Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > PayTMમાં પૅનિક!

PayTMમાં પૅનિક!

11 February, 2024 11:03 AM IST | Mumbai
Jayesh Chitalia

સ્ટૉકમાર્કેટમાં અને ચીજવસ્તુઓની બજારમાં પણ પેટીએમ સે પેમેન્ટ મત કરના આવા સંવાદ વધવા લાગ્યા છે.

રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા

રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા


સ્ટૉકમાર્કેટમાં અને ચીજવસ્તુઓની બજારમાં પણ પેટીએમ સે પેમેન્ટ મત કરના આવા સંવાદ વધવા લાગ્યા છે. એક તરફ કેટલાક માલ વેચનારા વેપારીઓ PayTM મારફત પેમેન્ટ સ્વીકારવાની ના પાડે છે તો બીજી તરફ PayTMમાં અકાઉન્ટ ધરાવનારા ઘણા લોકો તેમનું બૅલૅન્સ વાપરી નાખવાની ઉતાવળમાં છે. આ કંપનીમાં રિઝર્વ બૅન્કને શું ગરબડ લાગી કે એણે PayTM સામે કડક અંકુશનાં પગલાં લેવાં પડ્યાં. આ કંપની દ્વારા થયેલી નિયમોની ઉપેક્ષા અને એને લીધે થયેલા આક્ષેપો ગંભીર છે. સમજવામાં સાર છે...


શાકભાજીવાળાઓથી લઈને રિક્ષાવાળાઓ અને અનેક ફેરિયાઓ કે નાની-મોટી દુકાનોએ હાલ PayTM મારફત પેમેન્ટ લેવાનું બંધ કરી દીધું છે. ઘણા લોકોને પેટીએમમાં કંઈક ગંભીર ગરબડ થઈ હોવાની શંકા છે એટલે એ લોકો પેટીએમનું પેમેન્ટ ટાળી રહ્યા છે અને ઘણા પેટીએમનું બૅલૅન્સ વાપરીને છૂટા થઈ જવાના મૂડમાં છે. રિઝર્વ બૅન્કે થોડા દિવસ પહેલાં પેટીએમ સામે ચોક્કસ નિયમોના ઉલ્લંઘનને કારણે નવાં અકાઉન્ટ્સ ખોલવા પર અંકુશ મૂકી દેતાં પેટીએમ (કંપની One97 કમ્યુનિકેશન પેટીએમ લિ​મિટેડ) ચર્ચા અને વિવાદનો વિષય બની છે. આમ તો આ એક પેમેન્ટ બૅન્ક સમાન ગણાય અને કોઈ પણ બૅન્કમાં કંઈક અજુગતું થાય યા રિઝર્વ બૅન્કની ઍક્શન આવે ત્યારે પૅનિક તરત આવી જતું હોય છે. એમાં વળી પેટીએમ વૉલેટ તો છેલ્લા અમુક સમયથી પેમેન્ટ માટેનું સરળ અને વ્યાપક સાધન કે માર્ગ બની ગયું હતું.



નિયમોના ઉલ્લંઘનની ગંભીરતા
આ વિષયમાં ગંભીરતા એ ઉમેરાઈ છે કે પેટીએમના એની સાથેની સંલગ્ન બૅન્ક સાથે કરોડોના એવા વ્યવહારો થયા છે જે મની લૉન્ડરિંગની શંકા ઊભી કરે છે. આ મામલે હજી કંઈ નક્કર પુરવાર થયું નથી, પણ આરોપ અને સંદેહ ગંભીર હોવાથી રિઝર્વ બૅન્કને તરત જ ઍક્શન લેવાની ફરજ પડી હતી. સત્તાવાર ડેટા મુજબ ડિસેમ્બર ૨૦૨૩માં પેટીએમ વૉલેટ મારફત ૨૪ કરોડથી વધુ વ્યવહારો થયા હતા, જેમાં ચીજવસ્તુઓની ખરીદીપેટે ૮૦૦૦ કરોડ રૂ​પિયાનાં પેમેન્ટ હતાં, જ્યારે બે કરોડથી વધુ વ્યવહારો ૫૯૦૦ કરોડ રૂ​પિયાની રકમ ટ્રાન્સફરના હતા. વધુમાં પેટીએમમાં લાખો લોકોનાં KYC (નો યૉર કસ્ટમર)નું પાલન થયું નહોતું તેમ જ હજારો મલ્ટિપલ અકાઉન્ટ્સ ખોલાવવા માટે સિંગલ (એક જ) પૅન (પર્મનન્ટ અકાઉન્ટ નંબર)નો ઉપયોગ થયો હોવાનું જાણવામાં આવ્યું હતું. આમ મામલો હદ બહાર જતાં તેમ જ મની લૉન્ડરિંગની શંકાને લઈને રિઝર્વ બૅન્કે ૩૧ જાન્યુઆરીએ એને નવી ડિપોઝિટ સ્વીકારવા પર રોક લગાવી દીધી હતી. હવે એની પાસે ૨૯ ફેબ્રુઆરી સુધીનો સમય છે.


રિઝર્વ બૅન્ક નિયમભંગ ન ચલાવે
તાજેતરમાં રિઝર્વ બૅન્કના ગવર્નરને આ વિષયમાં સવાલ પુછાયો તો તેમનો જવાબ બહુ સ્પષ્ટ અને સચોટ હતો. ગવર્નર શ​ક્તિકાંત દાસે કહ્યું હતું કે ‘પેટીએમ કોઈ અપવાદ નથી. રિઝર્વ બૅન્કે અગાઉ એચડીએફસી બૅન્ક, બજાજ ફાઇનૅન્સ, બૅન્ક ઑફ બરોડા વગેરે સમાન કંપનીઓ-બૅન્કો સામે ઍક્શન લીધી જ છે. આરબીઆઇના નીતિ-નિયમો સ્પષ્ટ છે. જે કોઈ હસ્તી નિયમોનું યોગ્યપણે પાલન નહીં કરે એની સામે અંકુશાત્મક ઍક્શન આવશે જ. નિયમનકારી જોગવાઈઓ બાબતે કોઈની શેહ રખાશે નહીં. હાલ યુરોપ અને યુએસ જેવા દેશોમાં જે પ્રમાણે બૅન્કોની સમસ્યા ચાલી રહી છે એને ધ્યાનમાં રાખતાં રિઝર્વ બૅન્ક કોઈ પણ બૅન્ક તરફથી થતી નિયમની ઉપેક્ષાને હળવાશથી લઈ શકે નહીં.’ 
ગવર્નરે એમ પણ કહ્યું હતું કે રિઝર્વ બૅન્ક નિયમનકાર તરીકે ક્યારેય સૂતી રહેશે નહીં. પેટીએમ સામે વારંવાર પગલાં લીધા બાદ પણ તેમના તરફથી નિયમ પાલનનો અમલ ન થતાં આખરે રિઝર્વ બૅન્કે આ અંકુશ મૂકવો પડ્યો હતો.

શૅરના ભાવ પર અસર
રિઝર્વ બૅન્કના આ પગલા બાદ સ્ટૉકમાર્કેટમાં પેટીએમના ભાવમાં વધઘટ કે વૉલેટિલિટી વધી ગઈ એટલે ગ્રાહક બજારોમાં શંકા અને ભયની વૃ​દ્ધિ શરૂ થઈ. ક્યાંક-ક્યાંક પેટીએમ મારફત કરાતી ચુકવણીનો અસ્વીકાર શરૂ થયો છે. પેટીએમના સ્ટૉકના ભાવની હાલત હાલ તો ડામાડોળ થઈ રહી છે. આગળ શું થશે એ તો રિઝર્વ બૅન્ક પાસે શું આવે છે, આ કેસની તપાસ ક્યાં અને કેટલી આગળ જાય છે, એમાંથી શું બહાર આવે છે એના પર આધાર રાખશે. બાકી છેલ્લાં બાવન સપ્તાહમાં આ શૅર ઊંચામાં ૯૯૮ જઈ આવ્યો અને નીચામાં ૩૯૮ થયો હતો. આજકાલ ૪૪૬ આસપાસ ચાલે છે.


પૅનિકની શરૂઆત
ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે ઊંચાં નામ, કામ અને દામ મેળવનાર પેટીએમની સ્થાપના વિજય શેખર શર્મા દ્વારા એક પેમેન્ટ બૅન્ક તરીકે ૨૦૧૭માં થઈ. વિજય શેખર શર્મા આ પેમેન્ટ બૅન્કમાં ૫૧ ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે One97 કમ્યુનિકેશન્સ નામની કંપની અને એની સહયોગી કંપનીઓ મળીને ૪૯ ટકા હિસ્સો ધરાવે છે. આ પેમેન્ટ બૅન્ક ડિપોઝિટ્સ સ્વીકારી શકે, પરંતુ ધિરાણ આપી શકતી નથી. એના વૉલેટનો ઉપયોગ ડિજિટલ પેમેન્ટ કરવા માટે જાણીતો બન્યો. છેલ્લા અમુક સમયમાં આ પેમેન્ટ વૉલેટ દ્વારા ચોક્કસ નિયમોનું ઉલ્લંઘન થવાને કારણે રિઝર્વ બૅન્કે એનું ધ્યાન દોર્યું હતું. એમ છતાં સમયસર ઉપાય ન થતાં અને પેટીએમ તરફથી લક્ષ્મણરેખા પાર થઈ જતાં રિઝર્વ બૅન્કે ગંભીર-કડક ઍક્શન લેવાની નોબત આવી હતી. એના ભાગરૂપ એને નવી ડિપોઝિટ્સ લેવા સામે અંકુશ મૂકી દેવાયા. એના ગ્રાહકોનાં નાણાં બૅન્ક જમા કરી શકે નહીં, હાલ ગ્રાહકો તેમની જેટલી બૅલૅન્સ છે એટલી વાપરી શકે છે, એ રકમ પૂરી થયા બાદ એમાં નવી રકમ જમા થઈ શકશે નહીં. અત્યાર સુધી પેટીએમ ડિજિટલ વ્યવહારો માટે સુવિધા પૂરી પાડતી રહી છે. એ સેવિંગ, કરન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ અકાઉન્ટ ખોલી શકે છે. વૉલેટ, યુપીઆઇ અને ફાસ્ટૅગ માટે નાણાં વાપરી શકે છે.

મામલો ઈડી પાસે જશે?
 બાકી હાલ તો પેટીએમનું ભાવિ અધ્ધર ગણાય. આનો લાભ ગૂગલપે, ફોનપે સહિત અન્ય પેમેન્ટ વૉલેટને મળશે અને શૅરધારકો તેમ જ મોટી બૅલૅન્સ ધરાવતા ગ્રાહકોની ચિંતા પણ વધશે. રિઝર્વ બૅન્કની ઍક્શનને પગલે હવે આ પ્રકરણમાં ઘણા પડદા ખૂલશે. આ કેસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ને ટ્રાન્સફર થઈ શકે છે. 

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2024 11:03 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK