Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > વિશ્વબજારોની માયૂસી વચ્ચે કૅનેડાનો કકળાટ વધતાં શૅરબજાર ૫૭૧ પૉઇન્ટ વધુ ખરડાયું, બૅન્કિંગમાં બૂરાઈ

વિશ્વબજારોની માયૂસી વચ્ચે કૅનેડાનો કકળાટ વધતાં શૅરબજાર ૫૭૧ પૉઇન્ટ વધુ ખરડાયું, બૅન્કિંગમાં બૂરાઈ

Published : 22 September, 2023 01:00 PM | IST | Mumbai
Anil Patel

ખરાબ માર્કેટ બ્રેડ્થ સાથે બન્ને બજારનાં તમામ સેક્ટોરલ માઇનસમાં, માર્કેટ કૅપમાં ૨.૬૨ લાખ કરોડનું વધુ ધોવાણ

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


કૅનેડિયન કનેક્શનવાળા શૅરોમાં નરમાઈ આગળ વધી, આઇસીઆઇસીઆઇ બૅન્કમાં ત્રણ ટકાનું ગાબડું : ખરાબ માર્કેટ બ્રેડ્થ સાથે બન્ને બજારનાં તમામ સેક્ટોરલ માઇનસમાં, માર્કેટ કૅપમાં ૨.૬૨ લાખ કરોડનું વધુ ધોવાણ : બૅન્ક નિફ્ટી તમામ શૅરના ઘટાડામાં ૭૬૧ પૉઇન્ટ કપાયો, ઑટો ઇન્ડેક્સ ૫૮૮ પૉઇન્ટ બગડ્યો : સરકારે અઢી ટકા માલ વેચી ૬૬૭ કરોડની રોકડી કરવાનું નક્કી કરતાં સતલજ જલ વિદ્યુત નિગમમાં ૧૩ ટકાનો કડાકો : કેએસબી લિમિટેડ ૩૮૬ રૂપિયાની તેજીમાં નવા શિખરે : જામનગરની મધુસૂદન મસાલાનો ઇશ્યુ ૪૪૪ ગણા જબરા પ્રતિસાદ સાથે પૂરો થયો

અમેરિકન ફેડ તરફથી વ્યાજદરમાં નવો કોઈ વધારો નથી કરાયો એ સારા સમાચાર છે, પરંતુ કડક કે મોંઘાં નાણાંની નીતિ બહુધા આગામી વર્ષે પણ જાળવી રખાશે, ૨૦૨૪માં વ્યાજદરમાં અડધા ટકાથી વધુ ઘટાડાને અવકાશ નથી એવો સ્પષ્ટ અણસાર આપ્યો છે એ બેશક સારી વાત નથી, કેમ કે મોટા ભાગના પંડિતો અને વૈશ્વિક બજારો ૨૦૨૪માં ફેડ રેટમાં તબક્કાવાર ધોરણે કુલ મળીને એક ટકાનો ઘટાડો થવાની આશા લઈને બેઠાં હતાં. સરવાળે શૅરબજારો માટે ગુરુવાર ભારે નીવડ્યો છે. એશિયા ખાતે સાઉથ કોરિયા પોણાબે ટકા, જપાન, હૉન્ગકૉન્ગ તથા તાઇવાન ૧.૩થી ૧.૪ ટકા, સિંગાપોર સવા ટકો, ઑસ્ટ્રેલિયા ૧.૩ ટકા, ચાઇના પોણો ટકો, ઇન્ડોનેશિયા સાધારણ ઘટ્યું છે. એકમાત્ર થાઇલૅન્ડ અડધા ટકા નજીક સુધારામાં હતું. યુરોપ નબળા ઓપનિંગ બાદ રનિંગમાં અડધાથી સવા ટકો ડૂલ થયું છે. બ્રેન્ટ ક્રૂડ પણ પોણા ટકાની નરમાઈમાં ૯૩ ડૉલરની અંદર આવી ગયું છે.



વૈશ્વિક નબળાઈ સાથે કૅનેડાનો કકળાટ વકરતાં સ્થાનિક શૅરબજાર ૧૯૨ પૉઇન્ટના ગૅપ ડાઉન ઓપનિંગમાં ૬૬,૬૦૮ ખૂલી, એને જ ઇન્ટ્રા-ડે હાઈ બનાવી છેવટે ૫૭૧ પૉઇન્ટ વધુ ખરડાઈ ૬૬,૨૩૦ તથા નિફ્ટી ૧૫૯ પૉઇન્ટ બગડી ૧૯,૭૪૨ બંધ થયો છે. સેન્સેક્સ નીચામાં ૬૬,૧૨૯ થયો હતો. સ્મોલ કૅપ, મિડ કૅપ અને બ્રૉડર માર્કેટમાં એકાદ ટકાની નરમાઈ સાથે બન્ને બજારના તમામ બેન્ચમાર્ક રેડ ઝોનમાં બંધ થયા છે. પીએસયુ બૅન્ક નિફ્ટી સવાબે ટકા, બૅન્ક નિફ્ટી ૭૬૧ પૉઇન્ટ કે પોણાબે ટકા, ઑટો ઇન્ડેક્સ ૧.૬ ટકા, રિયલ્ટી ૧.૨ ટકા, પાવર યુટિલિટીઝ એક ટકા નજીક, ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧.૪ ટકો, મેટલ ઇન્ડેક્સ પોણો ટકો, એનર્જી-એફએમસીજી, હેલ્થકૅર તથા કૅપિટલ ગુડ્સ અડધાથી પોણો ટકો ડાઉન હતા. ખાસ્સી ખરાબ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે વધેલા ૫૪૩ શૅરની સામે લગભગ ત્રણેક ગણા ૧૪૮૫ કાઉન્ટર્સ ઘટીને બંધ રહ્યાં છે.


ઈએમઈએસ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૨૧૧ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૮૮ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૨૮૧ ખૂલી ઉપરમાં ૨૯૧ નજીક અને નીચામાં ૨૬૯ થઈ ૨૮૦ બંધ થતાં અહીં ૩૨.૬ ટકાનો કે ૬૯ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. બજારનું માર્કેટ કૅપ ગઈ કાલે પ્રોવિઝનલ ફીગર પ્રમાણે વધુ ૨.૬૨ લાખ કરોડના ધોવાણમાં ૩૧૭.૯૦ લાખ કરોડ નોંધાયું છે.

આઇસીઆઇસીઆઇ બૅન્ક ત્રણેક ટકા બગડી બજારને ૧૭૦ પૉઇન્ટ નડી


ગુરુવારે સેન્સેક્સના ૩૦માંથી ૭ અને નિફ્ટીના ૫૦માંથી ૧૬ શૅર પ્લસ હતા. સેન્સેક્સમાં ટેક મહિન્દ્ર દોઢ ટકા, ભારતી ઍરટેલ એક ટકા, એશિયન પેઇન્ટ્સ ૦.૮ ટકા, ઇન્ફોસિસ ૦.૮ ટકા સુધર્યા હતા. નિફ્ટી ખાતે અદાણી પોર્ટ્સ દોઢ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ એક ટકો, ભારત પેટ્રો પોણો ટકો વધ્યો છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૮ ટકા ગગડી ૯૫૯ બંધ રહેતાં બજારને આ શૅર ૧૭૦ પૉઇન્ટ નડ્યો છે. મહિન્દ્ર ૨.૯ ટકા, સ્ટેટ બૅન્ક ૨.૧ ટકા, અલ્ટ્રાટેક બે ટકા કે ૧૭૩ રૂપિયા, ઇન્ડસઇન્ડ બૅન્ક બે ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૯ ટકા, તાતા મોટર્સ ૧.૮ ટકા, બજાજ ફીનસર્વ ૧.૬ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૩ ટકા, પાવર ગ્રિડ ૧.૪ ટકા, આઇટીસી સવા ટકો, એચસીએલ ટેક્નૉ ૧.૨ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ એક ટકા બગડ્યા છે. આ ઉપરાંત નિફ્ટીની વાત કરીએ તો અત્રે સિપ્લા ૨.૭ ટકા, હીરો મોટોકૉર્પ બે ટકા, બજાજ ઑટો ૧.૯ ટકા, ગ્રાસિમ ૧.૭ ટકા, લાટિમ દોઢ ટકો, કોલ ઇન્ડિયા ૧.૪ ટકા, એનટીપીસી ૧.૨ ટકા, ડિવીઝ લૅબ એક ટકા નજીક ડાઉન હતા. એચડીએફસી બૅન્ક આગલા દિવસના ૪ ટકાના ધબડકા બાદ વધુ ૦.૭ ટકા ઘટી ૧૫૫૪ની અંદર ગઈ છે. રિલાયન્સ પણ પોણા ટકાની વધુ નબળાઈમાં ૨૩૬૪ થયો છે. જિયો ઘટાડાની ચાલ આગળ વધારતાં ૧.૨ ટકાની નરમાઈમાં ૨૨૮ની અંદર દેખાયો છે. અદાણી ગ્રુપના ૧૦માંથી ૬ શૅર વધ્યા છે. અદાણી પાવર પોણાચાર ટકા, અદાણી ગ્રીન એક ટકો, અદાણી ટોટલ અડધો ટકો, એસીસી અડધો ટકો, અદાણી એન્ટર સાધારણ પ્લસ હતા. અદાણી ટ્રાન્સ અને અદાણી વિલ્મર પોણો ટકો તો અંબુજા સિમેન્ટ્સ અડધો ટકો નરમ હતા. એનડીટીવી નજીવો ઘટ્યો છે.

કૅનેડિયન કનેક્શનવાળા શૅરોમાં નબળાઈ, જિંદલ ફોટોમાં વધુ સર્કિટ

કૅનેડા સાથેના સંબંધ વકરવાની સીધી અસર કેટલાક લિસ્ટેડ શૅરો પર દેખાઈ રહી છે. ગઈ કાલે આઇસીઆઇસીઆઇ બૅન્ક ત્રણ ટકા તૂટ્યો, એની પાછળ કંપનીમાં કૅનેડિયન પેન્શન ફન્ડનું રોકાણ કામ કરી ગયું છે. આ ઉપરાંત ગઈ કાલે નાયકા અઢી ટકા ઘટીને ૧૪૨, પેટીએમ દોઢ ટકો ઘટી ૮૪૦, દિલ્હીવરી અડધો ટકો ઘટી ૪૨૯, કોટક બૅન્ક ૧.૯ ટકા ખરડાઈ ૧૭૫૬, વિપ્રો ૦.૪ ટકા ઘટી ૪૨૮, ઇન્ડ્સ ટાવર પોણાબે ટકા બગડી ૧૭૮, ઝોમૅટો પોણો ટકો ઘટીને ૯૯, ગ્રાસિમ ઇન્ડ ૧.૭ ટકા ઘટી ૧૯૧૨ બંધ હતા. કૅનેડિયન પેન્શન ફન્ડ્સ નાની-મોટી ૭૦ ભારતીય કંપનીમાં આશરે ૨૧ અબજ ડૉલરનું રોકાણ ધરાવે છે. ભારત ખાતેથી ફાર્મા, જેમ્સ-જ્વેલરી અને ટેક્સટાઇલની કૅનેડા ખાતે ગણનાપાત્ર નિકાસ થાય છે.

દરમ્યાન સરકારે સતલજ જલ વિદ્યુત નિગમમાં શૅરદીઠ ૬૯ની ફ્લોર પ્રાઇસ સાથે ૯૬૬ લાખ શૅર વેચી આશરે ૬૬૭ કરોડની રોકડી કરવાનું નક્કી કરતાં આ શૅર નીચામાં ૭૧ અંદર જઈ તેર ટકા તૂટી ૭૧ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બન્યો છે. કેનેડા ખાતેથી પલ્વ-પેપર, ટિમ્બર, કઠોળ ઇત્યાદીની આયાત મુશ્કેલ બનવાનાં એંધાણમાં ગ્રીનલામ ઇન્ડ. સાત ટકા ગગડી ૪૨૫ બંધ થયો છે. બન્નારી અમાન શુગર સાડાછ ટકા કે ૧૮૬ રૂપિયા ખરડાઈ ૨૬૭૫ થયો છે. જિંદલ ફોટો વધુ ૨૦ ટકાની સર્કિટે ૯૦ રૂપિયા ઊછળી ૫૪૦ના શિખરે બંધ હતો. કેએસબી લિમિટેડ ૧૯ ગણા કામકાજે ૩૧૧૨ની ટૉપ બનાવી ૩૮૬ રૂપિયા કે ૧૪ ટકાના ઉછાળે ૩૧૩૩ વટાવી ગયો છે. ઈકેઆઇ એનર્જી ૧૦ ટકાની તેજીમાં ૬૯૧ બંધ આવ્યો છે.

ખરાબ બજારમાં પણ આનંદ રાઠી વેલ્થ આગેકૂચ સાથે નવી ટોચે

બૅન્કિંગ ફાઇનૅન્સ ગઈ કાલે નોંધપાત્ર બગડ્યું હતું. બૅન્ક નિફ્ટી ૭૬૧ પૉઇન્ટ કે ૧.૭ ટકા તથા પીએસયુ બૅન્ક નિફ્ટી સવાબે ટકા કપાયા છે. આ બન્ને બેન્ચમાર્કના કુલ ૨૪ શૅરમાંથી એકમાત્ર બૅન્ક ઑફ ઇન્ડિયા પોણાબે ટકા વધ્યો હતો. બૅન્કિંગ ઉદ્યોગના ૩૮માંથી ૩૧ શૅર રેડ ઝોનમાં ગયા છે. સેન્ટ્રલ બૅન્ક, યુકો બૅન્ક, પંજાબ સિંધ બૅન્ક, ઉત્કર્ષ બૅન્ક, કર્ણાટકા બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, યુનિયન બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, બૅન્ક ઑફ બરોડા જેવી જાતો ત્રણથી સાડાપાંચ ટકા ડૂલ થઈ છે. ઇક્વિટાસ બૅન્ક પોણાબે ટકા અને ડીસીબી બૅન્ક ૧.૬ ટકા મજબૂત હતી. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૧૧૫ શૅરની ખરાબીમાં ૧.૪ ટકા ડૂલ થયો છે. ધાની સર્વિસિસ વધુ પાંચ ટકા ઊચકાઈ ૪૫ નજીક પહોંચી છે. આનંદ રાઠી વેલ્થ ૧૬૦૨ની વિક્રમી સપાટી બનાવી પોણાચાર ટકા ઊચકાઈ ૧૫૮૦ થયો છે. એમસીએક્સ બે ટકા વધી ૧૭૧૬ હતો. આઇઆરએફસી, આઇસીઆઇસીઆઇ-પ્રુ, સ્પંદન સ્ફૂર્તિ, તાતા ઇન્વેસ્ટમેન્ટ, આઇએફસીઆઇ, ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ જેવા શૅર સાડાત્રણથી પાંચ ટકા ડાઉન થયા છે.

ઑટો ઇન્ડેક્સ ૧૬માંથી ૧૫ શૅરની બૂરાઈમાં ૫૮૮ પૉઇન્ટ કે દોઢ ટકાથી વધુ ડાઉન થયો છે. બૉશ, અશોક લેલૅન્ડ, તાતા મોટર્સ, હીરો મોટોકૉર્પ, બજાજ ઑટો, અપોલો ટાયર્સ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, મહિન્દ્રા જેવા કાઉન્ટર એકથી ત્રણ ટકા બગડ્યા હતા. મારુતિ અડધો ટકો તો ટીવીએસ મોટર્સ પોણો ટકો ઘટ્યો છે. ઑટો એન્સિલિયરી સેગમેન્ટમાં ૧૧૭થી ૩૬ શૅર જ સુધર્યા હતા. ભગવતી ઑટો ૫૧૮ની ટોચે જઈ નવ ટકા ઊછળી ૫૧૪ હતો. મેનન પિસ્ટન પોણાબાર ટકાના ધબડકામાં ૮૬ની અંદર બંધ રહ્યો છે.

સાંઈ સિલ્ક્સને ૩૪ ટકા રિસ્પૉન્સ, સિગ્નેચર ગ્લોબલ પાર લાગી ગયો

હૈદરાબાદી સાંઈ સિલ્ક્સનો બેના શૅરદીઠ ૨૨૨ની અપર બેન્ડ સાથે ૧૨૦૧ કરોડનો ઇશ્યુ શુક્રવારે બંધ થવાનો છે. ભરણું જોકે અત્યાર સુધીમાં ૩૪ ટકા ભરાયું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૧૦ જેવું સંભળાય છે. સામે નવી દિલ્હીની ખોટ કરતી સિગ્નેચર ગ્લોબલનો એકના શૅરદીઠ ૩૮૫ની ઇશ્યુ પ્રાઇસવાળું ૭૩૦ કરોડનું ભરણું કુલ ૧.૭ ગણું ભરાઈ ગયું છે. ઇશ્યુ આજે, શુક્રવારે બંધ થશે. પ્રીમિયમ ૩૧ જેવું છે. નવી મુંબઈની ઑર્ગેનિક રિસાઇક્લિંગ સિસ્ટમ્સનો શૅરદીઠ ૨૦૦ના ભાવનો ૫૦ કરોડનો એસએમઈ ઇશ્યુ પ્રથમ દિવસે ૫૧ ટકા ભરાયો છે. અહીં પ્રમોટર સારંગ ભાંડની શૅરદીઠ પડતર માત્ર ૩ પૈસાની છે. રાજકોટની વેસ્ટ ટાયરનું રિસાઇક્લિંગ કરતી હાઈ ગ્રીન કાર્બનનો ૧૦ના શૅરદીઠ ૭૫ના ભાવનો ૫૨૮૦ લાખનો ઇશ્યુ પ્રથમ દિવસે જ ૮.૬ ગણો છલકાયો છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધી ૬૦ થઈ ગયું છે. થાણેના ઉલ્હાસનગરની માર્કો કેબલ્સનો ૧૦ના શૅરદીઠ ૩૬ના ભાવનો ૧૮૭૩ લાખનો એસએમઈ ઇશ્યુ પણ પ્રથમ દિવસે ૧.૩ ગણો પાર પડી ગયો છે. જામનગરની મધુસૂદન મસાલાનો ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો ૨૩૮૦ લાખનો એસએમઈ ઇશ્યુ કુલ ૪૪૪ ગણા જબ્બર રિસ્પૉન્સમાં ગુરુવારે પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં ૫૮-૬૦ના પ્રીમિયમ સંભળાય છે. પુણેની ટેક્નૉ ગ્રીન સોલ્યુશન્સનો ૧૦ના શૅરદીઠ ૮૬ના ભાવનો ૧૬૭૨ લાખનો ઇશ્યુ આખરી દિવસે કુલ ૧૩ ગણો અને નાશિકની માસ્ટર કમ્પોનન્ટનો ૧૦ના શૅરદીઠ ૧૪૦ના ભાવનો ૧૫૪૩ લાખનો ઇશ્યુ કુલ ૮.૨ ગણો છલકાઈને પૂરો થયો છે.

Whatsapp-channel Whatsapp-channel

22 September, 2023 01:00 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK