NSE તરફથી SMEમાં સટ્ટાખોરી ડામવા લિસ્ટિંગના દિવસે ભાવ પર ટોચમર્યાદા લાગુ કરાઈ : કરાચી શૅરબજાર બુલરનમાં ૮૧,૦૦૦ પાર થયું : નેફ્રો કૅર ઉપલી સર્કિટ સાથે સતત નવા શિખરે : એક્સ રાઇટની પૂર્વસંધ્યાએ સૂરજ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ ટકાની તેજીમાં
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- રેલવે શૅરો પ્રૉફિટ બુકિંગમાં ઘટ્યા, રેલ વિકાસ નિગમ નવી ટોચથી ગગડ્યો
- બૉમ્બે બર્મા ૩૬૭ના ઉછાળે નવા બેસ્ટ લેવલે, નિર્માણ ઍગ્રી જેનેટિક સતત ૭મા દિવસે ઊછળ્યો
- આઇટી હેવી વેઇટ્સમાં સુસ્તી, સરકારી બૅન્કો પ્રત્યાઘાતી સુધારામાં
જેફરીઝવાળા ભારતીય શૅરબજારની તેજીને લઈ અચંબામાં છે. ખાસ કરીને રોકડામાં હાલનું વૅલ્યુએશન તેમને જરાય હજમ થતું નથી. મિડકૅપ બેન્ચમાર્ક ૩૬ પ્લસના પી/ઈ ઉપર હોવા છતાં કરેક્શન કેમ આવતું નથી એની નવાઈ લાગે છે. ભાઈ, ભારત છે આ... વૉરી, ન્યુ ઇન્ડિયા છે આ અને એમાંય અમૃતકાળ ચાલી રહ્યો છે. દુનિયામાં ક્યાંય ન થાય એવું ઘણું બધું અહીં છેલ્લાં ૧૦ વર્ષમાં થયું છે અને થતું રહેવાનું છે. ઍની વે, બે દિવસની સુસ્તી બાદ મંગળવારે શૅરબજારે ઑલટાઇમ હાઈની ઇનિંગ આગળ ધપાવી છે. સેન્સેક્સ ૮૦,૩૯૭ના શિખરે જઈ ૩૯૧ પૉઇન્ટ વધીને ૮૦,૩૫૨ નજીક નવી ટોચે બંધ થયો છે. નિફ્ટી પણ ૨૪,૪૪૪ નજીક નવા બેસ્ટ લેવલે જઈ ૧૧૩ પૉઇન્ટ વધી ૨૪,૪૩૩ની સર્વોચ્ચ સપાટીએ બંધ આવી છે. બજારનું માર્કેટકૅપ પણ ૧.૪૨ લાખ કરોડના ઉમેરામાં હવે ૪૫૧.૨૮ લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. બજેટ નજીકમાં છે. સરકાર ડેરિવેટિવ્સ કે એફઍન્ડઓ પર ત્રાટકશે, STT વધશે એમ નક્કી મનાય છે. SME IPOમાં સટ્ટાખોરીને નાથવા NSE તરફથી લિસ્ટિંગમાં ૯૦ ટકાની ટોચમર્યાદા નાખી દેવાઈ છે અર્થાત્ NSE ખાતે લિસ્ટેડ થતી કોઈ પણ SME કંપનીનો શૅર પ્રથમ દિવસે એની ઇશ્યુ પ્રાઇસ કરતાં ૯૦ ટકાથી વધુ વધી નહીં શકે. વાંધો નહીં, સટોડિયા અને ઑપરેટરો, લિસ્ટિંગ પછી સતત તેજીની સર્કિટ ચાલુ રાખવાનો ખેલ કરશે, માલ બનાવતા થોડીક વાર લાગશે એટલું જ. બાકી આનાથી મૅનિપ્યુલેશન નાબૂદ થઈ જવાનું નથી. દરમ્યાન કરાચી શૅરબજાર ૮૧,૦૮૭ની નવી વિક્રમી સપાટી બનાવી ૮૦,૬૪૯ના બેસ્ટ લેવલે બંધ થયું છે. ઘરઆંગણે રસાકસીવાળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૧૭૬ શૅર સામે ૧૧૬૮ જાતો ઘટી છે. થાઇલૅન્ડની નહીંવત્ નરમાઈ બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર સુધારામાં હતી. જપાન બે ટકા તો ચાઇના સવા ટકો પ્લસ હતું.
ચોખા, ખાંડ અને ચા ઉત્પાદક કંપનીઓમાં તેજીની ચાલ
ADVERTISEMENT
માલભરાવાના પગલે સરકાર ચોખાની નિકાસ વિશેની નીતિ હળવી બનાવવા વિચારી રહી છે. પારબૉઇલ્ડ રાઇસમાં ૨૦ ટકાની ડ્યુટી રદ કરી એના બદલે લેવી પ્રથા દાખલ થાય એવી શક્યતા છે. આ અહેવાલના પગલે રાઇસ શૅરોમાં તેજીની સોડમ વર્તાઈ છે. કેઆરબીએલ ૭.૩ ટકા, દાવતફેમ એલ.ટી. ફૂડ્સ છ ટકા, કોહીનૂર ફૂડ્સ નવ ટકા, ચમનલાલ સેટિયા ૭.૮ ટકા, જીઆરએમ ઓવરસીઝ ૩.૫ ટકા, NHC ફૂડ્સ ૧૪.૫ ટકા વધીને બંધ રહ્યા છે.
ચોખાની સાથે-સાથે ટી કંપનીઓના શૅરમાંય તેજીની લહેજત દેખાઈ છે. આ વર્ષે પ્રતિકૂળ હવામાનને લઈ ચાનું ઉત્પાદન ૨૦-૨૫ ટકા ઘટવાની વાતો વહેતી થઈ છે જેમાં ભાવ વધવા માંડ્યા છે. ગઈ કાલે ટાયટન ટી સવાચૌદ ટકા, કેન્કો ટી પોણાતેર ટકા, ધુનસેરી ટી સાડાબાર ટકા, ઇન્ડોંગ ટી સવાબાર ટકા, ડાયના ટી સાડાદસ ટકા, મેક્લિયોડ રસેલ ૧૦ ટકા, એન્ડ્રુયેલ નવ ટકા, જયશ્રી ટી પોણાનવ ટકા, જેમ્સ વોરન ટી આઠ ટકા, ગુડરિક પોણાછ ટકા, વૉરન ટી સાડાસાત ટકા, ગિલેન્ડર્સ ૫ ટકાની ઉપલી સર્કિટે, બૅન્ગોલ ઍન્ડ આસામ લિમિટેડ પાંચ ટકા, લૉન્ગ વ્યૂ ટી ચાર ટકા ઊંચકાઈ છે. ટી-કૉફી ઉદ્યોગના ૨૪માંથી ૨૧ શૅર પ્લસ હતા.
શુગર ઉદ્યોગમાંય ખાસ્સી મીઠાશ હતી. ઉદ્યોગની ૩૭માંથી ૩૦ જાતો વધી છે. SBEC શુગર, રાજશ્રી શુગર, શક્તિ શુગર, ધામપુર બાયો, બન્નારી શુગર, ઇન્ડિયન સુક્રોઝ, રાવલગાંવ, ગાયત્રી શુગર, મવાણા શુગર, કેએમ શુગર, કેસીપી શુગર, સિમ્ભોલી શુગર, બજાજ હિન્દુસ્તાન, મગધ શુગર જેવી જાતો સવાચારથી દસ ટકાની તેજીમાં ગઈ હતી. બે ડઝન શૅર બે ટકાથી વધુ પ્લસ થયા હતા.
યોગીજીની મહેર થતાં મારુતિ સુઝુકીમાં ૭૯૪ રૂપિયાનો ઉછાળો
ઉત્તર પ્રદેશ સરકારે હાઇબ્રિડ વેહિકલ્સ પરની રજિસ્ટ્રેશન ફી રદ કરી છે એના પગલે આ પ્રકારનાં વેહિકલની પડતર ગ્રાહક માટે બેથી ચાર લાખ રૂપિયા સસ્તી થવાની ગણતરી છે. અન્ય રાજ્યો પણ યુપીનું અનુકરણ કરે તો નવાઈ નહીં. સરવાળે હાઇબ્રિડ વેહિકલ્સ ઉત્પાદક ઑટો કંપનીઓ ફાયદામાં રહેશે જેમાં મારુતિ, મહિન્દ્ર અને તાતા મોટર્સ મુખ્ય છે. મારુતિ ગઈ કાલે ૧૨,૯૫૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૬.૬ ટકા કે ૭૯૪ રૂપિયાની તેજીમાં ૧૨,૮૨૦ બંધ આપી બજારને ૯૨ પૉઇન્ટ ફળી છે. બન્ને મેઇન બેન્ચમાર્કમાં ટૉપ ગેઇનર બની છે. મહિન્દ્ર અઢી ટકા વધી હતી. તાતા મોટર્સ, અશોક લેલૅન્ડ, આઇશર, હીરો મોટોકૉર્પ, ટીવીએસ મોટર્સ એક-દોઢ ટકો અપ હતી. ઑટો ઇન્ડેક્સ સવાબે ટકા કે ૧૨૪૭ પૉઇન્ટ વધ્યો છે. અપોલો ટાયર્સ ૨.૮ ટકા, એક્સાઇડ ઇન્ડ. સવા ટકો અને MRF ૨.૨ ટકા મજબૂત હતા. સેન્સેક્સ નિફ્ટી ખાતે અન્યમાં આઇટીસી બે ટકા, ટાઇટન ૧.૯ ટકા, સનફાર્મા બે ટકા, ICICI બૅન્ક ૦.૯ ટકા, બ્રિટાનિયા ૧.૮ ટકા, સિપ્લા ૧.૭ ટકા, ડિવીઝ લૅબ બે ટકા પ્લસ હતા. રિલાયન્સ ૦.૭ ટકાના ઘટાડે ૩૧૮૦ હતી. નિફ્ટી ખાતે ONGC ૦.૬ ટકા અને તાતા કન્ઝ્યુમર પોણા ટકાના ઘટાડે મોખરે રહી છે. કોટક બૅન્ક, શ્રીરામ ફાઇનૅન્સ, બજાજ ફાઇનૅન્સ, તાતા સ્ટીલ, લાટિમ અડધા ટકા આસપાસ ઢીલી થઈ છે. ટીસીએસના પરિણામ ૧૨મીએ છે. શૅર ૦.૪ ટકા સુધરી ૩૯૯૨ રહ્યો છે. ઇન્ફી, HCL ટેક્નૉ, વિપ્રો, ટેક મહિન્દ્ર પણ ફ્લૅટથી નેગેટિવ બાયસમાં જોવાયા છે. સ્ટેટ બૅન્ક અડધો ટકો વધી છે. HDFC બૅન્ક પરચૂરણ સુધારામાં ૧૬૩૬ હતી. નસલી વાડિયા ગ્રુપની બૉમ્બે બર્મા ૨૩૯૩ની વિક્રમી સપાટી બનાવી ૧૮.૨ ટકા કે ૩૬૭ના જમ્પમાં ૨૩૭૮ રહી ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર હતી. જ્યુબિલન્ટ ઇનગ્રેવિયા ૧૧ ટકા, બ્લુસ્ટાર ૧૧.૭ ટકા, ITD સિમેન્ટેશન નવ ટકા, ગ્લાન્ડ ફાર્મા ૭.૬ ટકા મજબૂત હતી. સામે અહલુવાલિયા કૉન્ટ્રૅક્ટ્સ, ટેક્સમાકો રેલ, રેલટેલ કૉર્પો, ભારત અર્થમૂવર, રાઇટ્સ, ઇરકોન, રેમન્ડ, કીનેસ જેવી જાતો ચારથી પાંચ ટકા ગગડી છે. રેલવિકાસ નિગમ ૬૨૦ના બેસ્ટ લેવલે જઈ ૪ ટકા તૂટી ૫૪૩ હતી. નાઇલ લિમિટેડ આગલા દિવસના ૨૦ ટકાના ઉછાળે ૨૨૩૭ બંધ થયા પછી ગઈ કાલે ૨૩૮૮ની ટોચે જઈ સવાપાંચ ટકા ગગડી ૨૧૨૨ બંધ આવી છે.
એમક્યૉર અને બંસલ વાયર આજે લિસ્ટિંગમાં જશે
મેઇન બોર્ડમાં પુણેની એમક્યૉર ફાર્મા અને બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝનું લિસ્ટિંગ બુધવારે છે. ગ્રે માર્કેટમાં એમક્યૉરના પ્રીમિયમ ઉપરમાં ૩૯૦ થયા બાદ ઘટાડાતરફી છે. હાલ રેટ ૩૩૫ છે. બંસલ વાયરમાં પ્રીમિયમ ૭૦થી ઘટી ૬૫ બોલાય છે. અમ્બે લૅબોરેટરીઝમાંય ભરણું પૂરું થતાં ૪૬વાળું પ્રીમિયમ ઘટી અત્યારે ૩૫ ચાલે છે. અમદાવાદી ગણેશ ગ્રીન ભારતનો શૅરદીઠ ૧૯૦ના ભાવવાળો ૧૨૫ કરોડ પ્લસનો NSE SME IPO મંગળવારે આખરી દિવસે કુલ ૨૭૦ ગણો છલકાઈ પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૨૬૦ આસપાસ છે. એક્વા ઇન્ફ્રાનો શૅરદીઠ ૮૨ના ભાવનો ૫૧૨૭ લાખ રૂપિયાનો SME ઇશ્યુ પણ કુલ ૩૧૪ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ વધીને ૧૨૦ જેવું છે. અમદાવાદી સહજ સોલરનો શૅરદીઠ ૧૮૦ના ભાવનો ૫૨૬૬ લાખનો SME IPO ગુરુવારે ખૂલવાનો છે. ગ્રે માર્કેટમાં ૧૦૦થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ૧૪૫ બોલાઇ રહ્યું છે. દરમ્યાન તાજેતરમાં લિસ્ટેડ થયેલી નેફ્રો કૅર ઇન્ડિયા ગઈ કાલે સવાદસ ટકાની તેજીમાં ઉપલી સર્કિટે ૧૯૮ના શિખરે બંધ થઈ છે. નાશિકની નિર્માણ ઍગ્રી જેનેટિક સતત ૭મી ઉપલી સર્કિટે ૪૩૫ની વિક્રમી સપાટી બનાવી સવાનવ ટકાના ઉછાળે ૪૩૫ વટાવી ગઈ છે. એલાયન્સ ઇન્ટિગ્રેટેડ મેટલિક્સ એક શૅરદીઠ બે બોનસમાં ગુરુવારે એક્સ બોનસ થશે. શૅર અઢી ટકા ઘટી ૯૬ બંધ હતો. પીજી ઇલેક્ટ્રો પ્લાસ્ટ ૧૦ના શૅરદીઠ એકમાં વિભાજનમાં એક્સ સ્પ્લિટની પૂર્વસંધ્યાએ સાડાઆઠ ટકા વધી ૪૦૦૦ નજીક બંધ આવ્યો છે. બીએસઈ ખાતે ભાવ ૭.૮ ટકા કે ૨૮૯ વધી ૩૯૯૬ હતો. સૂરજ ઇન્ડસ્ટ્રીઝ ૩૦ શૅરદીઠ સાત શૅરના શૅરદીઠ ૬૫ના ભાવે રાઇટ ઇશ્યુમાં બુધવારે એક્સ રાઇટ થશે. ભાવ ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૧૧૧ના શિખરે બંધ હતો.