° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 February, 2023


વ્યાજદરમાં વધારા સાથે રિઝર્વ બૅન્કે ગ્રોથ રેટ ઘટાડ્યો, બજારનો પ્રારંભિક સુધારો ધોવાયો

08 December, 2022 11:43 AM IST | Mumbai
Anil Patel

રેટ સેન્સિટિવ સેક્ટરમાં નબળાઈ, કૅપિટલ ગુડ્સ તથા એફએમસીજી ઇન્ડેક્સ નવા બેસ્ટ લેવલે

પ્રતીકાત્મક તસવીર માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર

હિન્દુ. યુનિલીવર સતત બીજા દિવસે ટૉપ ગેઇનર, લાર્સન ઑલટાઇમ હાઈ : શૅરદીઠ ૧૮૫૦ના ભાવે બાયબૅક શરૂ થયું, ઇન્ફી અડધો ટકો ઘટ્યો : વિક્ટોરિયા મિલ્સમાં ૫૩૬ રૂપિયાની તેજી, આરસીએફ અને ફેક્ટ ઐતિહાસિક શિખરે : બૅન્ક નિફ્ટી ફ્લૅટ, ફાઇનૅન્સ બેન્ચમાર્ક સામાન્ય નરમાઈમાં : સિમેન્સ વૉલ્યુમ સાથે પાંચ ટકા ઊંચકાયો, શોભામાં સાડાપાંચ ટકાની ખરાબી

રિઝર્વ બૅન્કે ધારણા મુજબ રેપો રેટમાં નવો ૦.૩૫ ટકાનો વધારો કર્યો છે. એની સાથે-સાથે ચાલુ વર્ષ માટે સાત ટકાના આર્થિક વિકાસદરના અંદાજને ઘટાડી ૬.૮ ટકા કરી નાખ્યો છે, જેની ધારણા નહોતી, રેપો રેટમાં આ સળંગ પાંચમા વધારાના પગલે મે પછીથી વ્યાજદરમાં કુલ મળીને સવાબે ટકાનો વધારો થઈ ચૂક્યો છે. પૉલિસી સ્ટેટમેન્ટ દરમ્યાન ગવર્નર દાસે જણાવ્યું છે કે અર્જુનની આંખની જેમ ફુગાવા પરનું અમારું લક્ષ્ય યથાવત રહેશે. મતલબ કે હવે પછીની ફેબ્રુ.ની મીટિંગમાં પણ રેપો રેટ વધશે. આ નિવેદન પણ ધારણા બહારનું છે. સરવાળે પૉલિસી પૂર્વે શૅરઆંક ઉપરમાં ૬૨,૭૬૦ થયો હતો એ ૪૪૩ પૉઇન્ટ ઘટીને ૬૨,૩૧૭ દેખાયો હતો અને શરૂઆતના સુધારા પછી બજાર આખો દિવસ માઇનસ ઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સ છેવટે ૨૧૬ પૉઇન્ટ ઘટી ૬૨,૪૧૧ તથા નિફ્ટી ૮૨ પૉઇન્ટ ઘટીને ૧૮,૫૬૦ બંધ આવ્યો છે. વિશ્વ ફલક પર કોવિડનો કકળાટ છોડી ચાઇનાએ હવે ગ્રોથ ઉપર ફોક્સ કરવાનું નક્કી કર્યું લાગે છે. કોવિડ અંકુશો ઝડપથી હળવા બનવા માડ્યાં છે. અમેરિકન શૅરબજાર સતત બીજા દિવસે પણ એક ટકો ઘટ્યું છે. નાસ્ડેક બે ટકા બગડ્યો છે. બ્રેન્ડ ક્રૂડ ૭૯ ડૉલર તો નાયમેક્સ ક્રૂડ ૭૪ ડૉલરના ૧૧ માસના નવા તળિયે પહોંચ્યું છે. એશિયન બજારો બુધવારે પણ મુરઝાયેલાં રહ્યાં છે. હૉન્ગકૉન્ગ ૩.૨ ટકા, ઇન્ડોનેશિયા એક ટકો, તાઇવાન અને જપાન પોણો ટકો, ચાઇના તથા થાઇલૅન્ડ અડધો ટકો નરમ હતા. યુરોપ બે-ત્રણ દિવસની પીછેહઠ પછી રનિંગમાં નેગેટિવ બાયસમાં દેખાતું હતું.

રિઝર્વ બૅન્કનો વ્યાજદરનો વધારો અપેક્ષા મુજબનો હોવા છતાં ગઈ કાલે રેટ સેન્સિટિવ સેગમેન્ટમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ એક ટકો, ઑટો બેન્ચમાર્ક પોણો ટકો, રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકો નરમ હતા, જ્યારે એફએમસીજી બેન્ચમાર્ક ૧૬,૬૮૭ની ઑલટાઇમ હાઈ બનાવી ૦.૯ ટકા વધી ૧૬,૬૨૯ બંધ થયો છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ પણ ૩૪,૬૭૭ની લાઇફટાઇમ ટૉપ દેખાડી પોણો ટકો ઊંચકાઈને ૩૪,૪૫૪ હતો. બૅન્કિંગ ફ્લૅટ હતું. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી છે. એનએસઈમાં વધેલાં ૭૬૧ કાઉન્ટરની સામે ૧૨૪૫ શૅર ઘટીને બંધ થયા હતા.

રિલાયન્સમાં દોઢ ટકાની નબળાઈ, ક્રૂડના ઘટાડાથી એશિયન પેઇન્ટ જોરમાં

બુધવારે સેન્સેક્સના ૩૦માંથી ૭ અને નિફ્ટીના ૫૦માંથી ૧૧ શૅર જ પ્લસ રહ્યા છે. હિન્દુસ્તાન યુનિલીવર બે ટકા વધી ૨૭૦૭ના બંધમાં નિફ્ટી ખાતે બેસ્ટ પર્ફોર્મર રહ્યો છે. તો ક્રૂડની નરમાઈથી એશિયન પેઇન્ટ્સ બે ટકાથી વધુ ગેલમાં આવી ૩૨૨૭ બંધ આપી સેન્સેક્સમાં મોખરે હતો. ભારત પેટ્રો બે ટકા નજીક તો લાર્સન દોઢ ટકો અપ હતો. ઍક્સિસ બૅન્ક એક ટકો નજીક સુધરી છે. એનટીપીસી તેમ જ એસબીઆઇ લાઇફ બે ટકા બગડી ટૉપ લૂઝર થયા છે. બજાજ ટ્વિન્સ, કોટક બૅન્ક, અલ્ટ્રાટેક, એચસીએલ ટેક્નો, વિપ્રો, એચડીએફસી, સનફાર્મા, તાતા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બૅન્ક, તાતા મોટર્સ, બજાજ ઑટો, હીરો મોટોકૉર્પ, અપોલો હૉસ્પિટલ્સ, એચડીએફસી લાઇફ, ટેક મહિન્દ્ર, ગ્રાસિમ, જેએસડબ્લ્યુ સ્ટીલ, યુપીએલ, આઇશર, કોલ ઇન્ડિયા, ઓએનજીસી એકથી પોણાબે ટકા કપાયા છે. રિલાયન્સ દોઢેક ટકો બગડી ૨૬૫૦ નીચેના બંધમાં બજારને સૌથી વધુ ૧૧૭ પોઇન્ટ નડ્યો છે. અદાણી વિલ્મર અડધો ટકો અને અદાણી ટોટલ પોણો ટકો પ્લસ હતા. એસીસી ફ્લૅટ હતો. અદાણી ગ્રુપના બાકીના શૅર પોણાથી સવા ટકો માઇનસ થયા છે. અદાણી પાવર સાધારણ નરમ હતો. એનડીટીવી નીચલી સર્કિટમાં ૩૫૬ની અંદર જઈ સાડાચાર ટકા ગગડીને ૩૫૭ જોવાયો છે. પતંજલિ ફૂડ્સ સવા ટકો ઘટી ૧૨૮૭ થઈ છે.

સેન્ટ્રલ બૅન્ક, યુકો બૅન્ક, બોબ, બોઇ, આઇડીબીઆઇ, જેકે બૅન્ક ઇત્યાદિમાં નવી ટૉપ બની

બૅન્ક નિફ્ટી બારમાંથી પાંચ શૅર પ્લસમાં આપી ૪૦ પૉઇન્ટ જેવો મામૂલી ઘટ્યો છે. તો પીએસયુ બૅન્ક નિફ્ટી બારમાંથી છ શૅરની આગેકૂચમાં ૦.૩ ટકા વધ્યો છે. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રની ૩૭માંથી ૧૬ જાતો સુધરામાં હતી. સેન્ટ્રલ બૅન્ક ૨૯ નજીક નવી ઐતિહાસિક ટૉપ બનાવી ૬.૬ ટકાના જમ્પમાં ૨૮ રહી છે. બૅન્ક ઑફ ઇન્ડિયા ૯૫નું નવું શિખર મેળવી ૨.૯ ટકા વધીને ૯૩ નજીક, જેકે બૅન્ક ૫૮ નજીકની નવી ઊંચી સપાટી બાદ ૪.૩ ટકા ઊંચકાઈ ૫૭ તો યુકો બૅન્ક ૨૩ નજીકની નવી ટોચે જઈ ૫.૨ ટકાના ઉછાળે ૨૨ હતી. આ ઉપરાંત આઇડીબીઆઇ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, પંજાબ સિંધ બૅન્કમાંય નવી ટૉપ બની હતી. એયુ બૅન્ક ૩.૮ ટકા, આઇઓબી ૪.૬ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર એક ટકો પ્લસ હતા. કૅનેરા બૅન્ક, પંજાબ સિંઘ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, ડીસીબી બૅન્ક, ઇક્વિટાસ બૅન્ક, ફેડરલ બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ દોઢથી અઢી ટકા ડાઉન હતા. બૅન્ક ઑફ બરોડા સવા ટકો વધી ૧૭૬ના શિખરે હતી.

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૭માંથી ૫૭ શૅર પ્લસ આપીને ૨૬ પૉઇન્ટ જેવો નજીવો ઘટ્યો છે. હાઉસિંગ ફાઇનૅન્સમાં એચડીએફસી ૦.૯ ટકા ઘટી ૨૬૫૯, આવાસ ફાઇ. અઢી ટકા વધીને ૧૯૨૬, એલઆઇસી હાઉસિંગ દોઢ ટકો ઘટી ૪૦૨, પીએનબી હાઉસિંગ એક ટકો ઘટી ૪૩૩, જીઆઇસી હાઉસિંગ સવા ટકો ઘટી ૧૭૩ બંધ રહી છે. શોભા, ડીએલએફ, ગોદરેજ પ્રૉપર્ટી, ઑબેરૉય રિયલ્ટી, બ્રિગેડ એન્ટર જેવા રિયલ્ટી શૅર પોણાબેથી સાડાપાંચ ટકા નરમ હતા. ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી અઢી ટકા વધી ૯૧ હતો. રુસ્તમજીની કીસ્ટોન અડધો ટકો સુધરીને ૫૪૨ રહ્યો છે.

હિન્દુ. યુનિલીવરની આગેકૂચ જારી, ડાબર નવા સર્વોચ્ચ શિખરે ગયો

એફએમસીજી બેન્ચમાર્ક ૮૧માંથી ૩૫ શૅરના સુધારા વચ્ચે ૦.૯ ટકા કે ૧૪૩ પૉઇન્ટ વધ્યો છે. હિન્દુ. યુનિલીવર ૨૭૧૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ બે ટકાની આગેકૂચમાં ૨૭૦૭ હતો. ડાબર ૬૧૦ ઉપર નવું બેસ્ટ લેવલ દેખાડી દોઢ ટકો વધી ૬૦૧ હતો. આઇટીસી પોણો ટકો, ગોદરેજ કન્ઝ્યુ દોઢ ટકો, મારિકો ૧.૭ ટકો, ઇમામી ૨.૪ ટકા અપ હતા. ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ ૮.૮ ટકા ઊછળી ૨૫૫ થયો છે. સામે બજાજ હિન્દુ. અને હિન્દુ ફૂડ્સ પાંચ ટકાથી વધુ ગગડ્યા હતા. શુગર ઉદ્યોગના ૩૭માંથી ૨૪ શૅર ઘટ્યા છે, પરંતુ એસબીઈસી શુગર ૧૦ ટકાની તેજીમાં ૪૪ હતો. સિમ્ભોલી આઠ ટકા વધ્યો છે. દાવણગીરી શુગરમાં મંદીની સર્કિટ આગળ વધી હતી.

આઇશર, બજાજ ઑટો, હીરો મોટોકૉર્પ, તાતા મોટર્સ, ટીવીએસ મોટરની એકથી પોણાબે ટકાની નરમાઈમાં ઑટો બેન્ચમાર્ક પોણો ટકો ડાઉન હતો. મારુતિ પોણો ટકો નરમ બંધ હતો. ટાઇટન, વ્હર્લપૂલ, હેવેલ્સ, ડીકસન, ક્રૉમ્પ્ટન અને રાજેશ એક્સપોર્ટ્સની પોણાથી ચાર ટકાની કમજોરીમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ એક ટકો ઘટ્યો છે. બ્લુસ્ટાર પોણો ટકો વધી ૧૨૪૮ હતો.

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૫માંથી ૧૩ શૅરના સુધારામાં ૨૮૬ પૉઇન્ટ કે પોણો ટકો વધ્યો છે. લાર્સન ૨૧૪૩ની નવી વિક્રમી સપાટી બનાવી દોઢ ટકો ઊંચકાઈ ૨૧૨૩ હતો. સિમેન્સ પાંચ ગણા વૉલ્યુમે પાંચ ટકા કે ૧૩૯ રૂપિયા વધ્યો છે. સેફલર ઇન્ડિયા ૧.૪ ટકા વધી ૨૭૨૨ હતો.

આરસીએફ અને ફેક્ટમાં નવાં શિખર, લાટીમ સતત ત્રીજા દિવસે નરમાઈમાં

લાર્સન ઇન્ફો માઇન્ડ ટ્રી (લાટીમ) સતત ત્રીજા દિવસે નીચામાં ૪૬૭૨ થઈ ૨.૭ ટકા ખરડાઈ ૪૬૮૬ બંધ થયો છે. ઇન્ફીમાં શૅરદીઠ ૧૮૫૦ સુધીના ભાવથી બાયબૅક સ્કીમ બુધવારથી શરૂ થઈ છે, જેના પગલે લાભ અડધો ટકો જ ઘટ્યો છે. એચસીએલ ટેક્નો સવા ટકો, વિપ્રો ૧.૨ ટકો, ટેક મહિન્દ્ર પોણો ટકો હતા. ટીસીએસ નજીવા ઘટાડે ૩૩૮૧ હતો. સ્ટરલાઇટ ટેક્નો, નેટવર્ક ૧૮, તાતા કમ્યુ, પીવીઆર, આઇનોક્સ લિઝર, ઝી એન્ટર, ટીવી ૧૮, વોડાફોન, રાઉટ મોબાઇલ, સારેગામા, સનટીવી, તાન્લા એકથી સાડાત્રણ ટકા ડાઉન હતા. ભારતી ઍરટેલ ૮૩૩ના લેવલે ફ્લૅટ રહ્યો છે.

ફર્ટિલાઇઝર્સ સેક્ટરમાં સરકારી કંપની ફેક્ટ ચાર ગણા વૉલ્યુમે ૧૬૬ની ટૉપ બનાવી ૧૦ ટકા ઊછળી ૧૬૨ તો રાષ્ટ્રીય કેમિકલ્સ ૧૩૮ની નવી ટોચે જઈ ૫.૯ ટકા ઊંચકાઈ ૧૩૬ બંધ હતી. મદ્રાસ ફર્ટિ. ૫.૭ ટકા, ખૈતાન કેમિ. ૪.૭ ટકા, મૅન્ગલોર ફર્ટિ. ૨.૩ ટકા, નૅશનલ ફર્ટિ. દોઢ ટકા મજબૂત હતા. રેટન ટીએટી વધુ પાંચ ટકાની સર્કિટે ૩૩૦ની નવી વિક્રમી સપાટીએ ગયો છે. હાઇકલ ૯.૬ ટકાની તેજીમાં ૩૮૫ હતો. વિક્ટોરિયા મિલ્સ ૨૦ ટકા કે ૫૩૬ રૂપિયાના ઉછાળે ૩૨૧૬ થયો છે. ફેસવૅલ્યુ ૧૦૦ની છે. રાજ ટેલી વિઝન પણ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૬૦ વધી ગયો છે. 

08 December, 2022 11:43 AM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

News In Short : રાજકોષીય ખાધ વાર્ષિક લક્ષ્યાંકના ૬૦ ટકાએ

ડિસેમ્બરના અંત સુધીમાં સરકારની રાજકોષીય ખાધ સંપૂર્ણ વર્ષના બજેટ અંદાજના ૫૯.૮ ટકાને સ્પર્શી ગઈ હતી.

01 February, 2023 02:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ખાદ્ય તેલ ઉત્પાદકોને પૅકિંગમાં લેબલિંગ સુધારવા વધુ છ મહિનાની મુદત અપાઈ

હવે ૧૫ જુલાઈ બાદ લેબર પર વૉલ્યુમ અને વજનનો ઉલ્લેખ ફરજિયાત બનશે

01 February, 2023 02:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઘઉંમાં મંદીને બ્રેક લાગી, ભાવમાં ક્વિન્ટલે ૧૦૦ રૂપિયાનો સુધારો

સરકારે ટેન્ડર જાહેર કર્યું, પરંતુ મિલોના હાથમાં માલ આવતાં સમય લાગશે

01 February, 2023 02:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK