Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > કરેક્શન સે ડર નહીં લગતા

કરેક્શન સે ડર નહીં લગતા

Published : 12 February, 2024 11:54 AM | IST | Mumbai
Jayesh Chitalia

રેક્શનના ભયથી મોટા ભાગના લોકો મુક્ત થઈ ગયા છે, પણ બજાર સતત વધતું જ રહે તો ચિંતા થાય છે.

પ્રતીકાત્મક તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર


માર્કેટમાં કરેક્શન અને રિકવરીનો આમનો-સામનો ચાલુ છે. જોકે હાઈ વૅલ્યુએશનને કારણે ખરીદીમાં ખચકાટ દેખાય છે, પ્રૉફિટ બુક કરવા બાબતે મૂંઝવણ રહે છે. કરેક્શનના ભયથી મોટા ભાગના લોકો મુક્ત થઈ ગયા છે, પણ બજાર સતત વધતું જ રહે તો ચિંતા થાય છે. આવામાં સ્ટૉક્સ-સિલેક્શન માટે સ્માર્ટ બનવામાં શાણપણ છે

શૅરબજારની ચાલ વૉલેટાઇલ બની છે અને હજી પણ રહેશે, પરંતુ ઓવરઑલ ટ્રેન્ડ તેજીનો રહેવાનું નક્કી જણાય છે. રોકાણપ્રવાહ સતત ચાલુ રહેતો હોવાથી મોટા કરેક્શનનાં એંધાણ દેખાતાં નથી, ફૉરેન ઇન્વેસ્ટર્સ આક્રમક વેચવાલી કરે તો એ દિવસોમાં વાત જુદી થઈ શકે, પણ મોટાં કરેક્શન બાદ લેવાલી સુધ્ધાં આક્રમક બની શકે છે. માર્કેટ હાઈ વૅલ્યુએશનવાળું બની ગયું હોવાનું માનનાર વર્ગ હાલ ખરીદી કરતાં ખચકાય છે અને જેમને હજી વધવાની આશા છે તેઓ પ્રૉફિટ બુક કરવાનું ટાળી રહ્યા છે. ફૉરેન ઇન્વેસ્ટર્સ વેચે તો સ્થાનિક સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફન્ડ્સ ખરીદવા આવી જશે એવો વિશ્વાસ વધ્યો છે અને રીટેલ રોકાણકારો પણ ખરીદી માટે સક્રિય થતા જાય છે. એટલે માર્કેટને કરેક્શનમાં ટેકો મળી જવા વિશે સંદેહ નથી. માત્ર ધ્યાન સ્ટૉક્સ-સિલેક્શનમાં અને અભિગમ લાંબા ગાળાનો રાખવાનો છે. ટૂંકમાં હવે રોકાણકારોને કરેક્શનનો બહુ ડર લાગતો નથી. 


ડિલિવરીના કામકાજમાં વૃ​દ્ધિ
છેલ્લા અમુક સમયથી શૅરબજારમાં રોકાણ કરવાનો રીટેલ ઇન્વેસ્ટર્સનો અભિગમ બદલાઈ રહ્યો હોવાનું જાણવા-જોવા મળે છે. આ રોકાણકાર વર્ગમાં લાંબા ગાળાની માનસિકતા વધી રહી છે, ૨૦૨૩ના આંકડા પર ખાસ નજર કરીએ તો આ સમયમાં રોકાણકારોએ ડિલિવરી લીધી હોવાનું પ્રમાણ છ વરસમાં સૌથી વધુ ઊંચું રહ્યું છે. ૨૦૨૩માં એનએસઈમાં થયેલા ૧૭૭ લાખ કરોડ રૂપિયાના કુલ ટર્નઓવરમાં ૪૫.૬ લાખ કરોડ રૂપિયાનાં કામકાજ ડિલિવરીનાં થયાં હતાં, જે પચીસ ટકા ઉપર ગણાય. અગાઉ ૨૦૧૭માં ૨૮.૯ ટકા કામકાજ ડિલિવરીનાં થયાં હતાં. આ વરસમાં બીએસઈમાં ડિલિવરી રેશિયો ૫૪ ટકા રહ્યો, જે ૨૦૧૭માં ૫૮ ટકા હતો. ઇન્વેસ્ટર્સ ડિલિવરીના સોદા વધુ કરે એ સારી નિશાની ગણાય. 



ઇન્વેસ્ટર્સને કન્ફ્યુઝ કરતી ચાલ
સપ્તાહના પ્રથમ દિવસે સાધારણ વધઘટ સાથે બંધ થતી વખતે બજાર નેગેટિવ રહ્યું હતું,  સેન્સેક્સ ૩૫૪ પૉઇન્ટ અને નિફટી ૮૨ પૉઇન્ટ ઘટ્યા હતા. હકીકતમાં છેલ્લા કલાકોમાં પ્રૉફિટ બુકિંગની વેચવાલીનું આ પરિણામ હતું. બજારની નજર રિઝર્વ બૅન્કની ૮ ફેબ્રુઆરીએ મળનારી બેઠક પર હતી, જેમાં વ્યાજદરમાં ઘટાડો નહીં આવવાની શક્યતા વધુ જણાતી હતી. નવેમ્બર-ડિસેમ્બરમાં નેટ લેવાલ રહ્યા બાદ એફઆઇઆઇ જાન્યુઆરીથી વેચવાલ બનતા ગયા છે, કેમ કે ડૉલર મજબૂત હોવા સાથે બૉન્ડ યીલ્ડ વધ્યાં છે. બીજી બાજુ ગ્લોબલ સ્તરે યુદ્ધસંબંધી તનાવ વધી રહ્યા છે. મંગળવારે પણ બજાર સામાન્ય વધઘટ સાથે શરૂ થયું. મજાની વાત એ હતી કે વધઘટ દર અડધા કલાકે થયા કરતી. અર્થાત્, ઘડીકમાં માર્કેટ પ્લસ તો ઘડીકમાં માઇનસ. સામાન્ય રોકાણકારો તો સતત કન્ફ્યુઝ રહેતા કે પ્રૉફિટ બુક થઈ રહ્યો છે કે ઘટાડે ખરીદી થઈ રહી છે? ટ્રેડર્સ માટે પણ વૉલેટિલિટીની મૂંઝવણ વધતી હતી. ખરેખર તો માર્કેટની દિવસભરની મૂવમેન્ટને રોકાણકારોએ તો જોવાનું જ ટાળવું જોઈએ, અન્યથા એ કાયમ મૂંઝાયા કરશે, કારણ કે સતત બદલાતાં કારણો અને માથે ઊભેલી ઘટનાઓ વિશેના બદલાતા અભિપ્રાયો બજારને નચાવતા રહેતા હોય છે. એમાં વળી ઑપરેટરો અને ચોક્કસ સમાચારોની અસર તો ચાલુ જ હોય. 


મૉનિટરી પૉલિસીની અસર?
જોકે મંગળવારે માર્કેટ સેન્સેક્સ ૪૫૪ પૉઇન્ટ અને નિફ્ટી ૧૫૮ પૉઇન્ટ પ્લસ બંધ રહેવા સાથે ઓવરઑલ માર્કેટ વૃ​દ્ધિ પામ્યું હતું. બુધવારે બજારમાં એક નવી વાત જોવાઈ, માત્ર સેન્સેક્સ નજીવો માઇનસ રહ્યો અને બાકીના તમામ ઇન્ડેક્સ સારા પ્લસ રહ્યા હતા. નિફટી માત્ર એક પૉઇન્ટ પ્લસ રહ્યો હતો. ગુરુવારે રિઝર્વ બૅન્કે મહત્તમ ધારણા મુજબ વ્યાજદરમાં કોઈ જ ફેરફાર ન કર્યા તેમ જ ફુગાવાની ચિંતા દર્શાવી હોવાથી માર્કેટમાં નિરાશા હતી. જોકે આને વૅલિડ કારણ ગણાય નહીં, કેમ કે આ તો બજારને ખબર જ હતી. મહત્ત્વની વાત એ છે કે આરબીઆઇએ ૨૦૨૪-’૨૫ માટે ગ્રોથરેટ સાત ટકાનો અંદાજ્યો અને ફુગાવાનો રેટ ૪.૫ ટકા અંદાજ્યો છે. અર્થાત્, એક રીતે જોઈએ તો રિઝર્વ બૅન્કની પૉલિસીને કારણે નહીં, બલકે સેન્ટિમેન્ટ અને પ્રૉફિટ બુકિંગને લીધે માર્કેટમાં કરેક્શન આવ્યું હતું. વાસ્તવમાં રિઝર્વ બૅન્કનું પૉલિસી રેટનું જાળવી રાખવું એ ફાઇનૅ​ન્શિયલ સ્ટેબિલિટીનો નક્કર પુરાવો ગણાય. એટલે એ માર્કેટ માટે પૉઝિટિવ કહેવાય, ભલે માર્કેટ પર અસર નેગેટિવ થતાં સેન્સેક્સ ૭૨૩ પૉઇન્ટ અને નિફટી ૨૧૨ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. જોકે મિડ કૅપ ઇન્ડેક્સ વધ્યો હતો અને બેન્ચમાર્ક ઇન્ડેક્સ તૂટવાના મુખ્ય કારણમાં ખાનગી બૅન્કોનો નોંધનીય ફાળો હતો.

સપ્તાહનો અંત પૉઝિટિવ
શુક્રવારે બજારે રિકવરી સાથે આરંભ અને સુધારા સાથે અંત કર્યો હતો, સેન્સેક્સ ૧૬૭ પૉઇન્ટ  અને નિફટી ૬૪ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. જોકે સ્મૉલ અને મિડ કૅપમાં ઘટાડો નોંધાયો હતો. બજાર સામેથી બે મોટી ઘટના ધારણા મુજબ પસાર થઈ ગઈ, એક ફેડરલ રિઝર્વની અને બીજી આરબીઆઇની પૉલિસીની. હવે માર્કેટ સામે ટ્રિગરમાં ગ્લોબલ સંજોગોના ફેરફાર છે, જે સારા યા ખરાબ અસર કરી શકે. બાકી ચૂંટણીને કારણે રાજકીય ઊથલપાથલ પણ કયાંક કારણ બની શકે. હવે બજાર કરતાં વધુ સમય પોતાના સ્ટૉક્સને આપવામાં સાર છે અને સારા સ્ટૉક્સ જમા કરતાં રહેવામાં વધુ શાણપણ છે. 


બૅન્ક સ્ટૉક્સની બોલબાલા
રિઝર્વ બૅન્કે એલઆઇસી, એસબીઆઇ, એચડીએફસી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્કને અન્ય બૅન્કોના સ્ટેક ખરીદવાની મંજૂરી આપી હોવાથી બૅન્ક સ્ટૉક્સમાં નવો તેજીનો કરન્ટ જોવાયો હતો. એચડીએફસી બૅન્કને છ બૅન્કોમાં ૯.૫ ટકા સુધીનો હિસ્સો ખરીદવાની લીલી ઝંડી મળી છે. જેમાં યસ બૅન્ક, ઍ​ક્સિસ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, સૂર્યોદય ફાઇ. બૅન્ક, યસ બૅન્ક, બંધન બૅન્ક અને ઇન્ડસઇન્ડ બૅન્કનો સમાવેશ થાય છે. હાલ સ્થાનિક નાણાં સંસ્થાઓ પાસે ૧.૪૧ લાખ કરોડ રૂપિયાનું જંગી ભંડોળ પડ્યું છે, જેના મારફત તેઓ બૅન્ક-સ્ટૉક્સમાં ખરીદી કરી શકે એમ હોવાથી બૅન્કોના અચ્છે દિન આવ્યા છે. 

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત
પેટીએમના શૅર માટે સંજોગો બદલાતા જતા હોવાથી જોખમ વધવાની શંકા વ્યક્ત થાય છે. રોકાણકારોમાં આ કંપની સામે સવાલ અને શંકા વધ્યાં હોવાથી એમાં રોકાણ કરવા માટે વધુ સાવચેતી જરૂરી બનશે.  મૉર્ગન સ્ટેનલીના અભ્યાસ અનુસાર ઑઇલ માર્કેટિંગ કંપનીઓના સ્ટૉક્સ માટે સારો અવકાશ છે, આવી કંપનીઓમાં આઇઓસી (ઇન્ડિયન ઑઇલ), બીપીસીએલ (ભારત પેટ્રો.) અને એચપીસીએલ (હિન્દ પેટ્રો.)નો સમાવેશ થાય છે. તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)નું માર્કેટ કૅપ પ્રથમ વાર ૧૫ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું. ફરજિયાત નૉમિનેશન માટેની મુદત સેબીએ લંબાવીને જૂન ૨૦૨૫ સુધીની કરી છે. જોકે આજની તારીખે આશરે ૧૦ કરોડ સિંગલ ડિમૅટ અકાઉન્ટસ નૉમિની વિનાનાં છે, જે તેમના વારસદારો માટે ચિંતાનો વિષય બની શકે. 

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2024 11:54 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK