Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજેટ પ્રેરિત ૪૦૭૧ પૉઇન્ટની ઊથલપાથલ દાખવી સેન્સેક્સ સુધર્યો, નિફ્ટી માઇનસમાં

બજેટ પ્રેરિત ૪૦૭૧ પૉઇન્ટની ઊથલપાથલ દાખવી સેન્સેક્સ સુધર્યો, નિફ્ટી માઇનસમાં

02 February, 2023 02:52 PM IST | Mumbai
Anil Patel

બજેટ પ્રવચન બાદ એની અસરની પ્રારંભિક સમજ આવતી ગઈ એમ બજાર ડૂબવા લાગ્યું હતું, જેમાં સેન્સેક્સ એની ઇન્ટ્રા-ડે હાઈથી ૧૯૫૬ પૉઇન્ટ તૂટી નીચામાં ૫૮૧૧૭ થઈ ગયો હતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


યુએસ ફેડની મીટિંગની પૂર્વસંધ્યાએ અમેરિકન ડાઉ એકાદ ટકો અને નૅસ્ડૅક પોણાબે ટકા વધીને બંધ આવતાં બુધવારે વિશ્વ બજારો એકંદર સુધારાતરફી રહ્યાં છે. એશિયા ખાતે હૉન્ગકૉન્ગ, તાઇવાન અને સાઉથ કોરિયન માર્કેટ એક એક ટકો, તો ચાઇના અને થાઇલૅન્ડ ૦.૯ ટકા મજબૂત હતાં. યુરોપિયન બજારો રનિંગમાં નહીંવત્ પૉઝિટિવ જણાતાં હતાં. ઘરઆંગણે બજેટનો દિવસ હતો. શૅરબજાર ૫૦૦ પૉઇન્ટના ગૅપમાં ઉપર ખૂલ્યા પછી બજેટ દરમ્યાન ૬૦,૭૭૩ની ટોચે ગયું હતું. ૧૨૩ પૉઇન્ટની આ મજબૂતી પોકળ પુરવાર થઈ હતી. બજેટ પ્રવચન બાદ એની અસરની પ્રારંભિક સમજ આવતી ગઈ એમ બજાર ડૂબવા લાગ્યું હતું, જેમાં સેન્સેક્સ એની ઇન્ટ્રા-ડે હાઈથી ૧૯૫૬ પૉઇન્ટ તૂટી નીચામાં ૫૮૧૧૭ થઈ ગયો હતો.

અમૃતકાળના ઐતિહાસિક બજેટની આવી અવદશા નાણાસંસ્થાઓથી જીરવાઈ નહીં અને એ વહારે ચડી, છેલ્લા અડધા કલાકમાં તેમના સપોર્ટમાં માર્કેટ નીચલા મથાળેથી ૮૯૧ પૉઇન્ટ ઊંચકાઈ ૫૯૭૦૮ બંધ આવ્યું છે. દિવસ દરમ્યાન કુલ મળીને આ ૪૦૭૦ પૉઇન્ટની કાતિલ વધ-ઘટ પછી સેન્સેક્સ છેવટે ૧૫૮ પૉઇન્ટ જ વધી શક્યો છે, જ્યારે નિફ્ટી ૪૭ પૉઇન્ટના ઘટાડે ૧૭૬૧૬ બંધ થયો છે. સેન્સેક્સના સુધારા સામે નિફ્ટીની નરમાઈ મુખ્યત્વે અદાણી એન્ટર અને અદાણી પોર્ટ્સની ખુવારીને આભારી છે. મેઇન બેન્ચ માર્કના મુકાબલે માર્કેટનો આંતરપ્રવાહ ઘણો નબળો હતો. રોકડું તેમ જ બ્રૉડર માર્કેટ ખરડાયેલું હતું એથી માર્કેટ બ્રેડ્થ બગડી છે. એનએસઈમાં વધેલા ૫૨૫ શૅરની સામે ૧૩૮૩ જાતો ડાઉન હતી. બન્ને બજારના બહુમતી ઇન્ડેક્સ રેડ ઝોનમાં ગયા છે. એફએમસીજી, આઇટી ટેક્નૉ તથા મેટલ જેવા જૂજ અપવાદ અડધાથી એક ટકો પ્લસ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી પોણાછ ટકાના બગાડમાં વેસ્ટ પર્ફોર્મર બન્યો છે. બીએસઈ મેટલ ઇન્ડેક્સના અડધા ટકાના સુધારા સામે નિફ્ટી મેટલ સાડાચાર ટકા પીગળ્યો છે, જેનો અપયશ અદાણીને જાય છે. પાવર પછી ટેલિકૉમ, ઑઇલ-ગૅસ, યુટિલિટીઝ, એનર્જી જેવા બેન્ચમાર્ક પોણાબેથી સવાબે ટકા અને નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ૨.૭ ટકા કપાયા છે.



આઇટીસી લાઇફટાઇમ હાઈ બતાવી ટૉપ ગેઇનર, એચડીએફસી ટ‍્વિન્સ સુધર્યા


નિફ્ટી ખાતે આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૨ ટકા વધી ૮૫૦ ઉપરના બંધમાં તો સેન્સેક્સ ખાતે આઇટીસી ૩૬૪ની ઑલ ટાઇમ હાઈ બનાવી અઢી ટકાથી વધુના જમ્પમાં ૩૬૧નો બંધ આપીને ગેઇનર બન્યા છે. જેએસડબ્લ્યુ સ્ટીલ અને તાતા સ્ટીલ ૨ ટકા મજબૂત હતા. ટીસીએસ, એચડીએફસી બૅન્ક, એચડીએફસી, ઇન્ફી, સિપ્લા, બ્રિટાનિયા, તાતા કન્ઝ્યુમર્સ, આઇસર, લાર્સન, ટેક મહેન્દ્ર એકથી પોણાબે ટકા નજીક વધ્યા છે. રિલાયન્સ દોઢા કામકાજે પોણા ટકા નજીકની નબળાઈમાં ૨૩૩૮ થયો છે. બજાજ ફિનસર્વ ૫.૭ ટકા, સ્ટેટ બૅન્ક પોણાપાંચ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૩.૯ ટકા, સનફાર્મા બે ટકાની બુરાઈમાં સેન્સેક્સ ખાતે ખરાબીમાં મોખરે હતા. નિફ્ટી ખાતે અદાણી એન્ટર ૨૬.૭ ટકા અને અદાણી પોર્ટ્સ પોણાઅઢાર ટકા તૂટી ટૉપ લુઝર્સ બન્યા છે. અન્યમાં એચડીએફસી લાઇફ ૧૦.૮ ટકા, એસબીઆઇ લાઇફ ૮.૬ ટકા, ભારત પેટ્રો સવાબે ટકા, મહેન્દ્ર બે ટકા, કોલ ઇન્ડિયા પોણાબે ટકા, ઍક્સિસ બૅન્ક તથા મારુતિ દોઢેક ટકા ડાઉન થયા છે. પરિણામનો કરન્ટ જાળવી રાખતાં અપાર ઇન્ડસ્ટ્રી ૧૯૯૯ની નવી ટોચ બનાવી ૧૫ ટકા કે ૨૫૨ની તેજીમાં ૧૯૪૨ બંધ આવી છે. મનકસિયા ૧૩૪ના બેસ્ટ લેવલે જઈ ૧૮ ટકાના ઉછાળે ૧૩૨ નજીક રહ્યો છે. ગઈ કાલે બજારનું માર્કેટ કૅપ ૩.૬૯ લાખ કરોડ ગગડી ૨૬૬.૫૪ લાખ કરોડ નજીક નોંધાયું છે.

આ પણ વાંચો : વિકાસ અને રોજગાર પર ભાર મૂકનારું સરળ, સાદું અને સાતત્ય ધરાવતું બજેટ


અદાણીના દસેદસ શૅર ડૂલ થયા છે ૧.૮૫ લાખ કરોડ રૂપિયા સ્વાહા...

અદાણી એન્ટરનો ૨૦ હજાર કરોડનો વિક્રમી ફૉલોઑન ઇશ્યુ મંગળવારે પાર પડી જતાં લાગતું હતું કે ‘અબ અદાણી ભાગેગા...’ પરંતુ બુધવારે બજેટના દિવસે અદાણીના દસેદસ શૅર ભાંગી ગયા છે, જેને લીધે માર્કેટ કૅપમાં ૧,૮૪,૭૦૬ કરોડનો વધુ ઘટાડો થયો છે. આ સાથે છેલ્લા પાંચ દિવસમાં અદાણી ગ્રુપના માર્કેટ કૅપમાં ૭.૪૩ લાખ કરોડ કે ૯૩.૨૫ અબજ ડૉલરનું ધોવાણ થઈ ચૂક્યું છે, જે બૅન્ક વિશ્વવિક્રમ છે.

ગઈ કાલે અદાણી એન્ટર સવાબે ગણા કામકાજે નીચામાં ૧૯૪૨ થઈ ૨૮.૫ ટકાના કડાકામાં ૨૧૨૯ બંધ થયો છે. મતલબ કે અદાણી ફૅન-ક્લબવાળા ધનપતિઓએ મંગળવારે શૅરદીઠ ૩૨૭૬ના ભાવે ફૉલોઑનમાં રોકાણ કરવા લાઇન લગાવી હતી તેમને એક જ દિવસમાં ૩૫ ટકાનો ફટકો પડ્યો છે. આ શૅર ગઈ કાલે આખા બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. અદાણી પોર્ટ્સ ૪૭૦ નીચેની મલ્ટિયર બૉટમ બનાવી ૧૯.૭ ટકા લથડી ૪૯૨ બંધ હતો. અન્ય અદાણી પાવર, અદાણી વિલ્મર અને એનડીટીવી પાંચ-પાંચ ટકાની નીચલી સર્કિટે બંધ હતા. અદાણી ટોટલ ૧૦ ટકાની મંદીથી સર્કિટમાં ૧૯૦૨ થયો છે. આ સતત પાંચમી નીચલી સર્કિટ છે. અંબુજા સિમેન્ટ સાડાસોળ ટકા તો એસીસી સવાછ ટકા તરડાયા છે. અદાણી ગ્રીન પોણાછ ટકા અને અદાણી ટ્રાન્સમિશન અઢી ટકા બગડ્યા છે. અદાણી ગ્રુપ સાથે પરોક્ષ સંબંધ છે એવા શૅરોમાં મોનાર્ક નેટવર્થ ૨૦ ટકાના ધોવાણમાં ૨૩૫ બંધ હતો. સરકારી બૅન્કો અઢી ટકાથી માંડીને ૮ ટકા ધોવાઈ છે. એલઆઇસીમાં ૮.૪ ટકાનો ધબડકો થયો છે. 

ખરાબીમાં બૅન્કિંગના શૅરો અદાણી સાથે રહ્યા

ગઈ કાલે બૅન્ક નિફ્ટી આમ તો ૧૪૨ પૉઇન્ટ કે ૦.૪ ટકા જેવો સામાન્ય ઘટ્યો હતો, પરંતુ એના ૧૨માંથી ૯ શૅર નરમ હતા. જ્યારે પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબારે શેરની અઢીથી આઠ ટકાની ખુવારીમાં ૫.૭ ટકા તૂટ્યો છે. બૅન્કિંગના ૩૭માંથી ૩૨ શૅર ઘટ્યા છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણાબે ટકા, એચડીએફસી દોઢ ટકા નજીક, ફીનો પેમેન્ટ બૅન્ક સવા ટકો અને કોટક બૅન્ક ૦.૯ ટકા પ્લસ હતા. બૅન્ક ઑફ બરોડા ૮.૧ ટકા, કૅનેરા બૅન્ક સવાછ ટકા, પીએનબી ૬.૨ ટકા, યુનિયન બૅન્ક પોણાછ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સાડાપાંચ ટકા, સ્ટેટ બૅન્ક ૪.૮ ટકા, આરબીએલ બૅન્ક પોણાપાંચ ટકા ખુવાર થઈ છે.

ફાઇનૅન્સ બેન્ચમાર્ક અડધો ટકો કે ૫૨ પૉઇન્ટ જ માઇનસ હતો, પરંતુ અહીં ૧૩૭માંથી ૧૧૦ જાતો ઘટી છે. મોનાર્ક એમાં મોખરે હતો. આ ઉપરાંત જનરલ ઇન્શ્યૉરન્સ સાડાબાર ટકા, આઇસીઆઇસીઆઈ-પ્રુ લાઇફ તથા એચડીએફસી લાઇફ ૧૧ ટકા, મૅક્સ ફાઇ સર્વિસિસ સાડાનવ ટકા, એસબીઆઇ લાઇફ સવાનવ ટકા, ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ પોણાઆઠ ટકા, પૈસા લો ડિલિટલ પોણાસાત ટકા ડૂલ થયા છે. એલઆઇસી આઠ ગણા વૉલ્યુમે ૫૮૨નું વરવું બૉટમ બનાવી ૮.૪ ટકા તૂટી ૫૯૯ નીચે હતો. પૉલિસી બઝાર સવાછ ટકા, પેટીએમ ૧.૪ ટકા, ઝોમૅટો સવાત્રણ ટકા નરમ હતા. બાય ધ વે, બીએસઈ લિમિટેડ ૪૯૯ની ઐતિહાસિક બૉટમ બનાવી બે ટકા ગગડી ૫૦૪ બંધ આવી છે.

આ પણ વાંચો:  ન્યુ ટૅક્સ રેજિમમાં સામાન્ય પગારદારને કોઈ મોટી રાહત થતી નથી

રેલવે સંબંધિત શૅરોમાં ખરાબી, પતંજલિમાં મંદીની સર્કિટ લાગી

આઇટી ઇન્ડેક્સ સિલેક્ટિવ બાઇંગમાં ૬૦માંથી ૧૮ શૅરના સુધારામાં પોણો ટકો વધ્યો છે. બ્રાઇટકૉમ ૬.૪ ટકાના ઉછાળે મોખરે હતો. ફ્રન્ટલાઇનમાં ઇન્ફી અને વિપ્રો એકાદ ટકો, ટીસીએસ દોઢ ટકો વધ્યા હતા. ટેક મહિન્દ્ર અને એચસીએલ ટેક્નૉમાં પોણા ટકાથી વધુનો સુધારો હતો. લાટિમ સાધારણ વધી ૪૩૮૫ રહ્યો છે. ભારતી ઍરટેલ નહીંવત્ ઘટી ૭૬૮ હતો. તાતા કમ્યુ, એમટીએનએલ, સ્ટરલાઇટ ટેક્નૉ, ઑપ્ટિમસ, તેજસ નેટ, વોડાફોન, ઇન્ડસ ટાવર અઢીથી છ ટકા કટ થયા હતા. ટેક્નૉ સ્પેસમાં નેટવર્ક18, ટીવી18, આઇનોક્સ લિઝર, જસ્ટ ડાયલ, ઝી એન્ટર, પીવીઆર અઢીથી સાડાપાંચ ટકા ખરડાયા છે.

રેલવે માટે વિક્રમી બજેટ ફાળવણીની વાતો વચ્ચે ઇરકોન સવા ચાર ટકા, આઇઆરએફસી સાડાચાર ટકા, રેલ વિકાસ નિગમ સાડાચાર ટકા, રેલટેલ સાડાસાત ટકા, ટીટાગર વૅગન્સ પાંચ ટકાની નીચલી સર્કિટમાં, ટેક્સમાકો રેલ સવાનવ ટકા, આઇઆરસીટીસી દોઢ ટકો બગડ્યા છે. એફએમસીજી ઇન્ડેક્સ આઇટીસીના જોરમાં પોણો ટકો વધ્યો છે. અત્રે ૮૧માંથી ૫૮ શૅર નરમ હતા. ગુજ. અંબુજા એક્સપોર્ટ્સ ૮.૮ ટકા તૂટ્યો છે. પતંજલિ ફૂડ્સમાં પાંચ ટકાની મંદી
સર્કિટ હતી.

Whatsapp-channel Whatsapp-channel

02 February, 2023 02:52 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK