Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ પૂર્વે શૅરબજાર સુસ્તીમાં, સરકારી બૅન્કો જોરમાં, આઇટી પ્રૉફિટ બુકિંગમાં નરમ

રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ પૂર્વે શૅરબજાર સુસ્તીમાં, સરકારી બૅન્કો જોરમાં, આઇટી પ્રૉફિટ બુકિંગમાં નરમ

08 February, 2024 06:42 AM IST | Mumbai
Anil Patel

સેન્સેક્સ આગલા બંધથી ૩૬૨ પૉઇન્ટની ગૅપમાં ઉપરમાં ૭૨,૫૪૮ ખૂલ્યો હતો, પણ છેલ્લે ૩૪ પૉઇન્ટની પીછેહઠમાં બુધવારે ૭૨,૧૫૨ તથા નિફ્ટી ફક્ત એક પૉઇન્ટ વધી ૨૧,૯૩૦ બંધ રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


તાતા સ્ટીલે મર્જર પડતું મૂકતાં ટીઆરએફ ૨૦ ટકાની તેજીમાં નવા શિખરે : ટ્રેન્ટ સારા પરિણામમાં ૫૭૫ રૂપિયા ઊછળ્યો : શુગર શૅર ડિમાન્ડમાં, પીએસયુ બૅન્ક નિફ્ટી ઑલટાઇમ હાઈ : પ્રતિકૂળ સમાચાર વચ્ચે પણ પેટીએમ ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં બંધ, એલઆઇટીસીમાં નવી ટોચનો શિરસ્તો આગળ વધ્યો : અદાણી એન્ટર અને અદાણી ગ્રીન વર્ષની ટોચે, ગ્રુપના ૧૧માંથી ૯ શૅર પ્લસ : ઈઆઇએચ ટ્વિન્સ તગડા ઉછાળે બેસ્ટ લેવલે, નાયકામાં પરિણામનો ઊભરો આવીને શમી ગયો, શૅર ઘટ્યો

રિઝર્વ બૅન્કની ધિરાણનીતિની પૂર્વસંધ્યાએ બજાર સુસ્ત કે શાંત રહ્યું છે. શરૂઆત જોકે સારી હતી. સેન્સેક્સ આગલા બંધથી ૩૬૨ પૉઇન્ટની ગૅપમાં ઉપરમાં ૭૨,૫૪૮ ખૂલ્યો હતો, પણ છેલ્લે ૩૪ પૉઇન્ટની પીછેહઠમાં બુધવારે ૭૨,૧૫૨ તથા નિફ્ટી ફક્ત એક પૉઇન્ટ વધી ૨૧,૯૩૦ બંધ રહ્યો છે. શૅર આંક ઉપરમાં ૭૨,૫૫૯ અને નીચામાં ૭૧,૯૩૮ થયો હતો. બજારના મોટા ભાગના ઇન્ડાઇસિસ પ્લસ હતા, પરંતુ સુધારો બહુધા સાંકડો હતો. આઇટી ઇન્ડેક્સ સવા ટકો, ટેક્નૉલૉજી એક ટકો અને કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક નહીંવત્ નરમ હતા. સામે પીએસયુ બૅન્ક નિફ્ટી ૨.૯ ટકા, નિફ્ટી મીડિયા સવા ટકો, રિયલ્ટી ૧.૭ ટકા, પાવર-યુટિલિટી એક ટકાથી વધુ, ટેલિકૉમ એક ટકો, ફાઇનૅન્સ એક ટકા નજીક તો હેલ્થકૅર ઇન્ડેક્સ અડધો ટકો અપ હતો. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે વધેલા ૧૨૪૨ શૅરની સામે ૯૧૪ જાતો નરમ હતી. 


એશિયા ખાતે ચાઇના વધુ દોઢેક ટકો વધ્યું છે. સાઉથ કોરિયા સવા ટકો અને સિંગાપોર એક ટકો પ્લસ હતાં. સામે હૉન્ગકૉન્ગ, જપાન અને ઇન્ડોનેશિયા નહીંવત્ ઢીલાં હતાં.  
શુગર શૅરો લાઇમ લાઇટમાં હતા. ઉદ્યોગની ૩૫માંથી ૨૯ જાતો વધી છે. શક્તિ શુગર ૨૦ ટકા, ઉગર શુગર સાડાદસ ટકા, મવાણા શુગર નવેક ટકા, રાણા શુગર સાડાસાત ટકા, કેએમ શુગર સવાછ ટકા, વિશ્વરાજ પોણાછ ટકા, બજાજ હિન્દુસ્તાન અને ધામપુર સ્પેશ્યલિટી સવાપાંચ ટકા, સર શાદીલાલ પાંચ ટકા, સિમ્ભોલી શુગર પોણાપાંચ ટકા, પોની ઇરોડ અને ડીસીએમ શ્રીરામ ઇન્ડ. સાડાચાર ટકા મીઠી બની છે. ઇન્ડિયન સુક્રોઝ ૫.૫ ટકા ગગડી ૧૧૪ હતી. હોટેલ સેગમેન્ટમાં ઈઆઇએચ લિમિટેડ ૨૦ ટકા જેવા ઉછાળે ૪૨૫ અને ઈઆઇએચ અસોલિએટ્સ ૧૬ ટકાની તેજીમાં ૭૯૩ના શિખરે બંધ રહી છે. નાયકા સારા રિઝલ્ટ પાછળ પ્રારંભિક તેજીમાં ૧૭૦ થયા બાદ પ્રૉફિટ બુકિંગમાં ૧૫૪ થઈ અઢી ટકા ઘટી ૧૫૭ નીચે બંધ રહી છે. કામકાજ લગભગ ચાર ગણું હતું. 



સ્ટેટ બૅન્ક નવી ટૉપ સાથે ૬ લાખ કરોડના માર્કેટ કૅપને વટાવી ગઈ 
બુધવારે સેન્સેક્સના ૩૦માંથી ૧૫ અને નિફ્ટીના ૫૦માંથી ૨૯ શૅર વધ્યા હતા. સ્ટેટ બૅન્ક ૬૭૭ની ઑલટાઇમ હાઈ બાદ ૩.૮ ટકાની મજબૂતીમાં ૬૭૫ બંધ સાથે ૬.૦૨ લાખ કરોડની કંપની બનીને બન્ને બજારમાં મોખરે હતી. જેએસડબ્લ્યુ સ્ટીલ ૨.૧ ટકા, અલ્ટ્રાટેક ૧.૭ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૮ ટકા, બજાજ ફાઇ. ૧.૮ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૬ ટકા, સનફાર્મા દોઢ ટકા, ગ્રાસિમ ૨.૨ ટકા, એચડીએફસી લાઇફ બે ટકા, હિન્દાલ્કો સવા ટકો, બ્રિટાનિયા ૧.૪ ટકા, સિપ્લા ૦.૯ ટકા વધી છે. નેસ્લેએ ૭૪૭ કરોડની અપેક્ષા સામે ૪ ટકાના વધારામાં ૬૫૬ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે, પણ શૅર ઉપરમાં ૨૫૧૦ વટાવી ૧.૭ ટકાના સુધારામાં ૨૪૯૯ રહ્યો છે. રિલાયન્સ એકાદ ટકો વધી ૨૮૮૩ હતો. મારુતિ સુઝુકી ૧૦,૯૬૯ની વિક્રમી સપાટી નોંધાવી પોણો ટકો વધી ૧૦,૯૩૧ હતો. સામે ટેક મહિન્દ્ર ૨.૩ ટકા, પાવર ગ્રીડ ૨.૩ ટકા, ઇન્ફી બે ટકા, ટીસીએસ સવા ટકા, એનટીપીસી ૧.૧ ટકા, એચડીએફસી બૅન્ક એક ટકો, લાર્સન ૦.૯ ટકા, ભારત પેટ્રો ૧.૨ ટકા, યુપીએલ પોણો ટકો જેવા ઘટીને રહ્યો હતો. 


અદાણીના ૧૧માંથી ૯ શૅર વધ્યા છે. અદાણી એન્ટર ૩૨૭૫ની વર્ષની ટોચે જઈ પોણો ટકો વધીને ૩૨૨૯ તો અદાણી પોર્ટ્સ ૧.૪ ટકા ઘટી ૧૨૫૫ બંધ હતો. અદાણી પાવર ૩.૬ ટકા, અદાણી એનર્જી ચાર ટકા, અદાણી ટોટલ ૪.૫ ટકા, અદાણી વિલ્મર ૩.૪ ટકા, એનડીટીવી દોઢ ટકા, સાંધી ઇન્ડ. ૪.૪ ટકા મજબૂત હતા. અદાણી ગ્રીન ૧૯૯૨ નજીક વર્ષની ટૉપ બનાવી ૮.૫ ટકા કે ૧૪૬ રૂપિયાની તેજીમાં ૧૮૬૭ થયો છે. એસીસી એક ટકો નરમ હતો. 

ટીસીએસ નવી ટૉપ બનાવી પાછો પડ્યો, ફીનિક્સ મિલ્સ અને ડીએલએફ નવા શિખરે 
આઇટી ઇન્ડેક્સ આગલા દિવસના હજારી જમ્પ બાદ ગઈ કાલે ૩૯,૧૫૯ની ઑલટાઇમ હાઈ બનાવી સવા ટકો કે ૪૬૧ પૉઇન્ટની પીછેહઠમાં ૩૮,૫૭૦ હતો. અત્રે ૫૬માંથી ૩૨ શૅર ઘટ્યા છે. હેવી વેઇટ્સમાં ઇન્ફોસિસ બે ટકા ગગડી ૧૬૯૪, ટીસીએસ ૪૧૫૬ની વિક્રમી સપાટી બાદ સવા ટકો ઘટી ૪૦૮૩, એચસીએલ ટેક્નૉ ૧૬૨૯ની ટોચે જઈ અડધો ટકો ઘટી ૧૬૧૫, ટેક મહિન્દ્ર ૨.૩ ટકા બગડી ૧૩૧૯, વિપ્રો ૦.૯ ટકા ઘટીને ૪૯૫ બંધ હતો. સાઇડ શૅરમાં ઇન્ટલેક્ટ ડિઝાઇન ૧૦૧૧ની ટૉપ બનાવી ૬.૩ ટકાની તેજીમાં ૧૦૦૬ થયો છે. બ્લૅક બૉક્સ ૪.૨ ટકા, ૬૩ મૂન્સ ૪.૬ ટકા, ન્યુક્લીઅસ ૩.૪ ટકા પ્લસ હતા. સામે સુબેક્સ ૭.૯ ટકા, ઈમુદ્રા ૩.૩ ટકા, રામકો સિસ્ટમ્સ ૮.૧ ટકા, રેટગેઇન ૪.૫ ટકા બગડ્યા છે. ટેલિકૉમમાં વિંદ્ય ટેલિ માથે પરિણામ વચ્ચે ૨૮૫૪ની વિક્રમી સપાટી બાદ ૩.૨ ટકાની આગેકૂચમાં ૨૮૩૨ હતો. વોડાફોન ૫.૨ ટકા, તાતા ટેલિ ૪.૪ ટકા, રેલટેલ ૩.૭ ટકા રણક્યા હતા. ઝી એન્ટર ૩.૮ ટકા વધી ૧૮૨ થયો છે. 
રિયલ્ટી ઇન્ડેક્સ બે ટકા મજબૂત હતો. ફિનિક્સ મિલ્સ ૨૭૯૫ના શિખર બાદ ૪.૪ ટકા કે ૧૧૬ રૂપિયા ઊંચકાઈ ૨૭૬૦ હતો. ડીએફએલ ૮૩૮ની મલ્ટિયર ટૉપ બતાવી ૩.૯ ટકા વધી ૮૨૮ થયો છે. શોભા બે ટકા અને મૅક્રોટેક દોઢ ટકા અપ હતા. પાવર યુટિલિટી ઇન્ડેક્સ એકાદ ટકાની આગેકૂચમાં નવા શિખરે બંધ હતા, જેમાં અદાણીના શૅરોનો મોટો ફાળો હતો. આ ઉપરાંત વારિ રીન્યુએબલ, રિલાયન્સ પાવર, ઓરિયેન્ટ ગ્રીન પાવર, જેપી પાવર પાંચ-પાંચ ટકા, રિલા. ઇન્ફ્રા એક ટકા વધ્યા હતા. એનએલસી ઇન્ડિયા ૯.૮ ટકા તૂટી ૨૫૫ હતો. ગુજરાત ઇન્ડ. પાવર ૫.૭ ટકા ગગડ્યો હતો. એબીબી ઇન્ડિયા ૩.૯ ટકા કે ૧૭૧ રૂપિયા ઊંચકાઈ ૪૫૭૫ થયો છે. એનર્જીમાં એમઆરપીએલ ૪.૪ ટકા ઊછળી ૨૦૩ નજીક ગયો છે. ચેન્નઈ પેટ્રો ૨.૯ ટકા વધી ૯૪૩ હતો.


કૅનેરા બૅન્ક શૅર વિભાજનની નોટિસમાં વધીને એક લાખ કરોડની કંપની થઈ 
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરના સુધારામાં ૧૨૮ પૉઇન્ટ જેવો સાધારણ સુધર્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૬૭૮૮ની સર્વોચ્ચ સપાટી બતાવી ૧૨માંથી ૧૧ શૅરના સથવારે ૨.૯ ટકા વધી ૬૭૪૪ હતો. બૅન્કિંગના ૩૯માંથી ૨૮ શૅર પ્લસ હતા. સ્ટેટ બૅન્ક ૩.૮ ટકાના ઉછાળે ૬૭૫ની નવી ટોચે બંધ થતાં એનું માર્કેટ કૅપ ૬.૦૩ લાખ કરોડ નજીક ગયું છે. કૅનેરા બૅન્ક દ્વારા ૨૬મીની બોર્ડ મીટિંગમાં શૅરવિભાજનનો એજન્ડા સામેલ થતાં ભાવ ૫૬૦ના શિખરે જઈ ૬.૨ ટકા વધી ૫૫૪ હતો. એનું માર્કેટ કૅપ એક લાખ કરોડ વટાવી ગયું છે. આઇઓબી ૧૮ ટકા, યુકો બૅન્ક ૧૬ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૧૧.૫ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર આઠ ટકા, પીએનબી દોઢ ટકા, યસ બૅન્ક ૧૭.૩ ટકા વધી નવી ઊંચી સપાટીએ બંધ થઈ છે. બૅન્ક ઑફ બરોડા ૨.૨ ટકા, આરબીએલ બૅન્ક સવા ટકો, કર્ણાટકા બૅન્ક એક ટકો, બંધન બૅન્ક એકાદ ટકો ડાઉન હતી. એચડીએફસી બૅન્ક એક ટકાની પીછેહઠમાં ૧૪૨૯ હતી. 

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૮૮ શૅરના સુધારામાં પોણો ટકો વધ્યો હતો. પેટીએમમાં રિઝર્વ બૅન્ક એની પેમેન્ટ બૅન્કનું લાઇસન્સ રદ કરવા અગર તો બોર્ડ ઑફ ડિરેક્ટરને સુપરસીડ કરવા વિચારી રહી હોવાના અહેવાલ વચ્ચે પણ શૅર અઢી ગણા કામકાજે ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૪૯૭ નજીક જઈ ત્યાં બંધ આવ્યો એની નવાઈ છે. એસએમસી ગ્લોબલ ૧૦.૬ ટકા, સેન્ટ્રલ કૅપિટલ ૮ ટકા, એન્જલવન ૭ ટકા, પૈસાલો ડિજિટલ ૪.૫ ટકા, આઇએફસીઆઇ ૫ ટકા, મેક્સ ફાઇ. સર્વિસિસ ૫.૨ ટકા, એડ્લવીસ ૩.૯ ટકા, કેનફીન હોમ્સ ચાર ટકા મજબૂત હતી. એલઆઇસી ઑલટાઇમ હાઈની ચાલ જારી રાખતાં ૧૦૫૦ થઈ બે ટકા વધી ૧૦૪૫ હતી. એમસીએક્સના પરિણામ ૧૦મીએ છે. શૅર ૩૯૩૬ની વિક્રમી સપાટી બતાવી નજીવો વધીને ૩૮૦૬ બંધ હતો. બામર લોરી ઇન્વે. ૪.૬ ટકા, ઇન્ડિયન એનર્જી એક્સ પાંચ ટકા, કમ્સ ત્રણ ટકા ડાઉન હતા. 

ગેબ્રિઅલ પેટનું નબળું લિસ્ટિંગ, બાવેજા સ્ટુડિયો મંદીની સર્કિટમાં 
એસએમઈ સેગમેન્ટમાં રાજકોટની ગેબ્રિઅલ પેટ સ્ટ્રેપ્સ ૧૦ના શૅરદીઠ ૧૦૧ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૫૦ના પ્રીમિયમ સામે નબળા લિસ્ટિંગમાં ૧૧૫ ખૂલી નીચામાં ૧૧૧ અને ઉપરમાં ૧૨૧ નજીક જઈ ત્યાં જ બંધ થતાં ૧૯.૫ ટકાનો મામૂલી લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. મંગળવારે તગડો લિસ્ટિંગ ગેઇન આપનારી બીએલએસ ઈ-સર્વિસિસ ગઈ કાલે ૪૨૩ની નવી ટૉપ બનાવી બે ટકા ઘટી ૩૬૩ રહી છે. મુંબઈની બાવેજા સ્ટુડિયો ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ બાદ ગઈ કાલે વધુ ખરડાઈ ૫ ટકાની નીચલી સર્કિટે ૧૬૫ના તળિયે જઈ ત્યાં જ હતી. મઝેદાર લિસ્ટિંગ બાદ મેગાથર્મ તેજી જારી રાખતાં ૫ ટકાની ઉપલી સર્કિટે ૨૨૯ ઉપર ઑલટાઇમ હાઈ બનાવી ત્યાં જ રહી છે. મયંક કેટલ ફૂડ્સ સહેજ ઘટી ૧૧૭ તથા હર્ષદીપ હોર્ટિકો મંદીની સર્કિટે ૫ ટકા તૂટી ૬૦ની વર્સ્ટ બૉટમ બાદ ત્યાં જ હતી.

પ્રમોટર તરીકે તાતા સ્ટીલ જેમાં ૩૪.૧ ટકા હોલ્ડિંગ ધરાવે છે એ ટીઆરએફ લિમિટેડ ગઈ કાલે ૮ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૩૨૮ની ટોચે જઈ ત્યાં જ બંધ રહી છે. એના પરિણામ ૧૨મીએ છે. તાતા સ્ટીલ તરફથી આ કંપનીને પોતાની સાથે મર્જ કરવાની યોજના પડતી મૂકવાની જાહેરાત થતાં શૅરમાં તેજી આવી છે. મર્જરની યોજના પ્રમાણે ટીઆરએફ લિમિટેડના ૧૦ના શૅરદીઠ તાતા સ્ટીલનો એકનો એક એવા ૧૭ શૅર બદલામાં આપવાનું નક્કી થયું હતું. ઘણાં વર્ષથી ખોટ કરતી ટીઆરએફ તરફથી ગયા વર્ષે ૧૭૭ કરોડની આવક પર ૮૮ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો હતો. તાતા સ્ટીલ ગઈ કાલે ૧૪૭ ઉપર નવી ટોચે જઈ નહીંવત ઘટી ૧૪૪ બંધ આવી છે. તાતા ગ્રુપની ટ્રેન્ટનો ત્રિમાસિક નફો ૧૪૦ ટકા વધી ૩૭૦ કરોડને વટાવી જતાં ભાવ ૩૬૩૫ની વિક્રમી સપાટી બનાવી ૧૯ ટકા કે ૫૭૫ રૂપિયા ઊછળી ૩૬૦૯ થયો છે. 

Whatsapp-channel Whatsapp-channel

08 February, 2024 06:42 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK