જપ્ત કરવામાં આવેલી અન્ય ક્રિપ્ટોકરન્સી પણ નાણા ખાતા દ્વારા સંચાલિત ડિજિટલ ઍસેટ્સના સંગ્રહમાં જમા રહેશે
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે બિટકૉઇનની વ્યૂહાત્મક અનામત ઊભી કરવા માટેના સરકારી નિર્ણય પર ગુરુવારે હસ્તાક્ષર કર્યા હતા. વાઇટ હાઉસના ક્રિપ્ટોને લગતા વડા ડેવિડ સાક્સે સોશ્યલ મીડિયા પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે આ અનામતમાં ફક્ત એ જ બિટકૉઇન રાખવામાં આવશે જે ફોજદારી અને દીવાની ખટલાઓમાં જપ્ત થયા હોય. આમ, કરદાતાઓનાં નાણાંનો એમાં ઉપયોગ કરવામાં નહીં આવે.
એક અંદાજ મુજબ અમેરિકન સરકાર પાસે આશરે બે લાખ બિટકૉઇન છે. જોકે એનું ક્યારેય ઑડિટ થયું નથી. ટ્રમ્પના ઉક્ત નિર્ણયને પગલે હવે કેન્દ્ર સરકાર પાસેની તમામ ડિજિટલ ઍસેટ્સનો હિસાબ રખાશે અને અનામતમાંથી બિટકૉઇનનું વેચાણ થઈ નહીં શકે. આમ આ અનામત કાયમી બની રહેશે. જપ્ત કરવામાં આવેલી અન્ય ક્રિપ્ટોકરન્સી પણ નાણા ખાતા દ્વારા સંચાલિત ડિજિટલ ઍસેટ્સના સંગ્રહમાં જમા રહેશે. એ ક્રિપ્ટો પણ જપ્ત કરાયેલા જથ્થામાંથી જ આવશે.
ADVERTISEMENT
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે સાંજે આ લખાઈ રહ્યું છે ત્યારે માર્કેટ કૅપિટલાઇઝેશન ૨.૭૨ ટકા ઘટીને ૨.૯૨ ટ્રિલ્યન ડૉલર થઈ ગયું છે. બિટકૉઇનમાં ૦.૮૬ ટકાના ઘટાડા સાથે ભાવ ૮૯,૫૧૩ ડૉલર થયો છે. ઇથેરિયમમાં ૩.૬૫ ટકા અને એક્સઆરપીમાં ૨.૫૪ ટકા ઘટાડો થયો છે. સોલાનામાં ૩.૫૫ ટકા તથા કાર્ડાનોમાં ૬.૩૯ ટકા, ડોઝકૉઇનમાં ૧.૩૪ ટકા અને અવાલાંશમાં ૪.૯૮ ટકા ઘટાડો નોંધાયો છે.

