Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શું તમે પણ નાણાપ્રધાન બની શકો?

શું તમે પણ નાણાપ્રધાન બની શકો?

12 February, 2024 07:52 AM IST | Mumbai
Foram Shah | feedbackgmd@mid-day.com

બજેટ એ બીજું કંઈ નહીં, પણ અમુક ચોક્કસ સમયગાળા માટે નાણાંના પ્રવાહનું એટલે કે વ્યક્તિની આવક અને જાવકના અંદાજનું એક સ્ટેટમેન્ટ જ છે. 

પ્રતીકાત્મક તસવીર ફાઇનૅન્સ પ્લાન

પ્રતીકાત્મક તસવીર


આપણાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું. આ પૂર્ણ બજેટ નહોતું, પરંતુ બજેટ પ્રસ્તુત કરવામાં આવે એ પહેલાં જાણે ભારતીયો માટે એ સૌથી મહત્ત્વપૂર્ણ દિવસમાંનો એક હોય એમ એ બાબતે બહુ જ ચર્ચા ચાલી હતી. ટીવી/રેડિયો પર પ્રી-બજેટ શો કરવામાં આવ્યા હતા. લોકો બજેટ માટે તેમની શું આશા છે એ કહેતા હતા. જાણે દરેક વ્યક્તિ અર્થશાસ્ત્રી બની ગઈ હોય એમ જણાતું હતું. શૅરબજારો લગભગ તરત જ બજેટમાં કરવામાં આવેલી ઘોષણાઓ પર પ્રતિક્રિયા આપતાં હોય છે. બજેટનાં વિવિધ પાસાંઓ પર નિષ્ણાતો તેમનો અભિપ્રાય રજૂ કરે છે. મૂળભૂત રીતે બજેટને લક્ષ્યમાં રાખીને ઘણી ચર્ચાઓ થાય છે.

આપણે બધા રાષ્ટ્રના બજેટ વિશે ચર્ચા કરીએ છીએ. અમુકવાર આપણે જે સંસ્થા માટે કામ કરતા હોઈએ એના માટે પણ બજેટ બનાવવામાં આપણો ભાગ ભજવતા હોઈએ છીએ, પરંતુ આપણે પોતાનું બજેટ બનાવવા માટે પૂરતો વિચાર આપતા નથી. લાંબા ગાળે દેશના છેવટના સ્તર સુધી તેમ જ અર્થતંત્ર પર બજેટની કેવી અસર થશે એ જાણવા માટે આપણે જેમ ઉત્સુક હોઈએ છીએ, એવી જ રીતે આપણું પોતાનું બજેટ બનાવવામાં પણ એવી જ ઉત્સુકતા કેળવવી જોઈએ, કેમ કે આપણું વ્યક્તિગત બજેટ આપણી નિવૃત્તિ દરમ્યાનના આપણા માર્ગની દોરવણી કરવામાં આપણી મદદ કરે છે. જે વ્યક્તિએ કદી પણ બજેટ બનાવ્યું ન હોય તેને માટે બજેટ બનાવવાની કવાયત ખૂબ જ અઘરી તેમ જ ડરામણી લાગી શકે છે. આને કારણે આ કામને હંમેશાં ભાવિ તારીખ માટે મુલતવી રાખવામાં આવે છે, પણ એ લાગે છે એટલું અઘરું કે ડરામણું નથી. બજેટ એ બીજું કંઈ નહીં, પણ અમુક ચોક્કસ સમયગાળા માટે નાણાંના પ્રવાહનું એટલે કે વ્યક્તિની આવક અને જાવકના અંદાજનું એક સ્ટેટમેન્ટ જ છે. બજેટ બનાવવાની શરૂઆત કેવી રીતે કરવી?
પહેલાંના દિવસોમાં બજેટ બનાવવાની એકદમ સરળ રીત હતી. દાખલા તરીકે એક મિત્રએ મને કહ્યું હતું કે તેનાં દાદી વિવિધ ખર્ચ માટે વિવિધ પરબીડિયાંમાં માસિક આવકને વિભાજિત કરતાં હતાં. કરિયાણા, વિવિધ સેવાઓ માટેનાં બિલો, દૂધ-શાકભાજી-ફળો, શાળા માટેની ફી વગેરે માટે જુદાં-જુદાં પરબીડિયાં બનાવતાં હતાં. એ સમયે આવકના સ્રોતો જેમ મર્યાદિત હતા, એમ જાવકના પણ મર્યાદિત જ હતા. કમાયેલાં નાણાં ગૃહિણીના હાથમાં સોંપવામાં આવતાં હતાં, પછી એમાંથી તે દૈનિક ખર્ચ માટે પૈસા વાપરતી હતી. વર્તમાનમાં, વિવિધ માધ્યમો મારફતે ખર્ચ થાય છે, જેમ કે રોકડ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ, ઈ-વૉલેટ્સ વગેરે. કેટલીક વાર આવાં ઘણાં બધાં માધ્યમોને ટ્રૅક કરવું મુશ્કેલ બને છે. તો ચાલો આ મુશ્કેલીને થોડીક આસાન બનાવીએ. 
બજેટ પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં આપણે આપણા ખર્ચને ટ્રૅક કરવાનું શરૂ કરવું જોઈએ. ખર્ચની નોંધ લેવા માટે એક ડાયરી અથવા એક્સેલ શીટ જાળવો. એક જ સમયે બધા ખર્ચને ટ્રૅક ન કરો. ઉપરાંત, ખૂબ નાના-નાના વર્ગોમાં ખર્ચ અલગ કરશો નહીં. ઉદાહરણ તરીકે બ્રેડ, શાકભાજી, કઠોળ, અનાજ વગેરે માટે કરેલ ખર્ચને કરિયાણાના એક જ વર્ગ હેઠળ એકસાથે જ લખી શકાય. 
ધીરે-ધીરે આ વર્ગોની સંખ્યા વધારો. થોડા સમય બાદ વિવિધ ખર્ચ માટે વિવિધ વર્ગો તૈયાર થઈ જશે, જેથી કરેલ ખર્ચાઓનો ટૂંકો અંદાજ આવવા માંડશે. ત્યાર બાદ દરેક વર્ગ માટે કેટલી રકમની ફાળવણી કરવી જોઈએ એ નક્કી કરો. 


એક વાર દરેક વર્ગ માટેનો મહત્તમ ખર્ચ ફાળવી દેવાય પછી એ વર્ગ હેઠળ વાસ્તવિક રીતે કેટલો ખર્ચ કરવામાં આવે છે એની પર નજર રાખો. સાપ્તાહિક ધોરણે ખર્ચનું ટેબલમાં વર્ગીકરણ કરો. જો કોઈ વર્ગમાં ખર્ચની મહત્તમ મર્યાદા આવી જાય તો એ વર્ગમાં વધુ ખર્ચ ન કરો. 

શરૂઆતમાં આ મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે આપણે ખર્ચને નિયમિત રીતે વર્ગીકૃત કરવા માટે તેમ જ આપણી જાતને ખર્ચ કરવા માટે મર્યાદિત કરવા માટે ટેવાયેલા નથી, પરંતુ એક વાર આપણને આદત પડી જાય પછી સરળ લાગે છે. જો નિયમિત રીતે આમ કરવામાં આવે તો બજેટ બનાવવું ખૂબ મુશ્કેલ કાર્ય નથી.
બજેટ બનાવતી વખતે નીચેના મુદ્દાને ધ્યાનમાં રાખવા જોઈએ
૧. ઘરના બધા સભ્યો પૈસા ખર્ચ કરતા હોય છે એટલે બજેટ બનાવવાની પ્રક્રિયામાં દરેકને સામેલ કરવું મહત્ત્વપૂર્ણ છે.
૨. બનાવેલા બજેટમાં ફેરફારો થઈ શકે છે. આ ફેરફાર બજેટમાં ફાળવેલી રકમના ૫-૧૦ ટકા કરતાં વધારે ન હોવા જોઈએ.
૩. પાઈ-પાઈનો હિસાબ કરવાની કોશિશ કરશો નહીં. 


આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને ઝીણવટપૂર્વક નોંધ શરૂ કરો અને તમારા ઘરના નાણાપ્રધાન બનો અને તમારા પોતાના માટે બજેટ બનાવો!

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2024 07:52 AM IST | Mumbai | Foram Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK