કરન્સી મૅનિપ્યુલેશનમાં ચીનને માત કરવાની ટ્રમ્પની નવી યોજનાથી સોના-ચાંદી ઊછળશે
સોના-ચાંદીની ફાઈલતસવીર
અમેરિકાના રીટેલ સેલ્સમાં જાન્યુઆરીમાં ૨૩ મહિનાનો સૌથી મોટો ઘટાડો થતાં રેટ-કટના ચાન્સ વધતાં ડૉલર તૂટ્યો હતો જેને કારણે સોના-ચાંદીમાં ખરીદીનું આકર્ષણ વધતાં બન્ને પ્રેશિયસ મેટલના ભાવ વધ્યા હતા.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૭૪૪ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૦૦૭ રૂપિયા ઘટ્યો હતો. સતત બે દિવસના વધારા બાદ ગયા સપ્તાહના અંતે વૈશ્વિક માર્કેટમાં સોના-ચાંદી તૂટતાં મુંબઈ જ્વેલરી માર્કેટમાં એની અસર સોમવારે જોવા મળી હતી.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનું રીટેલ સેલ્સ જાન્યુઆરીમાં ૦.૯ ટકા ઘટ્યું હતું જે ડિસેમ્બરમાં ૦.૭ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૧ ટકા ઘટાડાની હતી. જાન્યુઆરીમાં રીટેલ સેલ્સમાં થયેલો ઘટાડો છેલ્લા ૨૩ મહિનાનો સૌથી મોટો હતો. રીટેલ સેલ્સ અગાઉના ચાર મહિના સતત વધ્યા બાદ જાન્યુઆરીમાં ઘટ્યું હતું. અમેરિકનોએ વેહિકલ પાર્ટ્સ, બિલ્ડિંગ મટીરિયલ્સ, ગાર્ડન ઇક્વિપમેન્ટ, ક્લોધિંગ, હેલ્થ અને પર્સનલ કૅરની ખરીદી ઘટાડતાં રીટેલ સેલ્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકામાં ઇમ્પોર્ટ થતી ચીજોના ભાવ જાન્યુઆરીમાં ૦.૩ ટકા વધ્યા હતા જે છેલ્લા નવ મહિનાના સૌથી વધુ હતા જે ડિસેમ્બરમાં ૦.૨ ટકા વધ્યા હતા. અમેરિકાથી એક્સપોર્ટ થતી ચીજોના ભાવ પણ ૧.૩ ટકા વધીને ૩૨ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. વળી માર્કેટની ધારણા માત્ર ૦.૩ ટકા વધારાની હતી. અમેરિકાના રીટેલ સેલ્સના ડેટા નબળા આવતાં રેટ-કટના ચાન્સ વધતાં ડૉલર ઘટીને બે મહિનાની નીચી સપાટીએ ૧૦૬.૬૩ પૉઇન્ટે પહોંચ્યો હતો.
ચીનની કરન્ટ અકાઉન્ટ સરપ્લસ ૨૦૨૪ના ચોથા ક્વૉર્ટરમાં વધીને ઑલટાઇમ હાઈ સપાટીએ ૧૮૦.૭ અબજ ડૉલરે પહોંચી હતી જે ત્રીજા ક્વૉર્ટરમાં ૧૪૮ અબજ ડૉલર હતી અને ૨૦૨૩ના ચોથા ક્વૉર્ટરમાં ૫૬.૨ અબજ ડૉલર હતી. ચાઇનીઝ પ્રોડક્ટની એક્સપોર્ટ ચોથા ક્વૉર્ટરમાં ૧૧ ટકા વધી હતી એની સામે ઇમ્પોર્ટ માત્ર ૦.૪ ટકા ઘટતાં સરપ્લસમાં મોટો વધારો થયો હતો. ચીનની ઇકૉનૉમિક કન્ડિશનનું ઇન્ડિકેટર ગણાતું વેહિકલ સેલ્સ જાન્યુઆરીમાં ૦.૬ ટકા ઘટ્યું હતું જે ડિસેમ્બરમાં ૧૦.૭ ટકા વધ્યું હતું તેમ જ છેલ્લા ચાર મહિનામાં વેહિકલ સેલ્સ પ્રથમ વખત ઘટ્યું હતું.
જપાનનો ઇકૉનૉમિક ગ્રોથ ૨૦૨૪ના ચોથા ક્વૉર્ટરમાં ૦.૭ ટકા રહ્યો હતો જે ત્રીજા ક્વૉર્ટરમાં ૦.૪ ટકા હતો અને માર્કેટની ધારણા ૦.૩ ટકા ગ્રોથની હતી એના કરતાં ઑલમોસ્ટ ડબલ કરતાં વધુ ગ્રોથ રહ્યો હતો. જપાનનો ઇકૉનૉમિક ગ્રોથ પ્રથમ બે ક્વૉર્ટરમાં એકદમ નીચો રહેતાં ૨૦૨૪ના આખા વર્ષ દરમ્યાન ઇકૉનૉમિક ગ્રોથ માત્ર ૦.૧ ટકા જ રહ્યો હતો જે છેલ્લાં ચાર વર્ષનો સૌથી નીચો ગ્રોથ હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કૉટ બેસન્ટની કમેન્ટ હવે આગામી દિવસોમાં વધુ સ્ફોટક અસર પેદા કરી શકે છે. બેસન્ટે જણાવ્યું હતું કે ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશન હવે ટૅરિફવધારાની સાથે કરન્સી મૅનિપ્યુલેશન પર ધ્યાન કેન્દ્રિત કરશે. ચીન વર્ષોથી કરન્સીને આર્ટિફિશ્યલી નીચી રાખીને એક્સપોર્ટ બેનિફિટ મેળવી રહ્યું છે. આથી ચીનને કાઉન્ટરઅટૅક કરતું અમેરિકા પણ હવે નિકાસ વધારવા માટે ડૉલરને આર્ટિફિશ્યલી નીચા રાખવાની કવાયત શરૂ કરી શકે છે જે સોના-ચાંદીમાં તેજીનો ભડકો કરી શકે છે, કારણ કે સમગ્ર વિશ્વમાં સોના-ચાંદીનો ટ્રેડ ડૉલર ટર્મમાં થતો હોવાથી વર્લ્ડની અનેક બૅન્કો અને ઇન્વેસ્ટરો માટે સોનાની પડતર સસ્તી થતાં ડિમાન્ડમાં મોટો વધારો થઈ શકે છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૫,૨૫૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૪,૯૧૩
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૫,૯૪૬
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)


