Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બ્રૉડર માર્કેટ અને રોકડામાં ખરાબી વચ્ચે સેન્સેક્સ સાધારણ સુધર્યો, એનજીમાં નરમાઈ

બ્રૉડર માર્કેટ અને રોકડામાં ખરાબી વચ્ચે સેન્સેક્સ સાધારણ સુધર્યો, એનજીમાં નરમાઈ

10 February, 2024 08:22 AM IST | Mumbai
Anil Patel

નફામાં ૪૧ ટકાના ઘટાડા વચ્ચે ગ્રાસિમ ૧૧૧ના ઉછાળે નવા શિખરે, એનો પાર્ટ પેઇડ ૧૦ ટકાની તેજીમાં: માર્જિન તેમ જ ચોખ્ખો નફો બહેતર રહેવા છતાં એમઆરએફમાં ૫૪૩૬ રૂપિયાનો કડાકો: કિસાન મોલ્ડિંગ્સમાં અપોલો પાઇપ્સ ૧૨૫ કરોડ રોકવા સક્રિય, બન્ને શૅર નવા શિખરે ગયા

પ્રતીકાત્મક તસવીર માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


શૅરબજારે સાધારણ સુધારા સાથે સપ્તાહને વિદાય આપી છે. સેન્સેક્સ નેગેટિવ બાયસમાં ફ્લૅટ, ૭૧,૪૧૦ ખૂલી ૧૬૭ પૉઇન્ટ વધીને ૭૧,૫૯૫ તથા નિફ્ટી ૬૪ પૉઇન્ટ વધી ૨૧,૭૮૨ બંધ થયો છે. શુક્રવારે વધ-ઘટની રેન્જ સાંકડી હતી. શૅર આંક નીચામાં ૭૧,૨૦૦ અને ઉપરમાં ૭૧,૬૭૬ થયો હતો. બીજું સત્ર એકંદર ધીમા સુધારાતરફી હતું. બન્ને બજારના સેક્ટોરલ મિશ્ર વલણમાં હતા. સેન્સેક્સ, નિફ્ટીના સામાન્ય સુધારા સામે રોકડું ખરાબ હતું. સ્મૉલ કૅપ ૧.૪ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ પોણો ટકા ડાઉન હતા. બ્રૉડર માર્કેટનો આંક ૫૦ પૉઇન્ટ જેવો મામૂલી ઘટ્યો હતો, પરંતુ અત્રે ૫૦૧માંથી ૩૪૧ શૅર માઇનસ થયા છે. તાજેતરની રેલી બાદ પ્રૉફિટ બુકિંગમાં ઑઇલ-ગૅસ, એનર્જી, પાવર અને યુટિલિટી શૅરો બહુધા ઘટ્યા છે. ઉક્ત બેન્ચમાર્ક સવાથી બે ટકા નજીક નરમ હતા. મેટલ ઇન્ડેક્સ ૧.૬ ટકા, ટેલિકૉમ દોઢ ટકા, આઇટી ટેક્નૉલૉજીસ અડધો-પોણો ટકો, કૅપિટલ ગુડ્સ પોણા ટકાથી વધુ, ઑટો ઇન્ડેક્સ પોણો ટકા ડાઉન હતા. બૅન્ક નિફ્ટી ૧.૪ ટકા કે ૬૨૨ પૉઇન્ટ સુધર્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી એક ટકો આગળ વધ્યો છે. નિફ્ટી ફાર્મા અને હેલ્થકૅર ઇન્ડેક્સ અડધો ટકો પ્લસ હતા. ખાસ્સી નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં એનએસઈ ખાતે વધેલા ૬૫૧ શૅરની સામે ૧૫૦૧ જાતો ઘટી હતી. પ્રોવિઝનલ ફીગર પ્રમાણે બજારનું માર્કેટ કૅપ પણ ૧.૮૫ લાખ કરોડ ઘટી ૩૮૬.૩૬ લાખ કરોડ રહ્યું છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૦.૭ ટકા કે ૪૯૦ પૉઇન્ટ અને નિફ્ટી ૦.૩ ટકા કે ૭૧ પૉઇન્ટ ઘટ્યા છે. પાકિસ્તાન ખાતે જનરલ ઇલેક્શનમાં પ્રાથમિક પરિણામમાં ઇમરાન ખાનની પાર્ટી લીડમાં હોવાના અહેવાલ વચ્ચે ત્યાંનું શૅરબજાર ભારે ઊથલપાથલમાં જોવાયું છે. કરાચી શૅરબજારનો ઇન્ડેક્સ ૬૪,૧૪૪ના આગલા બંધ સામે ૬૩,૨૯૨ ખૂલી નીચામાં ૬૧,૭૮૨ થઈ રનિંગમાં બે ટકા કે ૧૨૧૯ પૉઇન્ટની ખરાબીમાં ૬૨,૯૩૩ દેખાયો છે. 
સ્ટેટ બૅન્કમાં નવાં શિખર જારી, યુપીએલમાં નવી નીચી સપાટી

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૬ અને નિફ્ટીના ૫૦માંથી ૨૭ શૅર વધ્યા હતા. સ્ટેટ બૅન્ક વૉલ્યુમ સાથે ૭૨૮ની નવી વિક્રમી સપાટી બનાવી ૩.૫ ટકાની આગેકૂચમાં ૭૨૪ થઈ સેન્સેક્સ ખાતે મોખરે હતી. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૧ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૪ ટકા, બજાજ ફાઇ ૧.૨ ટકો, ટાઇટન ૧.૨ ટકા, નેસ્લે ૧.૧ ટકા, એશિયન પેઇન્ટ્સ પોણો ટકો વધ્યા હતા. સનફાર્મા પોણાત્રણ ગણા કામકાજે ૧૫૩૯ની સર્વોચ્ચ સપાટી બાદ ૨.૩ ટકા વધી ૧૫૩૫ રહી છે. ગ્રાસિમનો કન્સોલિડેટેડ ત્રિમાસિક નેટ પ્રૉફિટ ૪૧ ટકા જેવો ઘટી ૨૬૦૩ કરોડ નોંધાયો છે, પરંતુ ૨૧૮૨ની ઑલટાઇમ હાઈ બનાવી ૫.૪ ટકા કે ૧૧૧ રૂપિયાની તેજીમાં ૨૧૬૮ બંધ આપી નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. એનો પાર્ટપેઇડ તો ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૭૬૯ના બેસ્ટ લેવલે ગયો છે. અપોલો હૉસ્પિટલ્સ ૬૪૭૪ના શિખર બાદ ૩.૩ ટકા કે ૨૦૬ના જમ્પમાં ૬૪૩૭ થયો છે. બ્રિટાનિયા ૧.૯ ટકા કે ૯૬ રૂપિયા, હીરો મોટોકૉર્પ બે ટકા કે ૧૦૧ની તેજીમાં ૪૯૦૯ની નવી ટોચે, સિપ્લા ૧.૪ ટકા અપ હતા. રિલાયન્સ ૦.૭ ટકા વધી ૨૯૨૨ વટાવી ગયો છે.મહિન્દ્ર ૨.૪ ટકા ગગડી ૧૬૪૭ના બંધમાં બન્ને બજાર ખાતે વર્સ્ટ પર્ફોર્મર હતો. ભારતી ઍરટેલ ૧.૯ ટકા, એનટીપીસી પોણાબે ટકા, તાતા સ્ટીલ ૧.૭ ટકા, ઇન્ફોસિસ ૧.૪ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૩ ટકા, પાવરગ્રીડ તથા તાતા મોટર્સ એક ટકા, ઓએન‌જીસી બે ટકા, હિન્દાલ્કો ૧.૬ ટકા, એસબીઆઇ લાઇફ ૧.૩ ટકા, એચડીએફસી લાઇફ સવા ટકો, ભારત પેટ્રો એક ટકા ડાઉન હતા. યુપીએલ ૪૫૩ની મલ્ટિયર બૉટમ બનાવી દોઢેક ટકો ગગડી ૪૫૭ હતો.


અદાણી ગ્રુપમાં ફ્લૅગશિપ અદાણી એન્ટર ૧.૪ ટકા, અદાણી પોર્ટ્સ બે ટકા, અદાણી પાવર પોણો ટકો, અદાણી ગ્રીન પોણાત્રણ ટકા વધ્યા છે. એસીસી ૨૬૪૫ની ટોચે જઈ સવાચાર ટકા કે ૧૦૮ના ઉછાળે ૨૬૧૮ થયો છે. અંબુજા સિમેન્ટ્સ ૨.૪ ટકા પ્લસ હતો. ગ્રુપના ૧૧માંથી ૩ શૅર ઘટ્યા છે. સાંધી ઇન્ડ. ચારેક ટકા તૂટી ૧૧૫ની અંદર તો અદાણી વિલ્મર એક ટકાની નજીક નરમ હતો. અદાણી સાથે ઘરોબો ધરાવતી મોનાર્ત નેટવર્થ ૬૭૨ના બેસ્ટ લેવલે જઈ સાડાત્રણ ટકા વધી ૬૪૯ હતી. ક્વિન્ટ ડિજિટલ બે ટકા ઘટી ૧૪૧ થઈ છે. બાબા રામદેવની પતંજલિ ફૂડ્સ નીચામાં ૧૫૬૫ થઈ ૩.૭ ટકા ગગડી ૧૬૦૩ હતી.

એલઆઇસી નવી ટોચે જઈ ઘટાડે બંધ, એમસીએક્સ પરિણામ પૂર્વે માઇનસમાં


બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સથવારે ૧.૪ ટકા કે ૬૨૨ પૉઇન્ટ તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના ઘટાડા વચ્ચે પણ એકાદ ટકો વધી નવી ટોચે બંધ થયો છે. બૅન્કિંગ સેક્ટરના ૩૯માંથી ૧૫ શૅર પ્લસ હતા. યસ બૅન્ક ૪.૫ ટકા, બૅન્ક ઑફ બરોડા ૩.૮ ટકા, સ્ટેટ બૅન્ક સાડાત્રણ ટકા વધી નવા શિખરે ગઈ છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૧ ટકા વધી ૧૦૧૧ના બંધમાં સેન્સેક્સને સર્વાધિક ૧૩૦ પૉઇન્ટ ફળી છે. ઇસફ સ્મૉલ બૅન્ક નબળા રિઝલ્ટમાં ૧૬.૩ ટકા તૂટી ૬૫ ઉપર રહી હતી. ફીનો પેમેન્ટ બૅન્ક પોણાછ ટકા, ઉત્કર્ષ બૅન્ક ચાર ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક ૩.૯ ટકા, આઇડીબીઆઇ સાડાત્રણ ટકા, જેકે બૅન્ક અને સૂર્યોદય બૅન્ક અઢી ટકા, પંજાબ સિંઘ બૅન્ક પોણાછ ટકા, યુકો બૅન્ક ૪.૪ ટકા, આઇઓબી અને બૅન્ક ઑફ મહારાષ્ટ્ર પોણાચાર ટકા કટ થઈ છે. એચડીએફસી બૅન્ક નામજોગ ઘટી ૧૪૦૩ હતી.

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૯૪ શૅર ઘટવા છતાં ૩૮ પૉઇન્ટ જેવો સુધર્યો છે. એલઆઇસી પરિણામ પાછળ પ્રારંભિક સુધારામાં ૧૧૭૫ની વિક્રમી સપાટી હાંસલ કરી પ્રૉફિટ બુકિંગમાં સવાબે ટકા ગગડી ૧૦૮૧ નીચે રહી છે. જનરલ ઇન્શ્યૉરન્સ આઠ ટકા તો ન્યુ ઇન્ડિયા એશ્યૉરન્સ સાડાચાર ટકા ડૂલ થઈ હતી. એમસીએક્સ પરિણામની પૂર્વસંધ્યાએ ૩૯૯૦ના શિખરે જઈ સવા ટકો ઘટી ૩૮૩૧ હતો. ધાની સર્વિસિસ નવ ટકા, ઇકરા ૬ ટકા, પેટીએમ ૬.૧ ટકા, આરઈસી સવાપાંચ ટકા, આઇઆરએફસી પાંચ ટકા, પાવર ફાઇનૅન્સ સાડાઆઠ ટકા ધોવાઈ હતી.

ટેલિકૉમમાં નબળાઈ વચ્ચે વોડાફોન સામા પ્રવાહે, ઓરેકલમાં નવી ટૉપ

આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૪૬ શૅરની નબળાઈમાં અડધો ટકો કે ૨૨૪ પૉઇન્ટ નરમ હતો. ટીસીએસ ૪૧૮૪ ઉપર નવી ટૉપ બનાવી ૪૧૩૪ના લેવલે ફ્લૅટ રહ્યો છે. ઇન્ફી ૧.૪ ટકા ઘટી ૧૬૭૦ નીચે ઊતરી ગયો છે. એચસીએલ ટેક્નૉ નહીંવત ઢીલો હતો. ઓરેકલ ૭૫૯૩ની વિક્રમી સપાટી બાદ ૨૬૬ રૂપિયા કે ૩.૭ ટકાની મજબૂતીમાં ૭૫૦૦ બંધ હતો. થ્રીઆઇ ઇન્ફોટેક ૬.૮ ટકા, ડેટામેટિક્સ સાડાપાંચ ટકા, ૬૩ મૂન્સ અને ઇન્ટલેક્ટ ડિઝાઇન પોણાપાંચ ટકા સાફ થયા છે. ટેલિકૉમમાં વોડાફોન પોણાપાંચ ટકા વધી સામા પ્રવાહે સાડાપંદર ઉપર બંધ રહ્યો છે. ઑન મોબાઇલ સવાબાર ટકા, રેલટેલ આઠ ટકા, એમટીએનએલ સવાસાત ટકા, તાતા ટેલિ સાડાપાંચ ટકા, આઇટીઆઇ પોણાપાંચ ટકા, એચએફસીએલ સાડાચાર ટકા, વિન્દય ટેલિ પોણાચાર ટકા, ઓપ્ટિમસ સાડાત્રણ ટકા કપાયા હતા. ઝી એન્ટર પાંચ ટકા ઊંચકાઈ ૨૦૩ વટાવી ગયો છે. જસ્ટ ડાયલ ૪.૪ ટકા, નેટવર્ક-૧૮ પોણાચાર ટકા, સનટીવી અને તેજસ નેટ અઢી ટકા, ટીવી-૧૮ પોણાબે ટકા બગડ્યા હતા.

ઑટોમાં હીરો મોટોકૉર્પ પરિણામ પૂર્વે ૪૯૨૪ના શિખરે જઈ બે ટકા કે ૯૯ વધી ૪૯૦૮ થયો છે. અપોલો ટાયર્સ ૫.૪ ટકા તૂટી ૫૧૦ હતો. એમઆરએફ લિમિટેડ માર્જિનમાં સવાસાત ટકાના વધારા સાથે ૧૯૧ ટકાના વધારામાં ૫૧૦ કરોડ નેટ પ્રૉફિટ કર્યો હોવા છતાં શૅર પરિણામ બાદ નીચામાં ૧,૩૬,૩૫૦ થઈ પોણાચાર ટકા કે ૫૪૩૬ રૂપિયા ખરડાઈને ૧,૩૭,૦૪૭ બંધ રહ્યો છે.

ઝાયડ્સ લાઇફનાં સારાં પરિણામ, શૅરદીઠ ૧૦૦૫ના ભાવે બાયબૅક 
ઝાયડ્સ લાઇફ દ્વારા ૬૮૩ કરોડની એકંદર ધારણા સામે ૭૯૦ કરોડના ત્રિમાસિક નફા સાથે બહેતર પરિણામ રજૂ થયા છે. વધુમાં કંપનીએ શૅરદીઠ મહત્તમ ૧૦૦૫ રૂપિયા સુધીના ભાવથી ૬૦૦ કરોડ રૂપિયાનું બાયબૅક નક્કી કર્યું છે, જેની રેકૉર્ડ ડેટ ૨૩ ફેબ્રુઆરી ઠરાવી છે. શૅર ગઈ કાલે અઢી ગણા વૉલ્યુમે ૮૨૧નું બેસ્ટ લેવલ બનાવી છેલ્લે અડધો ટકો વધી ૮૦૫ ઉપર બંધ આવ્યો છે. મેક્સ હેલ્થકૅર દ્વારા નાગપુરની એલેક્સિસ હૉસ્પિટલ્સને ૪૧૨ કરોડમાં હસ્તગત કરાઈ છે. મેક્સ હેલ્થકૅર ૮૮૩ના શિખરે જઈ અડધો ટકો વધી ૮૭૬ રહ્યો છે. મામાઅર્થ ફેમ હોનાસા કન્ઝ્યુમરનો ત્રિમાસિક નફો ૨૫૦ ટકા વધી ૨૬ કરોડ આવતાં શૅર સાડાત્રણ ટકા વધી ૪૩૩ નજીક ગયો છે. ઝોમૅટો સારા પરિણામનો કરન્ટ જાળવી રાખતાં ૧૫૧ની બે વર્ષની ટોચે જઈ પોણાચાર ટકાની આગેકૂચમાં ૧૪૯ વટાવી ગયો છે.

પીએસયુ ઇન્ડેક્સ પોણાબે અને સેન્ટ્રલ પીએસયુનો આંક ત્રણ ટકા તૂટ્યો હતો. અત્રે એમએસટીસી, પાવર ફાઇનૅન્સ, કેઆઇઓસીએલ, રેલટેલ, જનરલ ઇન્શ્યૉરન્સ, રેલ વિકાસ નિગમ, ભારત અર્થમૂવર્સ, એમટીએનએલ, હિન્દુ. કૉપર, શિપિંગ કૉર્પોરેશન, સતલજ જલ વિદ્યુત, એન્ડ્રુયેલ, એન્જી. ઇન્ડિયા ૬થી ૧૦ ટકા તૂટ્યા હતા. એમએમટીસીમાં પાંચ ટકાની મંદીની સર્કિટ હતી. ઇન્ડિયન ઑઇલ સવાપાંચ ટકા લપસ્યો છે.

આઇટીસી આગલા દિવસના ચાર ટકાના ધબડકા બાદ નીચામાં ૪૦૯ થઈ સામાન્ય સુધારામાં ૪૧૫ ઉપર બંધ થયો છે. એસ્ટ્રા ઝેનેકાનો ત્રિમાસિક નફો લગભગ અડધો, ૨૦૪૦ લાખ આવતાં શૅર નીચામાં ૫૫૪૪ થઈ ૧૩ ટકા કે ૮૫૭ના ધબડકામાં ૫૭૧૮ થયો છે. અપોલો પાઇપ્સની બોર્ડ મીટિંગ ૧૩મીએ છે એમાં કિસાન મોલ્ડિંગ્સમાં ૧૨૫ કરોડ રૂપિયાનું વ્યૂહાત્મક રોકાણ કરવા વિશે વિચારણા થશે. શૅર ૭૯૮ની ટોચે જઈ ૧૬.૪ ટકા કે ૧૧૦ના ઉછાળે ૭૮૩ બંધ હતો. કિસાન મોલ્ડિંગ્સ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૨ નજીક નવી ઊંચી સપાટીએ ગયો છે. 

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2024 08:22 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK