ટ્રમ્પે બિટકૉઇન, ઇથેરિયમ, એક્સઆરપી, સોલાના અને કાર્ડાનોને ક્રિપ્ટો રિઝર્વમાં રાખવાની જાહેરાત કરી
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનાં ક્રિપ્ટોકરન્સીને લગતાં રોજનાં નિવેદનોને લીધે વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટમાં મોટા ઉતાર-ચડાવ આવી રહ્યા હોવાથી હવે તેમની સામે શંકાની સોય તકાઈ ગઈ છે. યુરો પૅસિફિક કૅપિટલના મુખ્ય અર્થશાસ્ત્રી પીટર સ્કિફે કહ્યું છે કે ટ્રમ્પ ક્રિપ્ટોકરન્સીમાં કૃત્રિમ રીતે ભાવના ઉતાર-ચડાવ કરાવી રહ્યા હોવાથી એના વિશે સંસદીય તપાસ કરાવવાની જરૂર છે. સ્કિફનું કહેવું છે કે ટ્રમ્પે ડિજિટલ ઍસેટ્સ બાબતે તાજેતરમાં કરેલાં નિવેદનોનો પગલે બજારમાં મોટાપાયે ગોટાળા થયા છે. એમણે વધુમાં કહ્યું છે કે ટ્રમ્પના ટ્રુથ સોશ્યલ અકાઉન્ટમાં ક્રિપ્ટોને લગતી પોસ્ટ બે રવિવારે પ્રગટ થઈ હતી. એના વિશે પહેલેથી કોને જાણ હતી અને ક્યારે જાણ થઈ હતી એના વિશે તપાસ કરાવવામાં આવવી જોઈએ. એ ઉપરાંત, જેમને પહેલેથી જાણ હતી એવા લોકોએ બિટકૉઇન, ઇથેરિયમ, એક્સઆરપી, સોલાના અને કાર્ડાનોમાં કેટલાં નાણાં રોક્યાં અને ક્યારે ઉપાડી લીધાં એ પણ તપાસનો વિષય છે.
અહીં નોંધવું ઘટે કે ટ્રમ્પે બિટકૉઇન, ઇથેરિયમ, એક્સઆરપી, સોલાના અને કાર્ડાનોને ક્રિપ્ટો રિઝર્વમાં રાખવાની જાહેરાત કરી એને પગલે સોમવારે એ ક્રિપ્ટોકરન્સીના ભાવમાં તોતિંગ વધારો થયો હતો, પરંતુ મંગળવારે એ જ ક્રિપ્ટોમાં ભાવ મોટા પ્રમાણમાં ઘટ્યા હતા. વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કૅપિટલાઇઝેશન મંગળવારે ૧૦.૫૯ ટકા ઘટીને ૨.૭૪ ટ્રિલ્યન ડૉલર થઈ ગયું હતું. કાર્ડાનોમાં ૪૮ ટકાની વૃદ્ધિ બાદ મંગળવારે ૨૦.૧૫ ટકા ઘટાડો થયો હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે ૨૪ કલાકના ગાળામાં બિટકૉઇનમાં ૧૧.૧૭ ટકાના ઘટાડા સાથે ભાવ ૮૩,૦૭૩ ડૉલર થઈ ગયો હતો. ઇથેરિયમમાં ૧૨.૭૮ ટકાના ઘટાડા સાથે ભાવ ૨૦૭૨ ડૉલર પર પહોંચ્યો હતો. એક્સઆરપીમાં ૧૪.૧૧ ટકા, સોલાનામાં ૧૮.૨૬ ટકા, ડોઝકૉઇનમાં ૧૪.૯૪ ટકા અને અવાલાંશમાં ૧૭,૭૦ ટકા ઘટાડો નોંધાયો હતો.

