° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


નહીંવત્ સુધારા સાથે શૅરબજારમાં પાંચ દિવસની ખરાબી અટકી, રોકડું અને બ્રૉડર માર્કેટ માયૂસીમાં

17 March, 2023 01:12 PM IST | Mumbai
Anil Patel

કોસ્ટલ કૉર્પોરેશનમાં સુધારો, પણ એનો પાર્ટપેઇડ ૨૦ ટકા તૂટ્યો, ગોકુલ ઍગ્રોના રાઇટ એન્ટા.માં ૪૦ ટકાની તેજી આવી

પ્રતીકાત્મક તસવીર માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર

રિલાયન્સ સતત ચોથા દિવસે નવા ઐતિહાસિક તળિયે, અદાણીના ૧૦માંથી ૫ શૅર સુધર્યા, માર્કેટ કૅપમાં ૮૮૫૦ કરોડનો વધારો: કોસ્ટલ કૉર્પોરેશનમાં સુધારો, પણ એનો પાર્ટપેઇડ ૨૦ ટકા તૂટ્યો, ગોકુલ ઍગ્રોના રાઇટ એન્ટા.માં ૪૦ ટકાની તેજી આવી : સંવર્ધન મધરસનનો કડાકો ઑટો ઇન્ડેક્સને નડ્યો : બંધન બૅન્કમાં નવા નીચા ભાવ જારી રહ્યા, ડીસીબી બૅન્ક પાંચ ટકા ગગડી : નાયકામાં નોમુરાનું બુલિશ ટાર્ગેટ ઝમક લાવી ન શક્યું, એલઆઇસી નવા ઑલટાઇમ બૉટમની તૈયારીમાં : મેટલ શૅર ખરડાયા 

એસવીબી બૅન્ક અને ત્યાર પછી સિગ્નેચર બૅન્કના ઉઠમણા પછી અમેરિકામાં કમસે કમ અડધો ડઝન જેટલી બીજી નાની બૅન્કોનું ભાવિ ડામાડોળ હોવાના અહેવાલ છે. ઉઠમણાની આ ચેપી અસરનો જબરો અને અણધાર્યો આંચકો બુધવારે ક્રેડિટ સ્વિસ બૅન્કમાં અનુભવાયો હતો. આગલા દિવસે અઢી ડૉલર આસપાસ બંધ રહેલો ક્રેડિટ સ્વિ ગ્રુપનો શૅર ૭૦.૩ ટકા તૂટી પોણાબે ડૉલરના ઑલટાઇમ તળિયે ગયો અને છેવટે ૨૪ ટકાની ખરાબીમાં ૨.૧૬ ડૉલર બંધ થયો. સ્વિસ મધ્યસ્થ બૅન્ક તરફથી ૫૪ અબજ ડૉલરની સહાય મંજૂર થતાં શૅર નીચલા મથાળેથી સુધર્યો હતો. સ્વિસ બૅન્કની આ રામાયણમાં બુધવારે યુરોપનાં શૅરબજારો ત્રણથી ચાર ટકા તૂટીને બંધ થયાં હતાં. અમેરિકન ડાઉ પણ ૩૧૪૩૦ની અંદર જઈ છેવટે ૨૮૧ પૉઇન્ટ કે ૦.૯ ટકાની નબળાઈમાં ૩૧૮૭૪ થયો છે. આ ઉત્પાત પાછળ ગુરુવાર એશિયન બજારો માટે પ્રમાણમાં ભારે નીવડ્યો છે. હૉન્કૉન્ગ ૧.૮ ટકા, ચાઇના તથા તાઇવાન એક ટકાથી વધુ, ઇન્ડોનેશિયા અને થાઇલૅન્ડ એકાદ ટકો, જપાન પોણો ટકો, સિંગાપોર અડધો ટકા બગડ્યા છે. યુરોપ આગલા દિવસના ધબડકા બાદ રનિંગમાં પોણાથી એક ટકો પ્લસ દેખાતું હતું. બ્રેન્ટ ક્રૂડ ૭૪ ડૉલરની અંદર ઊતરી ગયા પછી સાધારણ સુધારામાં ૭૪ પ્લસ રહ્યું છે. નાઇમેક્સ ક્રૂડ ૬૮ ડૉલર નજીક મુકાતું હતું.

ઘરઆંગણે પાંચ દિવસની સળંગ નરમાઈમાં ૨૭૯૨ પૉઇન્ટની ખરાબી બાદ સેન્સેક્સ ગઈ કાલે ૭૯ પૉઇન્ટ વધી ૫૭૬૩૫ બંધ થયો છે. નિફ્ટી નીચામાં ૧૬૮૫૦ બતાવી ૧૩ પૉઇન્ટ વધી ૧૬૯૮૫ હતો. બજાર સહેજ નેગેટિવ બાયસમાં ખૂલ્યા પછી નીચામાં ૫૭૧૫૯ અને ઉપરમાં ૫૭૮૮૭ જોવા મળ્યું છે. બન્ને બજારોનાં બહુમતી સેક્ટોરલ ધીમા સુધારામાં દેખાયાં છે. મેટલ ઇન્ડેક્સ ૫૨૭ પૉઇન્ટ કે ૨.૭ ટકા પીગળ્યો છે. નિફ્ટી મેટલ ૧૫માંથી ૧૨ શૅરના ઘટાડે ૨.૬ ટકા ડૂલ થયો હતો. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ એક ટકો, પાવર-યુટિલિટી બેન્ચમાર્ક સવા ટકો, રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકો અપ હતા. હેલ્થકૅર તેમ જ એફએમસીજી ઇન્ડેક્સ ૦.૪ ટકા જેવા સુધર્યા છે. સ્મોલ કૅપ ઇન્ડેક્સ ૯૪૯માંથી ૬૩૫ શૅરના ઘટાડે પોણો ટકો ડાઉન હતો. માર્કેટ બ્રેડ્થ જોકે નરમ જ રહી છે. એનએસઈમાં વધેલા ૭૮૨ શૅરની સામે ૧૨૭૫ કાઉન્ટર માઇનસ હતાં.

ક્રૂડની કમજોરી ભારત પેટ્રો અને હિન્દુસ્તાન પેટ્રોને ફળી, એશિયન પેઇન્ટ્સ મજબૂત

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૭ અને નિફ્ટીના ૫૦માંથી ૩૨ શૅર પ્લસ હતા. નેસ્લે ઉપરમાં ૧૮૫૦૦ થઈ અઢી ટકા કે ૪૫૭ રૂપિયાના સુધારામાં ૧૮૪૬૦ રહ્યો છે. ક્રૂડની નરમાઈથી સુધારાની ચાલ જારી રાખતાં એશિયન પેઇન્ટ્સ ૨.૩ ટકા વધી ૨૮૯૫ હતો, તો ટાઇટન ૨.૨ ટકા, સનફાર્મા ૧.૭ ટકા, હિન્દુ યુનિલીવર ૨.૩ ટકા વધ્યો છે. ક્રૂડની કમજોરી ઑઇલ માર્કેટિંગ કંપનીઓને ફળી છે. ભારત પેટ્રોલિયમ ઉપરમાં ૩૫૩ થઈ ૬.૨ ટકા ઊંચકાઈ ૩૫૧ના બંધમાં નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ ૬.૨ ટકા, ઇન્ડિયન ઑઇલ દોઢ ટકા, ઇન્દ્રપ્રસ્થ ગૅસ બે ટકા પ્લસ હતા. સામે ઑઇલ ઇન્ડિયા ૩.૬ ટકા, જિન્દલ ડ્રિલિંગ ૬.૮ ટકા, ચેન્નઈ પેટ્રો ૬ ટકા, હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લો. ૧.૭ ટકા ઘટ્યા છે. ઓએનજીસી નજીવા ઘટાડે ૧૫૨ હતો. તાતા સ્ટીલ ૩.૩ ટકા ખરડાઈ ૧૦૬ના બંધમાં સેન્સેક્સ ખાતે તો હિન્દાલ્કો ૫.૨ ટકા ગગડી ૩૮૪ના બંધમાં નિફ્ટી ખાતે ઘટવામાં મોખરે હતા. ઇન્ડસઇન્ડ બૅન્ક સવાબે ટકા, ઇન્ફી એકાદ ટકો, જેએસડબ્લ્યુ સ્ટીલ બે ટકા, એચડીએફસી લાઇફ અને ભારતી ઍરટેલ એક ટકો માઇનસ થયા છે.

ગોકુલ ઍગ્રોનો રાઇટ રીનાઉનન્સિએશન ૪૦ ટકાના ઉછાળામાં સવાઅઢાર રૂપિયા વટાવી ગયો છે. કેસર ઇન્ડિયા ૧૬ ટકા, ગુજરાત અપોલો ઇન્ડ. ૧૫.૩ ટકા, બિન્ની લિમિટેડ ૯.૮ ટકા ઊછળ્યા છે. એ-ગ્રુપ ખાતે જૈન ઇરિગેશન ૧૦.૯ ટકા, નેટવર્ક૧૮ સાત ટકા, આઇસીઆઇસીઆઇ પ્રૂ ૬.૫ ટકા, ટીવી૧૮ પોણાછ ટકા મજબૂત હતા. કોસ્ટલ કૉર્પોરેશન એક ટકો વધી ૨૦૯ હતો, પણ એનો પાર્ટપેઇડ શૅર ૨૦ ટકા તૂટી ૧૪૦ થયો છે. ટ્રાન્સપેક્ટ એન્ટર ૧૦૫ વર્ષના બૉટમ બનાવી ૧૯.૨ ટકાના કડાકામાં ત્યાં જ હતો. સંવર્ધન મધરસન બ્લૉક ડીલમાં જંગી વૉલ્યુમે નીચામાં ૬૬ થઈ ૧૦.૯ ટકા લથડીને ૬૮ રહ્યો છે. બ્રાઇટકૉમ સવાસત્તરનું નવું તળિયું દેખાડી ૧૦ ટકા તૂટી ૧૭.૪૪ હતો. ઇન્ડો કાઉન્ટર ઇન્ડ. પણ ૧૧૪ની નવી નીચી સપાટીએ જઈ ૮ ટકા ગગડી ૧૧૫ બંધ થયો છે.

રિલાયન્સ ચોથા દિવસેય નવા તળિયે, અદાણીનું માર્કેટકૅપ સુધારા ભણી

નવા ઐતિહાસિક બૉટમની હૅટ-ટ્રિક આગળ વધારતાં રિલાયન્સ નીચામાં ૨૨૦૨ થઈ અડધો ટકો ઘટી ૨૨૨૬ બંધ થયો છે. હાલમાં આ કાઉન્ટર ટેક્નિકલ રીતે પાંચ દિવસથી માંડીને ૨૦૦ દિવસ સુધીની મૂવિંગ ઍવરેજનાં તમામ લેવલની નીચે આવી ગયું છે. અદાણીની વાત કરીએ તો ગ્રુપના ૧૦માંથી ૫ શૅર ગઈ કાલે પ્લસ હતા. ફ્લૅગશિપ અદાણી એન્ટર. સાધારણ વધી ૧૮૪૩ તો અદાણી પોર્ટ્સ ૬૭૯ના લેવલે ફ્લૅટ બંધ હતી. અદાણી ટ્રાન્સ ૪.૮ ટકા વધી ૯૭૬, અદાણી ગ્રીન ૫ ટકા વધી ૭૭૮, અદાણી ટોટલ ૩.૩ ટકા ઘટી ૮૮૮, અદાણી પાવર ૧.૭ ટકા ઘટી ૧૯૯, અદાણી વિલ્મર ૧.૪ ટકા ઘટી ૪૨૧ બંધ હતો, જ્યારે એસીસી પોણો ટકો સુધરી ૧૭૫૩ અને અંબુજા સિમેન્ટ ૩.૭ ટકા વધી ૩૭૮ થયો છે. એનડીટીવી બે ટકા ઘટી ૨૧૦ હતો. આ બધાના પગલે ગ્રુપનું માર્કેટકૅપ ગઈ કાલે ૮૮૫૦ કરોડ રૂપિયા વધ્યું છે. બાય ધ વે મોનાર્ક નેટવર્થ ૨.૮ ટકા વધી ૨૧૮ રહી છે. ક્વિન્ટ ડિજિટલ અડધો ટકો ઘટી ૧૦૮ હતી.

લાલા રામદેવની પતંજલિ ફૂડ્સમાં ન્યુનતમ પબ્લિક હોલ્ડિંગ સંબંધી ધારાધોરણોના ભંગ બદલ શૅરબજાર સત્તાવાળા તરફથી આશરે ૨૯૨૬ લાખ જેટલા પ્રમોટર્સના શૅર ફ્રીઝ કરી દેવાતાં શૅર પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૯૧૩ની અંદર જઈ અંતે ૨.૪ ટકા ઘટી ૯૩૮ બંધ થયો છે. કંપનીમાં હાલ પબ્લિક હોલ્ડિંગ માત્ર ૧૯.૨ ટકા જેવું છે. મતલબ કે બજારમાં ફરતો માલ પ્રમોટરોએ ટૂંકમાં કમસે કમ ૬ ટકા વધારવો પડશે. અર્થાત્ નજીકના ગાળામાં શૅર પ્રેશરમાં રહેશે.

બુલિશ વ્યુ બજાર ફાઇ.માં આવ્યો, પરંતુ બજાજ ફિન સર્વ સુધર્યો

બૅન્ક નિફ્ટી નીચામાં ૩૬૬૧૩ થઇ ૮૧ પૉઇન્ટના સુધારે ૩૯૧૩૨ બંધ થયો છે. અહીં ૧૨માંથી ૯ શૅર પ્લસ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના સુધારે અડધો ટકો જેવો વધ્યો છે. ડીસીબી બૅન્ક પોણાચાર ગણા કામકાજે પાંચ ટકા ગગડી ૯૮, તો ઉજ્જીવન બૅન્ક ૩.૩ ટકા ઘટીને ૨૪ બંધ હતી. બંધન બૅન્ક ૧૯૮ નીચે નવા તળિયે જઈ અડધો ટકો ઘટી ૨૦૪ રહી છે. કરુર વૈશ્ય, સિટી યુનિયન, ઇન્ડસઇન્ડ, યસ બૅન્ક દોઢથી ત્રણ ટકા માઇનસ હતા. સ્ટેટ બૅન્ક, પંજાબ સિંધ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, એચડીએફસી બૅન્ક, ઍક્સિસ બૅન્ક એકથી અઢી ટકા વધ્યા છે.

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૬માંથી ૭૬ શૅરના ઘટાડા વચ્ચે ૧૮ પૉઇન્ટ જેવો મામૂલી સુધર્યો છે. અહીં બજાજ ફાઇનૅન્સમાં ૮૦૦૦ના ટાર્ગેટ સાથે બૉર્ગનનો બુલિશ વવ્યુ આવવા છતાં શૅર સહેજ ઘટી ૫૭૧૭ બંધ થયો છે. બજાજ ફિનસર્વ સવા ટકો વધી ૧૨૯૮ હતી. પીએનબી હાઉસિંગ ખરાબી આગળ ધપાવતાં ૪.૭ ટકા ગગડી ૪૯૮ રહ્યો છે. ક્રિસિલ ૩.૮ ટકા ડાઉન હતો. એલઆઇસી ૦.૯ ટકા ઘટી ૫૭૩ બંધ આવ્યો છે. પૉલિસી બાઝાર ૨.૮ ટકા પ્લસ હતો. નાયકામાં ૨૧૪ની ટાર્ગેટ પ્રાઇસ સાથે નોમુરાએ બાયની ભલામણ કરી છે. શૅર સામાન્ય વધીને ૧૩૮ હતો. આદિત્ય બિરલા સનલાઇફ ૩૫૪ના નવા તળિયે જઈને છેવટે ૩૫૬ રહી છે.

બ્રાઇટકૉમ ડબલ ડિજિટના કડાકામાં નવા તળિયે, નેટવર્ક ટ્વિન્સ સુધર્યા

આઇટીમાં ઘસારો ચાલુ છે. આંક ૬૦માંથી ૧૮ શૅર પ્લસમાં આપીને ૨૦૭ પૉઇન્ટ કે પોણો ટકો ઘટ્યો છે. બ્રાઇટકૉમ સાડાદસ ટકાથી વધુના ધોવાણમાં ૧૭.૩૭ના નવા તળિયે પહોંચ્યો છે. ઈ-મુદ્રા સાડાપાંચ ટકા, કૅલ્ટોન પોણાચાર ટકા, કેપીઆઇટી ટેક્નૉ ૩.૪ ટકા, સોનાટા અને કોફોર્જ અઢી ટકા કટ થયા હતા. ઇન્ફી એકાદ ટકો, ટીસીએસ અને વિપ્રો અડધો ટકો, એચસીએલ ટેક્નૉ પણ એટલો જ ઘટ્યો છે. ટેક મહિન્દ્ર નજીવો વધ્યો છે. લાટિમ અડધો ટકો ઘટીને ૪૫૫૮ હતો. ભારતી ઍરટેલ એક ટકો નરમ, તો વોડાફોન અડધો ટકો પ્લસ હતા. રેલટેલ ૩.૪ ટકા અને તાતા ટેલિ ૨.૯ ટકા કટ થયા છે. ઑપ્ટિમસ સવાપાંચ ટકા અને ઇન્ડસટાવર અઢી ટકા અપ હતો. ઝી એન્ટર સવાનવ ટકા, નેટવર્ક૧૮ સાત ટકા, ટીવી૧૮ પોણાછ ટકા, પીવીઆર અઢી ટકા મજબૂત હતા. રિયલ્ટીમાં ડીએલએફ ૪ ટકા ઊછળી ૩૬૦ બંધ હતો.

હિન્દાલ્કો, જિન્દલ સ્ટીલ, તાતા સ્ટીલ, સેઇલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, નાલ્કોની બેથી પાંચ ટકાની ખરાબીમાં મેટલ ઇન્ડેક્સ ૨.૭ ટકા કે ૫૨૭ પૉઇન્ટ ખવાયો છે. હિન્દુ. ઝિન્ક સાડાત્રણ ટકા વધી સામા પ્રવાહે હતી. ટીવીએસ સવાબે ટકા, બજાજ ઑટો બે ટકા, અશોક લેલૅન્ડ સવા ટકો, મહિન્દ્ર-આઇશર અને તાતા મોટર્સ એક-એક ટકો વધવા છતાં ઑટો બેન્ચમાર્ક નહીંવત્ ૩૨ પૉઇન્ટ જ સુધર્યો છે. મારુતિ અને હીરો મોટોકૉર્પ સહેજ નરમ હતા. સંવર્ધન મધરસનનો ૧૦ ટકા પ્લસનો કડાકો અહીં નડ્યો છે. પાવર-યુટિલિટી ઇન્ડેક્સ એક-સવા ટકો પ્લસ હતા. ટૉરન્ટ પાવર, પાવર ગ્રિડ, વાટેક વાબેગ, વારિ રિન્યુ, એબીબી એકથી સવાબે ટકા પ્લસ હતા. અદાણી ગ્રીન પાંચ ટકા તો અદાણી ટ્રાન્સ ૪.૮ ટકા તેજીમાં રહેવાનો અહીં ફાયદો થયો હતો.

17 March, 2023 01:12 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

સાંકડી રેન્જ સાથે પૉઝિટિવ ઝોન રાખીને બજાર સીમિત સુધારામાં, માર્કેટ બ્રેડ્થ મજબૂત

ટીસીએસ પોણો ટકો સુધર્યો, ઇન્ફી નજીવો નરમ, વિપ્રો જૈસે-થે : આવકવેરાના દરોડામાં શોભા તૂટ્યો, સુલા વાઇન યાર્ડ‍્સને બાયનું રેટિંગ ફળ્યું : વીએસટી ટીલર્સમાં ૧૬૪ રૂપિયાનો ઉછાળો આવ્યો 

23 March, 2023 12:06 IST | Mumbai | Anil Patel

દેશની માત્ર ૨૪ ટકા કંપનીઓ જ સાઇબર સિક્યૉરિટી માટે સક્ષમ

સિસ્કો નામની કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેનું તારણ

22 March, 2023 04:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વૈશ્વિક ઇકૉનૉમી ભારતીય અર્થતંત્રને નબળું નહીં પાડી શકે : રિઝર્વ બૅન્ક

કોવિડના રોગચાળામાં બહાર આવ્યું અને મજબૂત સ્થાનિક સ્થિતિની અસર

22 March, 2023 04:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK