Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સ-નિફ્ટીમાં વિક્રમી સપાટી સાથે નવા નાણાકીય વર્ષનો શુભારંભ

સેન્સેક્સ-નિફ્ટીમાં વિક્રમી સપાટી સાથે નવા નાણાકીય વર્ષનો શુભારંભ

02 April, 2024 06:52 AM IST | Mumbai
Anil Patel

સેન્સેક્સ ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં ૭૪,૨૫૫ નજીક અને નિફ્ટી ૨૨,૫૩૦ નજીક ઑલટાઇમ હાઈ થયા હતા.

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


જેબી કેમિકલ્સમાંથી પ્રમોટર કેકેઆર એક્ઝિટ લેવાની વેતરણમાં, ટૉરન્ટ ફાર્મા સાથે વાતચીત થઈ રહી હોવાની ચર્ચા : બીએસઈ લિમિટેડનો શૅર ઑલટાઇમ હાઈ થઈને ૭.૭ ટકાની તેજીમાં બંધ, એમસીએક્સની ડબલ સેન્ચુરી : રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ પર નજર, રેટ-સેન્સિટિવ ૪૦ બૅન્કો વધી, હાઉસિંગ ફાઇનૅન્સ અને રિયલ્ટી શૅર જોરમાં : અદાણીના તમામ શૅર મજબૂત, અદાણી પોર્ટ્‍સ તથા અંબુજા સિમેન્ટ્સ નવા શિખરે : મુંબઈના વિલે પાર્લે ખાતેની નમન ઇન-સ્ટોરનું આજે લિસ્ટિંગ થશે, આઇટીમાં સાઇડ શૅર ઝળક્યા

૨૦૨૪-’૨૫ના નવા નાણાકીય વર્ષનો શુભારંભ શૅરબજારે નવી વિક્રમી સપાટી સાથે કર્યો છે. સેન્સેક્સ ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં ૭૪,૨૫૫ નજીક અને નિફ્ટી ૨૨,૫૩૦ નજીક ઑલટાઇમ હાઈ થયા હતા. છેવટે શૅર આંક ૩૬૩ પૉઇન્ટ વધીને ૭૪,૦૧૪ તથા નિફ્ટી ૧૩૫ પૉઇન્ટની આગેકૂચમાં ૨૨,૪૬૨ બંધ આવ્યા છે. બજાર સતત ત્રીજા દિવસે પ્લસમાં બંધ થયું છે. આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહેલા માર્કેટમાં ગઈ કાલે આંતરપ્રવાહ ખાસ્સો મજબૂત જણાયો છે. સેન્સેક્સ-નિફ્ટીના માંડ અડધા ટકાના સુધારા સામે સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ત્રણ ટકા કે ૧૨૮૮ પૉઇન્ટ ઊછળ્યો છે. મિડ કૅપ બેન્ચમાર્ક દોઢ ટકાથી અને બ્રૉડર માર્કેટ એક ટકાથી વધુ પ્લસ હતું. બન્ને બજારના તમામ બેન્ચમાર્ક વધીને બંધ રહ્યા છે. ઑટો ઇન્ડેક્સ ૦.૩ ટકા કરતાં ઓછા ઘટાડા સાથે અપવાદ હતો. માર્કેટ બ્રેડ્થ ખાસ્સી સ્ટ્રૉન્ગ બની છે. એનએસઈ ખાતે ૨૦૫૪ શૅર વધ્યા હતા સામે ઘટેલા શૅરની સંખ્યા ફક્ત ૨૫૧ હતી. ધિરાણનીતિ માથે છે. કંપની પરિણામની સીઝન પણ શરૂ થવાની તૈયારીમાં છે. ચૂંટણીનો માહોલ તો છે જ... સરવાળે બજારની તાકીદની ચાલ વધઘટે સુધારાતરફી રહેશે. 


દરમ્યાન જેબી કેમિકલ્સમાં પ્રમોટર્સ તરીકે ૫૪ ટકા જેવું હોલ્ડિંગ ધરાવતી કેકેઆર એનો સમગ્ર હિસ્સો વેચવા માટે ટૉરન્ટ ફાર્મા સાથે વાતચીત ચલાવી રહી હોવાના અહેવાલ છે. કેકેઆર દ્વારા હિસ્સો ૨૦૨૦માં મોદી પરિવાર પાસેથી ૩૧૦૦ કરોડમાં હસ્તગત કરાયો હતો, જેનું મૂલ્ય હાલના બજારભાવે ૧૩,૮૦૦ કરોડ રૂપિયા થવા જાય છે. ગઈ કાલે કેમિકલ્સનો ભાવ સવાબે ટકા વધીને ૧૬૮૭ રૂપિયા તો ટૉરન્ટ ફાર્મા ત્રણેક ટકા ઊંચકાઈને ૨૬૭૮ રૂપિયા બંધ રહ્યો છે. હેલ્થકૅર ઇન્ડેક્સ પણ ૯૯માંથી ૮૪ શૅરના સથવારે સવા ટકા જેવો પ્લસ હતો. 



તાતા સ્ટીલ નવી ઊંચી સપાટી સાથે બે લાખ કરોડની કંપની 
સેન્સેક્સના ૩૦માંથી ૧૯ અને નિફ્ટીના ૫૦માંથી ૩૧ શૅર વધ્યા છે. જેએસડબ્લ્યુ સ્ટીલ ૪.૮ ટકાની તેજીમાં ૮૭૧ અને તાતા સ્ટીલ ૧૬૪ના બેસ્ટ લેવલે જઈ સાડાચાર ટકાના જમ્પમાં ૧૬૩ બંધ આપી મોખરે હતી. તાતા સ્ટીલ હવે ૨.૦૩ લાખ કરોડની કંપની બની ગઈ છે. અલ્ટ્રાટેક ૨.૪ ટકા, એનટીપીસી ૧.૯ ટકા, લાર્સન ૧.૭ ટકા, વિપ્રો એક ટકા, પાવર ગ્રિડ એક ટકા, ટીસીએસ પોણો ટકો, એચડીએફસી બૅન્ક દોઢ ટકા, ડિવીઝ લૅબ ૩.૬ ટકા, શ્રીરામ ફાઇ. ત્રણ ટકા, કોલ ઇન્ડિયા ૧.૮ ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ દોઢ ટકા, અપોલો હૉસ્પિટલ્સ ૧.૬ ટકા, હિન્દાલ્કો દોઢ ટકા વધ્યા હતા. અદાણી ગ્રુપ ડિમાન્ડમાં હતું. અદાણી પોર્ટ્સ ૧૩૮૧ની વિક્રમી સપાટી નોંધાવી અઢી ટકા વધી ૧૩૭૬ થઈ છે. અદાણી એન્ટર ૧.૮ ટકા, અદાણી પાવર પાંચ ટકાની ઉપલી સર્કિટ મારીને ત્યાં જ, અદાણી એનર્જી ૮.૪ ટકા, અદાણી ગ્રીન ત્રણ ટકા, અદાણી ટોટલ ૪.૮ ટકા, અદાણી વિલ્મર ૫.૯ ટકા, એસીસી ૨.૪ ટકા, એનડીટીવી ૬.૨ ટકા, સાંધી ઇન્ડ. પાંચ ટકા મજબૂત હતી. અંબુજા સિમેન્ટ્સ ૬૨૭ની ટૉપ હાંસલ કરી દોઢ ટકા વધી ૬૨૧ થઈ છે. અદાણી સાથે ઘરોબો ધરાવતી મોનાર્ક નેટવર્થ સાત ટકાના જમ્પમાં ૫૬૭ હતી. ક્વિન્ટ ડિજિટલ નવ ટકા ઊછળીને ૧૧૬ વટાવી ગઈ છે. રિલાયન્સ પ્રારંભિક સુધારામાં ૨૯૮૮ થયા બાદ નહીંવત ઘટીને ૨૯૭૦ નજીક રહી છે. 


સામે પક્ષે સેન્સેક્સ નિફ્ટી ખાતે આઇશર ૧.૮ ટકા, ટાઇટન ૧.૮ ટકા, નેસ્લે ૧.૪ ટકા, લાટિમ ૧.૧ ટકા, બજાજ ઑટો ૧.૨ ટકા, ભારતી ઍરટેલ પોણો ટકો નરમ હતા. બેસ્ટ ઍગ્રોલાઇફ બમણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૫૦ નજીક ગયો છે. આ શૅર પહેલી ઑગસ્ટે ૧૩૭૪ની વિક્રમી સપાટી બાદ ખરડાઈ ૨૮ માર્ચે ૪૫૪ નીચે ઐતિહાસિક તળિયે આવી ગયો હતો. આથી ગઈ કાલનો ઉછાળો ડૅડકેટ બાઉન્સ જેવો ગણાવી શકાય. અદાણીના શૅરોની તેજી સાથે ગુજરાત ઇન્ડ. પાવર ૮.૫ ટકા, ટૉરન્ટ પાવર પાંચ ટકા, વારિ રીન્યુ પાંચ ટકા, કેપીઆઇ ગ્રીન ૫ ટકા, ઓરિએન્ટ ગ્રીન ૫ ટકા, આઇનોક્સ ગ્રીન ૫ ટકા, જેપી પાવર પાંચ ટકા, તાતા પાવર ૩.૨ ટકા, ભેલ ૨.૭ ટકા, એબીબી ૨.૩ ટકા, પીટીસી ઇન્ડિયા ૩.૫ ટકા વધતાં પાવર ઇન્ડેક્સ બે ટકા અને યુટિલિટીઝ બેન્ચમાર્ક અઢી ટકા ઝળહળ્યા હતા. સીજી પાવર ૪.૭ ટકા બગડી ૫૧૪ હતો. 

માથે ધિરાણનીતિ વચ્ચે રેટ સેન્સિટિવ સેક્ટર લાઇમ લાઇટમાં જોવાયા
શુક્રવારે રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ જાહેર થવાની છે. ધારણા તો રેપો રેટ યથાવત રહેવાની છે, પરંતુ એક વર્ગ માને છે કે ચૂંટણી હોવાથી રિઝર્વ બૅન્ક પણ કંઈક નવા-જૂની અવશ્ય કરશે. વ્યાજદરમાં ઘટાડાનું સુખદ આશ્ચર્ય આપશે. ઍની વે, ગઈ કાલે બૅન્કિંગના ૪૧માંથી ૪૦ શૅર વધ્યા છે. એક માત્ર ઇન્ડ્સઇન્ડ બૅન્ક પોણા ટકા જેવી નરમ હતી. બૅન્ક નિફ્ટી ૪૫૪ પૉઇન્ટ કે એક ટકા તો પીએસયુ બૅન્ક નિફ્ટી બારેબાર શૅરના સથવારે દોઢ ટકા પ્લસ થયો છે. પંજાબ સિંઘ બૅન્ક, આઇઓબી, કર્ણાટકા બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક, ઇસફ બૅન્ક, યુકો બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, ડીસીબી બૅન્ક, બંધન બૅન્ક, ઉત્કર્ષ બૅન્ક, ફીનો પેમેન્ટ બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, એયુ બૅન્ક, યસ બૅન્ક જેવી જાતો ચારથી સવાનવ ટકા ઊચકાઈ હતી. એચડીએફસી બૅન્ક દોઢ ટકા વધી ૧૪૭૦ બંધમાં બજારને સર્વાધિક ૧૪૬ પૉઇન્ટ ફળી છે. કોટક બૅન્ક, ઍક્સિસ બૅન્ક, સ્ટેટ બૅન્ક સાધારણથી પોણો ટકો પ્લસ હતા. 


ફાઇનૅન્સ ઇન્ડેક્સ સવા ટકો વધ્યો છે. હાઉસિંગ ફાઇનૅન્સ શૅરો જોરમાં હતા. પીએનબી હાઉસિંગ ફાઇ. ૨૦ ટકા, રેપ્કો હોમ ૧૦.૮ ટકા, એલઆઇસી ફાઇ. ૩.૯ ટકા, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ સાડાછ ટકા, ઍપ્ટસ વૅલ્યુ સવાછ ટકા, આવાસ ફાઇ. ૭.૯ ટકા, સ્ટાર હાઉસિંગ પાંચ ટકા, જીઆઇસી હાઉસિંગ ૫.૫ ટકા, કેનફીન હોમ્સ પાંચેક ટકા મજબૂત હતી. અત્રે ૧૭માંથી ૧૫ શૅર વધીને બંધ હતા. બ્રોકરેજ કંપનીમાં અરિહંત કૅપિટલ ૭.૪ ટકા, દૌલત અલ્ગો ૧૦ ટકા, જીઓજીત ફાઇ. ૮.૭ ટકા, યુગ્રો કૅપિટલ ૭.૭ ટકા, જેએમ ફાઇ. સર્વિસિસ ૭.૨ ટકા ઝળકી હતી. એમસીએક્સ ૬.૭ ટકા કે ૨૨૪ રૂપિયાની તેજીમાં ૩૫૭૩ થઈ છે. બીએસઈ લિમિટેડ ૨૭૨૪ની ઑલટાઇમ હાઈ બનાવી ૭.૭ ટકા કે ૧૯૪ રૂપિયા ઊંચકાઈ ૨૭૧૦ હતી. 

રેટ સેન્સિટિવ અન્ય સેક્ટરમાં રિયલ્ટી ઇન્ડેક્સ ૪.૨ ટકા ઊછળી ૭૪૦૫ની મલ્ટિયર ટોચે બંધ હતો. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧.૭ ટકા કે ૧૦૪૯ પૉઇન્ટની આગેકૂચમાં ૬૧,૯૯૨ની વિક્રમી સપાટીએ બંધ થયો છે. અત્રે પ્રૅસ્ટિજ એસ્ટેટ, શોભા, ડીએલએફ, મહિન્દ્ર લાઇફ, સેફલર ઇન્ડિયા, કલ્પતરુ પ્રોજેક્ટ્સ, એસકેએફ ઇન્ડિયા, ઑબેરૉય રિયલ્ટી, મેક્રોટેક ડેવલપર્સ, રેલવિકાસ નિગમ, ભારત ઇલે., ગોદરેજ પ્રૉપર્ટી જેવી જાતો ત્રણથી આઠેક ટકા જોરમાં હતી. સિમેન્સ, થર્મેક્સ, એબીબી, લાર્સન જેવા ચલણી શૅરમાં નવાં શિખર બન્યાં છે. વેચાણના નીરસ આંકડા પાછળ ઑટો ઇન્ડેક્સ નવી ટોચે ગયા બાદ નહીંવત ઘટીને બંધ રહ્યો છે.

ઇન્ફોસિસમાં ૬૩૨૯ કરોડ રૂપિયાનું ટૅક્સ રીફન્ડ પણ ઝમક લાવી ન શક્યું 
આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૪૮ શૅરના સુધારા વચ્ચે અડધો ટકો કે ૧૬૪ પૉઇન્ટ જેવો સામાન્ય વધ્યો છે. સાઇડ કાઉન્ટર્સ સારાં એવાં લાઇમલાઇટમાં હતાં, પરંતુ ફ્રન્ટલાઇમ પ્રમાણમાં સુસ્ત હતું. ઇન્ફોસિસને ૬૩૨૯ કરોડ રૂપિયાનું તગડું ટૅક્સ રીફન્ડ મળવાના અહેવાલ છતાં શૅર સરેરાશ કરતાં ૩૫ ટકા વૉલ્યુમે નહીંવત ઘટાડે ૧૪૯૬ બંધ આવ્યો છે. મતલબ કે ૧૮ એપ્રિલે જાહેર થનારાં પરિણામ મજેદાર નહીં હોય એવી આશંકા હાવિ થઈ રહી છે. ટોચની આઇટી કંપની ટીસીએસ ૧૨મીએ પરિણામ આપવાની છે. શૅર ગઈ કાલે પોણો ટકો વધી ૩૯૧૫ રહ્યો હતો. એચસીએલ ટેક્નૉ ૦.૯ ટકા વધી ૧૫૫૭ હતો. એનાં રિઝલ્ટ ૨૬ એપ્રિલે છે. વિપ્રો એક ટકો વધ્યો છે. સામે લાટિમ ૧.૧ ટકા અને ટેક મહિન્દ્ર અડધો ટકો ડાઉન હતી. સાઇડ શૅરોમાં ટીવીએસ ઇલેક્ટ્રૉનિક્સ સાડાચૌદ ટકા, ઍક્સિસ કેડસ ૧૩ ટકા, જેનેસિસ ૩.૨ ટકા, મોસ્ચીપ ૬.૩ ટકા, ડેટા મેટિક્સ ૮.૪ ટકા, એક્સચેન્જિંગ સૉલ્યુ ૭.૬ ટકા, વકરાંગી સાત ટકા, હૅપીએસ્ટ માઇન્ડ ૭.૫ ટકા મજબૂત હતી. ન્યુક્લીઅસ સૉફ્ટવેર, નેટવેબ ટેક્નૉલૉજિઝ તથા ૬૩ મૂન્સ પાંચ ટકાની તેજીની સર્કિટે ગયા હતા. ઑરેકલ ૯૦૨૧ની ઑલટાઇમ હાઈ બનાવી અઢી ટકાની આગેકૂચમાં ૮૯૮૫ થયો છે. પરિણામ સુધીમાં ભાવ પાંચ આંકડાનો થવાની ગણતરી છે. પાંચના શૅરની બુકવૅલ્યુ ૮૬૧ રૂપિયા જેવી છે. ૨૧ વર્ષથી બોનસનો દુકાળ છે એ ટૂંકમાં પૂરો થવાની આશા છે. 

સબસિડિયરી ભારતી હેક્સાકોનના ૪૨૭૫ કરોડના ઇશ્યુમાંથી કશો જ રોકડ લાભ ભારતી ઍરટેલને મળવાનો નથી એ વાત પાકી થઈ જતાં ભારતીનો શૅર પોણો ટકો ઘટી ૧૨૧૯ રહ્યો છે. બાકીના ૧૬ ટેલિકૉમ શૅર વધીને બંધ થયા છે. સ્ટરલાઇટ ટેક્નૉ ૧૧.૧ ટકા, ઑન મોબાઇલ ૧૧.૬ ટકા, તેજસ નેટ ૧૧ ટકા, વોડાફોન ૫.૯ ટકા, તાતા ટેલિ ૭ ટકા, એમટીએનએલ પાંચ ટકા, હિમાચલ ફ્યુ. ૭.૨ ટકા, આઇટીઆઇ ૬.૯ ટકા, વિન્દય ટેલિ ૫.૮ ટકા રણક્યા હતા. ઇન્ડ્સ ટાવર તેજીની આગેકૂચમાં ૩૧૯ના બેસ્ટ લેવલે જઈ ૮.૨ ટકા ઊછળી ૩૧૫ હતો. ટેક્નૉ સ્પેસમાં નેટવર્ક-૧૮ પાંચ ટકા, ટીવી-૧૮ પાંચ ટકા, ઝી એન્ટર ૬ ટકા, પીવીઆર ૪.૪ ટકા મજબૂત હતી. 

સારા બજારમાં પણ અમદાવાદી વિશ્વાસ ઍગ્રિમાં લિસ્ટિંગ લૉસ 
નવા સપ્તાહમાં મેઇન બોર્ડ ખાતે એકમાત્ર ભારતી હેક્સાકોનનો ઇશ્યુ ૩ એપ્રિલે ખૂલશે. પાંચના શૅરદીઠ ૫૭૦ની અપર બેન્ડવાળા ૪૨૭૫ કરોડના આ ભરણામાં ગ્રે માર્કેટ ખાતે પ્રીમિયમ સુધરી હાલ ૩૮ આસપાસ બોલાય છે. અમદાવાદી વિશ્વાસ ઍગ્રિ સીડ્સ ૧૦ના શૅરદીઠ ૮૬ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રે માર્કેટમાં ૯ના પ્રીમિયમ સામે ગઈ કાલે ડિસ્કાઉન્ટમાં ૮૫ ખૂલી નીચામાં ૮૧ની અંદર જઈ ૮૪ અંદર બંધ થતાં ૨.૮ ટકા જેવી લિસ્ટિંગ લૉસ મળી છે. મંગળવારે મુંબઈના વિલે પાર્લે-ઈસ્ટની રીટેલ ફર્નિચર અને ફિટિંગ્સ કંપની નમન ઇન-સ્ટોરનું લિસ્ટિંગ છે. ૧૦ના શૅરની ૮૯ની ઇશ્યુ પ્રાઇસ સામે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ હાલ સાધારણ વધી ૫૦ જેવું સંભળાય છે. ઉપરમાં રેટ ૭૦ થયો હતો. બુધવારે કુલ પાંચ કંપનીઓનું લિસ્ટિંગ છે, જેમાં મેઇન બોર્ડની જમ્મુ ખાતેની એસઆરએમ કૉન્ટ્રૅક્ટ્સમાં ૧૦ના શૅરદીઠ ૨૧૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ગ્રે માર્કેટમાં ૨૫થી શરૂ થેયલું પ્રીમિયમ સતત વધતું રહી હાલ ૧૨૫ આસપાસ ટકેલું છે. એસએમઈ સેગમેન્ટમાં ટેક ઇન્ફોસેક તથા રેડિયોવાલા નેટવર્કનાં ભરણાં મંગળવારે બંધ થવાનાં છે. બન્ને ઇશ્યુ અત્યાર સુધીમાં સારી રીતે છલકાઈ ચૂક્યા છે. ટેક ઇન્ફોસેકમાં ૧૦૬ની ઇશ્યુ પ્રાઇસ સામે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ સતત વધતું રહી અત્યારે ૧૨૦ વટાવી ગયું છે. રેડિયોવાલામાં ૭૬ની ઇશ્યુ પ્રાઇસ સામે પ્રીમિયમ ૪૩ના લેવલે ટકેલું છે. સનરાઇઝ એફિશ્યન્ટ માર્કેટિંગ બે શૅરદીઠ એક બોનસમાં બુધવારે એક્સ-બોનસ થવાની છે. શૅર ગઈ કાલે ૯ ગણા કામકાજે સાડાસાત ટકાના જમ્પમાં ૧૦૪ બંધ રહ્યો છે. 

Whatsapp-channel Whatsapp-channel

02 April, 2024 06:52 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK