Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નાણાકીય લક્ષ્યો નક્કી કરવાનું મહત્ત્વ

નાણાકીય લક્ષ્યો નક્કી કરવાનું મહત્ત્વ

13 March, 2023 05:28 PM IST | Mumbai
Khyati Mashru Vasani

ભવિષ્યમાં આવનારી નાણાકીય જવાબદારીઓનો પણ પહેલેથી વિચાર કરી લેવો જરૂરી છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ફાઇનૅન્સ પ્લાન

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


આપણે નાણાકીય આયોજનની કોઈ પણ વાત કરતી વખતે નાણાકીય લક્ષ્યોનો મુદ્દો જરૂરથી સામેલ કરીએ છીએ. જોકે નાણાકીય લક્ષ્ય ખરેખર કઈ રીતે મહત્ત્વપૂર્ણ હોય છે એના વિશે પણ ફોડ પાડી દેવો આવશ્યક છે. 

દરેક વ્યક્તિનાં નાણાકીય લક્ષ્યો વ્યક્તિની ઉંમર, મહત્ત્વાકાંક્ષા, જવાબદારીઓ તથા આવક-જાવક પરથી નક્કી થતાં હોય છે. જે માણસ પોતાનાં નાણાકીય લક્ષ્યો સ્પષ્ટપણે નક્કી કરી શકે તેનાં લક્ષ્યો સિદ્ધ થવાની શક્યતા વધી જાય છે. સાથે જ દરેકે પોતાની પ્રવર્તમાન નાણાકીય સ્થિતિનું આકલન કરીને એના આધારે નાણાકીય આયોજનની સમીક્ષા કરવી જોઈએ. આ સમીક્ષા કરવાથી ખબર પડી શકે છે કે પોતે નાણાકીય લક્ષ્યો સુધી પહોંચવાના માર્ગ પર છે કે પછી ક્યાંક બીજે ભટકી ગયા છે. 



નાણાકીય લક્ષ્યો નક્કી કરવાનું મહત્ત્વ


ધારો કે તમે નિવૃત્તિકાળમાં આર્થિક સગવડ રહી શકે એ માટે નિવૃત્તિકાળ માટેનું આયોજન કરવા માગો છો. તમે પોતે સારા ઘરમાં રહેતા હો અને સંતાનોનું ભવિષ્ય પણ સ્થિરતાભર્યું હોય એવું તમે ઇચ્છતા હો તો નિવૃત્તિકાળ માટેનું આયોજન જરૂરી છે. એના માટે તમારે પહેલાં નાણાકીય લક્ષ્ય નિશ્ચિત કરવાનું હોય છે. લાંબા સમય પછીના કોઈ લક્ષ્યનો વિચાર કરવાનું અઘરું હોય છે. આથી તમે એમાં નિષ્ણાતની મદદ લઈ શકો છો. 

કોઈ લક્ષ્ય નક્કી કરી લેવાથી તમે એની દિશામાં આગળ વધવાનું શરૂ કરી શકો છો. એના આધારે નાણાકીય આયોજન કરવાનું સહેલું હોય છે. આ રીતે તમે પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહી શકો છો. 


લક્ષ્ય નક્કી હોય તો તમને ખબર પડી જાય છે કે તમારે કેટલી બચત કરવાની છે. 

તમે નક્કી કરેલા લક્ષ્ય વિશે તમારા પરિવારજનો, મિત્રો જેવા આપ્તજનોને જાણ કરો તો તેઓ તમને ક્યારેક મદદરૂપ પણ થઈ શકે છે. 

લક્ષ્ય નિર્ધારિત હોવાથી તમે માર્ગમાં આવતા પડાવને આધારે તમારી પ્રગતિની સમીક્ષા કરી શકો છો અને એમાં સફળ થયાનો આનંદ અનુભવી શકો છો. 

આ પણ વાંચો:  પરિવારના કલ્યાણમાં મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનું મહત્ત્વ

વાસ્તવવાદી નાણાકીય લક્ષ્યો કેવી રીતે નક્કી કરવાં? 

નાણાકીય લક્ષ્યો નક્કી કરવાનું અગત્યનું કામ છે. જોકે યાદ રહે, આ લક્ષ્યો વાસ્તવવાદી હોવાં જોઈએ. દરેકની ઇચ્છા રાતોરાત કરોડપતિ થઈ જવાની હોય છે, પરંતુ લક્ષ્ય સુધી પહોંચવા માટે તમે અત્યારે ક્યાં છો અને તમારાથી લક્ષ્યની પ્રાપ્તિ માટે શું થઈ શકે છે. તમે લક્ષ્ય નક્કી કર્યા પછી એ હાંસલ કરવા માટે વધારે મહેનત કરવા માટે તૈયાર રહેવું પડે છે. આથી આજની નાણાકીય સ્થિતિની નોંધ કરીને એક બજેટ બનાવવું અને આગામી સમયમાં તમે પોતાની આવક અને બચત કેવી રીતે વધારી શકો તથા ખર્ચ કેવી રીતે ઘટાડી શકો એનો વિચાર કરવો. ભવિષ્યમાં આવનારી નાણાકીય જવાબદારીઓનો પણ પહેલેથી વિચાર કરી લેવો જરૂરી છે. આ ખર્ચમાં પોતાનાં કે સંતાનોનાં લગ્ન, પોતાનું કે સંતાનોનું ઉચ્ચ શિક્ષણ, ઘરની ખરીદી વગેરેનો સમાવેશ થાય છે. 

ઉક્ત વિચાર કરી લીધા બાદ તમે પોતાના પર કોઈ કરજનો બોજ હોય તો એ વહેલી તકે ઉતારી દેવા વિશે વિચાર કરી લેવો જોઈએ. કરજ ઉતારતી વખતે પણ કોને પ્રાથમિકતા આપવી એ નક્કી કરવાનું હોય છે. જે કરજ પર વધારે વ્યાજ ચૂકવવું પડતું હોય એની પહેલાં ચુકવણી કરી દેવી. 

ભવિષ્યનું કોઈ પણ આયોજન હચમચી જાય નહીં એ માટે કેટલીક પૂર્વતૈયારી હોવી જરૂરી છે. એમાં તમારા સમગ્ર પરિવારનો મેડિક્લેમ તથા કમાનાર વ્યક્તિનો જીવન વીમો સામેલ હોય છે. તાકીદની પરિસ્થિતિમાં ઉપયોગી થનારું ઇમર્જન્સી ભંડોળ પણ અલાયદું રાખવું જરૂરી છે. 

તમને પોતાનાં નાણાકીય લક્ષ્યો સુધી પહોંચી જાઓ એવી શુભેચ્છા સાથે અહીં લેખ પૂરો કરું છું. 

Whatsapp-channel Whatsapp-channel

13 March, 2023 05:28 PM IST | Mumbai | Khyati Mashru Vasani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK