Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સમાં ૩૯૮ પૉઇન્ટ્સનો કડાકો, નિફ્ટી ૧૭,૦૦૦ની નીચે બંધ, તમામ સેક્ટરલ ઇન્ડેક્સ તૂટ્યા

સેન્સેક્સમાં ૩૯૮ પૉઇન્ટ્સનો કડાકો, નિફ્ટી ૧૭,૦૦૦ની નીચે બંધ, તમામ સેક્ટરલ ઇન્ડેક્સ તૂટ્યા

25 March, 2023 05:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીએસઈના માર્કેટ કૅપમાં ૨.૪૯ લાખ કરોડ રૂપિયાનો સફાયો : રિલાયન્સથી સેન્સેક્સને ૧૩૪ પૉઇન્ટ્સનો ફટકો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


બજાજ ટ‍્વિન્સ ૩ ટકાથી વધુ ખરડાયા : મેટલ, રિયલ્ટી, પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ સૌથી અધિક ઘટ્યા : સીડીએસએલ-બીએસઈના સ્ટૉક નવા તળિયાની શોધમાં : મિડ કૅપ-સ્મૉલ કૅપમાં ૧ ટકાથી વધુનું ગાબડું : ક્રૂડમાં ૩ ટકાની નબળાઈ : બીએસઈના માર્કેટ કૅપમાં ૨.૪૯ લાખ કરોડનો સફાયો

એનએસઈએ ૬ ટકાનો ટ્રાન્ઝૅક્શન ચાર્જ પાછો ખેંચ્યો



એનએસઈએ કૅશ ઇક્વિટી માર્કેટ સેગમેન્ટ અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ૨૦૨૧ની પહેલી જાન્યુઆરીએ કરાયેલા ૬ ટકાના વધારાને ૨૦૨૩ની પહેલી એપ્રિલથી પાછો ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વધુમાં એનએસઈ આઇપીએફટીના ભંડોળમાં પદ્ધતિસરનો વધારો કરવા માટે કૅશ ઇક્વિટી માર્કેટ, ઇક્વિટી ફ્યુચર્સ સેગમેન્ટમાં પ્રતિ કરોડના વૉલ્યુમ પર ૦.૦૧ને બદલે કરોડ દીઠ ૧૦ રૂપિયાનો અને ઇક્વિટી ઑપ્શનમાં ૦.૦૧ને બદલે કરોડ દીઠ ૫૦ રૂપિયાનો ચાર્જ વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે.


યુએસ ફેડ દ્વારા વ્યાજદરોમાં વધારા કર્યા બાદ ગુરુવારે અમેરિકાના માર્કેટમાં ભારે વૉલેટિલિટી જોવા મળી હતી. ડાઉ ઉપલા સ્તરેથી આશરે ૪૦૦ પૉઇન્ટ્સ તૂટીને સામાન્ય સુધારા સાથે બંધ થયો હતો. જોકે આઇટી-ટેક સ્ટૉક્સમાં ખરીદીને લીધે નૅસ્ડૅકે એકાદ ટકાના સુધારા સાથે ક્લોઝિંગ આપ્યું હતું. ગઈ કાલે સવારે એશિયન માર્કેટ તરફથી પૉઝિટિવ ટ્રિગરનો અભાવ જોવા મળ્યો હતો. તાઇવાન અને જકાર્તાને બાદ કરતાં તમામ એશિયન માર્કેટ ડાઉન હતાં. જપાનનો નિક્કી ૦.૧૩ ટકાના સાધારણ ઘટાડા સાથે બંધ થયો હતો. હૅન્ગસૅન્ગ અને શાંઘાઈ લગભગ પોણા ટકાની નબળાઈ સાથે ક્લોઝ થયા હતા. યુરોપિયન માર્કેટ ખૂલતાંની સાથે જ ૧.૫-૨ ટકા ડાઉન હતી. ઘરઆંગણે સેન્સેક્સ-નિફ્ટીમાં ટ્રેડિંગના પ્રારંભથી જ વૉલેટાઇલ ટ્રેડિંગ જોવા મળ્યું હતું અને બપોર સુધીમાં માર્કેટ સાંકડી રેન્જમાં ટ્રેડ થઈ રહી હતી. જોકે ગુરુવારની જેમ જ ગઈ કાલે પણ ટ્રેડિંગના છેલ્લા કલાકોમાં માર્કેટમાં વેચવાલી જોવા મળી હતી અને છેવટે સેન્સેક્સ-નિફ્ટી પોણા ટકાની આસપાસ ઘટીને બંધ થયા હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૩૯૮ પૉઇન્ટ્સ ઘટીને ૫૭,૫૨૭ પર જ્યારે નિફ્ટી ૧૩૨ પૉઇન્ટ્સ તૂટીને ૧૬,૯૪૫ પર બંધ રહ્યા હતા. સેન્સેક્સની ૩૦માંથી માત્ર પાંચ જ કંપનીઓ વધી હતી, જ્યારે નિફ્ટીના ૫૦માંથી ફક્ત ૯ સ્ટૉક્સ જ વધ્યા હતા. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ ખાતે કુલ ૩૬૩૦ સ્ટૉક્સમાંથી ૯૬૭ સ્ટૉક્સ વધ્યા હતા, જ્યારે ૨૫૪૧ સ્ટૉક્સ ઘટ્યા હતા. આમ માર્કેટ બ્રેડ્થ ઘણી નબળી રહી હતી. નિફ્ટી-૫૦ ઇન્ડેક્સમાં ૧ ટકાની મજબૂતી સાથે સિપ્લા ટૉપ ગેઇનર પુરવાર થયો હતો. ત્યાર બાદ કોટક મહિન્દ્ર બૅન્ક અને અપોલો હૉસ્પિટલ માત્ર પા ટકાના સુધારા સાથે બંધ થયા હતા. બજાજ ફિનસર્વ આશરે ૪ ટકાના કડાકા સાથે નિફ્ટી-૫૦નો ટૉપ લૂઝર સાબિત થયો હતો. ત્યાર બાદ બજાજ ફાઇનૅન્સ ૩ ટકા તૂટીને ૫૬૪૫ રૂપિયા પર બંધ રહ્યો હતો. લાર્જ કૅપના પોણા ટકાના ઘટાડા સામે મિડ કૅપ-સ્મૉલ કૅપ ઇન્ડેક્સ આશરે ૧ ટકા ડાઉન થયા હતા. નિફ્ટી મિડ કૅપની ૧૦૦માંથી માત્ર ૧૭ કંપનીઓ જ વધીને બંધ રહી હતી. નિફ્ટી મિડ કૅપમાં આદિત્ય બિરલા કૅપિટલ ૭ ટકાના ઘટાડા સાથે ટૉપ લૂઝર રહ્યો હતો. ત્યાર બાદ જેએસડબ્લ્યુ એનર્જી, જિંદલ સ્ટીલ, એલઆઇસી હાઉસિંગ અને બૅન્ક ઑફ ઇન્ડિયા ૪-૫ ટકાની રેન્જમાં તૂટ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આશરે બે ટકાના ઘટાડા સાથે ૨૨૦૩ રૂપિયા પર ક્લોઝ થયો હતો. રિલાયન્સે સતત બીજા સેશનમાં સેન્સેક્સને સૌથી વધુ ફટકો પહોંચાડ્યો હતો. રિલાયન્સના ઘટાડાને પરિણામે સેન્સેક્સના ૧૩૪ પૉઇન્ટ્સ સાફ થઈ ગયા હતા.
ઍક્સેન્ચરમાં સારાં પરિણામનો
આઇટી સ્ટૉક્સને સપોર્ટ
આઇટી ક્ષેત્રની જાયન્ટ કંપની ઍક્સેન્ચરે સેકન્ડ ક્વૉર્ટરમાં ઘણાં સ્ટ્રૉન્ગ રિઝલ્ટ જાહેર કર્યાં છે. ઍક્સેન્ચરનો કૉન્સ્ટન્ટ કરન્સી રેવેન્યુ ગ્રોથ ૯ ટકા રહ્યો છે. કંપનીએ અગાઉ ૬-૧૦ ટકાના કૉન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ ગ્રોથનું ગાઇડન્સ આપ્યું હતું. આ ઉપરાંત કંપનીને સેકન્ડ ક્વૉર્ટરમાં ૧૫.૨-૧૫.૭૫ અબજ ડૉલરના ગાઇડન્સની સામે ૧૫.૮૧ અબજ ડૉલરની રેવન્યુ થઈ છે. ઍક્સેન્ચર દ્વારા સારાં પરિણામ જાહેર કરાતાં ઇન્ડિયન આઇટી સ્ટૉક્સ પર પૉઝિટિવ અસર જોવા મળી હતી. માર્કેટના નેગેટિવ સેન્ટિમેન્ટ વચ્ચે પણ આઇટી ઇન્ડેક્સ માંડ પા ટકો જ ડૂલ થયો હતો. એલઍન્ડટી ટેક ૦.૮૪ ટકા વધીને ૩૩૮૯ રૂપિયા પર બંધ થયો હતો. ટેક મહિન્દ્ર અને ઇન્ફોસિસ પા ટકો સુધરીને અનુક્રમે ૧૧૦૩ રૂપિયા અને ૧૩૭૯ રૂપિયા પર ક્લોઝ થયા હતા. વિપ્રો ૩૬૧ રૂપિયા પર ફ્લૅટ બંધ રહ્યો હતો. નિફ્ટી ખાતે રિયલ્ટી ઇન્ડેક્સ સૌથી અધિક ઘટ્યો હતો. નિફ્ટી રિયલ્ટી ૨.૩૩ ટકા ઘટીને ૩૮૧ પર બંધ રહ્યો હતો. નિફ્ટી રિયલ્ટીની તમામ ૧૦ કંપનીઓ ઘટીને બંધ થઈ હતી. ઇન્ડિયાબુલ્સ રિયલ ૬ ટકા એટલે કે ૩ રૂપિયા ઘટીને ૫૧.૫ રૂપિયા પર બંધ થયો હતો. ડીએલએફ ૧૪ રૂપિયા (૪ ટકા) ડૂલ થઈને ૩૫૩.૫ રૂપિયા પર, લોઢા ૨.૬ ટકા ડાઉન થઈને ૮૨૫ રૂપિયા પર, ગોદરેજ પ્રૉપર્ટીઝ ૨૬ રૂપિયાના ઘટાડા સાથે ૧૦૪૧ રૂપિયા પર બંધ રહ્યા હતા. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ૧૨૫ પૉઇન્ટ્સ (૨.૨ ટકા) ઘટીને ૫૩૭૩ પર ક્લોઝ થયો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સની ૧૫માંથી માત્ર એક સ્ક્રિપ હિન્દ ઝિન્ક વધીને બંધ થઈ હતી. સ્ટીલ ઑથોરિટી ૩ ટકા ઘટીને ૮૨ રૂપિયા પર, તાતા સ્ટીલ ૩ રૂપિયાના કડાકા સાથે ૧૦૨ રૂપિયા પર અને હિન્દાલ્કો ૨.૭ ટકાના ઘટાડા સાથે ૩૮૮ રૂપિયા પર ક્લોઝ થયા હતા.
કૅમ્પસ ઍક્ટિવવિયરમાં બ્લૉક
ડિલ, સ્ટૉક ૮ ટકા ખરડાયો
દેશની સૌથી મોટી સ્પોર્ટ્સ ફુટવેઅર બ્રૅન્ડ કૅમ્પસ ઍક્ટિવવિયર લિમિટેડના સ્ટૉક્સમાં ગઈ કાલે બે બ્લૉક ડિલ થઈ હતી. સૂત્રો મુજબ યુએસ ઍસેટ મૅનેજમેન્ટ ફર્મ ટીપીજી ગ્લોબલે એક બ્લૉક ડિલ મારફતે કૅમ્પસ ઍક્ટિવવિયરમાં એનો સંપૂર્ણ ૭.૬૨ ટકા હિસ્સો વેચ્યો હતો. આ ડિલ માટે ૩૪૫ રૂપિયાની ફ્લોર પ્રાઇસ નક્કી કરાઈ હતી. આ ઉપરાંત એક મોટા વિદેશી ઇન્સ્ટિટ્યુશનલ હોલ્ડિંગ કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઑથોરિટી ફન્ડે કૅમ્પસમાંથી પોતાનું ૧.૨૭ ટકા હોલ્ડિંગ વેચ્યું હતું. આ ડિલની કૅમ્પસ ઍક્ટિવવિયર લિમિટેડના સ્ટૉક્સ પર નેગેટિવ અસર જોવા મળતાં સ્ટૉક ૮ ટકા જેટલો એટલે કે ૩૦ રૂપિયા તૂટીને ૩૩૯ રૂપિયા પર બંધ રહ્યો હતો. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ પર બે સપ્તાહના સરેરાશ માંડ ૩૪,૦૦૦ શૅર્સના વૉલ્યુમની તુલનાએ ગઈ કાલે ૧૮ લાખ શૅરોનું વૉલ્યુમ નોંધાયું હતું. અન્ય ફુટવેઅર સ્ટૉક્સમાં લિબર્ટી શૂઝ ૪ ટકા, રિલેક્સો ફુટવેઅર બે ટકા, મિર્ઝા ઇન્ટરનૅશનલ ૧.૫ ટકા અને ખાદીમ ઇન્ડિયા ૧ ટકાની નબળાઈ સાથે બંધ થયા હતા.
ઍરોસ્પેસ-ડિફેન્સ સેગમેન્ટની અગ્રણી કંપની હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડના સ્ટૉક્સમાં ગઈ કાલે રિક્વરી જોવા મળતાં ૩ ટકાનો જમ્પ નોંધાયો હતો. ટ્રેડિંગના અંતે કાઉન્ટર ૭૨ રૂપિયાની તેજીમાં ૨૫૭૦ રૂપિયા પર બંધ રહ્યું હતું. કંપનીની ઑફર ફૉર સેલને જબરદસ્ત રિસ્પૉન્સ પ્રાપ્ત થયા બાદ સરકારે હવે ગ્રીન શૂ ઑપ્શનના અમલીકરણનો નિર્ણય લીધો છે. ગ્રીન શૂ ઑપ્શનનો મતલબ છે કે અગાઉ નક્કી કરાયેલી ઇશ્યુ સાઇઝની તુલનાએ વધુ શૅર્સનો વિકલ્પ રાખવો. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સનો ઑફર ફૉર સેલ પ્રથમ દિવસે ૪.૫ ગણો સબસ્ક્રાઇબ થતાં નાણાં મંત્રાલયે ગુરુવારે ગ્રીન શૂ ઑપ્શનને મંજૂરી આપી હતી. 
બૅન્ક નિફ્ટી ઇન્ડેક્સ ગઈ કાલે ૨૨૧ પૉઇન્ટ્સના ઘટાડા સાથે ૩૯,૩૯૫ પર બંધ રહ્યો હતો. બૅન્ક નિફ્ટીના ૧૨માંથી ૧૧ સ્ટૉક્સ ઘટીને બંધ થયા હતા. બંધન બૅન્ક સૌથી વધુ પાંચ ટકા એટલે કે ૧૦ રૂપિયા ઘટીને ૨૦૨ રૂપિયા પર ક્લોઝ થયો હતો. પંજાબ નૅશનલ બૅન્ક ૧.૫ રૂપિયા ઘટીને ૪૫ રૂપિયા પર, આઇડીએફસી ફર્સ્ટ ૧.૧ રૂપિયા ડૂલ થઈને ૫૪ રૂપિયા પર ક્લોઝ થયા હતા. એયુ બૅન્ક અને બૅન્ક ઑફ બરોડાના સ્ટૉકમાં આશરે બે ટકાની નરમાશ નોંધાઈ હતી. 
નિફ્ટી ફાર્મા સેક્ટરમાં ઓરોબિન્દો ફાર્મા ટૉપ ગેઇનર
કોરોનાએ ફરીથી માથું ઊંચકતાં પસંદગીના ફાર્મા સ્ટૉક્સમાં ખરીદી જોવા મળી હતી. ઑરોબિન્દો ફાર્મા આશરે ૩ ટકાની તેજીમાં ૫૦૦ રૂપિયા પર ક્લોઝ થયો હતો. ત્યાર બાદ સિપ્લા ૧ ટકો એટલે કે ૯ રૂપિયાની તેજીમાં ૮૭૮ રૂપિયા પર બંધ રહ્યો હતો. અલ્કેમ લૅબ્સ અને ગ્રેન્યુઅલ્સ પણ અડધા ટકાની આસપાસ વધ્યા હતા. ફાઇઝર, ગ્લૅન્ડ ફાર્મા અને ડૉ. રેડ્ડીઝ આશરે પા ટકો સુધર્યા હતા. નિફ્ટી ફાર્મા ખાતે બાયોકૉન ટૉપ લૂઝર પુરવાર થયો હતો. બાયોકૉનનો સ્ટૉક પાંચ ટકા એટલે કે ૧૦ રૂપિયાના કડાકા સાથે ૧૯૭ રૂપિયા પર બંધ રહ્યો હતો. વૉકહાર્ટનો સ્ટૉક ગઈ કાલે ૬ ટકાના ઘટાડા સાથે ૧૬૧ રૂપિયા બંધ રહીને વર્ષના તળિયે પહોંચ્યો હતો.
રેલ વિકાસ નિગમમાં શૅરદીઠ ૧.૭૭ રૂપિયાના વચગાળાના ડિવિડંડની જાહેરાત બાદ ઇન્ટ્રાડે સ્ટૉકમાં તેજી જોવા મળી હતી. જોકે છેવટે કાઉન્ટર ફ્લૅટ ક્લોઝ થયું હતું. ઇન્ડિયા રેટિંગ્સ દ્વારા રેટિંગ ડાઉનગ્રેડ કરાતાં એશિયન એનર્જીના સ્ટૉક્સમાં ૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. સરકારી કંપની આઇટીઆઇનો સ્ટૉક ગઈ કાલે માર્કેટના ઘટાડાના માહોલ વચ્ચે પણ ૧૧ ટકા સુધરીને ૯૮ રૂપિયા પર બંધ રહ્યો હતો. આ સ્ટૉકના વૉલ્યુમમાં પણ બે સપ્તાહના ઍવરેજ વૉલ્યુમની તુલનાએ ૬૦ ગણો ઉછાળો નોંધાયો હતો. ભારત ઇલેક્ટ્રૉનિક્સ સાથે ડિફેન્સ મિનિસ્ટરીએ ૩૮૦૦ કરોડ રૂપિયાના બે કૉન્ટ્રૅક્ટ કર્યા હોવાની સ્ટૉક પર કઈ ખાસ અસર જોવા મળી નહોતી અને કાઉન્ટર ૧ ટકો ઘટીને ૯૧.૪ રૂપિયા પર બંધ રહ્યું હતું. 
FIIનું ૧૭૨૦ કરોડ રૂપિયાનું નેટ સેલિંગ, DIIની ચોખ્ખી ખરીદી
FII (વિદેશી સંસ્થાકીય રોકાણકારો)એ ગઈ કાલે કુલ ૫૨૯૧ કરોડ રૂપિયાની ગ્રોસ ખરીદી કરી હતી, જ્યારે ૭૦૧૧ કરોડ રૂપિયાની ગ્રોસ વેચવાલી કરી હતી. આમ FIIએ ગઈ કાલે ૧૭૨૦ કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી નોંધાવી હતી. DII (સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો)એ કાલે કુલ ૫૪૧૮ કરોડ રૂપિયાની ગ્રોસ ખરીદી કરી હતી, જ્યારે ૨૮૬૩ કરોડ રૂપિયાની
ગ્રોસ વેચવાલી કરી હતી. આમ DIIએ ૨૫૫૬ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી નોંધાવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2023 05:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK