અમેરિકી ડૉલર ઇન્ડેક્સ અને બૉન્ડ યીલ્ડ ઘટતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું

સોનામાં ઝડપી તેજી બાદ પ્રૉફિટ બૂકિંગથી ઘટાડો
ફેડની મિનિટ્સમાં ઇન્ટરેસ્ટ રેટ વધારા વિશે વધુ સ્પષ્ટતા થવાની રાહમાં સોનામાં પ્રૉફિટ બુકિંગને પગલે ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૮૨ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૧૮૬ રૂપિયા ઘટી હતી.
વિદેશ પ્રવાહ
અમેરિકન ફેડની મીટિંગની મિનિટ્સ જાહેર થવાની હોવાથી સોનામાં પ્રૉફિટ બુકિંગને પગલે સોમવારે ઘટાડો જોવા મળ્યો હતો, પણ ફેડ હવે ઇન્ટરેસ્ટ રેટ વધારાની સાઇકલ પૂરી કરશે એ ધારણાએ સોનામાં ગયા સપ્તાહે બે ટકાની તેજી જોવાયા બાદ પ્રૉફિટ બુકિંગને પગલે ઘટાડો જોવા મળ્યો હતો. ગયા સપ્તાહે સોનાના ભાવ વધીને ૧૯૯૧.૮૦ ડૉલર થયા બાદ સોમવારે સવારે ૧૯૮૩.૮૦ ડૉલર થયા હતા, પણ બપોર બાદ પ્રૉફિટ બુકિંગ આવતાં સાંજે સોનાનો ભાવ ૧૯૭૪થી ૧૯૭૫ ડૉલર હતો. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ઘટીને પોણાત્રણ મહિનાની નીચી સપાટીએ ૧૦૩.૬૪ના લેવલે પહોંચ્યો હતો. અમેરિકાનું ઇન્ફ્લેશન ઘટતાં ફેડ હવે ડિસેમ્બર અને જાન્યુઆરી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખશે અને માર્ચમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડાના ચાન્સિસ વધીને ૩૦ ટકા થતાં ડૉલર ઇન્ડેક્સ ઘટ્યો હતો. ઑસ્ટ્રેલિયન સેન્ટ્રલ બૅન્કે તાજેતરમાં પૉલિસી મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારાનો નિર્ણય લેતાં ઑસ્ટ્રેલિયન ડૉલર વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચતાં અમેરિકન ડૉલર પર દબાણ વધ્યું હતું. ઉપરાંત ચાઇનીઝ સેન્ટ્રલ બૅન્કે પ્રાઇમ લોન રેટ જાળવી રાખતાં ચાઇનીઝ યુઆન સામે પણ ડૉલર ઘટ્યો હતો. અમેરિકી ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ ૦.૦૪ ટકા ઘટીને ૪.૪૦ ટકાએ પહોંચ્યા હતા.
અમેરિકાના હાઉસિંગ સ્ટાર્ટ નંબર્સ ઑક્ટોબરમાં ૧.૯ ટકા વધીને ૧૩.૭૨ લાખે પહોંચ્યા હતા, જે માર્કેટની ૧૩.૫૦ લાખની ધારણા કરતાં ઊંચા હતા. ર્સંગલ ફૅમિલી હાઉસિંગ સ્ટાર્ટ નંબર્સમાં ૦.૨ ટકાનો વધારો થઈને ૯.૭૦ લાખે પહોંચ્યા હતા, જ્યારે મલ્ટિ ફૅમિલી હાઉસિંગ સ્ટાર્ટ નંબર્સ ૪.૯ ટકા વધીને ૩.૮૨ લાખે પહોંચ્યા હતા. સપ્ટેમ્બરમાં હાઉસિંગ સ્ટાર્ટ નંબર્સ ૧૩.૫૮ લાખ રહ્યા હતા.
અમેરિકામાં બિલ્ડિંગ પરમિટ ઑક્ટોબરમાં ૧.૧ ટકા વધીને ૧૪.૮૭ લાખે પહોંચી હતી, જે સપ્ટેમ્બરમાં ૧૪.૭૧ લાખ હતી. અમેરિકામાં મકાનોની શૉર્ટેજ દિવસે-દિવસે વધી રહી હોવાથી હાલ બિલ્ડિંગ પરમિટ સતત વધી રહી છે. અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ ઊંચા હોવાથી બિલ્ડર્સોએ શરૂઆતમાં કન્સ્ટ્રક્શન્સ ઍક્ટિવિટી ધીમી પાડી હોવાથી રહેણાક મકાનોની શૉર્ટેજ વધી છે. ખાસ કરીને મલ્ટિ ફૅમિલી બિલ્ડિંગની પરમિટ ઑક્ટોબરમાં ૨.૨ ટકા વધીને ૫.૧૯ લાખે પહોંચી હતી. જોકે સિંગલ ફૅમિલી બિલ્ડિંગની પરમિટ માત્ર ૦.૫ ટકા વધીને ૯.૬૮ લાખે પહોંચી હતી.
પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ એક વર્ષના લોન પ્રાઇમ રેટ ૩.૪૫ ટકા અને પાંચ વર્ષના લોન પ્રાઇમ રેટ ૪.૨ ટકાએ જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. પીપલ્સ બૅન્કે સતત પાંચમા મહિને લોન પ્રાઇમ રેટ જાળવી રાખ્યા હતા. ચાઇનીઝ યુઆન સતત નબળો પડી રહ્યો હોવાથી હવે પીપલ્સ બૅન્ક પાસે લોન પ્રાઇમ રેટ ઘટાડવાની જગ્યા નથી, આથી લોન પ્રાઇમ રેટ ઘટાડ્યા હતા. ચીનની ગવર્નમેન્ટ ઑથોરિટી ઇકૉનૉમિક રિકવરી માટે અનેક પગલાં લઈ રહી છે, પણ મૉનિટરી ઇઝિંગ જેવાં પગલાં યુઆનની નબળાઈને કારણે લઈ શકે એમ નથી. ચીનના ઇકૉનૉમિક ઍનલિસ્ટો માની રહ્યા છે કે ૨૦૨૪ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં પીપલ્સ બૅન્ક લોન પ્રાઇમ રેટમાં ૨૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરશે.
યુરો એરિયાનું ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં બે વર્ષની નીચી સપાટીએ ૨.૯ ટકા રહ્યું હતું, છતાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટ કરતાં ઇન્ફ્લેશન હજી ઊંચું છે. એનર્જી કૉસ્ટ ઑક્ટોબરમાં ૧૧.૨ ટકા ઘટી હતી અને ફેડ, આલ્કોહૉલ અને ટબેકોના રેટ વધારો ઑક્ટોબરમાં ધીમો પડ્યો હતો. મન્થ્લી ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં ૦.૧ ટકા વધ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૦.૩ ટકા વધ્યું હતું.
ચાલુ સપ્તાહે અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડર અને મૅન્યુફૅક્ચરિંગ તથા સર્વિસ સેક્ટરના પ્રિલિમિનરી ગ્રોથ ડેટા જાહેર થશે. ઉપરાંત નવા અને એક્ઝિસ્ટિંગ હોમ સેલ્સના ડેટા પણ જાહેર થશે. અમેરિકાના ઇકૉનૉમિક ડેટા હવે ફેડની દિશા નક્કી કરવામાં મદદરૂપ થશે. ચાલુ સપ્તાહે ફેડની નવેમ્બરમાં યોજાયેલી મીટિંગની મિનિટ્સ પણ જાહેર થશે. આ ઉપરાંત યુરો એરિયા, બ્રિટન, જપાન, ઑસ્ટ્રેલિયા વગેરે દેશોના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ગ્રોથના પ્રિલિમિનરી ડેટા પણ જાહેર થશે. જપાન, કૅનેડા અને દક્ષિણ આફ્રિકાના ઇન્ફ્લેશનના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
સમગ્ર વિશ્વમાં સોનાની ફિઝિકલ ડિમાન્ડમાં ચીન અને ભારતનો હિસ્સો ૫૦ ટકાથી વધુ હોવાથી આગામી દિવસોમાં સોનાની તેજીને ઝડપી બનાવવામાં ફિઝિકલ ડિમાન્ડની વધ-ઘટ મહત્ત્વનો ભાગ ભજવશે. ચીનમાં ઇકૉનૉમિક રિકવરી માટે ગવર્નમેન્ટ અનેક પગલાં લઈ રહી છે, પણ ચાઇનીઝ કરન્સી યુઆનની નબળાઈને કારણે મૉનિટરી પગલાં લેવાની હવે જગ્યા નથી. આથી ઇકૉનૉમિક રિકવરી ધારણા પ્રમાણે થતી નથી. આગામી ફેબ્રુઆરી મહિનામાં લૂનાર ન્યુ યરમાં ચીનની ડિમાન્ડ કેવી રહે છે? એ સોનાની તેજી માટે મહત્ત્વનું રહેશે. ભારતમાં દિવાળીના તહેવારો દરમ્યાન ઊંચા ભાવને કારણે સોનાની ડિમાન્ડ જોઈએ એટલી વધી નથી. ફિઝિકલ ડિમાન્ડ ઉપરાંત સેન્ટ્રલ બૅન્કોની ખરીદી પણ સોનાની તેજીને ઝડપી બનાવવામાં સપોર્ટ કરશે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની સેન્ટ્રલ બૅન્કોની ખરીદીના ડેટા આવ્યા બાદ નવી દિશા નક્કી થશે. ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વધારાની સાઇકલ ઑલમોસ્ટ પૂરી થઈ જતાં હવે મૉનિટરી પૉલિસીનો સપોર્ટ સોનાની તેજીને પૂરેપૂરો મળવા લાગ્યો હોવાથી ચાલુ સપ્તાહે કોઈ નવું કારણ આવશે તો સોનું ફરીથી ૨૦૦૦ ડૉલરની સપાટીને કુદાવી જશે.

