Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જીડીપીના જાદુથી શૅરબજાર ખુશખુશાલ, હજારી જમ્પ સાથે સેન્સેક્સ ઑલટાઇમ હાઈ, નિફ્ટીમાં નવી વિક્રમી સપાટી

જીડીપીના જાદુથી શૅરબજાર ખુશખુશાલ, હજારી જમ્પ સાથે સેન્સેક્સ ઑલટાઇમ હાઈ, નિફ્ટીમાં નવી વિક્રમી સપાટી

02 March, 2024 07:45 AM IST | Mumbai
Anil Patel

બજારનાં તમામ સેક્ટોરલ વધ્યાં, આઇટી અને હેલ્થકૅર અપવાદ રહ્યાં

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


અર્થતંત્રની પીછેહઠમાં સ્પષ્ટ સંકેત વચ્ચે જીડીપી ગ્રોથના ઉછાળાથી આશ્ચર્ય : બજારનાં તમામ સેક્ટોરલ વધ્યાં, આઇટી અને હેલ્થકૅર અપવાદ રહ્યાં : આઇસીઆઇસીઆઇ બૅન્ક ઑલટાઇમ હાઈ થઈને બજારને સર્વાધિક ૨૦૫ પૉઇન્ટ ફળી : ગ્રાસિમ અને એનો પાર્ટપેઇડ નવી વિક્રમી સપાટીએ : અદાણી એન્ટર, અદાણી પોર્ટ‍્સ અને અંબુજા સિમેન્ટ્સમાં નવાં શિખર : સેમી કન્ડક્ટર્સ ક્ષેત્રે પદાર્પણમાં સીજી પાવર ઝળક્યો, તાતા ઇન્વેસ્ટમેન્ટ ઉપલી સર્કિટ સાથે નવી ટોચે

ડિસેમ્બર ક્વૉર્ટરમાં દેશનો આર્થિક વિકાસદર ૮.૨ ટકા જાહેર કરાયો છે. આર્થિક-પંડિતોની એકંદર ધારણા ૬.૬ ટકાના જીડીપી ગ્રોથની હતી. આ અણધાર્યા અને તગડા વૃદ્ધિદરના જોશમાં શૅરબજારે હજારી જમ્પ સાથે નવી વિક્રમી સપાટી નોંધાવી નવા મહિનાનો શુભારંભ કર્યો છે. સેન્સેક્સ ગઈ કાલે ધીમા સુધારામાં ૧૦૬ પૉઇન્ટના ગૅપ-અપ ઓપનિંગમાં ૭૨,૬૦૬ ખૂલી નીચામાં ૭૨,૫૯૧ બતાવી ક્રમશ: સતત વધતો રહ્યો હતો, જેમાં ૭૩,૫૯૧ની ઑલટાઇમ હાઈ બની હતી. નિફ્ટી પણ ૨૨,૩૫૩ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. બજાર છેવટે ૧૨૪૫ પૉઇન્ટની મજબૂતીમાં ૭૩,૭૪૫ અને નિફ્ટી ૩૫૬ પૉઇન્ટની તેજીમાં ૨૨,૩૩૯ના બેસ્ટ લેવલે બંધ થયો છે. પ્રોવિઝનલ ફિગર પ્રમાણે માર્કેટકૅપ ૪.૨૯ લાખ કરોડના ઉમેરામાં ૩૯૨.૨૫ લાખ કરોડને વટાવી આરંભથી અંત સુધી મજબૂત રહેલા બજારની માર્કેટ બ્રેડ્થ પણ સ્ટ્રૉન્ગ રહી છે. એનએસઈમાં વધેલા ૧૪૩૫ શૅરની સામે ઘટેલા શૅરની સંખ્યા ૭૫૦ હતી. સેન્સેક્સ, નિફ્ટીના ૧.૭ ટકા જેવા વધારાની સામે નિફ્ટી-ફાર્મા એક ટકા, નિફ્ટી મીડિયા દોઢ ટકા, આઇટી ઇન્ડેક્સ અડધો ટકો, હેલ્થકૅર બેન્ચમાર્ક ૧.૧ ટકા, ટેક્નૉલૉજીઝ ઇન્ડેક્સ ૦.૪ ટકા માઇનસ હતા. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૫૮,૯૮૩ની સર્વોચ્ચ સપાટી બાદ અઢી ટકા કે ૧૪૨૮ પૉઇન્ટ તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેન્ચમાર્ક ૫૨,૪૧૮ના શિખરે જઈ ૨.૨ ટકા કે ૧૧૩૭ પૉઇન્ટ વધી બંધ થયા છે. મેટલ ઇન્ડેક્સ ૩.૮ ટકા કે ૧૦૩૨ પૉઇન્ટ, ઑટો ૨.૨ ટકા કે ૧૦૪૫ પૉઇન્ટ, પીએસયુ બૅન્ક નિફ્ટી ૨.૨ ટકા, બૅન્ક નિફ્ટી અઢી ટકા કે ૧૧૬૬ પૉઇન્ટ ઊંચકાયા હતા. ઑઇલ-ગૅસ ૨.૨ ટકા, એનર્જી ૨.૧ ટકા, ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧.૯ ટકા, યુટિલિટીઝ પોણાબે ટકા વધ્યા છે.ડિસેમ્બર ક્વૉર્ટર માટે સરકારે જે ૮.૪ ટકાનો જીડીપી ગ્રોથ બતાવ્યો છે એનાથી અંજાઈ જવાની જરૂર નથી. ચૂંટણી આવી રહી છે એટલે આ અતિ ઊંચા વિકાસદરનું વાજું જોર-શોરથી વાગતું રહેવાનું છે, પરંતુ એમાં બહુ મોટો ઝોલ છે. રિયલ અર્થશાસ્ત્રીઓને આ આંકડો હજમ થતો નથી. તેઓ આને આભાસી અને અવાસ્તવિક ગણાવે છે, કેમ કે સપ્ટેમ્બર ક્વૉર્ટરના ૭.૬ ટકાની સામે ડિસેમ્બર ક્વૉર્ટરમાં જીડીપી વધીને ૮.૪ ટકાની દોઢ વર્ષની ટોચે પહોંચ્યો છે, પરંતુ જીવીએ (ગ્રોસ વૅલ્યુ ઍડેડ)ની રીતે ગ્રોથરેટ આ ગાળામાં ૭.૭ ટકાથી ઘટીને સાડાછ ટકા નોંધાયો છે. મતલબ કે જીડીપીમાં જે વધારો થયો છે એ કેવળ સરકારની વેરાની વસૂલાતમાં થયેલી વૃદ્ધિ અને સબસિડી-ખર્ચમાં થયેલા ઘટાડાનું પરિણામ છે. બાકી જીવીએ જે દેશમાં ઉત્પાદિત માલસામાન અને સેવાઓના કુલ મૂલ્યને આવરી લે છે એ રીતે આર્થિક વિકાસ વધવાને બદલે ઘટ્યો છે. આ ગાળામાં વપરાશી ખર્ચનો વૃદ્ધિદર ફક્ત સાડાત્રણ ટકા રહ્યો છે. સામે ઇન્વેસ્ટમેન્ટ ૧૦.૬ ટકાના દરે વધ્યું છે અને આ વૃદ્ધિ બહુધા સરકારી રોકાણ અને રેસિડે​ન્શિયલ રિયલ્ટી ક્ષેત્રના રોકાણને આભારી છે. મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રનો ગ્રોથરેટ સપ્ટેમ્બર ક્વૉર્ટરના ૧૪.૪ ટકાથી ઘટીને આ વેળા ૧૧.૬ ટકા થયો છે. કૃષિ વિકાસદર માઇનસ પોણા ટકાનો રહ્યો છે. સૌથી મઝાની વાત એ છે કે જીડીપી ગ્રોથ અને જીવીએ ગ્રોથ રેટ વચ્ચેનો આટલો બધો તફાવત દસ વર્ષમાં પ્રથમવાર જોવા મળ્યો છે. સરકાર આંકડાના માંકડા નચાવી રહી છે, આજ તો અમૃતકાલ છે.


તાતા સ્ટીલ તગડા જમ્પમાં નવી ટોચે, ડૉ. રેડ્ડીઝ લૅબમાં ૨૩૧ રૂપિયાનું ગાબડું

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી પચીસ અને નિફ્ટીના ૫૦માંથી ૩૭ શૅર પ્લસ હતા. તાતા સ્ટીલ ૧૫૧ની ટોચે જઈ ૬.૫ ટકાની તેજીમાં ૧૫૦ બંધ આપી મોખરે હતો. જેએસડબ્લ્યુ સ્ટીલ ૪.૫ ટકા, લાર્સન ૪.૪ ટકા કે ૧૫૩ રૂપિયા, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૩.૪ ટકા, ટાઇટન ૩.૭ ટકા કે ૧૩૫ રૂપિયા, મારુતિ ત્રણ ટકા કે ૩૩૯ રૂપિયા, તાતા મોટર્સ ૨.૮ ટકા વધી ૯૭૭ની ટોચે, સ્ટેટ બૅન્ક ૨.૭ ટકા, એનટીપીસી ૨.૪ ટકા, અલ્ટ્રાટેક ૨.૨ ટકા કે ૨૨૦ રૂપિયા, કોટક બૅન્ક ૨.૨ ટકા, ઍક્સિસ બૅન્ક ૨.૨ ટકા, મહિન્દ્ર બે ટકા ઊંચકાઈને ૧૯૭૨ના શિખરે, પાવર ગ્રિડ ૧.૮ ટકા મજબૂત હતા. રિલાયન્સ બે ટકા વધીને ૨૯૮૬ના બંધમાં બજારને ૧૮૫ પૉઇન્ટ ફળ્યો છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧૦૮૯ની વિક્રમી સપાટી બનાવી ૩.૨ ટકા વધી ૧૦૮૭ બંધ થતાં બજારને ૨૦૫ પૉઇન્ટનો તો એચડીએફસી બૅન્ક બે ટકા વધી ૧૪૩૧ બંધ રહેતાં ૧૮૯ પૉઇન્ટનો ફાયદો થયો હતો. નિફ્ટી ખાતે અન્યમાં ભારત પેટ્રોલિયમ ૩.૨ ટકા, હિન્દાલ્કો ત્રણ ટકા, કોલ ઇન્ડિયા ૨.૨ ટકા, ઓએનજીસી ૨.૩ ટકા, હીરો મોટોકૉર્પ ૧.૮ ટકા, બજાજ ઑટો ૧.૭ ટકા કે ૧૩૧ રૂપિયા, એચડીએફસી લાઇફ ૧.૪ ટકા, આઇશર ૧.૪ ટકા પ્લસ હતી. ગ્રાસિમ ૨૨૫૯ની વિક્રમી સપાટી બતાવી ૨.૯ ટકા ઊંચકાઈ ૨૨૫૫ થયો છે. એનો પાર્ટપેઇડ ૧૦૦૫ની ઑલટાઇમ હાઈ બનાવી ૫.૧ ટકાની તેજીમાં ત્યાં જ હતો


સેન્સેક્સ ખાતે ઇન્ફોસિસ ૧.૨ ટકા ઘટી ૧૬૫૫ અને એચસીએલ ટેક્નૉ. ૧.૪ ટકાની નબળાઈમાં ૧૬૪૪ બંધ આપી ઘટવામાં મોખરે હતા. નિફ્ટી ખાતે ડૉ. રેડ્ડીઝ લૅબ ૩.૬ ટકા કે ૨૩૧ રૂપિયા ખરડાઈ ૬૧૯૩ રહ્યો છે. અન્યમાં સનફાર્મા ૧.૧ ટકા, એસબીઆઇ લાઇફ ૦.૭ ટકા, બ્રિટાનિયા પોણો ટકા, સિપ્લા અડધો ટકો ઢીલો થયા છે.

અદાણી ગ્રુપ ખાતે ફ્લૅગશિપ અદાણી એન્ટર ૩૩૪૫ની વર્ષની ટોચે જઈ પોણો ટકો વધી ૩૩૧૮, અદાણી પોર્ટ્સ ૧૩૪૯ની સર્વોચ્ચ સપાટી બનાવી ૧૩૨૨ના લેવલે ફ્લૅટ અને અંબુજા સિમેન્ટ્સ ૬૩૦ની ટૉપ દેખાડી ૧.૮ ટકો વધી ૬૧૭ હતી. એસીસી સવાબે ટકા, અદાણી ગ્રીન ત્રણ ટકા, અદાણી એનર્જી ૦.૭ ટકા, અદાણી ટોટલ સવા ટકો પ્લસ હતી. ગ્રુપના ૧૧ શૅરમાંથી અદાણી વિલ્મર નહીંવત્ ઘટ્યો છે. સાંઘી ઇન્ડ. નામજોગ નરમાઈમાં ૧૦૯ના લેવલે ફ્લૅટ હતો. પતંજલિ ફૂડ્સ તાજેતરની નબળાઈ બાદ પોણાબે ટકાના સુધારામાં ૧૫૬૬ થયો છે. ઝી એન્ટર સાડાત્રણ ટકા, ઝી મીડિયા દોઢ ટકો અને ડીશટીવી ૧.૬ ટકા ડાઉન હતી.

તમામ શૅરની મજબૂતીમાં બૅન્ક નિફ્ટી ૧૧૬૬ પૉઇન્ટ ઊછળ્યો, પેટીએમ તેજીમાં

બૅન્ક નિફ્ટી તમામ ૧૨ શૅરની મજબૂતીમાં અઢી ટકા કે ૧૧૬૬ પૉઇન્ટની છલાંગમાં ૪૭,૨૮૭ બંધ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી કેવળ એક શૅરના ઘટાડા વચ્ચે સવાબે ટકા જેવો વધ્યો છે. બૅ​ન્કિંગના ૪૧માંથી ૩૫ શૅર પ્લસ હતા. કૅનેરા બૅન્ક, યુકો બૅન્ક, સ્ટેટ બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, કર્ણાટકા બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, આરબીએલ બૅન્ક, ઍ​ક્સિસ બૅન્ક, પીએનબી સવાબેથી સાડાચાર ટકા મજબૂત હતી. કૅપિટલ સ્મૉલ બૅન્ક બે ટકા, સૂર્યોદય બૅન્ક એક ટકા અને ફિનો પેમેન્ટ બૅન્ક પોણો ટકો જેવી ઘટી છે. તામિલનાડુ બૅન્ક નામકેવાસ્તે નરમ હતી.

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૧૦૯ શૅરના સહારે ૧.૯ ટકા ઊંચકાયો છે, જેમાં બૅ​ન્કિંગની બહુ મોટી હૂંફ રહી હતી. બીએફ ઇન્વેસ્ટમેન્ટ ૬૫૧ની ટૉપ બનાવી ૧૧ ટકાની તેજીમાં ૬૩૧ના બંધમાં અત્રે મોખરે હતો. કલ્યાણી ઇન્વેસ્ટમેન્ટ ૯.૯ ટકા કે ૩૯૩ના ઉછાળે ૪૩૮૧ના શિખરે તથા તાતા ઇન્વેસ્ટમેન્ટ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૩૬૩ના જમ્પમાં ૭૬૩૫ની ટોચે ગયો છે. પેટીએમ ૫ ટકાની તેજીની સર્કિટે ૪૨૫ વટાવી ગયો હતો. આઇઆઇએફએલ સાડાપાંચ ટકા, ટૂરિઝમ ફાઇ. પાંચ ટકા, રાણે હો​​લ્ડિંગ્સ પોણાપાંચ ટકા, પીએનબી હાઉસિંગ ૪.૭ ટકા, ન્યુ ઇન્ડિયા એસ્યૉરન્સ સવાચાર ટકા અને આરઈસી ચારેક ટકા ઝળક્યો છે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ પૉલિસી બાઝાર તથા ઍપ્ટસ વૅલ્યુ ૪થી ૪.૮ ટકા ડાઉન હતાં. ખાસ્સા મજબૂત બજારમાં પણ એલઆઇસી અડધો ટકો જ વધી શક્યો છે.

આઇટીમાં ઇન્ફીનો ભાર વરતાયો, કૅપિટલ ગુડ્સમાં લાર્સનનું જોર

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ અઢી ટકા કે ૧૪૨૮ પૉઇન્ટ ઊંચકાઈને ઑલટાઇમ હાઈ બંધ થયો એમાં લાર્સનનું પ્રદાન ૧૦૮૧ પૉઇન્ટ હતું. આ શૅર ૪.૪ ટકા વધી ૩૬૩૪ બંધ થયો છે. સીજીપાવર દ્વારા ૯૨ ટકાની મૂડી-ભાગીદારી સામે ૭૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતના સાણંદ ખાતે સેમી કન્ડક્ટર્સ માસે સંયુક્ત સાહસ સ્થાપવાની જાહેરાત થતાં શૅર ૧૧ ગણા કામકાજે ઉપરમાં ૪૯૪

વટાવી પોણાપાંચ ટકા વધી ૪૬૫ બંધ થયો છે. ભેલ ૩.૪ ટકા, વીગાર્ડ સવાચાર ટકા, એલ્ગી ઇક્વિપમેન્ટ ૪.૯ ટકા, લક્ષ્મી મશીન સવાત્રણ ટકા, ભારત ફોર્જ ત્રણ ટકા મજબૂત હતી.

કન્ઝ્યુમર ડ્યુરેબ્લસ ઇન્ડેક્સની સવાબે ટકા કે ૧૧૩૬ પૉઇન્ટની તેજીમાં ટાઇટન પોણાચાર ટકા વધી ૩૭૬૫ બંધ આપીને ૯૮૧ પૉઇન્ટ ફળ્યો હતો. બ્લુસ્ટાર પોણાત્રણ ટકા, ડિક્સન ટેક્નૉ. ૪.૯ ટકા કે ૩૨૮ રૂપિયા તથા આદિત્ય બિરલા ફૅશન્સ પોણાબે ટકા અપ હતી. મેટલ ઇન્ડેક્સ તમામ ૧૦ શૅર પ્લસમાં આપી પોણાચાર ટકા કે ૧૦૩૨ પૉઇન્ટ ઊછળ્યો છે. સેઇલ પોણાદસ ટકાની છલાંગમાં ૧૩૩ વટાવી ગયો છે. વૉલ્યુમ પાંચ ગણું હતું. તાતા સ્ટીલ સાડાછ ટકા, જિંદાલ સ્ટીલ ૬ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ સાડાચાર ટકા, નાલ્કો ત્રણ ટકા વધ્યા હતા.

આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૩૨ શૅર વધવા છતાં ૨૧૦ પૉઇન્ટ કે અડધો ટકો ડાઉન થયો એમાં ઇન્ફીની સવાટકા જેવી નબળાઈનો મોટો ફાળો હતો. એચસીએલ ટેક્નૉ., લાટિમ, ટેક મહિન્દ્ર જેવા ફ્રન્ટલાઇન પણ વત્તેઓછે અંશે નરમ હતા. ટીસીએસ નામપૂરતો ચાર રૂપિયા સુધર્યો છે. વિપ્રો ૫૧૯ના લેવલે યથાવત્ બંધ આવ્યો છે. જેનેસિસ ૬૦૦ની વિક્રમી સપાટી બતાવી ૧૧ ટકાની તેજીમાં ૫૯૪ થયો છે. કેલ્ટૉન ટેક ૮.૯ ટકા, ​ક્વિક હીલ સવાપાંચ ટકા, મો​સ્ચિપ તથા સાસ્કેન સાડાત્રણ ટકા ઊંચકાયા હતા. ટેલિકૉમમાં ઇન્ડ્સ ટાવર ૨૬૪ના બેસ્ટ લેવલે જઈ સવાચાર ટકાની આગેકૂચમાં ૨૬૩ હતી. વોડાફોન ચારેક ટકા વધ્યો છે. ટેક્નૉલૉજીઝમાં ખરાબી આગળ વધારતાં ટીવી ૧૮ પોણાપાંચ ટકા અને નેટવર્ક ૧૮ ચારેક ટકા તૂટ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2024 07:45 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK