તો બીજી તરફ અમેરિકા અને યુરોપના સ્લો-ડાઉને પણ ચીનની હાલત બગાડી જ છે.

અમેરિકા અને ચીનના નબળા આર્થિક વિકાસને કારણે ૨૦૨૩માં વિશ્વના આર્થિક વિકાસનો દર ૧.૭ ટકા જેટલો નીચો રહેવાનો વિશ્વ બૅન્કનો અંદાજ છે. આ સંદર્ભમાં ભારતના ૨૦૨૩-૨૪ના આર્થિક વિકાસનો અંદાજિત ૬.૬ ટકાનો દર એના અર્થતંત્રની સ્થિતિસ્થાપકતા અને સરકારની આર્થિક મૅનેજમેન્ટની વહીવટીશ​ક્તિનો પરિચય કરાવે છે. છ દાયકા પછી ચીનમાં થઈ રહેલો વસ્તીનો પ્રથમ ઘટાડો પણ ચીન માટે ચિંતાનો વિષય છે.

ભારતનાં મેક્રો-ઇકૉનૉમિક પેરામીટર્સ મિશ્ર વલણ દર્શાવે છે; નાણાપ્રધાન મૂડીરોકાણ કેમ વધારશે એ અટકળો ચાલુ

ડિસેમ્બરમાં આપણી નિકાસોમાં ૧૨ ટકાનો ઘટાડો થયો જે અમેરિકા અને ઇયુ દેશોની માગના ઘટાડાને આભારી છે. બે વરસ પછી પહેલીવાર આપણી આયાતોમાં પણ ઘટાડો (૩.૪ ટકા) થયો છે. આપણી કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ફિસ્કલ ૨૩ના પૂર્વાર્ધમાં જીડીપીના ૩.૩ ટકા જેટલી મોટી રહી. આયાતો ઓછી થવામાં વિશ્વબજારમાં કૉમોડિટીના ઘટતા ભાવો પણ થોડે અંશે કારણભૂત ગણાય. હાલનું ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર (કાચા માલસામાન કરતાં ફિનિશ્ડ પ્રોડક્ટની આયાત પરની ડ્યુટી ઓછી હોય) આપણા ઉત્પાદન ક્ષેત્ર પર અવળી અસર કરે છે. નાણાપ્રધાન આ સમસ્યાનું સમાધાન પણ અંદાજપત્ર દ્વારા આપશે એમ મનાય છે. સતત ઘટી રહેલા વિદેશી હૂંડિયામણમાં જાન્યુઆરી ૧૩ના અઠવાડિયે ૧૦.૪ બિલ્યન ડૉલરનો વધારો થયો છે જે સૌથી મોટા અઠવાડિક વધારામાંનો એક છે.

રોજગારી વધારવાની તાતી જરૂરિયાત છે ત્યારે એક પછી એક આઇટી કંપનીઓ (માઇક્રોસૉફ્ટ, ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ) ઉચ્ચ સ્તરના નોકરિયાતોની છટણી (લે-ઑફ) કરી રહી છે.
ફિસ્કલ ડેફિસિટ સીમિત રાખીને અને કરવેરામાં કંઈક છૂટછાટ આપીને મધ્યમ વર્ગની ટેક-હોમ સૅલરીના વધારા દ્વારા માગ વધારવાનો પ્રયત્ન કરીને પણ મૂડીખર્ચના વધારા માટે નાણાપ્રધાન શું નવાં પગલાં અંદાજપત્રમાં જાહેર કરશે એના પર બધાની નજર મંડાયેલી છે.

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2023 03:29 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK